જુની આંખને નવા ચશ્મા

ચશ્મા

જુની આંખોને નવા ચશ્મા

         જુના વખતમાં રોટલાનો કટકો લઇ બારણા કે આંગણામાં ઉભા રહી ખાતા બાળકને માવિત્રો બાવડું પકડી અંદર લઇ જઇ કહેતા ભાણા પર બેસી ખવાય આમ બારે ઊભા રહીને ખાઇએ તો લોકો હસે.આજે બુફે ડીનરમાં સૌ પ્લેટ હાથે પકડીને ઊભા રહી ખાય છે તેમાં કોઇ બુજુર્ગ જમીન પર બેસીને ખાય તો બાળકો કહેશે અદા આમ જમીન પર બેસીને ન ખવાય લોકો હસે.

                          જુના વખતમાં મારે એક વખત ગામડામાં જવાનું થયું. મારા મિત્રના જોડકાના બાળકોને તેની મા રોજ સવારે અકેક વાટકો ચપટી ખાંડ નાખીને પકડાવી દે. ભેશ દોહવા આવેલ ગોવાળ આ બંને બાળકોને વાટકામાં દુધ દોહી આપે અને એ બંને ત્યાં જ ઊભા રહી પી જાય. બંને બાળકો ગોળમટોળને તંદુરસ્ત હતા.આજની મા બજારમાંથી લાવેલ મલાઇ વગરનું દુધ ગરમ કરી તેમાં હોર્લિક્સ,બોર્નવિટા કે ઓવલટીન મિક્ષ કરી આપવામાં સારી સંભાળ લેનાર મમ્મી તરિકે ગૌરવ અનુભવે છે.જુના વખત મા બાળકોને સવારમાં ગરમાગરમા બાજરાના રોટલાને મસળી ઘી ગોળ નાખીને  ખવડાવતી,આજે બાળકોની મમ્મી પાસ્તા,મેગી કે મચુરિઇયન ખવડાવે છે.

             જુના વખતમાં ઉપર વાત કરી એ સવા દોઢ વરસના બાળક નાગુડિયા ફરતા હતા એમાં કશી નાનપ નહોતી. આજે એવા બાળકને માવિત્રો કહે છે શેમ શેમ જા ચડ્ડી પહેરી આવ.જુના વખતમાં બાળકો બાળોતિયા પહેરતા અને એ ભીનું કે ગંદુ થાય તો એ સાફ કરી ધોઇ સુકવીને ફરી ઉપયોગ કરાતો. આજના જમાનામાં એ પડોજણમાં કોઇ પડવા નથી માંગતું એટલે બાળકોને ડાઇપર પહેરાવવામાં આવે છે અને ગંદુ ડાઇપર ડસ્ટબીનમાં ફેકી દેવાય છે.

         જુના વખતમાં બાળક પાંચ વરસનું થાય એટલે આંકોડીમાં બેસાડતા અને બાળક આખું વરસ એકડે એક થી ઊંઠા(૩.૫)ના પહાડા કંથસ્થ કરતા અને વગર કેલક્યુલેટરે મોઢે હિસાબ કરી લેતા આજે ૧૨ રૂપિયાનો એક તો ડઝન (૧૨) ના કેટલા એ મોઢે હિસાબ કરી ૧૪૪ દુકાનદાર નથી કહી શકતા પણ કેલક્યુલેટર ઉપાડે છે અને પછી કહે છે ૧૪૪ તમે ૫૦૦ રૂપિયાની નોટ આપો તો પાછા ૩૫૬ રૂપિયા પણ કેલક્યુલેટરથી ગણીને આપે છે.

        આજના બાળકોને ત્રણ વરસે નર્સરીમાં બેસાડવામાં આવે છે અને ત્યારથી જ એ અંગ્રેજી માધ્યમમાં ભણવા માંડે છે અને મિત્રો સાથે અંગ્રેજીમાં જ વાતો કરે છે.

માતૃભાષા ખાલી ઘરમાં બોલાય છે પણ માતૃભાષા વાંચતા કે લખતા આવડતી નથી.

       જુના વખતમાં એક બાળક જે ધોરણમાં ભણ્યો હોય તેની ચોપડીઓ બીજા બાળકને એ જ ધોરણ ભણવા માટે કામ લાગતી.આજે દર વરસે પાઠયક્રમ બદલાય છે પુસ્તકો બદલાય છે.આજે સ્કૂલ કોલેજો ધંધાદારી થઇ ગઇ છે.એડમિશન લેવા ડોનેશન આપવું જરૂરી છે અને સ્કૂલની ફી તો અલગ. દરેક સ્કૂલના પાઠયપુસ્તકો અલગ હોય છે જે દર વરસે બદલાતા રહે છે.એની ખરિદી પણ નક્કી કરેલ દુકાન પરથી થઇ શકે બીજે મળે નહીં.સ્કૂલના યુનિફોર્મ પણ સ્કૂલ દ્વારા નક્કી કરેલ દુકાને જ મળે અને લેવા પડે. આ બધાનું કારણ સ્કૂલના બાંધેલ કમિશન છે.

          જુના વખતમાં ટાઇમ ટેબલ પ્રમાણે જે તે દિવસના પુસ્તકો જ સ્કુલમાં લઇ જવાના રહેતા.સ્કુલમાં જે શિખડાવવામાં આવતું એ રફ-બુકમાં લખાતું અને તે પરથી હોમ વર્ક થતું.આજે ક્લાસ વર્કની નોટબુક અલગ હોમવર્કની નોટ બુક અલગ.આજના બાળકોની સ્કૂલ બેગ જુઓ તો એમાં બધા પાઠય પુસ્તકો ને નોટબુકોથી ભરેલી હોય છે. કુમળા બાળકો મજુરની જેમ એ બેગ ઉચકી વાંકા વળી જતા હોય છે.

     સ્કૂલ જવા માટે અમુક પૈસા ખરચી શકે તેના બાળકો સ્કૂલ બસમાં જતા હોય છે બાકીના બાળકોને બે પૈસા બચાવવા માવિત્રો છકડા કે રિક્ષામાં સ્કૂલ મોકલતા હોય છે.સ્કૂલ બસની વાત અલગ છે પણ છકડા કે રિક્ષામાં તો બાળકો નહીં પોટલા મુક્યા હોય એમ ખડકલો થયેલો દેખાય છે.મોટી સ્કૂલમાં મોંઘી ફી ભરી ભણતા બાળકોને ત્યાં શું શિખવાડે છે કોણ જાણે પણ બાળકોને ટ્યુશન તો કરાવવા જ પડે છે.  

          જુની વહુવારો મોટેરાની લાજ કાઢતી.વખત જતા એ રિવાજ ઘસાઇને નામશેષ થઇ ગયો.કમખા ને ચણિયાને ઠેકાણે સલવાર કમીજ અથવા મેક્ષી આવી ગયા, એ પણ હવે જુજને ફાવે છે બાકી આજની વહુવારૂ ગોઠણ સુધીનો ચડ્ડો અને અર્ધી છાતી દેખાડતા ટી-શર્ટસ પહેરવામાં કંઇ નાનપ નથી અનુભવતી.

         મારા મિત્રની પુત્રવધુ એવો જ ચડ્ડો અને ટી-શર્ટ પહેરીને ફરતી હતી તેમાં તેની જ મમ્મી દીકરીને મળવા આવી અને દીકરીના આ દિદાર જોઇ એ ઓછપાઇ ગઇ અને મારા મિત્રની પત્નિને કહ્યું

‘આ મારી દીકરી આમ ફરે છે એને તમે કંઇ કહેતા નથી?’

તો તમારા આપેલા સંસ્કારના સ્વછંદતાનું પરિણામ છે. તમે બે દિવસના મહેમાન છો કહીને ચાલ્યા જશો પણ અમે હાથે કરી ને શા માટે ઉંબાળિયું કરીએ આજે અમે એને કશું કહી ટોકીએ અને કાલે પગે બારણા ઠેલે તો ભોગવવાનું તો અમારે ભાગે આવે ને?આયખાના બાકીના વરસો જેમ આનંદમાં વીતે એમાં અમારૂં માન છે.’ મારા મિત્રે હસીને કહ્યું

           આજની પ્રજા અમે બે અમારા બે માં માનનારી છે.પુત્રને માવિત્રો પ્રત્યે માન હોય અને સાથે રાખે એ ઘણું છે.માવિત્રોએ પોતાની રીતે જીવવાની જીદ છોડી મીરાંના ભજન રામ રાખે તેમ રહિયે…નો સુત્ર અપનાવે તો ક્લેશ કે કંકાસ ન થાય.ચાલશે,ફાવશે,ભાવશે,ગમશે…. એવા શબ્દો હસીને બોલે અને અપનાવે તો સુખી રહે નહીંતર કુટુંબથી અલગ વૃધ્ધાશ્રમમાં રહેતા માવિત્રોની સંખ્યા ઓછી નથી.

          જુના વખતમાં લગ્ન એક ઉત્સવ હતો તેથી એ અવસર મન ભરી માણવા દરેક વિધી અને રિવાજો માટે અર્ધા દિવસ સુધીનો સમય ફાળવવામાં આવતો.આજે સમયનો અભાવ છે એટલે દરેક વિધી શુકન પુરતી કે મોટેરાના માન ખાતર કરવામાં આવે છે નહીંતર ચાર વાગે ફેરા અને આઠ વાગે ભેરા એ નિયમને લોકો અનુસરવા લાગ્યા છે.

           મારે મારા એક મિત્રના દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું થયું.મારા મિત્રના એક નજીકના આધેડ સબંધી ગામડામાંથી લગ્ન પ્રસંગે આવેલા મારા મિત્રે તેમને મારી પાસે બેસાડયા અને તેમનું ધ્યાન રાખવાનું કામ સોંપ્યું. શણગારેલી ગાડીમાંથી વરરાજા ઉતર્યા એટલે તેમને આવકારવા બધા વાડીના બારણા સુધી ગયા. મેં તેમને કહ્યું ‘ચાલો અદા જાન આવી ગઇ.’

      બારણા પાસે આવી હાથનું નેઝવું કરી એ અદા ફૂલેકુ શોધતા હતા પછી મને પુછ્યું ‘આ વરરાજાજો ઘોડો તો ક્યાં દેખાતો નથી’

મેં કહું ‘અદા આજના વરરાજા ઘોડે ચડીને નહીં ગાડીમાં બેસીને આવે છે.’

        મિત્રના પત્નિએ ગોરમહારાજની સુચના અનુસાર પોંખવાની વીધી કરી. પોખણાની થેલી મહારાજે આસોપાલવના તોરણની દોરીમાં લટકાવી દીધી,વરરાજાને માંડવા તરફ દોરવા લાગ્યા ત્યારે એ સબંધીએ મને કહ્યું ‘આ પોખણાથી વરરાજાને ન પોખ્યોં?’

મેં કહ્યું ‘અદા એ પોખણા વીધી લગભગ કોઇ જાણતું નથી અને કોઇ સમજવા પણ માંગતું નથી બધાને જાટપાટા પતાવવાની ઉતાવળ હોવાથી હવે કોઇ પોંખણાની જુની વિધી કરતું નથી.’એ સાંભળી એ મારા તરફ મ્હોં વકાસી ને જોવા લાગ્યા.

        અમે લગ્ન મંડપ પાસે ગયા કન્યાને ખુલ્લા મ્હોંથી બેઠેલી જોઇ વળી પુછ્યું ‘આ કન્યાને ઘુંઘટો નથી કઢાવ્યો? અને પાનેતર(ગુલાલ કે કંકુના છાંટણા વાળી લાલ કીનારીની સફેદ સાડી) પણ નથી પહેરાવ્યું?’

મેં કહ્યું અદા ‘એ જમાના ગયા જયારે કન્યા પાનેતરનો છાતી સુધી ઘુંઘટો કાઢી માંયરામાં બેસતી.’અદા અચરજથી મારી સામે જોઇ કહ્યું ‘ભારે કહેવાય.’

               લગ્ન મંડપમાં ભાડાથી લાવેલ સ્ટીલની ચોરી જોઇ એમનાથી ન રહેવાણું એટલે પુછ્યું

‘આ કુંભાર ચોરીના માટલાઓ પણ નથી આપી જતા?’

સાંભળી મેં કહ્યું ‘અદા હવે બધા રેડીમેઇડનો જમાનો છે.’

          જુના વખતમાં માવિત્રો એ નક્કી કરેલા વર-કન્યા પરણી જતા.સગાઇ પછી અને લગ્ન પહેલાના ગાળામાં વર-કન્યા મળવાના પ્રસંગો બહુ જુજ બનતા નહીંતર લગ્ન પછી જ મળવાનું થતું અને તે પણ શયનખંડમાં.નવાઇની વાત એ છે કે,એ લગ્નોના છુટાછેડાના બનાવ જુજ બનતા. આજની યુવાન પેઢી સેલ્ફ ડિપેન્ડન્ટ અને સ્વછંદી છે એની અપેક્ષાઓ મોટી છે.પોતાને સર્વ ગુણ સંપન્ન માનતી કન્યા કે વરનો આગ્રહ એ જ હોય છે કે સામેનું પાત્ર એની મરજી પ્રમાણે એની અપેક્ષાઓ સંતોષે અને આમ ન થાય  તો હું હવે આના સાથે રહી એની જોહુકમી ચલાવી શકુ એમ નથી માટે મારે છુટાછેડા જોઇએ.

           એક રવિવારે હું મારા મિત્રે હાલની હીટ અંગ્રેજી ફિલ્મની સીડી લાવેલ તે અમે તેના લેપટોપ પર જોતા હતા ત્યાં ગામડેથી આવેલ માશીબા મારા મિત્રની મમ્મી સાથે વાતો કરવા બેઠા.મારું ધ્યાન ફિલ્મ જોવામાં નહીં પણ તેમની વાતો સાંભળવામાં હતું

‘તે શું માશી આજે ઘણે વખતે તમને હું યાદ આવી?’

‘ઓલી મોંઘીનો પોયરો હવે જુવાન થઇ ગયો એના માટે એક છોડીની વાત એની મા ને કાને નાખવા આવી હતી છોડી ભણેલી પણ છે ને વહેવારું પણ છે’

‘માશી આ પડોજણમાં પડવાનું તમે રહેવા દો’

‘અલી!! કેમ એમ બોલે છે?’

‘સોનાની જાળ પાણીમાં નાખવાથી શો ફાયદો?’

‘આમ ગોળ ગોળ વાત મ ફેરવ કંઇક હમજાય એવું બોલ’

‘એક તો મોંઘીબાનો દીકરો ઘરથી અલગ બીજે રહે છે અને બીજું એ કે એ કોઇ છોકરી સાથે રહે છે’

‘હેં….તે એના લગન વળી ક્યારે થઇ ગયા?મોંઘીએ મને કંકોતરી પણ ન મોકલી?’

‘એના લગન નથી થયા….’

‘હં….એટલે રખાત રાખી છે એમને?’

‘માશી આ આજના જમાનાની હવા છે અને વગર પરણે સાથે રહેવામાં કોઇ છોછ નથી રહી’

‘ભારે કહેવાય મોંઘી કંઇ કહેતી નથી?’

‘આજે જુવાનિયા એક બીજાને પસંદ કરે એટલે વગર પરણે ધણી-ધણિયાણી જેમ મરજી પડે ત્યાં સુધી સાથે રહે નહીંતર તું તારે રસ્તે હું મારે રસ્તે’

‘તો એમાં બાળકો થાય તો…?’

‘એવી પડોજણમાં કોઇ ન પડે એટલે બાળકો ન થાય તેની તકેદારી રાખે’

‘એટલે ગર્ભપાત કરતા અચકાય નહીં…એમને?’

‘માશી આજે એવું સાધન આવે છે કે,ગર્ભ રહ્યાની ખબર પડી જાય અને એવી ટીકડીઓ આવે છે કે,ગર્ભ જ ન રહે’

‘આ તો બહુ કહેવાય’

‘આજના જુવાનિયા માવિત્રોની આમન્યા જાળવે એટલે ઘણું છે, મોંઘીબા એ પણ જે છે તે સ્વિકારી લીધું છે વાર તહેવારે કાં મોંઘીબા દીકરાના ઘેર જાય છે કાં તેઓ ઘેર આવે છે’

‘સારું કર્યું તેં ફોડ પાડ્યો તે નાહક હું મોંઘીને મળત અને એનું મન કચવાત’

 ‘એટલે જ કહેતી હતી કે આ પડોજણમાં ન પડો તો સારું’

            માશીબાને ગળે આજની લીવ-ઇન-રીલેશનની વાત ગળે ઉતરી નહોતી એ તેમના ચહેરાના હાવભાવથી જણાતું હતું જુની આંખે નવા ચશ્મા પહેરે તો સમજાય ને?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: