‘કાનો પિતાંબર વાળો’
(રાગઃ ધન્ય સોરઠની ધરણી ને વીરપુરની કરણી)
રૂડું ગોકળિયું ગામ જેનું ગોકુળછે નામ
જયાં કાનો પિતાંબર વાળો
જેના રાજા છે નંદ સદા ઉડે આનંદ ….જયાં કાનો
ઘેર ઘેર ઘમ્મર વલોણાઓ થાય છે;
માખણ ને મીસરીની માટલી ભરાય છે,
શોધે ગોપી કરી સોર ક્યાં છે માખણનો ચોર…. જયાં કાનો
મહિયારી મહિ લઇ વેંચવાને જાય છે,
મારગ રોકીને બેઠો કાનો દેખાય છે;
અહીં મારી છે આણ કહી માંગે છે દાણ …જયાં કાનો
દાણ જે ન આપે તેની માટી ફૂટે છે.
બબ્બે હાથેથી કાનો માખણ લુટે છે;
પાડી જશોદાને સાદ ગોપી કરતી ફરિયાદ…. જયાં કાનો
તારો છકેલ છૈયો નિત નિત સતાવે.
માખણ ચોરી ને મને જીભડો બતાવે;
તારા ખોટા છે વ્હાલ થયો નટખટ નંદલાલ…. જયાં કાનો
જળ ભરીને આવતી પનિહારી ચોકે,
પાણી પિવડાવ મને એમ કહી રોકે;
ખોબે પાણી ઠલવાય તે ધરા પર રેલાય…. જયાં કાનો
કદમ કેરી ડાળે કાનો બેઠો દેખાય છે,
મળવા પ્રભુને રાધા દોડી દોડી જાય છે;
રાધા મીઠું શરમાય કાનો એ પર મોહાય…. જયાં કાનો
૨૨-૦૨-૨૦૧૪
Filed under: Poem |
Reblogged this on oshriradhekrishnabole.