અભિગમ

JODLO

અભિગમ

(વરિષ્ઠ નાગરિકનું સુખ- હકારત્મક અભિગમ)

                     એક દિવસ બજારમાંથી લાવેલ ગોળનું પડિકું ખુલ્લુ રહી ગયું ને ક્યાંકથી એક મંકોડો આવી ચડયો. કદાચ મંકોડાની ઘ્રાણેદ્રિય બહુ સતેજ હશે અને તેને ગોળની સુગંધ આવી ગઇ હશે એટલે તે ક્યાંથી આવેછે, તે શોધતા શોધતો આવી ચડયો હશે.ગોળ પર મંકોડાને જતો જોઇ મેં તેને દૂર કર્યો પણ એ ફરી ત્યાં આવી ચડયો. આમ બે ત્રણ વખત થયા છતાં તેણે પ્રયાસ ન છોડયો એ જોઇ વિચાર આવ્યો કે માનવ મન પણ એ મંકોડા જેવું જ છે. આપણે ચાહીએ કે નહીં પણ એ જુની યાદોના ખડકલા ઉપર જ જતો હોય છે.એ ખડકલામાંથી સારી યાદો લાવતો હોય ત્યાં સુધી વાંધો નહીં, એ સાંપ્રત કાળને આનંદ આપનારી હોય છે પણ સારી યાદો બહુ જૂજ હોય છે.કદાચ તેથી જ બહુધા એ દુઃખદ્‍ યાદોના મોટા પર્વતમાં વધુ ભમતું હોય છે.

         માનવી જે બની ગયું છે તે યાદ કરી આમ કર્યું તેના બદલે આમ કર્યું હોત તો સારું થાત એવી પોતાની ભૂલોને નિરાંતે બેઠેલી ગાય જેમ જટપટ ખાઇ લીધેલું વાગોળતી હોય તેમ ઘણું બધું યાદ કરીને પોતાના સાંપ્રત કાળને દુઃખમાં ડૂબાડી દેતો હોય છે.આપણે જાણીયે છીએ કે વીતી ગયેલો કાળ બદલી શકાતો નથી તે છતાં વિના કારણ તેને ફરી ફરી યાદ કરી દુઃખી થઇને સાંપ્રત કાળ બગાડીએ છીએ.

             આવા સમયે આપણે સજાગ રહીને એ દુઃખદ્‍ યાદો ખંખેરીને જો કોઇ સારું ગીત સાંભળીએ કે,કોઇ સદા હસતા મિત્રને મળીએ કે,કોઇ ઝાડ પર બેસી બોલતા પક્ષીનો કલરવ સાંભાળીએ કે,કોઇ માસુમ બાળકની બાળ સહજ રમત તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ તો એ સમયમાં આપણું મન પ્રફૂલ્લિત થઇ જાય છે. મૂળ તો મન ને જરા પણ નવરાશ ન મળવી જોઇએ નહીંતર એ જુની યાદો ના ખડકલા પર પેલા મંકોડા જેમ દોડતો જશે એટલે બનવા જોગ છે કે,કોઇ કામ કરતા હો એમાં જો કંટાળો આવે તો તેને ત્યાં જ મૂકી બીજું કશું નવું કરવાની શરૂઆત કરવી જોઇએ.

      ઘરના સભ્યોના અમુક વર્તાવ આપણને ગમતા ન હોય તેથી આપણે તેમની ટીકા કરતા રહી જાતે દુઃખી થતા હોઇએ,પણ તેમના બધા વર્તન અણગમતા નથી હોતા તેમાં ઘણા આપણને આનંદ આપનારા પણ હોય છે, તેના તરફ આપણે ધ્યાન આપતા નથી, પણ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો મનને દુઃખી થવાનો અવકાશ જ ન રહે.દરેક વસ્તુ કે વ્યક્તિને સિક્કાની બે બાજુની જેમ સુખદ્‍ અને દુઃખદ્‍ પાસા હોય છે આપણે ફકત સુખદ્‍ પાસા તરફ જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો દુઃખી થવાને મનને અવકાશ જ ન રહે.

        આપણે ઘણા લોકોને એવું કહેતા અવાર નવાર સાંભળીએ છીએ કે,જે વાતની મને બીક હતી તે જ બન્યું આટલું બોલીને ચુપ ન થતાં પોતાની બીકનું ખુબ લડાવી લડાવીને વર્ણન પણ કરે ત્યારે વિચાર આવે કે,આવા નકારાત્મક વિચાર જ શા માટે? પાછા આપણને બોધ પણ આપે કે ભાઇ આ બધા તો કિસ્મતના ખેલ છે.સારું થાય તો એ ઇશ્વરનો આભાર માનતો નથી પણ કંઇપણ અઘટિત થાય ત્યારે કાં કિસ્મતને કાં ઇશ્વરને દોષ દે છે.હવે ઉપરોકત વાતજો ફરી વિચારીએ કે પેલા ભાઇએ કહ્યું કે મને જેની બીક હતી તે જ થયું મતલબ આ નકારત્મક અભિગમનું જ પરિણામ છે,પણ જો તેની જગાએ હકારાત્મક અભિગમ હોત તો કદાચ અલગ જ પરિણામ આવત.

         છેલ્લે જીવનમાં હકારત્મક અભિગમ અપનાવવા માટે અને તમને જે જોઇએ છે તે મેળવવા પ્રાઇમ ટાઇમ પ્રોડકશન દ્વારા, નાઇન નેટવર્ક ઓસ્ટ્રેલિઆના સહકારથી નિર્માણ પામેલ એક અંગ્રજી ફિલ્મ ‘ધ સિક્રેટ’ જોવી જોઇએ, જે તમને હકારાત્મક અભિગમ કેમ અપનાવવું અને તમને જોઇતું કેમ મેળવવું તે સરળ રીતે સમજાવતા શિખવાડે છે.આ ફિલમની હિન્દી ડબ કરેલી આવૃતિ પણ ઉપલબ્ધ છે.આ ફિલ્મમાં દરેક વ્યક્તિ પોતાને શું જોઇતું હતું અને હકારત્મક અભિગમથી જે મેળવ્યું તેવા પોતાના અનુભવો સરળ ભાષામાં વર્ણવ્યા છે તે દર્શાવે છે કે તેમણે કઇ ટેકનિકથી પોતાનું ધાર્યુ મેળવ્યું.

         બાકી તો મનને હકારાત્મક અભિગમ તરફ કેમ વાળવું એ આપણા હાથની વાત છે.જોકે મન તો અળવિતરા બાળક જેવું છે પણ તેની અળવિતરાપણાથી કંટાળ્યા વગર જો કરોળિયાનો દાખલો સામે રાખો ‘કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય વણ તૂટેલા તાંતણે ઉપર ચઢવા જાય’ તેમ તમે પણ સતત પ્રયાસ કરતા રહો તો સિધ્ધી તમારા હાથમાં છે.એક વખત હકારાત્મક અભિગમની ટેકનિક તમને સમજાઇ ગઇ તો નકારત્મક અભિગમનો સામનો કરવાનો વખત ક્યારે પણ નહીં આવે અસ્તુ.     

૧૮-૦૮-૨૦૧૪