ઉત્સવ (૨)

fatakada

ઉત્સવ (૨)      

(ગતાંકથી ચાલુ) આખર મોહિતે સોફિયા સાથે આર્ય સમાજ વિધિ મુજબ મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા. કૌટુંબિક વ્યક્તિ તરિકે પ્રથા અને સગુણા હાજર હતા.સોફિયા એક ફ્લેટમાં એકલી જ રહેતી હતી તેમાં મોહિત અને સોફિયાએ પોતાનો ગૃહસંસાર શરૂ કર્યો. દર રવિવારે પ્રથા મંદિર જવાના બહાને મંદિરમાંથી પાછા વળતા અચૂક સોફિયાને મળવા આવતી.સગુણા પણ કોઇ પણ બહાને સોફિયાને મળવા આવતી પરંતુ ઘેર પાછા વળતા એનું મન ખિન્ન થઇ જતું કે આવી સંસ્કારી અને સુંદર વહુને એ પોતાના પુત્રના ઉગ્ર સ્વભાવને લીધે ઘરમાં રાખી નથી શકતી.સોફિયાની કરકસરને લીધે બંનેની આવકમાંથી સારી એવી બચત થતી હતી અને તે બચત અને બેન્ક લોનની મદદથી તેમણે એક નાનો પણ સુંદર બંગલો ખરિદી લીધો.બંગલાના વાસ્તુ પૂજનમાં પ્રથા અને સગુણા બહુ પ્રેમથી હાજર રહ્યા અને શુભાષિશ આપી છુટા પડ્યા.

           એ બંગલો સોફિયા અને મોહિતને ફળદાઇ સાબિત થયો અને જયારે સગુણાને સોફિયાને ગર્ભધાન રહ્યાની જાણ થઇ ત્યારે સગુણાએ શશાંકને જાણ કર્યા વગર સોફિયાની સંભાળ લેવા એને ત્યાં રહેવા આવી ગયા અને સગુણાની સાર સંભાળથી સોફિયાની સુખદ પ્રસુતિ થઇ અને પહેલા સંતાનનો જન્મ થયો એ જોતા જ એટલો મિઠડો લાગતો હતો તેથી સગુણાએ નામ પાડ્યું મોહન પણ એ આ રમકડાથી રમવા જાજુ જીવ્યા નહીં અને સંતોષનો શ્વાસ લઇ સ્વર્ગે સિધાવ્યા.

         એક દિવસ શશાંકના પેટમાં સખત દુખાવો ઉપડ્યો.પ્રથાએ શશાંકના ખાસ મિત્ર ડૉકટર નાડકર્ણીને ફોન કરી બોલાવ્યા.નાડકર્ણીએ ચેક-અપ કરતા ખાસ કંઇ જણાયું નહીં.દર્દીઓની સંભાળ બાબત ખુબ જાગૃત શશાંક પોતાની તબિયત બાબત પણ ખુબ સજાગ હતો એ નાડકર્ણી જાણતો હતો તો પણ તેને એક શંકા જરૂર ગઇ એ પોતાના ચહેરા પર લાવ્યા વગર પ્રથાની હાજરીમાં શશાંકને કહ્યું

‘અરે ચિંતા જેવું કંઇ નથી….ચાલ મારા ક્લિનિક પર જરા વાર બેસસું ત્યાં અનુરાધા મારી નર્સ તને સારી કોફી પિવડવશે અને તું એકદમ ફ્રેશ થઇ જઇશ.’કહી નાડકર્ણીએ શશાંકનો હાથ પકડી ઊભો કર્યો અને પોતાની ગાડીમાં પોતાના ક્લિનિક પર લઇ જવાને બદલે કેન્સર એકસ્પર્ટ ડૉકટર જાવળેકરને ત્યાં ઉતર્યા ત્યારે શશાંકે પુછ્યું

‘ભાઉ….અહીં…?’

