હેમકુંવર

MALA

હેમકુંવર

         આજે રવિવાર હતો.ગૌરાંગે બાઇક બારે કાઢી કિક મારી તેનો અવાઝ સાંભળી હેમકુંવર ઝરૂખામાં ઊભી રહી પુછ્યું

‘એલા…કઇ બાજુ જાય છે?’

‘આજે શશાંકનો બર્થ-ડે છે તો તેના માટે પ્રેઝન્ટ લેવા જાઉ છું કેમ શું કામ હતું?’

‘ઓલ્યા કેશુમોદીની દુકાને જઇ પુછજે રાશન મોકલવાનું મુહર્ત કયારે છે?’

‘રાશનનું વળી મુહર્ત?’  

‘નહીંતર શું? કાલે લખાવ્યું ત્યારે મને કહ્યું બેન તમે ઘેર પહોંચો તમારી પાછળ જ

 મારો માણસ આવે છે અને માલ પહોંચાડી જાય છે તે મુવો હજી આવે છે.પાછી ખાટલે મોટી ખોટ આજે ઓસામણ બનાવવું છે પણ તે માટે જોઇતી તુવેરદાળ કયા?

‘ભલે કહું છું’કહી ગૌરાંગ રવાનો થયો હજી ગલીના વણાંક ઉપર જ હતો ત્યારે તેને કેશુ મોદીનો માણસ સાઇકલ પર આવતો દેખાયો.

‘ચાલો આ ધક્કો તો બચ્યો’ગૌરાંગ ગણગણયો.

           હેમકુંવર પરણીને આ ઘરમાં આવી તેથી પહેલા આ ઘરમાં રવિવારે ફૂલકા,કઠણ દાળ,શાક,ભાત ને ઓસામણ રંધાય એવો નિયમ આજ દિવસ સુધી અકબંધ હતો. ગૌરાંગ મોટી બજારમાંની એક પુસ્તક વિક્રેતાની દુકાન પાસે બાઇક ઊભી રાખી ને અંદર દાખલ થયો.સેલ્ફ પર મુકેલા પુસ્તકો પર નજર ફેરવતા તેની નજર ‘મુનસી પ્રેમચંદકી કહાનિયાં’પર પડી તે ઉપાડવા હજી ત આંગળી આગળ કરે તે પહેલા એક બંગડિયો વાળો હાથે તે ઉપાડી લીધી.ગૌરાંગે પેલી યુવતી સામે જોયું તો એ મલકી.હશે ચાલો મનમાં કહી ગૌરાંગ આગળ ચાલ્યો ત્યાં તેની નજર ‘શરદ જોશીકી કહાનિયાં’પર પડી આ ઠીક રહેશે વિચારી એ ઉપાડવા જાય ત્યાં એ પણ પેલી યુવતીએ ઉપાડી લીધી તો ગૌરાંગે પુછ્યું

‘આ બંને પુસ્તકો તમને જોઇએ છે?’

‘હા…કેમ?’

‘આ…તો મારે મારા મિત્રને એક પુસ્તક પ્રેજન્ટ આપવું હતું એટલે પુછું છું’

     પેલી યુવતીએ બંને પુસ્તકો બંને હાથમાં પકડી એક નજર બંને પર ફેરવતા કહ્યું

‘એમ કરો ‘મુનશી પ્રેમચંદ હું રાખું છું તમે ‘શરદ જોશી’રાખો કહી એ પુસ્તક ગૌરાંગને આપ્યું.બંને કેશ કાઉન્ટર પર આવ્યા.દુકાનદાર ગૌરાંગને પુસ્તકની કિંમત જણાવે એ પહેલા ગૌરાંગે ’એક મિનીટ’કહી દુકાન બહાર આવ્યો અને બાઇકના ખાનામાંથી

એક કવર લઇ આવ્યો તે પુસ્તક પર મુકી કહ્યું’પ્લીઝ આને ગિફ્ટ-પેક કરી આપો’

               દુકાનદારે ગિફ્ટ-પેક કરી તેના પર એક સ્ટિકર ચોડી આપ્યું જેના પર ગૌરાંગે લખ્યું શશાંક સોમપુરાને ગૌરાંગ દવે તરફથી સપ્રેમ ભેટ વાંચી યુવતીએ કહ્યું

‘ગૌરાંગ દવે…હું વિશાખા જોશી’કહેતા હાથ લાંબો કર્યો બંને હસ્તધુનન કરી મલક્યા અને સાથે જ દુકાનમાંથી બહાર આવી પોતાની બાઇક તરફ વળ્યા અને ચાલુ કરી ઉત્તર-દક્ષિણ ચાલ્યા ગયા.

                  હેમકુંવર અને ગૌરાંગ સિવાય ઘરમાં અન્ય કોઇ સભ્ય ન હતું.એક બાઇ ઘરની સાફ સફાઇ અને વાસણ ઉટકી જતી હતી.કપડા વોશિન્ગ-મશીનમાં ધોવાતા હતા.મા-દીકરાની રસોઇ ને સિવાય હેમકુંવરને ફુરસદ જ ફુરસદ જ હતી.તેવી જ એની બે સહેલીઓ ગોધી(ગોદાવરી) અને કોસી(કૌસલ્યા).ગોદાવરીની બે સમજુ દીકરા    

વહુ ગોદાવરીને કંઇ કરતા કંઇ કરવા ન આપે તો કૌસલ્યાની એક દીકરા વહુ,એક કુંવારો દીકરો અને એક કુંવારી દીકરી એને કશું કરવા ન આપતા. ત્રણે સહેલિયો

સવારના નવ થી અગ્યાર ગૌ-સેવા આશ્રમમાં કથા સાંભળવા જતી હતી.સાંજે પાંચ વાગે એક વડના ઝાડ પાસે કીડિયારો પુરી બીજી છ સાત સ્ત્રીઓ આવતી હતી તેના સાથે બેસીને ભજન કરતી હતી.

              વિશાખા ને ગૌરાંગ અલપ ઝલપ મળી જાય ત્યારે બંને પોતાની બાઇક પર લોંગ ડ્રાઇવ પર જતા અને રસ્તામાં આવતી મઢુલી જેવી હોટલમાં કોફી પીતા અને વાતો કરતા હતા.

           પુરૂષોત્તમ મહિનો બેઠો તે પહેલા ખબર પડી કે,યોગાશ્રમવાળાએ ગાંડલથી નંદકિશોર મહારાજને ખાસ બોલાવ્યા છે એ વિષ્ણુપુરાણ વાંચવાના છે એ જાણી ત્રણે સહેલીઓ આનંદિત થઇ.પુરૂષોત્તમ મહિનામાં રોજ સવારે અંધારામાં ત્રણે સહેલીઓ દરિયામાં સ્નાન કરવા જતી હતી.સ્નાન બાદ ત્યાં બેસતી એક ગોરાણી પાસે બેસી પુરૂષોત્તમ માસની વાર્તાઓ સાંભળી દક્ષિણા આપી ઘેર આવતી.નવથી અગ્યાર વિષ્ણુપુરાણ સાંભળવા જતી.હેમકુંવર સાથે કપાસ લાવતી તેમાંથી ત્રણેય વાટો બનાવતી અને કથા સાંભળતી.

‘તારો દીકરો કોઇક છોકરીને સાથે ફેરવે છે’એક દિવસે સાકરે આવીને હેમકુંવરને કહ્યું

‘હોય જુવાનિયા સાથે ફરે તેથી શું?’હેમકુંવરે સાકરની વાતને મહત્વ ન આપ્યું

‘હું ગૌરાંગને કહીશ હવે સાકરને બાઇક પર ફેરવે’ગોદાવરીએ કહ્યું

‘ગૌરાંગની બાઇક પર પાછળ સાકર બેઠી હોય તો કેવી લાગે હેં હેમુ?’કૌસલ્યાએ પુછ્યું તો ગોદાવરીએ વાત સાંધતા કહ્યું

‘તું ઓલી જીન્સની પેન્ટ અને ટી-શર્ટ પહેરીને બેસજે હં કે?’પછી ત્રણેય હસી

‘ગોધી વાયડી ન થા’કહી સાકર જતી રહી.

      બે દિવસ પછી સાકર એ ત્રણેય સહેલીઓ પાસે આવી

‘પેલી છોડી અમુ અમદાવાદીની છે’સાકરે કહ્યું.

‘એમ…? હશે…’હેમકુંવરે ફરી વાતને મહત્વ ન આપ્યું

‘તારા પેટનું તો પાણી પણ નથી હાલતું અમદાવાદીનો ભરોસો ન થાય ઓલી કહેવત છે અમદાવાદી હરામજાદી’સાકરે મ્હોં મચકોડીને કહ્યું

‘અરરર…કોક અમદાવદી માટે બધા અમદાવદીને ગાળ ન અપાય મારી મા’હેમકુંવરે સાકરને વારતા કહ્યું

‘અમુ અમદાવાદીની દીકરી તો વિશાખા’ગોદાવરીએ કહ્યું

‘તું ઓળખે છે…?’હેમકુંવરે પુછ્યું

‘હા…એ મારા નાની દીકરા વહુની સહેલી થાય બંને એક જ સ્કૂલમાં ભણતી હતી.મારી દીકરા વહુ દશમીમાં હતી ત્યારે વિશાખા બારમીમાં હતી.બારમી પછી વિશાખા મુંબઇ ભણવા જતી રહી.છોડી તો બહુજ સાણી,સમજુ અને રૂપાળી છે’ગોદાવરીએ કહ્યું

‘એમ તો કારેલા પણ ડીઠે રૂપાળા લાગે પણ કોઇ ખાય નહી’સાકરે કહ્યું

‘સાકરી તું પણ કંઇ ઓછી રૂપાળી નથી’સાકરના પીઠમાં ધબ્બો મારતા કૌસલ્યાએ કહ્યું તો સાકરની કમાન છટકી

‘એટલે હું કારેલો એમને?’

‘અમે નથી કહેતા તું કહે છે’ગોદાવરીએ કહ્યું

‘સાકર તું કથા સાંભળવા આવે છે કે ગામની કથા સંભળાવવા આવે છે?’આટલી વારથી ચુપ બેઠેલી હેમકુંવરે પુછ્યું

‘તમારા સાથે વાત કરવાનો કશો અર્થ નથી’કહી સાકર મ્હોં મચકોડી જતી રહી.

‘આ સાકર ગૌરાંગની આટલી બધી ફિકર કેમ કરે છે?’હેમકુંવરે પુછ્યું

‘અરે…!! સાકરની એક દીકરી છે…નયના…એના પગમાં પદમ છે,મોટી ચક્કર ચલી છે’કોસલ્યાએ કહ્યું

‘એટલે…?’હેમકુંવરે પુછ્યું

‘નયનાની સગાઇ એક મોટા કુટુંબમાં થઇ હતી.છોકરો કેવો સીધો સાદો અને સમજુ હતો અને ઘર પણ ખાનદાન પણ નયના જેનું નામ એ કોઇ બીજા સાથે રખડતી હતી.નયનાના સાસરા પક્ષમાં આ વાતની ખબર પડી એટલે સગાઇ તોડી નાખી. સાકરે પણ રૂબાબથી કપડા દાગિના અને સગાઇની વીંટી એમ કહીને પાછી આપી દીધી કે,તમે સગાઇ તોડી નાખી તેથી મારી દીકરી કંઇ કુંવારી નહીં રહી જાય એના માટે એક કરતા એકવીસ મળી રહેશે.વાત ગામમાં ફેલાઇ ગઇ અને હવે નયનાને કોઇ ઉપાડતું નથી અને સૌથી મોટી વાત જેના સાથે રખડતી હતી તેના પણ લગ્ન થઇ ગયા.’કૌસલ્યાએ કહ્યું તો હેમકુંવર હસી

‘રખે એ ગૌરાંગને ભટકાડવાનું ષડયંત્ર રચે છે’ગોદાવરીએ કહ્યું

‘મને પણ એમ જ લાગે છે’કૌસલ્યાએ કહ્યું

‘મુળ તો દુઃખે છે પેટ અને કુટે છે માથું’ગોદાવરીએ કહ્યું

‘મુકો ખોટી પંચાત કથા સાંભળો’હેમકુંવરે કહ્યું

            એક દિવસ વિશાખાની બાઇક બગડી ગઇ એટલે એ ગૌરાંગની બાઇક પર જીન્સની પેન્ટ ટી-શર્ટ અને સ્કાર્ફથી બાંધેલા ખુલ્લા વાળ સાથે ગૌરાંગને ખભે હાથ રાખી બેઠી હતી તે દૂરથી હેમકુંવરે જોયું તો એ એક દુકાનમાં સરકી ગઇ.બાઇક

દુકાન પાસેથી પસાર થઇ ત્યારે હેમકુંવરે વિશાખાને બરોબર જોઇ.બપોરે ગૌરાંગ ઘેર આવ્યા જમ્યા બાદ મા-દીકરો સામ સામે સોફા પર બેઠા

‘એલા…જે છોડીને સાથે ફેરવે છે એને એક દિવસ ઘેર લઇ આવ’હેમકુંવરે કહ્યું

‘કઇ છોડી મમ્મી…?’અજાણ થવાના ડોળ સાથે ગૌરાંગે પુછ્યું

‘કેટલિકને ફેરવે છે…? હજી બીજી બે-ચાર છે કે?’હેમકુંવરે આંખ જીણી કરીને પુછ્યું

‘શું વાત કરે છે મમ્મી હવે એક જ તો છે’ગૌરાંગે અવઢવમાં અટવાઇને કહ્યું

‘તો એ એકને ઘેર લઇ આવ તો હું પણ જોઉ’(ક્રમશ)