હેમકુંવર(૩)
(ગતાંકથી ચાલુ)
બીજા દિવસે ગોદાવરી સાથે હેમકુંવર મગન મહારાજ પાસે ગઇ તો મગન મહારાજે હસીને બંનેને આવકારતા કહ્યું
‘જોડા-મેડ તો બરાબર છે અને બે અઠવાડિયા પછી આઠમનું મુહર્ત સારૂં છે તે દિવસે લગ્ન થાય તો ઉત્તમ જયશ્રી કૃષ્ણ’ કહી બંને કુંડલી સોંપી. મગનને દક્ષિણા આપી બંને સખીઓ ઘેર ગઇ તો કૌસલ્યા હેમકુંવરની ડેલી પાસે ઊભી હતી એણે પુછ્યું
‘સવારના પહોરમાં બંને ક્યાં ગઇ હતી?’
‘ઓલ્યા મગનને ગઇકાલે જોડા-મેડ જોવા કુંડલિયો આપી હતી તેનો જવાબ લેવા’ગોદાવરીએ કહ્યું
‘શું કહ્યું ઓલા મગનાએ?’અધિરાઇથી કોસલ્યાએ પુછ્યું
‘આજે અંધારી આઠમ છે ફરી અજવાળી આઠમના લગ્ન થાય તો ઉત્તમ’હેમકુંવરે કહ્યું
‘અરે!! વાહ….તો કરો તૈયારી’કોસલ્યા અને ગોદાવરીએ કહ્યું
ગૌરાંગ અને વિશાખાના વેવિશાળ,લગ્ન અને હનિમુન રંગે ચંગે પુરા થયા. ઘેર આવ્યા પછી બીજા દિવસની સવારે નિત્યક્રમથી પરવારી વિશાખા રસોડામાં ગઇ અને બધા માટે કોફી બનાવતી હતી ત્યારે હેમકુંવર સ્નાનથી પરવારી રસોડા તરફ આવી એને કોફી આપતા વિશાખાએ કહ્યું’જયશ્રી કૃષ્ણ મમ્મી’
’જયશ્રી કૃષ્ણ’કહી હેમકુંવર કોફી પીવા લાગી.
‘મમ્મી રસોઇમાં શું બનાવવું છે…મને સાદી દાળ,ભાત,શાક અને ફૂલકા બનાવતા જ આવડે છે બીજુ કશું હું જાણતી નથી’આંખો ઢાળીને વિશાખાએ કહ્યું
‘એટલું આવડે છે ઘણું છે બાકી હું શા માટે છું હું તને બાકીનું બનાવતા શિખવાડિશ’ કહી હેમકુંવર હસી.
વિશાખા અને ગૌરાંગનો ઘરસંસાર સુપેરે ચાલતો હતો એ જોઇ હેમકુંવર તો ઠીક એની સહેલીઓ પણ ખુશ થતી હતી.બે વરસ ક્યાં વીતી ગયા ખબર ન પડી. શ્રાવણ માસમાં એ જ નંદકિશોર મારાજ શિવપુરાણ વાંચવાનો હતો તે સાંભળી ત્રણેય સહેલીઓ ખુશ થઇ.
એક દિવસ આમ તો ડેલીના બારણે ઊભી રહી બંને સહેલીઓની રાહ જોતી હેમકુંવર દેખાઇ નહી એટલે ગોદાવરી અને કૌસલ્યાને નવાઇ લાગી તેથી ગોદાવરીએ સાદ પાડયો
‘હેમલી….હજી ઘરમાં શું કરે છે જલ્દી ચાલ નહીંતર કથા શરૂ થઇ જશે’
‘આવું છું મારી મા આવું છું ખોટી બુમાબુમ નહીં કર’હેમકુંવરે ઝરૂખેથી જવાબ આપ્યો પછી સીડીઓ તરફ વળી પહેલા પગથિયે ઊભી રહી વિશાખાને કહ્યું
‘કેશુ મોદી પાસે રાશન નોંધાવ્યું છે એ આપવા આવે તો બીલ જોઇને પૈસા આપી દેજે અને માલ બરાબર ચેક કરી લેજે એ મુવો હંમેશા ગોટાળા કરે છે ઘણીવાર મોગરની બદલી ફોતરાવાળી દાળ અને બાસમતીના બદલે જીરાસાર ચોખા અળદના બદ્લે મઠ મોકલાવે છે’
‘ભલે મમ્મી આપણા ઘેર શું જોઇએ એ ખબર છે એટલે ખોટો અનાજ હશે તે પાછો મોકલાવી આપીશ.આ લ્યો કપાસની કોથળી’
‘હા…લાવ નહીંતર વાટો શેની બનાવશુ’કહી એક હાથે કપાસની કોથળી અને બીજા હાથે સીડી પર ટેકા માટે બાંધેલું દોરડું પકડવા જતા ન તો કોથળી હાથ આવી ન તો દોરડું પણ પગ લપસ્યો અને ધડડડ કરતી હેમકુંવર સીધી પડી નીચે.
