કાળુ કલંક
શિવાંગીને કોલેજમાં વેકેશન પડી ગયું એની ખુશાલી મનાવવા સખી વૃંદ ભેગી મળી હતી.ખાણી પીણી દરમ્યાન ક્યાંક ફરવા જવાનો વિચાર ચાલતો હતો તો શિવાંગીએ સજેશન કર્યું કે,ચાલો આ વખતે મારા ગામ ધરમપુર જઇએ ત્યાં ગામડાની ખુલ્લી હવા અને સિઝનમાં પાકતા ઠાકોરની વાડીના તાજા ફળો ખાવાનો આનંદ અનેરો હશે અને નક્કી થયા મુજબ સૌ ધરમપુર જવા રવાના થયા.
ધરમપુરમાં શિવાંગીના વિધુર પપ્પા કપુરચંદ ધરમપુર ઠાકોરના કારભારી હતા તેના બંગલા પાસે ગાડી ઊભી રહી તો સૌથી પહેલા શિવાંગી ‘પપ્પા…પપ્પા કરતી ઘરમાં દાખલ થઇ તો સામે ઘરનો નોકર શિવરાજ દોડતો બહાર આવ્યો
‘અરે…શિવુ બેટા તું……સાહેબ તો ઓફિસના કામે દામનગર ગયા છે….ચાલ તારો રૂમ મેં બે દિવસ પહેલા જ સાફ કરાવ્યો છે અને મહેમાનના રૂમ પણ સાફ કરાવેલા છે ચાલો…’કહી શિવરાજ ચાવીનો ઝુડો લઇ આગળ ચાલ્યો.બધાએ પોતાના સામાન ગોઠવી ફ્રેશ થઇ ચ્હા નાસ્તો કર્યો અને ફરવા નિકળ્યા.જયારે ઠાકોર સાહેબની વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં આવતો કુવો નજીક આવતા એકાએક દુર્ગંધ આવવા લાગી. સૌએ પોતાની પર્સમાંથી હેન્કી કાઢી નાક આગળ દાબી સખી વૃંદમાંથી મંદિરાએ પુછ્યું
‘શિવાંગી આ દુર્ગંધ……’
‘ઓલ્યા હાવડ કુવામાંથી આવતી લાગે છે.અસલમાં તો એક વખત દુષ્કાળમાં હમણાના ઠાકોરના બાપુજીએ આ કુવો ખોદાવેલો અને આ કુવામાંથી ગામ આખું પાણી ભરતું પણ એક વખત લડતા બે આખલા આ કુવામાં પડીને મરી ગયા ત્યારથી દુષિત થયેલું પાણી કોઇ પીતું નથી.હવે બધા ઠાકોરની વાડીના કુવામાંથી પાણી ભરે છે. કદાચ કોઇ જાનવર પડીને મરી ગયું હશે તમે બધી અહીંજ રહો હું જઇને જોઇ આવું’
શિવાંગીએ તેમને ત્યાં જ ઊભા રાખી પોતાની પર્સમાં રાખેલ હેન્કી પર પર્ફ્યુમ છાંટી નાક પાસે રાખી ને કુવા તરફ આગળ વધી અને કુવામાં લટકતી ત્રણ લાશ જોઇ ‘હાય રામ…..’કરતા બેબાકળી ત્યાં જ ફસળાઇ પડી બેહોશ થઇ ગઇ. તરત જ બધી સહેલીઓ ત્યાં દોડી અને કુવા અંદરનું દ્રષ્ય જોઇ હેબતાઇ ગઇ.બે સખીઓ મંદીરા અને વિશાખાએ શિવાંગીને ઉપાડીને રસ્તા પરના વડના ઓટલા પર સુવાડી અને આમ તેમ જોવા લાગી ત્યાં પાણી ભરી આવતી એક પનિહારીને ઊભી રાખી પાણી માંગી શિવાંગીના ચહેરા પર છાંટયું. શિવાંગીને જરા ભાન આવતા પનિહારીએ પુછ્યું
‘હું થયું….તું તો ઓલ્યા કપુરીયાની છોડીને…?’
‘હા…માસી ઓલા કુવામાં ત્રણ લાશ લટકે છે એ જોઇ ગભરાઇને હું બેભાન થઇ ગયેલી…’શિવાંગી એ કુવા તરફ ઇશારો કરી કહ્યું
‘હેં શું વાત કરો છો….’બેડું ઓટલા પર મુકીને પેલી પનિહારી કુવા તરફ ગઇ અને કુવામાં જોઇ તરત પાછી ફરીને કહ્યું ‘આ તો ઓલ્યા જેસંગની ઘરવાળી સોમી અને એની બે છોરાઓ છે’
‘તું ઓળખે છે….’શિવાંગીએ પુછ્યું
‘લે નહીં તારે શું હું કંઇ ગાંડી નથી થઇ ગઇ,અમસ્થા એમના નામ લેતી હોઇશ?’
‘ચાલો પોલીસને જાણ કરીએ…’કહી આખું ટોળું ઉપડયું પોલીસ ચોકીમાં
‘હાં બોલો શું કામ હતું…?’સામે બેઠેલા દિલાવરસિંહે પુછ્યું
‘ગામના છેવાડે પેલા કુવામાં ત્રણ લાશ લટકે છે….’
‘શું વાત કરો છો…?’કહેતા દિલાવરસિંહ ઊભો થઇ ગયો તો સ્ટાફ સાબદો થઇ ગયો.
‘અમને રસ્તે મળેલી પનિહારીએ કહ્યું કે,એ લાશ જેસંગની ઘરવાળી સોમી અને એના બે છોરાઓ છે’
સૌ કુવા પર આવ્યા અને લાશો બહાર કાઢીને પંચનામું કરવામાં આવ્યું અને સાક્ષી તરિકે શિવાંગી અને તેની સહેલી મંદિરાએ સહી કરી.પોલીસચોકી પર આવીને હેડક્વાટર પર જાણ કરવામાં આવી અને પોર્ટમોર્ટમ માટે દામનગરથી એમ્બ્યુલન્સ મંગાવામાં આવી એ આવે તે પહેલા તો ગામમાં હો હા થઇ ગઇ અને લાશો જોવા લોકો ભેગા થયા.
‘આ જેસંગ પાછો થયો તેને બે મહિના પણ નથી થયા ને……’
‘બિચારી કરે પણ શું ખેતર ખેડવા ઇ બાઇ માણહનું કામ નહી તોય…..’
‘જરૂર કંઇક અજુગતું બન્યું હોવું જોઇએ એના હારે….’
‘હા…લાગે છે તો એવું જ નહીંતર આમ આયખું બે છોરા સાથે કોણ ટુંકાવે…’
‘પણ એમાં છોરાઓ…..’
‘જરૂર કોઇ માથા ભારેનો ભો હશે’
‘હા…હા લાગે તો એવું જ છે’
શિવાંગી અને તેની સહેલીઓ એ જ સાંજે હોસ્ટેલમાં પાછી જતી રહી.લાસો દામનગરથી પાછી આવી આડોશ પાડોશના ભેગા મળીને અગ્નિસંસ્કાર કર્યા.વાત પર સમયની ધુળ ચઢતા વિસરાઇ ગઇ.
એક દિવસ કપુરચંદનો મદદનીશ તલકસી ઓફિસનું કામ કરતો હતો ત્યારે હાંફળી ફાંફળી તેની જુવાન દીકરી કમળા આવીને કહ્યું
‘પપ્પા ઘેર ચાલો મમ્મીની તબિયત બગડી છે એને સખત શ્વાસ….’
સાંભળી તલકસી હાથનું કામ પડતું મુકી ઊભો થઇ ગયો ત્યારે ડેક્સ પર મુકેલા ચોપડામાંથી ઊંચુ જોતા ‘તલકસી તારી છોડીએ તો સારૂં કાઠું કાઢ્યું છે’કહેતા કપુરચંદની વાસનાભૂખી આંખો કમળાના અંગ પર ફરતી જોઇ એના બધા કારસ્તાન જાણતો તલકસી હબકી ગયો અને કમળાનું બાવડું પકડી બહાર નીકળી ગયો.રસ્તામાં કમળાને તતળાવી ‘તારે અહીં આવવાની શી જરૂર હતી પેલા માવલાને કેમ ન મોકલાવ્યો?’
‘પપ્પા એ ડૉકટરને બોલાવો ગયો હતો’
‘તું નહોતી જઇ શકતી…ડૉકટરને બોલાવા…?’
‘શું થયું ડૉકટર રેવાને….’ઘરમાંથી આંગણામાં આવેલા ડૉકટરને તલકસીએ પુછ્યું
‘અરે…કંઇ ગભરાવા જેવું નથી પેટમાં ભરાયેલ ગેસ ઉપર આવવાથી ગભરામણ થઇ હશે મેં દવા આપી છે સવારે પેટ સાફ થઇ જશે તો બધું બરાબર થઇ જશે’તલકસીનો ખભો થાબડી હસીને ડૉક્ટર જતા રહ્યા.
‘પરમ દિવસે સોમવાર હતો અને કાલે એકાદશી તને કેટલી વખત કહ્યું છે આ મોરિયો અને બટાટા બંને વાયડા પાછા એજ વાસી રાતના ખાવાની તને કેટલીવાર ના પાડી છે પણ માને કોણ?’
‘પપ્પા મુકોને પીંજણ. ચ્હા બનાવું?’
‘ના હું ઓફિસનું કામ અધુરૂં મુકીને આવ્યો છું એટલે જાઉ ને હા…આમ ફરી વાર ઓફિસે આવતી નહી કામ હોય તો માવલાને કે ભીખા ને મોકલાવજે’કહી તલકશી બહાર જતો રહો પણ એના કાનમાં હજુ પણ કપુરચંદના શબ્દો ગુંજી રહ્યા હતા ‘તલકસી તારી છોડીએ તો સારૂં કાઠું કાઢ્યું છે’ એ યાદ આવતા એ થથરી ગયો આ કપુરીયાનો કંઇ ભરોસો નહીં હવે બહુ થયું.(ક્રમશ)
Filed under: Stories |
Leave a Reply