ઋણાનુંબંધ (૨)
(ગતાંકથી આગળ)
ત્રણ મહિના ધનંજયે મગજનું દહીં કર્યા પછી બધું નક્કી થઇ ગયું.ફિલ્મનું શુટીન્ગ શરૂ થયું અને કેમેરા જ્યારે અમુલખ ઉપર મંડાયો ત્યારે ધનંજયને વિશ્વાસ ન આવ્યો કે અમુલખ આવો ઉત્કૃષ્ટ અભિનય પણ કરી શકે છે. ફિલ્મ જેમ જેમ આગળ વધતી ગઇ અમુલખની સુઝબુઝનો પરિચય ધનંજયને થયો. ફિલ્મમાં પત્નિ,પુત્ર અને પુત્રવધુના પાત્રો ભજવતા કલાકારોનો અભિનય સાહજીક અને પ્રશંસાને પાત્ર હતા.આ દરમ્યાન બધા કલાકારો સાથે અમુલખને કુટુંબના લોકો સમ લાગણી બંધાઇ ગઇ.મરણ પથારીએ પડેલી પત્નિ ‘જશોદાની જીવન માટેનો વલવલાટ અને એને સાંત્વન આપતા જશોદા…બોલ રાધે શ્યામ…બોલ રાધે શ્યામ….જશોદા સંસારનો મોહ છોડ તારા આત્માની સદ્ગતિ કર…બોલ રાધે શ્યામ….’કહી પત્નિના માથે ભીની આંખે હાથ ફેરવતા અમુલખનો અને સાકરનો અભિનય જોઇ ધનંજય આફ્રીન થઇ ગયો.આખર બે વરસની મહેનત પછી ફિલ્મ પુરી થઇ નામ રાખ્યું ‘ઋણાનું બંધ’
અમુલખ અને પુત્ર,પુત્રવધુ અને પત્નિ તરિકે કામ કરતા સહયોગી કલાકારો દ્વારા બનેલી આ ફિલ્મ ધનંજયની કલ્પના બહાર બોક્ષ ઓફિસ હીટ સાબીત થઇ એમાં અમુલખે કવિ કમલકાંત તરિકે લખેલા ગીતોને સંગીતકાર લહેરીકાંતે સુમધૂર ધુનોમાં ઢાળ્યા અને રમોલા અને અમોલ માનકરે બહુ પ્રેમથી ગાયા અને મશહૂર થયા એ વાતનો સિંહ ફાળો હોતા નેસનલ એવોર્ડ મળ્યો.
*****
એક દિવસે સવારનું છાપું વાચતો અમુલખ બેઠો હતો ત્યારે તેનો સગો પુત્ર સંજય અને પુત્ર વધુ અમલા આવ્યા.અમુલખ તો છાપું વાંચવામાં મશગુલ હતો તેના પગને કોઇને સ્પર્શ થયો એમ લાગતા અમુલખું છાપું ખસેડી જોયું તો અમલા એના ચરણ સ્પર્શ કરતી હતી
‘અખંડસૌભાગ્યવતી ભવઃ’ સાંભળી સંજયે પણ ચરણસ્પર્શ કર્યા
‘સુખી રહો ખુશ રહો ’
‘પપ્પા અમને માફ કરો અમે ભટકી ગયા હતા’સંજયે સજળ નયણે કહ્યું
‘ના…ભાઇ ભટકી તો હું ગયો હતો કે વધારે પડતી આશા બાંધી બેઠો’
‘પ્લીઝ પપ્પા એમ ન બોલો અમને માફ કરો’અમલાએ કહ્યું
‘અરે!! યદુરામ મહેમાનોને ચ્હા-પાણી કરાવો’અમુલખે સાદ પાડ્યો
‘પપ્પા હું મહેમાન નથી હું તમારો સંજય…’
‘મારો સંજય….? કોણ સંજય જેને મેં પેટે પાટા બાંધી મારી મરણ મુડી ખરચી ભણાવ્યો પરણાવ્યો…એ સંજય…? જેણે મને ફકીર બનાવી અને પોતાની સગીમા ને છેહ આપ્યો એ સંજય…? મરણ પથારીએ પડેલી માની ભાળ સુધ્ધા ન લેનાર એ સંજય? આજે પુત્ર હોવાનો દાવો કરે છે…એ સંજય? અરે સાકર મારી ચેક બુક લાવજે’