‘મમ્મી….વિશાખાની ચીસ નીકળી ગઇ આ સાંભળી ગોદાવરી,કોસલ્યા અને ગૌરાંગ શું થયું..શું થયું કરતા દોડ્યા.જમીન પર પડતા હેમકુંવર બેભાન થઇ ગઇ.ગૌરાંગે ડોકટર સુધાકરને ફોન કરી એમ્બ્યુલન્સ મંગાવી અને ક્લિનિકમાં દાખલ કરી.સુધાકરે બધુ ચેક કરી રિપોર્ટ આપ્યો કે
‘નાના મગજને મુઢ માર લાગ્યો છે અને કરોડરજ્જુના ચાર મણકા ખસીને જરા આગળ આવી ગયા છે.મગજને મુઢ માર લાગ્યો છે એટલે હાલ કોમામાં છે આપણને રાહ જોવી પડશે હું મારી બનતી કોશીશ કરીશ.’સાંભળી ગોદાવરી રડી પડી
‘મેં જો બુમાબુમ ન કરી હોત તો આ બનાવ ન બનત’
‘એમાં માશી તમારો શું વાંક થાવા કાળ હતું તે થયું’ગૌરાંગે ગોદાવરીને સાંત્વન આપતા કહ્યું
સુધાકરના મત મુજબ હજી ત્રણ ચાર કલાક તો સાચા એટલે ગોદાવરી અને કૌસલ્યાને ગૌરાંગે કહ્યું
‘માશી તમે ઘેર જાવ અને શું રિપોર્ટ આવે છે એ હું તમને જણાવીશ અને વિશાખાને પણ સાથે લઇ જાવ હું અહીં રોકાઇશ’
ઘણી આનાકાની પછી ત્રણેય ઘેર ગઇ.સારવાર ચાલતી હતી.ત્રીજા દિવસે હેમકુંવર ભાનમાં આવી ત્યારે વિશાખા બાજુમાં બેઠી હતી એને જોઇ હેમકુંવરે પુછ્યું
‘કેટલા વાગ્યા?’એ સાંભળી નર્સ સુધાકરને બોલાવી લાવી.
‘મમ્મી અગ્યાર વાગ્યા છે’વિશાખાએ હેમકુંવરનો હાથ પસવારતા કહ્યું
‘સારી ઊંઘ આવી ગઇ પણ હવે સારૂં લાગે છે.ખાલી પીઠમાં દુખાવો છે’
‘હા કરોડરજ્જુના ચાર મણકા ખસી ગયા છે એટલે પણ રિકવરી સારી છે તમે અહીં આરામ કરશો તો બધું બરાબર થઇ જશે’સુધાકરે હસીને કહ્યું ત્યાં ગૌરાંગ આવ્યો તેને સુધાકરે કહ્યું
‘રિકવરી સારી છે એટલે હવે વાંધો નથી’
‘મમ્મીને ખાવામાં શું આપવું?’ગૌરાંગે પુછ્યું
‘કંઇ પણ તેમને મરજી પડે એ વાંધો નથી’ગૌરાંગની પીઠ થાબડતા સુધાકરે કહ્યું
‘એલા!! મને ભુખ લાગી છે’હેમકુંવરે ગૌરાંગને કહ્યું
‘મમ્મી શું ખાવું છે બટેટા-પૌવા બનાવી લાવું?’વિશાખાએ પુછ્યું
‘હા…એ બરાબર થશે’કહી હેમકુંવર હસી.
તે દિવસ સારી રીતે પસાર થઇ ગયો.બીજા દિવસે વિશાખા કોફી અને નાસ્તો લઇ આવી એના સાથે ગોદવરી,કોસલ્યા અને કંકુ મળવા આવી.નાસ્તા-પાણી કરતા હેમકુંવર દરરોજ પ્રમાણે વાતો કરી.અચાનક એની નજર સામે મુકેલા કેલેન્ડર પર ગઇ.
‘આજે તો સોમવાર છે અને આ દવાખાનાનું કેલેન્ડર બુધવાર કેમ દેખાડે છે?’
‘હેમલી તું બે દિવસ બેભાન હતી’ગોદાવરીએ કહ્યું
‘હેં….હે રામ….ત્યારે જ મને લાગ્યું કે જાણે લાંબી ઊંઘ કરી હોય’કહી હેમકુંવર હસી
‘તારી તબિયત સુધરી ગઇ એ જ ઘણું છે પછી સોમવાર હોય કે બુધવાર તને શું ફરક પડે છે એ કહે જોઇએ?’
‘આજે થયો બુધ,ગુરૂ,શુક્ર,શનિ અને પછી રવિવાર’કહી હેમકુંવરે નિસાસો નાખ્યો
‘કેમ શું થયું મમ્મી કેમ દિવસોની ગણત્રી કરો છો?વિશાખાએ પુછ્યું
‘આજે ઓસામણ ખાવાની ઇચ્છા થાય છે’કહી હેમકુંવર હસી
‘તો આજે ઓસામણ બનાવી લાવું રવિવારે ફરી જમજો ભલે મમ્મી તો હું જાઉ અને ઓસામણની તૈયારી કરૂં’કહી વિશાખા ઊભી થઇ તો ત્રણેય સહેલીઓએ જયશ્રી કૃષ્ણ કહી ઊભી થઇ રજા લીધી.
