રૂપ-અરૂપ (૨)

heart

 

રૂપ-અરૂપ (૨)

(ગઇ પોસ્ટથી આગળ)

                    વિભાના વેવિશાળ થઇ ગયા પણ લગ્ન ત્રણ મહિના પછી થશે કારણ કે, વિભાના સસરાએ નવદંપતિ માટે બૂક કરેલ ગાડીની ડિલેવરી ત્રણ માસ પછી મળશે તેમની ઇચ્છા છે કે,વિભા એ નવી ગાડીમાં બેસીને સાસરે આવે.વિભાના વેવિશાળના અને ત્રણ મહિના પછી લગ્નના વિગતવાર સમાચાર અમેરિકા અને લંડન અપાયા. સૌમિલે હવે તે ભારત આવી શકે એમ નથી અને કપિલ વિભાને પરણાવે એવો આગ્રહ કર્યો.

‘આ સૌમિલ અને કપિલ તો વિદેશ જઇ બેઠા દીકરાની બરોબરી કરી શકે એવી વિભા પણ ત્રણ મહિના પછી પોતાના ઘેર જશે તો જો તું હા પાડતી હો તો બંટીને દુકાન પર કામ કરવા મોકલું જેથી વિભા ગયા પછી એ સંભાળી લે?’એક દિવસ સવારના આવીને રસિલાએ પુછ્યું

‘હા મોકલાવજે ભલે આવતો’ખુશ થઇ રમિલાએ કહ્યું

         તે દિવસથી બંટી રમિલા સાથે દુકાન પર બેસવા લાગ્યો.મહિના આખરમાં વેંચાણનો હિસાબ કરતા થોડી ઓછી આવકની જાણ થઇ.એક વખત વાત વાતમાં રમણિકલાલે રમિલાને કહેલું આપણી દુકાનના વાણોતર લવો(લવજી) અને પધો (પદમશીં) બંને સાચા બોલા,કાર્ય કુશળ અને પ્રમાણિક છે.હું સૌમિલ કે કપિલ પર અવિશ્વાસ કરી શકું પણ એમના પર નહીં માટે એમનું મન દુભાય એવું કદી ન કરતી.

        રમિલાને શંકા ગઇ કે રખે બંટી કશી હેરા-ફેરી કરતો હશે.બંટી બપોરે જમવા ગયો ત્યારે રમિલાએ પોતાની શંકા વિભાને જણાવી અને બંટી પર નજર રાખવા જણાવ્યું.એક દિવસ મોટા બીલની રકમ ૨૫૦૦ હજારમાંથી ૨૦૦ રૂપિયા ગોઠણ નીચે સંતાડીને બાકીના પૈસા ગલ્લામાં નાખતા વિભા જોઇ ગઇ અને રમિલાને ઇશારો કર્યો. બંટી કોઇ જોતું નથી એમ માની પૈસા ગજવામાં મુકવા જાય તે હાથ રમિલાએ પક્ડીને પૈસા જુટવી લીધા અને કોલરમાં પકડી ઊભો કરી બે થપ્પડ મારી ત્રાડ પાડી ‘મુવા નપાવટ  દુકાનમાં ચોરી કરે છે? સગો ભાણિયાને દીકરો સમજી દુકાન પર બેસાડ્યો તેનો તેં આ બદલો આપ્યો?નીચે ઉતર મુવા નાલાયક નીચે ઉતર હવે બીજી વાર દુકાન પર આવ્યો છો તો ટાંટિયા ભાંગી પોલીસને હવાલે કરીશ.’

‘માશી માફ કરો ભુલ થઇ ગઇ બીજી વાર નહીં કરૂં મારી મમ્મીને કશું ન કહેતા’બંટી હાથ જોડી કરગર્યો

‘વિભા પોલીસને બોલાવ આ એમ નહીં માને’રમિલા ગુસ્સાથી દાંત ભીંસી કહ્યું તો બંટી તરત જ ત્યાંથી ઊભી પુછડિયે નાઠો.દોઢ માસ પછી બંટી અચાનક ગાયબ થઇ ગયો.વેણીલાલે ઘણી તપાસ કરી પણ એ ક્યાં ગયો કોઇ જાણતું ન હતું.