‘પપ્પા પ્લીઝ આવું ન બોલો…’સંજયે અમુલખ પાસે બેસીને તેની ગોઠણ પકડી સજળ આંખે કહ્યું
‘બોલ કેટલા લખી આપુ દશ લાખ…વીસ લાખ…પચાસ લાખ…?’સાકરે લાવેલી ચેક બુક હાથમાં લઇ અમુલખે પુછ્યું
‘પપ્પા હું પૈસા લેવા નથી આવ્યો અમારા લગ્નને આટલા વરસ થઇ ગયા હું નિઃસંતાન છું આપના આશિષ લેવા આવ્યો છું કે મને સંતાન મળે’સંજયે અમુલખને હાથ જોડી ગળે બાઝેલા ડૂમાને માંડ ખાડતા કહ્યું
‘થશે…થશે જરૂર થશે….કુદરતને ત્યાં દેર છે અંધેર નથી તને સંતાન જરૂર થશે અને એ તને અહેસાસ કરાવશે કે પુત્ર વિયોગની વેદના શું હોય છે’એક મોટા નિશ્વાસ સાથે અમુલખે કહ્યું
‘પપ્પા આ કેવા આશિર્વાદ…?’અમલાએ સજળ નયને કહ્યું
‘આ આશિર્વાદ નથી કુદરતનો અફર નિયમ છે ઇસ દે ઉસ હાથ લે તેમાંથી કોઇ બાકત ન રહી શકે’
સંજય અને અમલા એક બીજા સામે જોવા લાગ્યા.યદુરામ ચ્હા નાસ્તો લાવ્યો તેને બંનેમાંથી કોઇએ હાથ ન લગાડયો અને વિલા મોઢે બંને આંખો લુછતા ઘરની બહાર નિકળી ગયા.
‘અમુલખ તેં આ શું કર્યું એક ભુલતો ભગવાન પણ માફ કરે તે તારા સગા સંતાનને માફી ન આપી’સાકરે અમુલખના ખભે હાથ મુકી કહ્યું
‘સાકર હું ભગવાન નથી…. મારા દિકરાએ જે ઘાવ આપ્યા છે એ નાસૂર થઇ ગયા છે અને એમાંથી હજુ પણ રક્ત વહ્યા કરે છે એનો ચચરાટ હું ભુલી શકું એમ નથી’કહેતા અમુલખની આંખ ઉભરાઇ.
*****
આ બનાવ બન્યા પછી બંને મિત્રો અવાર નવાર મળતા.રવિવારની સવારથી ઋણાનુબંધમાં કામ કરનાર કપલ અચુક અમુલખ સાથે દિવસ પસાર કરી મોડી રાતે ઘેર જતું.ઘણી વખત અમુલખના આગ્રહથી રાત રોકાઇ જતા.બે વરસ પછી અમુલખે પોતાના કહેવાતા પુત્ર અને પુત્રવધુને પોતાના સાથે રહેવા આવી જવા કહ્યું અને તેમ થયું.એક દિવસ ધનંજયે નવો પ્લોટ લખવા અમુલખને જણાવ્યું તો અમુલખ હસ્યો.
‘કેમ શું થયું છે હસે છે શાને? આપણે બીજી ફિલ્મ બનાવીશું’
‘ધનંજય ‘ઋણાનુબંધ’ ફરી ફરી નથી લખાતી ને મને ઇચ્છા પણ નથી…બસ જે હતી એ પુરી થઇ ગઇ.’
‘મતલબ….?”
‘સમય આવે મતલબ પણ સમજાવીશ…’કહી અમુલખ હસ્યો.
વર્ષોના વહાણા વાઇ ગયા.મહેશ અને મમતાના જીવન વનમાં એક પુત્ર પ્રબોધ અને પુત્રી ચેતનાના નામના ફૂલ ખિલ્યા.અમુલખનો આખો દિવસ એ બાળકો સાથે આનંદથી પસાર થતો હતો.એક રવિવારની રાત્રે અમુલખે ધનંજયને મળવા બોલાવ્યો.
‘ધનંજય તને બધુ કહી દેવાનો સમય પાકી ગયો છે….’
