ઋણાનું બંધ

stage

 

‘ઋણાનું બંધ’

         મોર્નિન્ગ વોક પછી પાછા આવેલા અમુલખે રોજ સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાતો પોતાનો રૂમ સવારે જે અસ્ત વ્યસ્ત હાલતમાં જોયો હતો તેમ યથાવત જોઇ તેને નવાઇ લાગી.

‘યદુરામ…..’

‘જી આવ્યો સાહેબ…’

‘શું છે આ બધુ…? સાકર ક્યાં છે? બોલાવ એને…’

‘સાહેબ સાકરબેન આજે નથી આવ્યા’દયામણા ચહેરે યદુરામએ કહ્યું

‘સારૂં તું ચ્હા બનાવ હું તપાસ કરૂં છું શું વાત છે’છેલ્લા દશ વરસથી નિયમિત કામ કરનાર ઘરના સભ્ય જેવી સાકર ન આવતા અમુલખને નવાઇ લાગી.

       યદુરામે આપેલી ચ્હા પીને અમુલખ સાકરના ઘેર આવ્યો ત્યાં તાળું મારેલું હતું.પડોશમાં તપાસ કરતા ખબર પડી કે,સાકરનો પતિે વર્ષો પહેલા ઘર છોડી ક્યાં જતો રહ્યો છે.એ જીવતો છે કે મરી ગયો તેવા કશા સમાચાર નથી અને આજે જેને પેટે પાટા બાંધીને પગભર કર્યો એ દીકરાએ આ મકાન ખાલી કરી તે વેંચી માર્યું છે અને સાકરને અનાથાશ્રમમાં મુંકી આવ્યો છે.અમુલખે અનાથાશ્રમમાં તપાસ કરી તો ખબર પડી કે,એ વહેલી સવારે ક્યાંક ચાલી ગઇ છે.નિરાશ અમુલખ અનાથાશ્રમમાંથી બહાર આવ્યો ત્યાં પાછળથી બુમ સંભળાઇ

‘મણિયાર….’

 અમુલખે પાછા વળીને જોયું તો ઘનશ્યામ પરમાર સામેથી આવતો હતો

‘એલા મણિયાર તું શું કરતો હતો આ અનાથાશ્રમમાં…?’

‘અરે યાર મારી હાઉસમેઇડ સાકરને એના દીકરાએ અહીં દાખલ કરી છે એને મળવા આવ્યો હતો પણ એ ક્યાંક જતી રહી છે…’

‘આવી વ્યક્તિઓ આવા સંજોગામાં બહુધા શહેર છોડી જવાનું પસંદ કરે છે એટલે ચાલ સૌથી પહેલા આપણે રેલ્વે સ્ટેશન પર તપાસ કરીએ..’

‘હં…ચાલ ત્યાં જ તપાસ કરીએ….’ કહી બંને અમુલખની કારમાં બેઠા

‘તું કાર પાર્ક કર ત્યાં સુધીમાં હું પ્લેટફોર્મ કઢાવી લઉ….’ કહી ઘનશ્યામ ટીકીટબારી તરફ ગયો.પ્લેટફોર્મ પર બંને મળ્યા અને ત્યાં ઉભેલી ગાડીની પહેલી બોગીથી છેલ્લી બોગીમાં તપાસ કરવા લાગ્યા.ગાડીના છેડે પહોંચ્યા ત્યાં બીજા રેલ્વે ટ્રેક પર એક સ્ત્રીને જતી જોઇ ઘનશ્યામે બુમ મારી

‘મણિયાર જો પેલા ટ્રેક પર જે સ્ત્રી જાય છે એ સાકર તો નથી ને…?’

         સાંભળી અમુલખ ત્યાં દોડ્યો અને તે સાકર જ હતી.તેણે નજીક જઇને જોયું તો એક જીવતી લાશ જેવી એ પોતાના દેહનો ભાર ઉપાડવામાં મુશ્કેલ હોય તેમ લથડતી ચાલે જતી હતી

‘સાકર ક્યાં જાય છે…?’