‘મને શંકા છે કે તને આંતરડાનું કેન્સર છે ભગવાનની મહેરબાનીથી કદાચ ન પણ હોય પણ ભાભી સામે મારી શંકા વ્યક્ત કરી અગાઉથી તેમને ચિંતા કરાવવા નહોતો માંગતો એટલે મારા ક્લિનિકનું બહાનું કર્યું’ કહી બંને જાવળેકરની કેબિનમાં દાખલ થયા તો જાવળેકરે ઊભા થઇ આવકારતા કહ્યું

‘ઓહો…આ જાવળેકરના કેવા સદ્‍ભાગ્ય કે આજે બબ્બે ડૉકટરના દર્શન થયા…બેસો…બેસો’

‘બબ્બે ડૉકટર નહીં એક ડૉકટર એક પેસન્ટના’કહી નાડકર્ણીએ વિગતે વાત કરી અને બધા ઉપકર્ણોથી તપાસ કરતા નાડકર્ણીની શંકા સાચી પડી.

‘જાવળેકર શું કરીશું…?’

‘આ કમબખ્ત બિમારી જ એવી છે કે,છેલ્લો સ્ટેજમાં ન આવે ત્યાં સુધી ખબર નથી પડતી અને ઇટ ઇઝ ટુ લેઇટ કશું થઇ શકે એમ નથી.’જાવળેકર અને નાડકર્ણીનો સંવાદ સાંભળી શશાંક ક્લિનિકની બહાર નીકળી ગયો અને એક ઓટો પકડી ઘેર આવ્યો.શશાંકનો વ્યગ્ર ચહેરો જોઇને પ્રથાને ફાળ પડી.

‘શું થયું તમારી તબિયત…..?’

‘પ્રથા…પ્રથા મને છેલ્લા સ્ટેજનું આંતરડાનું કેન્સર છે અને હું અભાગિયો મારા વારસદાર…..’કહેતા શશાંક સોફા પર ફસડાઇ પડ્યો ત્યારે સગુણાના શબ્દો તેના કાનમાં ગુંજતા હતા ‘શશાંક આ તારી ખોટી જીદ છે યાદ રાખજે દીકરા નમ્યા એ સૌને ગમ્યા ન નમ્યા એ તૂટી જાય છે’

                      શશાંકને ક્લિનિકમાં ન જોતા જાવડેકર અને નાડકર્ણી શશાંકની પાછળ જ ઘેર આવ્યા. શશાંકને બેડ પર સુવડાવી જાવડેકરે પોતાની બેગમાંથી એક ઇન્જેક્શન આપ્યું.પ્રથાએ મોહિતને સોફિયાને મોહનને લઇને તાકીદે ઘેર આવી જવા માટે ફોન કરી જણાવ્યું.બંને ઘેર આવ્યા ત્યારે પ્રથાએ વિગતે વાત કરી. મોહિત બેડરૂમના દરવાજેથી પિતાને જોઇ રડી પડ્યો.થોડી વારે શશાંકને ભાન આવી તો મોહિતે નાના મોહનને સમજાવીને શશાંક પાસે મોકલ્યો

‘દાદા….તમને શું થયું છે?’મોહને શશાંકની મુછ સાથે રમતા પુછ્યું

‘કંઇ નથી થયું બેટા આવ મારી પાસે બેસ’કહી મોહનનો હાથ પકડી પોતાની પાસે બેસાડતા ભીની આંખે પુછ્યું ‘તું મારી પાસે રહીશને બેટા….?’

‘હું અહીં રહું તો મમ્મી એકલી થઇ જાય ને?’મોહને કહ્યું

‘તો મમ્મીને અહીં…બો…લા..વી..શું’ગળામાં દબાયેલા ડૂમાથી માંડ બોલતા શશાંકે કહ્યું

‘મમ્મી ચર્ચમાં જાય છે એ તમને નથી ગમતું ને દાદા?’

‘હવે ગમશે દીકરા….’કહતા શશાંકના ગળામાંનો ડૂમો ખાડતા આંખ ઉભરાઇ

‘દાદા મમ્મી કહે છે સારા છોકરા રડતા સારા ન લાગે’શશાંકની આંખો લુછતા મોહને કહ્યું

‘મારી મમ્મી નથીને બેટા તો મને કોણ કહે?’ખસિયાણું હસતા શશાંકે કહ્યું

‘દાદા તમને શિવ તાંડવ સ્તોત્ર આવડે છે?’

‘તને આવડે છે?’જીજ્ઞાષાથી શશાંકે પુછ્યું

‘હા મમ્મીએ મને શિખવાડયું છે મમ્મીને શિવ મહિમન પણ આવડે છે દર સોમવારના ધિંગેશ્વર મહાદેવના મંદિરમાં બેસીને બોલે છે.’મોહને શશાંકની મુંછો પર હાથ ફેરવતા કહ્યું

‘બીજું શું કરે છે તારી મમ્મી?’વધતી જીજ્ઞાષાથી શશાંકે પુછ્યું

‘સોમવારના બપોરે જ જમે છે અને જમતી વખતે બોલતી નથી’હોઠ પર ઝીપ મારવાના અભિનય સાથે મોહને કહ્યું તો શશાંકને થયું કે, આટલું બધું તો તેણે શોધેલ પુત્ર વધુ પણ કદાચ ન કરત જયાં પોતે જ આવું નથી કરતો આવી ગુણિયલ પુત્રવધુને પોતાના ખોટા અહંકાર અને અણસમજમાં અડગી રાખી તેણે કેટલો મોટો અપરાધ કર્યો એવો વિચાર આવતા શશાંક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

‘દાદી દાદા રડે છે….’મોહને રૂમ બહાર દોડી આવી કહ્યું

       મોહનના શબ્દો સાંભળી સફાળા પ્રથા,મોહિત અને સોફિયા દોડીને શશાંકના રૂમમાં ગયા

‘શું થયું શશાંક….’પ્રથાએ શશાંકના ખભે હાથ મુકી પુછ્યું મોહિત રડતા શશાંકનો હાથ પકડી કહ્યું

‘પપ્પા મમ્મીએ મને બોલાવ્યો એટલે…..’કહી મોહિત રડી પડયો તો સોફિયા ભીની આંખે મોહિતની પાછળ છુપાઇ એને હાથના ઇશારાથી શશાંકે પાસે બોલાવી તો નત મસ્તકે સોફિયાએ માથા પર પાલવ મૂકી શશાંકના ચરણસ્પર્શ કર્યા.એનો હાથ પકડી શશાંકે કહ્યું

‘અખંડ સૌભાગ્યવતી રહેજે દીકરી અને બની શકે તો તારા આ અભાગિયા અને અહંકારી સસરાને માફ કરી દેજે’

‘એવું બોલી મને પાપમાં ન નાખો પપ્પા….’શશાંકનો હાથ આંખે અડાળતા સોફિયાએ કહ્યું

‘પ્રથા બા સાચું જ કહેતી હતી નમ્યા તે સૌને ગમ્યા ન નમ્યા તે તૂટી જાય છે….આ છેલ્લો જેટલો સમય બચ્યો છે તે હું સુખે વિતાવવા માંગુ છું’

‘મોહિત સોફિયા બેટા હવે તમે મારી પાસે જ રહેશો ને?’શશાંકે ભીની આંખે અને આર્દસ્વરે મોહિત અને સોફિયાના હાથ પકડી પુછ્યું

‘હા…પપ્પા મારા માટે તો તમે એ જ પપ્પા છો જે આ ઘર છોડી ગયો તે પહેલા હતા’મોહિતે ગોઠણિયા ભેર બેસી શશાંકનો હાથ પકડી કહ્યું

‘પ્રથા….હવે મને મારા મોતનો કોઇ અફસોસ નહી રહે આ લીલી વાડી જોયા પછીનું મોત તો ઉત્સવ કહેવાય’મોહનને પોતાની છાતી સરસો ચાંપતા શશાંકે કહ્યું(સંપૂર્ણ)

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: