“અપવાસ”
ચિત્રા ટૉકિઝનો પહેલો શો પુરો થવાની ઘંટી વાગી તો થિયેટરમાં પથરાયેલ માનવમહેરામણમાં જાણે પૂર આવ્યું હોય તેમ બધા બારણા તરફ ધસારો કરવા લાગ્યા અને જરાવારમાં તો સૂકી ભઠ નદી જેવું થિયેટર ખાલી થઈ ગયું.
થોડીવારમાં ક્યાંક કાર ચાલુ થવાના તો ક્યાંક બાઇક ચાલુ થવાના વિવિધ અવાઝ વચ્ચે એ…રિક્ષા એવી બુમો સંભળાવા લાગી.રીક્ષા સ્ટેન્ડમાંથી એક એક કરીને મંકોડાની હારની જેમ બધી રીક્ષાઓ વહેતી થઈ. તેમાં એક લીમડાના ઝાડ હેઠળ કોઇ અલગારી અને બેફિકર રીક્ષા વાળો એવા અંદાઝમાં કે, કોઇને ગરજ હશે તો પોતાની મેળે અહીં આવશે તેમ જાણે સમાધી લગાવીને બેઠો હતો અને ખરેખર સવાલ થયો
“રીક્ષા ખાલી હૈ ક્યા?”
“હાં…કહાં જાના હૈ મેમસાબ?”સમાધીમાંથી જાગીને તેણે પુછ્યું
“હાઉસિન્ગ કોલોની”
“કિતી સવારી”
“દો”
“આઠ આના પૈસા… … … “
રીક્ષા વાળો કશું આગળ બોલે તે પહેલા એક યુવાન અને પુછનાર યુવતીએ રીક્ષામાં બેસતાં કહ્યું
“ચલો”
મશીનરીના બગાડને લીધે અને અપુરતી વિજળી સપ્લાયના લીધે સરકારે શહેરના ચાર ભાગ કર્યા હતા જેમાં દરેકમાં આઠ કલાકનો વીજ કાપ ચાલતો હતો.શહેરના રસ્તાના થાંભલા પણ શોભાના ગાઠિયા જેવા હતાં એટલે અમુક પર લાઇટ ચાલુ રહેતી બાકી ઘોર અંધારૂં. થિયેટર પણ પોતાના વસાવેલા જનરેટર પર ચાલતા હતા.
“કઉઉઉ…..હાઉસિન્ગ કોલોની તરફ જતી એ રીક્ષાની હડફેટમાં રસ્તા વચ્ચે સુતેલો એક કુતરો આવી ગયો તેને રીક્ષાવાળાએ એક ગંદી ગાળ ભાંડી અને ત્યાર બાદ તેનો બકવાસ શરૂ થયો.
“સાલા અનાજ કંટ્રોલમેં…,સક્કર કંટ્રોલમેં…,ગુળ-તેલ કંટ્રોલમેં…સબ કુછ કંટ્રોલમેં અબ..બાકી રહી બિજલી કંટ્રોલમેં….. સાલે બોલતે હૈ બર્થ કંટ્રોલ કરો લુપ લગાવ,સાલે ખુદ અપની હાફિસકો કુલુપ(તાળો) ક્યોં નહીં લગાતે….આદમી મરે યા…બાજુ…બાજુ…બાજુ…બાજુ હોના ભાઇજાન અને થોડીવાર શાંત રહેલો રિક્ષાવાળો સિસોટી વગાડતા ગાતો હતો હમ હૈ રાહી પ્યારકે હમસે……થોડીવારમાં હાઉસિન્ગ કોલોની આવી ગઇ અને અનુજના હાથમાં રમતી આઠઆની રીક્ષાવાળાના ખીસામાં સરી ગઇ વળાંક વળતી રીક્ષાની છત્રી પકડી અનુજે કહ્યું “ગુડ નાઇટ મીના…”
“તે શું તું અહીંથી જ પાછો જાય છે?”
