હેમકુંવર (૨)
(ગતાંકથી ચાલુ)
બે દિવસ બાદ ગૌરાંગ વિશાખાને ઘેર લઇ આવ્યો ત્યારે એણે સરસ ચુડીદાર ડ્રેસ પહેર્યો હતો.પોની વાળી હતી ભાલમાં સરસ ચાંદલો કરેલો હતો.માથા પર દુપટ્ટો મુકી હેમકુંવરના ચરણસ્પર્શ કરતા કહ્યું’જયશ્રી કૃષ્ણ આંટી’
‘જયશ્રી કૃષ્ણ’કહી હેમકુંવરે વિશાખાને ખભેથી પકડી ઊભી કરી ખાડી પકડી માથું સુંઘ્યુ.ગૌરાંગતો સીધો પોતાના રૂમ તરફ વળ્યો તેને કહ્યું
‘એલા!! વિશાખાને ઘેર લઇ આવ્યો છો તો આપણું ઘર તો દેખાડ’સાંભળી ગૌરાંગ પાછો વળ્યો અને ઇશારાથી કહ્યું ચાલ એ જોઇ હેમકુંવર હસીને રસોડામાં ગઇ.
ઘરમાં બધે ફરીને ગૌરાંગના રૂમમાં આવ્યા.સામે સેલ્ફ પર પુસ્તકો ગોઠવેલા હતા.વિશાખાએ નજર ફેરવી. વી.એસ,ખાંડેકર,આર.વી.દેસાઇ રમણલાલ સોની,સુરેશ દલાલ,ધુમકેતુ.પન્નાલાલ પટેલ,વજુ કોટક.જયંતખત્રી,તે પાછળ સોળ સીડી મુકેલી હતી તે વિશાખા જોતી હતી તો ગૌરાંગે કહ્યું
‘આ બધી રાગની સીડી છે’
‘આ બધી પર રાગના નામ અને સમય લખેલા છે એટલે?’
‘એક દિવસના ત્રણ ત્રણ કલાકના આઠ પ્રહર સવારના છ વાગ્યાથી બીજા દિવસના સવારના છ વાગ્યા સુધી ગણાય.એ દરેક પ્રહરની દોઢ દોઢ કલાકની બે સીડી છે. એના પર લખેલા સમય અનુસાર વગાડો તો તમને આનંદની અનુભૂતિ થાય અને થાય કે ભલે વાગતી,’
‘ને આ બધી કોમેડી ફિલ્મની જ સીડી છે.અંગૂર. પ્યાર કિયેજા, ગોલમાલ. ચિતચોર, ચુપકે ચુપકે,છોટીસી બાત આજની કોઇ નવી ફિલમની નથી?’
‘હવે આજની ફિલ્મમાં હોય છે શું?મારામારી ને ખૂન ફડિયલ જેવો નાયક આઠ આઠ મવાલીઓને ધીબી નાખે એ મને ગમતી નથી’
‘હા એ સાચું છે મવાલી નાયકની મા,બહેન કે તેની પ્રેમિકાને હેરાન કરે અને નાયક વિફરે અને પેલાની ધોલાઇ કરે એમજને?’
‘ત્યારે બીજુ શું?’
‘તો જોકસની પણ સીડી હશે’
‘હા એક શહાબુદીન રાઠોડની રાખી છે બાકી તો આપણને ગદબદિયા કરી હસાવતા હોય એવા છે જે નથી રાખી.હા સાત સીડી મરાઠીના ખ્યાતનામ કલાકાર દેશપાંડેની છે પણ એ તારા શી કામની મરાઠી તો તને સમજાય નહી બરાબર?’
‘હું મરાઠી જાણું છું’વિશાખાએ કહ્યું તો ગૌરાંગને નવાઇ લાગી
‘તું….. મરાઠી જાણે છે? એ વળી તું ક્યાં શીખી?’
‘મેં કોલેજ મુંબઇમાં મામાના ઘેર રહીને કરી.કોલેજમાં મારી ત્રણ મરાઠી સહેલીઓ હતી તેમના સાથે હિન્દી-મરાઠી મિક્સ ભાષામાં વાત કરતી હતી.શ્રીલેખાએ મારી ભાષા સુધારી તેં હિન્દીમાં આમ કહ્યું તો મરાઠીમાં આમ બોલાય.મને મરાઠી શિખવાડતા એ ગુજરાતી શીખી ગઇ એ બોલતી હોય તો કોઇ એમ ન કહી શકે કે આ મરાઠણ હશે’
‘ઓહો!! તો ટીચર સારી હતી એમને?’
‘હા’
‘તો એમ કર દેશપાંડેની એક સીડી લઇ જા સાંભળજે તને મજા આવશે’
હેમકુંવર રૂમ બહાર ઊભી રહી બધું સાંભળતી હતી.બંને જુવાનિયા એકલા હતા પણ અધિરાઇ.આછલકાઇ કે એક બીજાને આશ્લેષમાં લેવું એવું કશું પણ ન થયું. હેમકુંવરે બહારથી સાદ પાડ્યો
‘હવે કોફી ત્યાં લાવું કે અહીં…..’
હેમકુંવર આગળ કશું કહે તે પહેલા બંને રૂમની બહાર આવ્યા અને કોફીના મગ ઉપાડયા.કોફી પીને ગૌરાંગ પોતાના રૂમમાં જતો રહ્યો અને વિશાખા ખાલી મગ લઇ રસોડા તરફ વળી તો હેમકુંવર એના પાછળ જઇ પુછ્યું
‘આ મારો નંગ તને ગમે છે?’તો વિશાખાએ હેમકુંવર તરફ જોયું
‘આ શું છે કે પુછી લેવું સારૂં પછી છોકરા-છોકરીના માવતર તૈયારીમાં પડે અને ખરે ટાંકણે બંને કહે અમે તો ખાલી….ઓલ્યું અગ્રેજીમા શું કહે છે…? હાં વી આર જસ્ટ ફ્રેન્ડ.હવે તું હા પાડે તો અમુભાઇને વાત કરૂં….કરૂં?’વિશાખાએ માથું હલાવી હા પાડીને ગૌરાંગના રૂમમાં જતી રહી.(ક્રમશ)
સાંજે કીડિયારો પુરવામાં ત્રણેય સહેલીઓ ભેગી થઇ ત્યારે હેમકુંવરે વિશાખા અને ગૌરાંગની બધી વાત કરી તો બંને સખીઓ રાજી થઇ.
‘તો કાલે આપણે અમુભાઇ પાસે માંગુ નાખવા જઇએ’હેમકુંવરે કહ્યું
‘અમારામાંથી એક સાથે ચાલે તીન તિગડમ્ કામ બિગડમ્’ગોદાવરીએ કહ્યું
‘એમ ત્રગાઠિયો ક્યાં કરવો છે ચોથી ઓલી કંકુડી છે ને એને ઘેર બોલાવીને બધી વાત કરૂં છું અર્ધા કલાકમાં એનું કંઇ ખાટું મોળું નથી થવાનું’હેમકુવરે કહ્યું
કંકુ હમકુંવરની પડોસણ હતી.આમ તો એ પણ ગોદાવરી અને કૌસલ્યા જેમ બધીની સહેલી હતી પણ એને બે પોત્રા અને એક પોત્રી સાચવવાની જંજાડ હતી.તે ઉપરાંત તેની પુત્ર વધુ બે દિવસ સાજી તો ચાર દિવસ માંદી રહેતી હતી.પુત્ર વધુ બિચારી હંમેશા રડીને કહેતી
‘બા…મારે તમારી સેવા કરવી જોઇએ તે કરતી નથી ઉલટાનું હું અભાગણી તમારી પાસે સેવા કરાવીને પાપના પોટલા બાંધુ છું’
‘હોય દીકરી વિધાતાએ મારા કરમ જ એવા લખ્યા છે તેમાં તારો શો દોષ?’
‘કંકુ જરા ઘેર આવજેતો તારા જેવું કામ છે’હેમકુંવરે ઝરૂખે ઊભી સાદ પાડ્યો.
કંકુ હેમકુંવરના ઘેર ગઇ તો એને ચ્હા પિવડાવીને હેમકુંવરે ગૌરાંગ અને વિશાખાની બધી વાત કરી કહ્યું
‘કાલે અમુ અમદાવદી પાસે વિશાખાના હાથનું માંગુ નાખવા જવું છે તો ગોધી ને કોસી ભેગી તું પણ ચાલજે.’
બીજા દિવસે નક્કી થયા મુજબ નવ વાગે ચારેય સાહેલીઓ અમુ અમદાવાદીને મળવા ગઇ.ઘરના બારણા ખુલ્લા હતા અને અમુ બારણા સામે જ મુકેલા સોફા પર બેસી છાપું વાંચતો હતો.કૌસલ્યાએ બેલ વગાડી તો છાપામાંથી ઉચું જોયા વગર અમુએ કહ્યું
‘બારણા ખુલ્લા છે’સાંભળી ચારેય સહેલીઓ મલકી તો ગોદાવરીએ ફરી બેલ વગાડી
‘અરે….બારણા…ખુલ્લા….’કહેતા અમુએ ઉચું જોઇ કહ્યું ‘ઓહો…આવો…આવો’
‘બારણા ખુલ્લા છે એ અમે પણ જોયું અને સાંભળ્યું પણ કોઇ કહે નહીં આવો તો કેમ અવાય?’મલકીને કંકુએ કહ્યું
‘હેં…હા…હા આવો આવો બેસો’હસીને અમુએ કહ્યું પછી રસોડા તરફ જોઇ સાદ પાડ્યો ‘એ…સાંભળો છો વિશાખાની મા મહેમાન આવ્યા છે’
‘મેં કંકુબેનનો અવાઝ સાંભળ્યો’કહી સુંદર રસોડામાંથી બહાર આવી બધા તરફ જોઇ ને કહ્યું’જયશ્રી કૃષ્ણ’
‘જયશ્રી કૃષ્ણ’
‘તે શું મારા અહોભાગ કે તમને ચારેયને આજે ફૂરસદ મળી ગઇ?’બધાને પાણી આપતા સુંદરે પુછ્યું
‘હા..આતો શું છે કે યોગાશ્રમમાં કથા ચાલતી હતી એટલે નીકળાયું નહીં આજે થયું ઘણા દિવસથી સુંદરબેનને મળ્યા નથી તો ચાલો મળી આવીએ’કંકુએ બધા વતી
જવાબ આપતા કહ્યું
‘સારૂં એમ તો એમ આવ્યા તો ખરા’ખાલી ગ્લાસ ઉપાડતા સુંદરે કહ્યું
ઘરની બેલ વાગી ત્યારે વિશાખા રસોડામાં હતી.એણે જટપટ ચ્હા-કોફી બનાવી અને ચ્હા ઉકળતી હતી એ દરમ્યાન બધા માટે નાસ્તો કાઢ્યો એ જોઇ સુંદર ખુશ થઇ ગઇ. એક ટ્રેમાં ચ્હા-કોફીના કપ અને નાસ્તાની પ્લેટ મુકી વિશાખા રસોડાના બારણા પાસે ઊભી રહી.
‘આમ ખોડાઇને શું ઊભી છો જા બહાર આપી આવ’સુંદરે વિશાખાના ખભે ધબ્બો મારતા કહ્યું
વિશાખા નાસ્તાની ટ્રે મુકી રસોડામાં જતી રહી તો અમુએ ટ્રેમાંથી બધા સામે ચ્હા-કોફીના કપ અને નાસ્તાની પ્લેટો સરકાવતા કહ્યું’નાસ્તો કરો’
નાસ્તા-પાણી થઇ ગયા તો કંકુએ વાત કરવાની શરૂઆત કરી
‘આ હેમકુંવરનો નંગ તમારી દીકરીને લઇ ફરે છે જો તમે રજા આપો તો……
‘આપી આપી આજથી નહીં આ ઘડીથી તમને આપી’કંકુની વાત વચ્ચેથી જીલતા અમુએ હસીને કહ્યું પછી સુંદર સામે જોયું તો સુંદરે માથું હલાવી હામી ભરી.
‘ઊભા રહો હમણાં જ બધાનું ગળ્યું મોઢું કરાવું…અરે વિશાખા ઓલ્યો ગુલાબપાકનો ડબરો લાવજે તો’અમુએ કહ્યું
ગુલાબપાકના ડબરામાંથી અમુ,સાકર અને ચારેય સહેલીઓએ અરસ પરસ બટકા ખવડાવ્યા,અમુ વિશાખાની કુંડલી લઇ આવ્યો તે હેમકુંવરને આપતા કહ્યું
’તમે તમારી રીતે જોડા-મેળ અને મુહર્ત જોવડાવી લેજો અને મને જણાવજો હું તમારા ફોનની રાહ જોઇશ’
ચારેય સહેલીઓએ સુંદર સાથે થોડી અલક મલકની વાતો કરી ખુશ થતી વિદાય થઇ. હેમકુંવરે ઘેર આવી ગૌરાંગની કુંડલી લઇને મગન મહારાજ પાસે ગઇ અને બંને કુંડલીઓ સોંપતા કહ્યું‘હું કાલે આવીશ ત્યાં સુધી તમે તમારી ફુરસદે જોડા-મેડ અને લગ્નનું મુહર્ત જોઇ રાખજો.’(ક્રમશ)
Filed under: Stories | Leave a comment »