કાળુ કલંક

khuwo

કાળુ કલંક

           શિવાંગીને કોલેજમાં વેકેશન પડી ગયું એની ખુશાલી મનાવવા સખી વૃંદ ભેગી મળી હતી.ખાણી પીણી દરમ્યાન ક્યાંક ફરવા જવાનો વિચાર ચાલતો હતો તો શિવાંગીએ સજેશન કર્યું કે,ચાલો આ  વખતે મારા ગામ ધરમપુર જઇએ ત્યાં ગામડાની ખુલ્લી હવા અને સિઝનમાં પાકતા ઠાકોરની વાડીના તાજા ફળો ખાવાનો આનંદ અનેરો હશે અને નક્કી થયા મુજબ સૌ ધરમપુર જવા રવાના થયા.

         ધરમપુરમાં શિવાંગીના વિધુર પપ્પા કપુરચંદ ધરમપુર ઠાકોરના કારભારી હતા તેના બંગલા પાસે ગાડી ઊભી રહી તો સૌથી પહેલા શિવાંગી ‘પપ્પા…પપ્પા કરતી ઘરમાં દાખલ થઇ તો સામે ઘરનો નોકર શિવરાજ દોડતો બહાર આવ્યો

‘અરે…શિવુ બેટા તું……સાહેબ તો ઓફિસના કામે દામનગર ગયા છે….ચાલ તારો રૂમ મેં બે દિવસ પહેલા જ સાફ કરાવ્યો છે અને મહેમાનના રૂમ પણ સાફ કરાવેલા છે ચાલો…’કહી શિવરાજ ચાવીનો ઝુડો લઇ આગળ ચાલ્યો.બધાએ પોતાના સામાન ગોઠવી ફ્રેશ થઇ ચ્હા નાસ્તો કર્યો અને ફરવા નિકળ્યા.જયારે ઠાકોર સાહેબની વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં આવતો કુવો નજીક આવતા એકાએક દુર્ગંધ આવવા લાગી. સૌએ પોતાની પર્સમાંથી હેન્કી કાઢી નાક આગળ દાબી સખી વૃંદમાંથી મંદિરાએ પુછ્યું

‘શિવાંગી આ દુર્ગંધ……’

‘ઓલ્યા હાવડ કુવામાંથી આવતી લાગે છે.અસલમાં તો એક વખત દુષ્કાળમાં હમણાના ઠાકોરના બાપુજીએ આ કુવો ખોદાવેલો અને આ કુવામાંથી ગામ આખું પાણી ભરતું પણ એક વખત લડતા બે આખલા આ કુવામાં પડીને મરી ગયા ત્યારથી દુષિત થયેલું પાણી કોઇ પીતું નથી.હવે બધા ઠાકોરની વાડીના કુવામાંથી પાણી ભરે છે. કદાચ કોઇ જાનવર પડીને મરી ગયું હશે તમે બધી અહીંજ રહો હું જઇને જોઇ આવું’

          શિવાંગીએ તેમને ત્યાં જ ઊભા રાખી પોતાની પર્સમાં રાખેલ હેન્કી પર પર્ફ્યુમ છાંટી નાક પાસે રાખી ને કુવા તરફ આગળ વધી અને કુવામાં લટકતી ત્રણ લાશ જોઇ ‘હાય રામ…..’કરતા બેબાકળી ત્યાં જ ફસળાઇ પડી બેહોશ થઇ ગઇ. તરત જ બધી સહેલીઓ ત્યાં દોડી અને કુવા અંદરનું દ્રષ્ય જોઇ હેબતાઇ ગઇ.બે સખીઓ મંદીરા અને વિશાખાએ શિવાંગીને ઉપાડીને રસ્તા પરના વડના ઓટલા પર સુવાડી અને આમ તેમ જોવા લાગી ત્યાં પાણી ભરી આવતી એક પનિહારીને ઊભી રાખી પાણી માંગી શિવાંગીના ચહેરા પર છાંટયું. શિવાંગીને જરા ભાન આવતા પનિહારીએ પુછ્યું

‘હું થયું….તું તો ઓલ્યા કપુરીયાની છોડીને…?’

‘હા…માસી ઓલા કુવામાં ત્રણ લાશ લટકે છે એ જોઇ ગભરાઇને હું બેભાન થઇ ગયેલી…’શિવાંગી એ કુવા તરફ ઇશારો કરી કહ્યું

‘હેં શું વાત કરો છો….’બેડું ઓટલા પર મુકીને પેલી પનિહારી કુવા તરફ ગઇ અને કુવામાં જોઇ તરત પાછી ફરીને કહ્યું ‘આ તો ઓલ્યા જેસંગની ઘરવાળી સોમી અને એની બે છોરાઓ છે’

Continue reading