“નહીતર બીજુ શું કાલે હું કચ્છ જાઉ છું સામાન પેક કરવાનું બાકી છે અને તારા ઘરમાં પણ કોઇ નથી શું સમજી?”
“હજી તો સાડા નવ જ થયા છે સાડા દશે જજે તને કોણ રોકે છે”
“માફ કરના બાબુ અબ હમ આપકે સાથ નહીં જા પાયેગેં”રીક્ષાની છત્રી મુકતા અનુજે કહ્યું
“અચ્છા સાબ”સલામ ભરીને રીક્ષા વાળો જતો રહ્યો અને અનુજ મીનાની પાછળ પાછળ ઘરના દરવાજા પાસે આવી ઊભો રહ્યો.પેન લાઇટના અજવાળે મીનાએ તાળુ ઉઘાડ્યું અને બારણાની બાજુના સ્ટેન્ડ પર મુકેલ લાઇટરને મીણબત્તી લઈને સળગાવી અને કમળાના દર્દી જેવું પીળુ અજવાળું થતાં અનુજનો ચહેરો જોયો.
“કેમ મુડ આઉટ છે? માથું દુખે છે?”
“ના આજે આપણે જોઇ આવ્યા એ મુવીનો વિચાર કરતો હતો કેટલી નગ્નતા દર્શાવી હતી સાલુ આપણા દેશમાં સેન્સર બોર્ડ જેવું કંઇ છે કે નહીં?” મોઢું કટાણું કરતા અનુજે કહ્યું
“મેં તો તને પહેલાથી જ કહ્યું હતું કે લોરેલ-હાર્ડીનું પિકચર કાલે છે પણ માને કોણ એક વખત થિયેટર પર ગયા એટલે ત્યાંથી એમ જ પાછું ન આવવું એ જ તારૂં દુઃખ છે,ચાલ જે થયું તે હું તારા માટે કોફી બનાવી લાવું” કહી મીના મ્હોં મચકોડતી આંખોથી તેનો ઉપહાસ કરતી બીજી મીણબત્તી સળગાવી કિચનમાં ગઇ.
“ભલે” બસ બે જ અક્ષર અનુજના મ્હોંમાંથી સર્યા.તેને કોણ જાણે કેમ પણ એમ લાગતું હતું જાણે કે આ મીના નહી આજે જ જોયેલ મુવીની હિરોઇન બોલી રહી હતી.તે ભફ કરતોક સોફામાં બેસી પડ્યો.
નવરા માનવ મનનો સ્વભાવ છે કે સ્થીર ન રહેવું એટલે મીણબત્તીના પીળા અજવાળામાં આમતેમ જોવા લાગ્યો અને વિચારતો હતો કે મીનાએ આમ કદી કર્યું નથી ને આજે કેમ….? એકાએક તેની નજર કબાટના દરવાજામાં જડેલા આદમકદ આયના પર પડી.સોફામાંથી ઊભા થઇને તે આયના સામે ઊભો રહી તે સ્વયંને જોવા લાગ્યો.પેલો ફિલ્મનો હીરો આમ જ ઊભો હતો અને આમ જ ચાલતો હતો વિચારી બે ડગલા પાછળ હટ્યો ત્યાં તેની નઝર મીનાના પડછાયા પર પડી અને ખસિયાણો પડી ડાહ્યો ડમરો થઇ પાછો સોફા પર બેસી ગયો તો મીનાએ સોફા બાજુની ટિપોય પર કોફીની ટ્રે મુકતા પુછ્યું
“કેમ! ફિલ્મ લાઇનમાં જવાનો વિચાર છે કે શું?”
“અરે…ના…રે….ના….એવું કંઇ નથી”અનુજ પોતે આજે જોયેલી ફિલ્મના હિરો હિરોઇન સાથે બન્નેની સરખામણી કરતો હતો એ વાતનો અણસાર મીનાને આવી ગયો છે એવું લાગતા વાત છુપાવવા કહ્યું
“અચ્છા……..” કદાચ વધુ વાત કરૂં તો અનુજ ગુસ્સો તો ન કરે પણ મન દુભાય એવા ભયથી એટલું બોલી મીના કોફી બનાવવા લાગી.પેલી ફિલ્મની હિરોઇન હિરો માટે આમ જ કોફી બનાવતી હતી એવા વિચારે અનુજ ચડી ગયો અને મીનાને જોતો જ રહ્યો.કોફીમાં ખાંડ ઉમેરતા મીનાનું ધ્યાન ગયું
“કેમ અનુજ આમ ધારી ધારીને એકી ટસે શું જોયા કરે છે કશું અવનવું લાગે છે મારામાં કે શું?”
“ના….અરે! તું પણ સીટી સમાચાર મંગાવે છે?”વાત બદલતા બાજુ પડેલું છાપું હાથમાં લીધું
“હા….એમાં આવતાં સૌથી મોટા ક્રોસ વર્ડસ ભરવાની મને બહુ મજા આવે છે,આજનું મેં લગભગ પુરૂં કરી નાખ્યું છે કદાચ બે ચાર ખાના બાકી હશે”કહી મીનાએ કોફીનો મગ અનુજને આપ્યો.અનુજે કોફીનો મગ ટીપોય પર મુકી પાના ફેરવવા લાગ્યો પછી ચપટી વગાડી કહ્યું
“એ બાકીના હું હમણાં પુરા કરી દઉ”કહી ક્રોસવર્ડસવાળું પાનું કાઢ્યું અને ટીપોય પર રાખી ક્યા ખાના બાકી છે એ જોવા માથું નમાવ્યું ત્યાં વાળ બળતાં ચચરાટ અને વાળ બળ્યાની વાસ આવી એટલે
“હં…હં…હં… માથું છેટું રાખ”કહી મીનાએ ખાડીથી પકડી અનુજનું માથું ઉચું કર્યું તો તેણીની સાડીનો પાલવ સર્યો એ સમયસર અનુજે પકડ્યું ન હોત તો મીણબત્તીની જ્યોત તેણીના પાલવને લાગી ગઈ હોત અને મોટી જાનહાની થઇ ગઈ હોત.અનુજે સાડીનો પાલવ બળતા બચાવ્યો એ મીનાના ખ્યાલમાં આવી ગયું અને બીજી પળે તેણીને મહેરાની પત્ની વીણા યાદ આવી ગઇ.
તે દિવસે પણ આજની જેમ લાઇટ ન્હોતી.વીણા થાકીને આવેલા મહેરાને રજાઇ ઓઢાળવા આવી હતી,પાછા વળતાં સાડીનો સરેલો છેડો સરખો કરવા જતાં મીણબત્તીની જ્યોતને અડી ગયું અને તેણી કંઇ સમજે તે પહેલાં તો વનમાં દાવાનળ ફેલાય તેમ બધા કપડામાં આગ ફેલાઇ ગઇ અને બિચારી જરાવારમાં બળીને કાળી મેસ થઈ ગઈ.મહેરાએ કરેલ બુમાબુમથી લોકો એકઠા થઇ ગયા અને એમ્બ્યુલેન્સ આવી ગઈ પણ હોસ્પિટલ તેણી પહોંચે તે પહેલાં જ મહેરાના હાથમાંથી તેનું પ્રાણપંખેરૂં ઉડી ગયું.એ દ્રશ્ય વિડિયો ક્લિપ જેમ યાદ આવતાં મીના બેહોશ થઇ ગઇ.
અનુજે તેણીને ઉચકીને પલંગ ઉપર સુવડાવી અને રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરી આવ્યો.મીણબત્તી પલંગની સાઈડ ટેબલ ઉપર મુકી મીનાના ચહેરા પર પાણીની છાંટ મારી. મીનાએ આંખ ખોલી જોયું અને એકદમ….
“અનુજ….મને મુકીને ન જતો મને બહુ જ બીક લાગે છે”કહી અનુજને એકદમ બાઝી પડી
અણધાર્યુ આમ થતાં અનુજના હાથમાંથી પાણીનો ગ્લાસ છટકી ગયો અને સમતુલન ગુમાવતાં ટીપોયને ધક્કો લાગ્યો એટલે મીણબત્તી જમીન પર પડતાં ઓલવાઇ ગઇ.યુવાન લોહી,અંધારૂં અને એકાંત ભેગા ભળ્યા અને અણધાર્યુ બની ગયું ઓચિંતી લાઇટ આવી ત્યારે બન્ને ચમક્યા.
મીના હજી અંધારામાં બનેલ બનાવના ઘેનમાં જ હતી.અનુજ આજ દિવસ સુધી સ્ત્રી સન્માનની મોટી મોટી વાતો કરનાર અને નારી તું નારાયણીના મોટા સાદે સુત્રો પોકારીને સભાઓ ગજવતો હતો તે પોતે જ પોતાની નઝરમાંથી ઉતરી વામણો સાબિત થયો.
મીણબત્તી ઓલવાઇ એ પહેલાની અને ઓલવાઇ એ પછીની મીનામાં તેને ફર્ક લાગ્યો.ક્યાં એ મૃગલી સમ ઉછળતી પોતાની મસ્તીમાં રાચતી મીના અને ક્યાં અત્યારે લાચાર સમ ભાસતી મીના.એ જ મીના જેના સામે આંખ ઊચી કરી જોવાની કોઇ હિંમત ન કરે એવી જાજરમાન યુવતી તેણી જ અત્યારે સામે જોતાં શરમથી આંખો ઢાળી દે છે.તે ચુપચાપ બાથરૂમમાં ગયો મીના તેના વિષે શું ધારતી હશે?આટલા વરસની તપશ્ચર્યા પર પાણી ફરી વળ્યું કહેવાય.
એ ક્ષણિક આવેશમાં મારા પોતાના બધા સિધ્ધાંતો ઠગારા થઈ ગયા એવી વિચારમાળાના મોતી પરોવતો કશું પણ બોલ્યા વગર તે મીનાના ઘરમાંથી બહાર નીકળી ગયો એમ કહો કે લગભગ ભાગી છુટ્યો.તેને ભોંય ભારી થઇ ગઇ પોતાને જ લાગતા પોતાના જ ધિક્કારથી.તે રોડ પર આવ્યો ત્યારે ટાવર પાસેથી પસાર થતાં તેમાં બારના ટકોરા થયા તેની નજર ટાવરના ડાયલ પર પડી ત્યારે તેના બન્ને ભેગા મળેલા કાંટા જાણે તેને કહેતા હોય
“ચુપ કર તારા સિધ્ધાંતોના.તારા પ્રચારના,તારી જ મહાન માણસાઈના બાર વાગી ગયા બચ્ચા”
અનુજ ઘેર આવ્યો ત્યારે બારણાં પાસે જ પડેલ ટપાલ મળી.પપ્પાએ લખ્યું હતું તારે કચ્છ આવવાની જરૂર નથી તું ત્યાંથી સીધો મુંબઈ જજે.તારા કાકાની તબિયત સારી રહેતી નથી એટલે તેમનો કાંચનો કારખાનો સંભાળવાનો છે.અનુજે નિરાંતનો શ્વાસ લીધો.આ પણ સારૂં જ થયું હવે મીના સાથે આંખ મેળવવાની હિંમત નથી.બધા પોથી માંહ્યલા રીંગણા આપણા બધા સિધ્ધાંતોની તો ઐસી તૈસી થઈ ગઇ એટલે મુંબઇ જવું સારૂં.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply