કાગડો કાળો
રાતનો કટકો ખોવાયો કાગડો થઇ ગયો કાળો
કાગડો જોઇ ફફડી કબુતર છોડી ચાલ્યો માળો
ચોખા ચણતી ચકલી કેરા ચાંચથી પડયો દાણો
તાકમાં બેઠી સમડી જોઇ જીવલે માર્યો પાણો
આંબા ડાળે પોપટ ખાતો લીલું મરચું તીખું
પોપટ માટે ઝાડે ચડતા નીચે પડી ગ્યો ભીખુ
દેવળ કેરા તોડલા પર બેસી બોલે કોયલરાણી
ઓટલા પર રમતા રમતા છોડી ખાતી ધાણી
તળાવ વચ્ચે ઊભી ભેંશો ધમલાએ ધમારી
પાવો વગાડવાને બેઠો લીમડા હેઠ રબારી
મંગલાની આરતીની દેવળે ઝાલર વાગી
દર્શન કરવા ભીડ વચ્ચે કાશી ડોશી ભાગી
પાણી ભરવા બેડું લઇ પનિહારી સૌ ચાલી
ઠાકરસીને ઠેસ વાગી બોગરણું થયું ખાલી
ખેતા બાપા ખીજાયા બહુ લાકડી ફટ્કારી
આંધડો તું થઇ ગયો કે ફૂટી આંખો તારી
રાધામાએ છોકરીઓને ઘડિયા લખવા કીધું
પાટી પર લખી મોટો એકડો ઘૂટવાને કીધુ
અવડા હાથે ઘુટે પ્રભુડો માએ ટાપલી મારી
અડવિતરા નહીં વિદ્યા આવે સુણી હસ્યો ‘ધુફારી’
૦૧-૦૩-૨૦૧૫
Filed under: Poem |
Leave a Reply