કહી અમુલખે ઓશિકા તળેથી પોતાનું વીલ બહાર કાઢીને આપતા ઉમેર્યું
‘મેં મારા સગા પુત્રને પેટે પાટા બાંધી એની મરજી મુજબ ભણાવ્યો સારી નોકરી મળી એટલે પરણાવ્યો અને આ બધું કરતાં હું ફકીર થઇ ગયો પણ મન મનાવ્યું કે આગળ જતાં બધું સરભર થઇ જશે.પુત્રવધુને મેં સગી દીકરી માની હતી અને એના પાસેથી જે અપેક્ષા રાખી હતી એ ફળી નહીં અને મને તરછોડી તેઓએ મારા સાથે સબંધ કાપી નાખ્યો.મારી કમનશિબી જો ધનંજય… કે, મારા સુખ દુઃખમાં સાથ આપનાર મારી પ્રીય પત્નિ પુત્ર વિયોગમાં મારી ગેરહાજરીમાં મૃત્યુ પામી.અંતઘડીએ નતો હું એનું માથું ખોળામાં લઇ એને સાંત્વન આપી શક્યો ન તો એના મ્હોંમાં ગંગાજળ મુકી શક્યો કેટલી વેદના સાથે એ મૃત્યુ પામી હશે એ વિચાર આવતા આજે પણ હ્રદય કંપી જાય છે….કહી અમુલખ રડી પડ્યો
‘પ્લીઝ પપ્પા રડો નહીં…’અમુલખની આંખો લુછતા મહેશે કહ્યું
‘આ શું…..અમુલખ તમે ફરી રડવા લાગ્યા…?’ સાકરે અમુલખનો હાથ પકડી કહ્યું તો અમુલખ હસ્યો
‘ધનંજય મારા કિસ્મતને મારા પર દયા આવી અને પ્રોપર્ટી લે-વેંચના ધંધામાં હું ધુમ કમાયો પણ શું કામનું? એક વખત મેં મારી કલ્પનાના જીવન પ્રસંગોનું લિસ્ટ બનાવ્યું જે લંબાતુ જ ગયું અને તેને મઠારીને મેં જે લખ્યું તે આ જીવન સાથી.આ સફળ પુસ્તક બે-ત્રણ વખત વાંચ્યા બાદ મને મારી આ કહેવાતી નવલકથા પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો જેથી હું મારી કલ્પના કરતા વાસ્તવિકતામાં જીવવાનો વધુ આનંદ માણી શકું અને તારા પ્રયત્નથી એ પણ સફળ થયું તેનો આત્મ સંતોષ છે. હવે આ બંગલો મારા આ કહેવાતા પુત્ર મહેશ અને પુત્રવધુ મમતા ને અર્પણ કરૂં છું.મારી પત્નિ તરિકેની ભુમિકા ભજવનાર સાકર તેમના સાથે જ રહેશે.મારી બુકની રોયલ્ટીની રકમ અને બાકીની પ્રોપર્ટીનું વેંચાણ કરી એક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવજે અને એક વૃધ્ધાશ્રમ બનાવજે જયાં મારી જેમ સંતાનોથી તરછોડયેલા શાંતિથી રહી શકે તે આશ્રમ ના ટ્રસ્ટી તરિકે તારે રહેવાનું છે’આ સાંભળી ધનંજયને અમુલખે લખેલ જીવનસાથીનો મર્મ સમજાઇ ગયો.
અમુલખે મહેશ તરફ ફરીને તેનો હાથ પકડી કહ્યું
‘દીકરા…એક વાતનું ખાસ ધ્યાન રાખજે મારા મૃત્યુના સમાચાર જાણી જો સંજય અહીં આવે તો મારા દેહને હાથ લગાડવા પણ નહીં દેતો અને અગ્નિસંસ્કાર પ્રબોધના હાથે કરાવજે તે નહીં થાય તો હું અવગતે જઇશ મારો આત્મા ભટક્યા કરશે’સાંભળી મહેશે અમુલખનો હાથ થપથાવી સહમતિ આપી અને મહેશના હાથમાંથી અમુલખનો હાથ સરી પથારી પર પડયો અને અમુલખની આંખો મીંચાઇ ગઇ એ જોઇ સાકરના મ્હોંમાંથી ચીસ નીકળી ગઇ અમુલખ……પપ્પા….કહી મહેશ અને મમતા અમુલખને વડગી રડી પડ્યા ’(સંપુર્ણ)
Filed under: Stories |
Leave a Reply