                        વિભાના લગ્નના દિવસથી એક અઠવાડિયા પહેલા કપિલને વિભાને પરણાવવા આવી જવા ફોન કર્યો,પણ કપિલે કહ્યું પપ્પા હોસ્પિટલમાં છે અને મારાથી અવાય એમ નથી પણ હું પૈસા ટ્રાન્સફર કરૂં છું લગ્ન અને કરિયાવર ધામધુમથી કરજો.આખર નિઃસંતાન મામા-મામીએ વિભાનું કન્યાદાન કર્યું.ભાઇનો ફેરો ફેરવવા હાજર હોત તો બંટીને બેસાડવાની વાત આવી ત્યારે વિભાએ રમિલાના કાનમાં કહ્યું ‘એ ચોર મારો ભાઇ ન હોઇ શકે સારૂં છે કે હાજર નથી માટે ચંદુને બેસાડો.’આ ફેરફાર કેમ થયો એની અસમજમાં અટવાયેલા તલક્શીંએ રસમ પુરી કરી.વિભા ભારે હ્રદયે સાસરે વિદાય થઇ એ પછી રમિલાને પોતાના મનમાં ચાલતી ગડમથલ પુછી ત્યારે કોઇને વાત ન કરવાની શરતે રમિલાએ બધો ખુલાસો કર્યો.

              ચંદુએ ભાઇ તરિકે વિભાને સોનાનો સેટ આપેલો તે માટે રમિલાએ પુછ્યું ‘એલા ચંદુડા તારી પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી?’

‘મને લાગે છે કે,હવે તમને બધી વાત કરવાનો સમય પાકી ગયો છે.’કહી ચંદુ હસ્યો

‘મતલબ….?’રમિલાએ આંખ જીણી કરી કાન સરવા કરતા પુછ્યું

‘માશી તમને મારા પર ભરોસો છે ને? તો મારી વાત ધ્યાનથી સાંભળજો અને આ વાતો તમે કોઇને પણ નહીં કરો એ શરતે કહું…કહું?’

‘હવે વાતમાં ગાડા ભરી મોણ નાખ્યા વગર ને શરતોની જલેબી પાડ્યા વગર જે કહેવું હોય તે સીધું સટ કહી દેને….વાત આપણા વચ્ચે જ રહેશે બસ?’

‘તો જુઓ આ છે બંટી…’કહી પોતાના મોબાઇલ પર એક છબી બતાડી.

‘અરે!!! આ તો…….’અવાક રમિલા આગળ કશું કહે તે પહેલા ચંદુએ કહ્યું

‘કિન્નર છે…’ આ કેમ થયું એ પ્રશ્ન રમિલાની આંખમાં વાંચતા ચંદુએ કહ્યું

‘તમારી દુકાનના વકરામાંથી હેરાફેરી કરતો બંટી જુગારની અને દારૂની લતે ચઢી ગયેલો.તમે દુકાનમાંથી હાંકી કાઢ્યો પછી છાયા નામની એક એકલી રહેતી અને એર હોસ્ટેસનું કામ કરતી યુવતી એના પર મોહાઇ ગઇ અને બંટી એને રમાડતો હતો અને પૈસા પડાવતો હતો.બે દિવસ બંટી એના ઘેર ન ગયો એટલે રાત્રે દારૂ પીવા એ ક્યાં જશે એની એને ખબર હતી એટલે બંટીને શોધતી એ ત્યાં ગઇ.દારૂના નશામાં ધુત બંટીને તેના સાગરિતે પુછયું

‘કેમ આજે છાયા મેડમ તારી સાથે નથી?’

‘હું શું એની સાડીના પાલવમાં બંધાયેલો છું એ મારી સાથે બંધાયેલી છે.આ બંટીની કાયાની માયા જ એવી છે કે,ભલ ભલી છાયા એ માયામાં લપેટાઇ જાય.’

‘છાયા તો તારી પ્રેમિકા છે ને?’

‘પ્રેમિકા….?…..સાથે ફરે એટલે પ્રેમિકા થઇ ગઇ? અરે!!! એ તો સોનાના ઇંડા આપતી મરઘી છે….મરઘી’કહી બંટીએ અટ્ટહાસ્ય કર્યું

         આ બધું જોઇ સાંભળી છાયા દાંત ભીસીને ત્યાંથી જતી રહી.બે દિવસ પછી પુનમની રાત હતી ત્યારે છાયા એક સુના બીચ પર ચાંદનીરાતમાં મને મન ભરીને પ્રેમ કરજે કહી લઇ ગઇ તે પહેલા બંટીને ચિક્કાર દારૂ પિવડાવેલો અને બીચ પર નિઃવસ્ત્ર બંને પ્રેમ ક્રીડા આદરી અને એકાએક અંબોડામાં છુપાવેલ ધારદાર અસ્ત્રાથી જે કાયાનું બંટીને ગુમાન હતું તે કાપીને દરિયામાં ફેંકીને છાયા ભાગી જઇ એક ફોન કર્યો અને કિન્નરો બંટીને ઉપાડી ગયા.’

‘પણ તને આ બધી ખબર…. જાવા દે’રમિલાએ કહ્યું

‘અને હા એક બીજી ખાસ વાત વિભાબેનને લગ્નમાં જે સેટ મેં આપ્યો એ મારા પૈસાનો ક્યાં હતો?’

‘તો…..?’

‘એ છબિલે મોકલાવેલો’

‘એનો મતલબ છબિલ ક્યાં છે એ તું જાણે છે?’

‘હા છબિલ અહીંથી ગયો ત્યારથી અત્યાર સુધી બધું જ’પોપચા ઢાળી એક નિઃશ્વાસ નાખતા ચંદુએ કહ્યું.

‘તેં મને પહેલા કેમ ન કહ્યું?’

‘અહીંથી જતા છબિલે મને સોગંદ આપેલા….’

‘તો હવે વાત ખુલી છે તે મને કહે આ બધું શું છે?’

‘રસિલા માશી અહીં રહેવા આવ્યા ત્યાર પછી એક અઠવાડિયા બાદ બંટી તમારી અગાસીમાં છબિલની બાજુમાં સુવા આવવા લાગ્યો હતો.શરૂઆતમાં એ છબિલની બાજુમાં સુતો હતો પછી પોતાની ચાદર છબિલને ઓઢાળીને છબિલને પાછળથી ભીંસીને સુવા લાગ્યો.છબિલે એનો કશો વિરોધ ન કર્યો એટલે એ છબિલની નીકર ઉતારી તેની કાયા સાથે અડપલા કરવા લાગ્યો. છબિલે વિરોધ કર્યો બંટી આ શું કરે છે? ગદબદિયા થાય છે પણ બંટી આગળ વધી છબિલના મ્હોં દબાવીને તેની સાથે કોકર્મ કરવા લાગ્યો. પાંચ છ વખત આમ થયું છેવટ છબિલે સૌમિલ અને કપિલ વચ્ચે સુવા લાગ્યો.’

‘એટલે આ બંટી પહેલાથી જ નપાવટ હતો એમને?

‘હા…એક સાંજે સૌમિલ તો દુકાને હતો કપિલ મિત્રો સાથે બહાર ગયો હતો તમે અને વિભા બજાર ગયા હતા છબિલ ઘરમાં એકલો છે એ જાણતા બંટી પોતાની આગાસીમાંથી તમારી આગાસીમાં થઇ તમારા ઘરમાં આવ્યો અને છબિલના બંને હાથ બાંધી મ્હોંમાં રૂમાલનો ડુચો ભરાવીને પોતાની મનમાની કરી. જ્યારે બંટીએ છબિલના હાથ છોડ્યા ત્યારે ખિજાયેલા છબિલે પોતાની પુરી તાકાતથી બંટીના બે પગ વચ્ચે જોરદાર લાત મારી તેથી બંટીને તમ્મર આવી ગયા અને લથડીને પાણીયારાના ઓટલા સાથે ભટકાતા માથામાં સખત વાગ્યું અને લોહીની ધારા વહી એ જોઇ છબિલ હેબતાઇને ઘરમાંથી ભાગ્યો.’

‘હા હું ને વિભા ઘેર આવ્યા ત્યારે એ હજુ બેભાન હતો. ભાનમાં આવતા મેં પુછ્યું પણ હતું કે,છબિલ ક્યાં? તો એ નપાવટ બોલ્યો તેને રમવા બોલાવવા જ હું આવ્યો હતો પાણી પીવા જતા અડબડિયું ખાઇ ગયો ને માથામાં લાગતા એ બેભાન થઇ ગયો મુવો જુઠા બોલો પણ પછી….’

‘ભાગતો છબિલ મને મળી ગયો ને બધી વાત કરી એને એક જ બીક હતી બંટીને કંઇ થઇ જશે તો તેને પોલીસ પકડી જશે.’

‘તેં મને કેમ વાત ન કરી?’

‘છબિલે મને તમારા સોગંદ આપ્યા હતા કે મારે આ વાત કોઇને ન કરવી’

‘હે ભગવાન આનો મતલબ છબિલનું ભાગવું અને ગુગરિયા બાવાનું ગાયબ થવું યોગાનુયોગ થયું….હા પછી?’

‘ઘેરથી ભાગી છબિલ રેલ્વે સ્ટેશન પર ગયો. પૈસા તો પાસે હતા નહીં એટલે માલગાડીના એક ખાલી વેગનમાં સંતાઇને બેસી ગયો.માલગાડી એક મોટા સ્ટેશન પર ઊભી રહી ત્યારે એ વેગનમાંથી ઉતરતો હતો એ બાળકોના અપહરણ કરી ભીખ મંગાવતા ગુંડાઓની નજરે ચડી ગયો.’

‘ને પકડાઇ ગયો….? છબિલ ભીખ માંગે છે?’

‘ના…તે ત્યાંથી ભાગ્યો અને એક સાધુઓનો સંઘ જતો હતો એમાં ભળી ગયો. તેણે એક સાધુને કહ્યું કેટલાક ગુંડા તેની પાછળ પડ્યા છે તો સાધુને દયા આવી અને પોતાના થેલામાંથી એક ભગવી ચાદર કાઢી છબિલને આપી તે તેણે ઓઢી લીધી તેથી બચી ગયો અને ગુંડા શોધતા રહ્યા’

‘ભગવાન એ સાધુને તેની મનોકામના પુરી કરવાની શક્તિ આપે…પછી?’

‘સંઘ જ્યાં જયાં ગયો છબિલ સાથે જ રહ્યો.એક દિવસ સંઘનો જયાં ઉતારો હતો ત્યાં રામલીલા થવાની હતી છબિલ એ જોવા ગયો.સીતાનો વેષ પહેરનાર સંચાલક સાથે પૈસા બાબત કશી રકઝક કરતો હતો અને પૈસા નહીં મળે તો ચાલ્યા જવાની ધમકી આપી ત્યારે છબિલે સંચાલક્ને પુછ્યું હું સીતાનો વેષ પહેરૂં?સંચાલક તો ખુશ થયો અને છબિલ સીતા થઇ એ રામલીલાના કાફલામાં જોડાઇ ગયો.ત્યાર બાદ એ એક નાટક કંપનીમાં જોડાયો અને નાટક કંપની સાથે ફરવા લાગ્યો.છબિલને મેં વિભાના લગ્નના સમાચાર આપ્યા તો તેણે જ મને આ સેટ આપ્યો’

‘મતલબ છબિલ ક્યાં છે એ તું જાણે છે તો મને તેને મળવા લઇ ચાલ’

‘મળવા તો લઇ જાઉ પણ એક શરતે તમે છબિલને મળવા જાવ છો એ વાત કોઇને કહેશો નહીં’

‘મારી ગેરહાજરીનો શો જવાબ આપવો સૌથી પહેલા તો રસિલા જ પુછશે’

‘તમારે કહેવાનું કે વિભાના લગ્ન રંગેચંગે પુરા થયા તો સોમનાથની કરેલ માનતા પુરી કરવા જાવ છો’

      બે દિવસ બાદ દુકાન વાણોતરોને ભળાવી રમિલા અને ચંદુ સોમનાથની બસમાં બેઠા એકાએક ચંદુની નજર ગનુ ગપોડી પર પડી એટલે સાદ પાડયો

‘એ ગનુભાઇ તે શું સવારના પહોરમાં અહીં?’

‘ઓલ્યો ખરાશંકર આવ્યો હતો તેને અમદાવાદની બસમાં બેસાડવા આવ્યો હતો ને તું…..ઓહ! સોમનાથ જાય છે?’બસનું પાટિયું જોઇ ગનુએ પુછ્યું

‘હા આ વિભાના લગ્ન રંગેચંગે પુરા થયા તો સોમનાથની કરેલ માનતા પુરી કરવા રમિલા માશી સાથે જાઉ છું’

‘હા…આ માનતા પુરી કરવી જોઇએ હો.ભલે મારા માટે પ્રસાદ જરૂર લાવજે ચાલ હું જાઉ ઘેર બજારમાં જવા રાહ જોવાતી હશે’

 ‘હાશ….આ કાગડાના મ્હોંમાં કંકોતરી અપાઇ ગઇ હવે ગામ આખામાં ખબર પડશે કે માનતા પુરી કરવા તમે સોમનાથ ગયા છો’કહી ચંદુ હસ્યો

          શ્રધ્ધાથી સોમનાથના દર્શન કર્યા અને પછી આગળ ચાલ્યા રસ્તામાં જેટલા મંદિર આવ્યા ચંદુ ત્યાં દર્શન માટે રમિલાને લઇ જતો.રમિલાની તાલાવેલી વધવા લાગી એટલે પુછ્યું

‘એલા ચંદુ હજી કેટલેક જવાનું છે?’

‘કંઇ નહીં માશી આગળ એક મઠ છે તેના ગાદીપતિ બહુ ચમત્કારી વ્યક્તિ છે તેમના આશિષ લેતા જઇએ ત્યાં એક બહુચરાજીનું મંદિર છે એ જાગૃક દેવી મનાય છે બસ એના દર્શન કરી લઇએ પછી છબિલ પાસે’

          એ બહુચરાજીના દર્શન કરી મઠમાં દાખલ થયા ત્યાં કુકડાઓને દાણ નાખતી એક વ્યક્તિને ચંદુએ ગાદીપતિને મળવાની વાત કરી તો તેણે કહ્યું કે તમારે પહેલા નાયબ ગાદીપતિને મળવું પડશે એ તમને તેમના પાસે લઇ જશે કહી એક તરફ આંગળી ચીંધી.એ એક આલિશાન રૂમ હતી તેમાં સિહાસન જેવા આસન પર એક જાજરમાન વ્યક્તિ બેઠી હતી.તેની નજીક જતા જ રમિલાએ બે હાથ મ્હોં પર રાખીને સ્ત્રીવેષમાં સોળ શણગાર સજી બેઠેલી વ્યક્તિને જોઇ કહ્યું ‘છબિલ તું…….?’

‘અ…હાં છબિલ નહીં છબિલી મા આ જ મારૂં અસલ રૂપ છે’(સંપૂર્ણ)