વિશાખા ઘેર આવીને વાસણ મુકી શાક માર્કેટ ગઇ.આખી શાક માર્કેટ ફરી પણ કોઇ પાસે મુળા ન હતા.છેલ્લે બારણા પાસેથી એક શાકની હાથલારી પસાર થતી જોઇ તેના પાસે એક ઝુડી મુળાની જોઇ વિશાખાએ સાદ પાડ્યો’એ જરા ઊભા રહેજો’
લારીમાંથી મુળાની ઝુડી લઇ કાછિયાને પાંચ રૂપિયા આપ્યા
‘બહેન હજી પાંચ જોઇએ’
‘મુળાની ઝુડીના દશ રૂપિયા?પાંચમાં ગામ આખું આપે છે’
‘બહેન વીસ ઝુડી લઇ આવ્યો હતો….’એ આગળ કંઇ બોલે તે પહેલા વિશાખા બીજા પાંચ રૂપિયા આપી ઝુડી થેલીમાં નાખી રવાની થઇ ગઇ.
રસ્તામાં વિચાર કર્યો સારૂં થયું મુળા મળી ગયા નહીંતર ઓસામણમાં મમ્મીને મજા ન આવત.પાંદડા પણ લાંબા ને કુંણા છે તેના મુઠિયા સરસ થશે.ડાંઠા પણ ભલે જાડા રહ્યા પણ કુણા છે તેનો રાઇ મીઠું ઉમેરી કચુંબર સારૂં થશે.ઘેર આવીને હજી તો ડેલી ખોલી ત્યાં ડેલી પાસે ઊભેલી ચતુરાંએ પુછ્યું
‘છોડી સમાચાર થયા હેમુ પડી ગઇ’
‘હા માશી… મને મોળુ થાય છે ચાલો આપણે ઘેર વાત કરીશું’કહી ડેલી ખોલી
‘તે એમ કેમ કરતા પડી ગઇ હેમુ?’ચતુરાએ ફરી પુછ્યું
‘માશી ઘેર ચાલો….એ આગળ કંઇ બોલે ત્યાં કંકુની બુમ સંભળાઇ
‘અલી વિશાખા જો તો ગાય મુળા ખાય છે’એ સાંભળી વિશાખાએ પીઠ ફેરવી જોયું તો પાંદડા ગાયના મોઢામાં હતા વિશાખાએ ઝુડી પકડી ઝાટકો આપ્યો ત્યાં ઝુડી ખુલી ગઇ અને બે પાડ નગરપાલિકાએ ગટર સાફ કરવા ખોલેલ મેઇન હોલમાંથી ગટરના ખાડામાં પડી એક વિશાખાના હાથમાં રહી તે લઇ એ ઘરમાં જતી રહી.એ જોઇ ચતુરાંએ કંકુ સામે જોઇ કહ્યું’આ હેમુની દીકરા વહુ મનતોરી બહુ’
‘ને ચતુરા તું ચિકણી બહુ.હેમુના સમાચાર જાણવાની એટલી બધી તાલાવેલી હતી તો ઓલી ક્યારની કહે છે માશી ઘેર ચાલો ઘેર વાતો કરીશું તો ઘરમાં કાં ન ગઇ?તને તો અહીં જ ઊભા ઊભ જવાબ જોઇએ’કંકુએ કહ્યું તો ચતુરા મ્હોં મચકોડી જતી રહી.
રસોઇ તૈયાર થઇ ગઇ તો વિશાખા ગૌરાંગ સાથે ક્લિનિકમાં આવી.હેમકુંવર પલંગમાં સુતી ગીતા વાંચતી હતી.ગૌરાંગે ચાવી ફેરવીને પાછળથી પલંગ ઊંચો કરી હેમકુંવરને બેસાડી અને દરદીને જમવા વપરાતી ટેબલ મુકી.વિશાખાએ ટિફીન ખોલી થાળી પીરસીને ટેબલ પર મુકી અને ઓસામણ પિરસ્યો ત્યારે હેમકુંવરના નાકમાં સળવળાટ થયો.નાક અને આંખોના હાવભાવ જોઇ વિશાખાએ પુછ્યું
‘મમ્મી શું થાય છે?’
હેમકુંવર કંઇ જવાબ આપે એ પહેલા એને જોરથી છિંક આવી અને માથું ટેબલ ઉપર પછડાયું તેને ઊંચુ કરી ગૌરાંગે બુમ પાડી ‘ડોકટર…સાંભળી સુધાકર દોડતો આવ્યો અને હેમકુંવરને તપાસી માથું ધુણાવ્યું એ જોઇ વિશાખાની ચીસ નિકળી ગઇ ‘મમ્મી……’અને એના હાથમાં રહેલ ઓસામણની વાટકી છટકી ને ટેબલ પર પડી તો ઓસામણ બધું હેમકુંવર પર ઢોળાયું અને મુળાનો કટકો હેમકુંવરના હોઠ પર રહી ગયો(સંપૂર્ણ)
Filed under: Stories |
Leave a Reply