‘……….’દયામણા ચહેરે આંખમાં આંસુ અને ગળે બાઝેલા ડૂમાથી એ કશું બોલી ન શકી તો અમુલખે કહ્યું

‘ઘેર ચાલ સાકર આપણે ઘેર વાત કરીશું..’ કહી સાકરનો હાથ પકડી એને સ્ટેશનની બહાર લાવ્યો અને ગાડીનો પાછળનો દરવાજો ખોલી ગાડીમાં બેસાડી ઘનશ્યામે પહેલો દરવાજો ખોલી બેઠો અને સૌ અમુલખના બંગલે આવ્યા.સાકરની હાલત જોઇ યદુરામે કોઇ પણ સવાલ કર્યા વગર પાણી લાવ્યો.ત્યાર બાદ ચ્હા મુકી ગયો.સાકરને અમુલખે ચ્હા-પાણી પિવડવતા ત્યારે ત્રુતક શબ્દોમાં બધી વિગતવાર વાત સાંભળીને અમુલખે સાંત્વન આપ્યું અને એ દિવસથી સાકર ત્યાં જ રહી ગઇ વખત જતા તેમના વચ્ચે એક આત્મા જેવી લાગણી બંધાઇ જતા એક બીજાના પુરક સારા સાથી થઇ ગયા.જયાં શરીરનું મહત્વ ન હતું.

*****

     એ દિવસ મધર્સ-ડેનો હતો.અમુલખ પાર્કમાં બેસી ઘનશ્યામના આવવાની રાહ જોઇ રહ્યો હતો ત્યારે પાછળના બાંકડા પર બેઠલા યુગલમાં યુવતીને યુવક ભીની આંખે કહી રહ્યો હતો

‘મમતા આજે મધર્સ-ડે છે પણ નથી તારી મમ્મી કે નથી મારી મમ્મી જેની મમ્મી હશે તેઓ કેવા નશીબદાર કે મધર્ડ-ડેની વિશ કરતા તેમને માના આશિષ મળતા હશે.’

‘એમાં તું કે હું શું કશું કરી શકવા અસમર્થ છીએ મહેશ,પ્લીઝ રડ નહીં ચાલ ઘેર જઇએ’

        થોડી વારે એ જોડલો બાઇક પર બેસીને પોતાના ઘેર જવા રવાનો થયો.અમુલખના મગજમાં શું તરંગ આવ્યો એટલે એ પણ પાર્કમાંથી બહાર આવીને તેમની બાઇક પાછળ પોતાની કારમાં રવાનો થયો.જે બિલ્ડીન્ગમાં તેઓ ગયા એમની પાછળ પાછળ ગયો અને તેમના ઘરનું સરનામું મનમાં નોંધી પાછો પાર્કમાં આવ્યો.સારૂં થયું કે ઘનશ્યામ આવ્યો ન હતો નહીંતર સત્તર સવાલ કરત.

*****

                    સિલ્વર સ્ટોન પ્લાઝાનો ટાઉન હોલ પ્રેક્ષકોથી ખચાખચ ભરેલ હતો.આજે શ્રીઅમુલખ મણિયારની નવલકથા ‘જીવન સાથી’નું વિમોચન થનાર હતું.‘કમલકાંત’ બહુધા તો ‘કાન્ત’ નામે જાણિતા કવિની વાર્તા લેખક તરિકે લખાયેલી આ પહેલી નવલકથાનું વિમોચન થાય એ પહેલાં જ કલમના કલાકાર બુક ડીપોમાં આ બુકની કોપીઓનું બુકિન્ગ ચાલુ હતું અને વિમોચન વિધી પછી વિતરણ થનાર હતું.બુકની વિમોચન વિધી શહેરના જાણિતા સાક્ષરશ્રી મનોજ કોઠારીના વરદ હસ્તે થનાર હતી એ પછી અમુલખ મણિયારનું સન્માન થનાર હતું.બધી વિધી સુપેરે પાર પડયા બાદ ઉદ્‍ઘોષકે અમુલખને પોતાની આ બુક વિષે બે શબ્દો કહેવાની વિનંતિ કરી.

‘આમંત્રિત મહેમાનો, ભાઇઓ અને બહેનો….

આ મારું અહોભાગ્ય ઘણાય કે શ્રી કોઠારી સાહેબના વરદ્‍ હસ્તે મારી આ પહેલી નવલકથાની વિમોચન વિધી થઇ એ બદલ હું તેમનો ખાસ આભારી છું.કલમના કલાકાર સંસ્થાના સંચાલક શ્રી ઘનશ્યામભાઇ પરમાર જે મારા અંતરંગ મિત્ર છે.કેટલા લાંબા સમયથી લખાતી મારી આ નવલકથાની રફ કોપી તેમની ઉત્સુકતા ખાતર મેં સાહજીક વાંચવા આપેલ પણ તેઓ તેને પ્રકાશિત કરવાનું નક્કી કરશે અને પ્રકાશન પહેલા જ એની આટલી બધી પબ્લિસીટી તેઓ કરશે એ વાતની કલ્પના પણ મને નહોતી એ બદ્લ હું તેમનો સદા ઋણી રહીશ.મારી નવલકથા વિષે હું કશું પણ કહેવા અસમર્થ છું તે બદલ મને ક્ષમા કરશો….આભાર.’

                           વિમોચન વિધી થયા પછી અલ્પાહારનો કાર્યક્રમ હતો.એક ટેબલ ફરતા અમુલખ, શ્રી ઘનશ્યામભાઇ પરમાર, શ્રી મનોજ કોઠારી અને બીજા ત્રણ ચાર મિત્રો બેઠા હતા અચાનક અમુલખની પીઠમાં ધબ્બો પડ્યો

‘સાલા કમલા….. તેં આખી બુક ઘસડી મારી અને મને કહ્યું પણ નહીં?’એક ખાલી ખુરશીમાં બેસતા ધનંજય બ્રહ્મભટ્ટે કહ્યું

‘તારો પત્તો જ ક્યાં છે…? તું તો બોલીવુડ છોડીને હોલીવુડ ગયેલોને…? અચાનક પાછું બોલીવુડ યાદ આવ્યું કે શું…?’કહી અમુલખે બધાની ઓળખાણ કરાવી તો બધાનો સુર એક જ હતો બ્રહ્મભટ્ટનું નામ તો ઘણું સાંભળ્યું છે પણ આજે અમુલખના લીધે રૂબરૂ મળવાનો મોકો મળ્યો.ત્યાર બાદ અહીં ત્યાંની ઘણી વાતો થઇ ખાસ તો બ્રહ્મભટ્ટની બનાવેલી ફિલ્મો વિષે અને મોડી રાતે સૌ વિખરાયા.

            અમુલખ ઘેર આવીને યદુરામને એક સરસ આદુવાળી ચ્હા બનાવી લાવવા કહી પોતાના રૂમમાં ગયો.ચ્હાનો કપ આપતા યદુરામે પુછ્યું

‘ભાઇ…કશું બનાવું જમવા માટે…કે ત્યાં જમ્યા છો?’

‘ના રે એ અલ્પાહારમાં બધું બહુજ સ્પાઇસી હતું તું એમ કર ઓલી ઉપમા બનાવ’

               છપાયેલી બુકને સારો પ્રતિસાદ મળ્યો અને બીજી આવૃતિ પણ છપાઇ.બુક છપાઇ ત્યારથી દરરોજ ટપાલમાં અભિનંદનના અનેક સંદેશ આવતા રહ્યા.રાતોરાત કવિ કમલકાંતની ગણત્રી સારા લેખક તરિકે સ્થાપિત થઇ ગઇ.એક દિવસ સવારના છાપાના પાના ઉથલાવતા ધનંજય બ્રહ્મભટ્ટની નવી રજુ થનાર ફિલ્મની જાહેરાત વાંચી અમુલખના મગજમાં એકાએક ઝબકારો થયો હોય તેમ તેણે ટેબલના ખાનામાંથી ધનંજયના નંબર શોધી કાઢયા અને ફોન કરી પોતાને મળવા આવવા કહ્યું.અર્ધા કલાક પછી ધનંજય આવ્યો બંને સાથે બેસી ચ્હા-નાસ્તો કર્યો અને ધનંજય અહીં જમશે એમ અમુલખે યદુરામને જણાવ્યું.

‘હાં બોલ એવું તે ખાસ શું કામ હતું કે હું પથારીમાંથી માંડ બેઠો થયો હતો ને તારો ફોન આવ્યો?’

‘તું જો સહકાર આપે તો હું એક ફિલ્મ બનાવવા માંગુ છું’

‘વાઉ…તું ને ફિલ્મ….?’

‘જો મજાકમાં નહીં ઉડાવ હું આ બાબત ખુબ સિરિયસ છું’જરા ચિડાઇને અમુલખે કહ્યું

‘ઓકે…ઓકે…આ મજાક નથી કરતો પણ ભાઇ મારા ફિલ્મ માટે પ્લોટ જોઇએ વાર્તાને અનુરૂપ કલાકાર બાબત વિચારવું પડે સ્કીન પ્લે રાઇટર,ડાયલોગ રાઇટર,ગીતકાર,મ્યુઝિક ડાયરેક્ટર એવા સતર જાતના ટેકનિશિયન,પ્લોટને સુસંગત લોકેશન,ઇન્ડોર સુટીંગ માટે ક્યો સ્ટુડિયો સુસંગત થશે એવું ઘણું બધું વિચારવું અને નક્કી કરવું પડે એમ તો નથી કે કહીયે ‘ઉઠ પાણા પડ પગ પર’ને થઇ જાય…કે જાદુની છડી ફેરવીએ અને બધુ થઇ જાય’

‘વાર્તાના પ્લોટ માટે મારી હમણાં પબ્લિશ થયેલ આ નવલકથા વાંચી જજે પણ ટૂંકમાં તને મેઇન પોઇન્ટ તારી જાણ ખાતર કહું છું’કહી પોતાની બુક ‘જીવન સાથી’ની નકલ આપી અમુલખ પોતાની નવલકથાનો સારાંશ બોલતો રહ્યો અને ધનંજય એક ચિત્તે સાંભળતો રહ્યો.વાર્તા પુરી થતાં કહ્યું

‘પ્લોટમાં તો દમ છે’ધનંજયે સિગારેટ સળગાવતા કહ્યું

‘બીજી વાત ફિલ્મમાંના બુજુર્ગનો રોલ હું કરીશ અને અન્ય કલાકરોમાં મારી પત્નિનો રોલ સાકર કરશે અને પુત્ર અને પુત્રવધુનો રોલ મહેશ અને મમતા કરશે જેનો પરિચય હું તને સ્પોટ પર કરાવિશ.અને હાં… એક વાત ખાસ તે તારા ડાયરેકટરને પહેલાથી જણાવી દેજે કે,સુટ થયેલ ફિલ્મ જોતાં મને જયાં દ્રષ્ય અનુકુળ નહી લાગે તે તેણે મારા કહ્યા મુજબ ફરી રી-સુટ કરવું પડશે.’

‘બીજું કશું તારા મગજમાં હોય તો બોલી નાખ…’

‘ના આ ખાસ બે વાતો મારા મગજમાં હતી બીજુ કશું હશે તો તને વખત આવે જણાવીશ અને હા પૈસાની ફિકર નહીં કરતો’(ક્રમશ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: