રૂપ-અરૂપ

heart

 

રૂપ-અરૂપ’

                રમણિકલાલની મોટી બજારમાં કાપડની દુકાન હતી.બીજી દુકાનો કરતા આ દુકાન જરા ઊંચી હતી એટલે ઊંચી દુકાન તરિકે પણ જાણિતિ હતી.ઓછા નફે બહોળો વેપાર એ સિધ્ધાંતના લીધે સારી ચાલતી હતી.ઘર સંસારમાં પત્નિ રમિલા અને ચાર સંતાનો.સૌથી મોટો સૌમિલ બાર વરસનો,કપીલ દશ વરસનો તે પછી વિભા બે વરસની ને સૌથી નાનો નવજાત છબિલ.

          રમણિકલાલની દુકાનમાં આવેલ નવા માલમાંથી બાળકોના કપડા સિવાતા અને નવી આવેલ સાડી રમિલા પહેરતી આ રમણિકલાલની પોતાના માલની જાહેરાતની ટેકનિક હતી.સ્કૂલથી આવ્યા બાદ જલ્દી હોમવર્ક પૂરૂ કરી સૌમિલ દુકાને મદદમાં આવતો હતો.કપિલ જરા મનમોજી એટલે ક્યારેક દુકાને આવે ક્યારેક નહી. વિભાને મન તો છબિલ રમકડું હતું એ તેનું બહુજ ધ્યાન રાખતી આખો દિવસ ભાઇની આજુ બાજુ મંડરાયા કરતી.ચાલતા શિખેલા છબિલના ઘરના રિવાજ પ્રમાણે બાલ મોવાળા ઉતરેલા નહી એટલે છબિલના જટિયા લાંબા હોતા તેની પોની વાળીને પોતાના જુના ફ્રોક પહેરાવીને લટકા મટકા કરાવી નાચ નચાવતી અને પોતાની સહેલીઓ સાથે રમાડતી.

            સમય જતા બાલ મોવાળા ઉતરાવવાનો સમય આવ્યો ત્યારે છબિલ એક ખુણામાં ભરાઇને બેઠો અને વાળ કપાવવા તૈયાર ન હતો.આખર રમિલાએ તેને એક તદ્‍ન નવું ફ્રોક બતાવીને કહ્યું

‘તું તો મારો ડાહ્યો દીકરો છે ને? તું વાળ કપાવે તો હું તને આ નવું ફ્રોક પહેરવા આપીશ’

       ફ્રોકની લાલચમાં છબિલે મુંડન કરાવ્યું.દર વખતે છોકરાની જેમ હજામત કરાવવા કેટલી લાલચો પછી છબિલ તૈયાર થતો પણ વખત જતા એ જીદ તેણે છોડી દીધી.બાલ મંદિરમાં જવા ચડ્ડી ને ખમીશ પહેરવું તેને ગમતું નહીં પણ ઘેર આવ્યા પછી એ ફ્રોક પહેરીને જ ફરતો.પહેલા ધોરણમાં આવેલ છબિલનું નામ હાઇસ્કૂલમાં નોંધાયું.ત્યાં તેને ઘણા નવા મિત્રો મળ્યા તેમાં એક ખાસ મિત્ર હતો ચંદુ. તેના સાથે અન્ય મિત્રો સાથે રમવાનું ચાલુ કર્યા બાદ છબિલે છોકરીઓ સાથે રમવાનું બંધ કરી દીધું.

        એકવીરા માતા મંદિરના વિશાળ મેદાનમાં થતી ગરબીમાં રમવા એક વખત ચંદુ તેને લઇ ગયો ત્યારથી તેને નોરતાના નવ દિવસ ગરબી શરૂ થાય અને વિખરાય ત્યાં સુધી છબિલ ત્યાં જ રહેતો અને રમતો.એ ગરબીનું બીજુ આકર્ષણ હતું ત્યાં વિવિધ વેશભુષા પહેરીને રમતા છોકરા.ત્યાં વેશભુષા પહેરાવી તૈયાર કરનાર મકરંદભાઇએ મોરપિંછમાંથી ભિલડીનો વેશ તૈયાર કર્યો અને કોને આ વેશ પહેરાવવો તેની ચર્ચા થતી હતી તે દરમ્યાન છબિલ ત્યાં ગયો અને મકરંદને કહ્યું

‘અંકલ મને વેશ પહેરાવશો?’

‘તારે વેશ પહેરવો છે? તો ચાલ તૈયાર થઇ જા’ અને ભિલડીનો તૈયાર થયેલ વેશ છબિલને પહેરાવ્યો અને નવરાત્રીના નવે નવ દિવસ છબિલ એ વેશ પહેરી નાચ્યો. એ નવરાત્રીથી છબિલને વેશ પહેરવાનો નાદ લાગી ગયો.ત્યાર પછી પરીનો, નવરંગમાં સાત માટલા માથે મુકી નાચતી સંધ્યાનો એવા અનેક સ્ત્રી વેશ છબિલને પહેરાવવામાં આવ્યા અને છબિલના લટકા મટકા જોઇ લોકો વારી જતા.

               આઠમા ધોરણમાં છબિલ જયારે આવ્યો ત્યારે તેમની બાજુમાં રહેતા સુંદરલાલે પોતાના નવા બનેલા મકાનમાં રહેવા જવા આ મકાન ખાલી કર્યું.મકાન ખાલી થયાના સમાચાર જાણી રમણિકલાલના સાંઢુભાઇ વેણીલાલ ત્યાં રહેવા આવ્યા, રમિલા પણ બહેન રસિલા બાજુમાં જ રહેવા આવી તે જાણી ખુશ થઇ.વેણીલાલનો છબિલથી ચાર વરસ મોટો દીકરો બંટી(બટુકલાલ) આમ તો અવાર નવાર માશીના ઘેર આવતો અને છબિલને પોતાના સાથે રમવા લઇ જતો.એક દિવસ છબિલ ઘરમાંથી ક્યાં જતો રહ્યો.ઘણી શોધ કર્યા છતાં મળ્યો નહીં.

           સૌમિલ સી.એ. થઇ ગયો એ પછી એક રવિવારના રમણિકલાલના ઘર પાસે એક ટેક્ષી આવીને ઊભી રહી અને તેમાંથી રમણિકલાલનો જુનો મિત્ર મનહર પત્નિ મેનાવતી અને પુત્રી નિલાંબરી ઉતર્યા.

‘રમણિક ઘરમાં છો કે?’બહારથી જ મનહરે બુમ મારી તો સવારનું છાપુ વાંચતા રમણિકલાલ આતો મનહરનો અવાઝ ઓળખતા ‘એ આવ મનહર’ કહેતા બહાર આવ્યા અને એ સાંભળી પોતાના રૂમમાંથી રમિલા પણ બહાર આવી.

‘આવ આવ જયશ્રી કૃષ્ણ ભાભી….’કહી રમણિકલાલે મનહરના હાથમાં રહેલ બેગ રમિલાને સોંપતા ડ્રાઇવરને પૈસા આપવા પર્શ કાઢી તો

‘અરે!! રમણિક રહેવાદે હું આપુ છું ને….’

‘હાલઘડી તો તું રહેવાદે….’કહી રમણિકલાલે ડ્રાઇવરને પૈસા આપી રવાનો કર્યો.

‘બેસ…આરામથી…’કહી રમણિકલાલે મનહરને સોફા પર બેસાડ્યો.

‘ઘણા વરસે મળ્યા નહીં?’

‘હા…ને મારો સૌમિલ આઠેક વરસનો હતો ત્યારે તું અમેરિકા ગયેલો આજે સૌમિલ સી.એ. થઇ ગયો એટલે સાહજીક ચૌદ પંદર વરસ તો થયા જ હશે’

‘હા…તો સૌમિલ ક્યાં? બીજા કોણ કોણ છે દેખાતા નથી’મનહરે ઉત્સુકતાથી

 આજુબાજુ નજર કરતા પુછ્યું

‘સૌમિલથી નાનો કપિલ એ આઇ.ટી.કન્સલ્ટંટ થઇ ગયો તેનાથી નાની વિભા અને સૌથી નાનો છબિલ આજે રવિવાર ને એટલે સૌ ફરવા ગયા છે પણ જમવાના સમયે બધા આવી જશે તારે આ નિલંબરી પછી બીજુ કોઇ…..?’

‘ના…રે આ નિલાંબરી પછી કોઇ સંતાન નથી’નિસાસો નાખતા મનહરે કહ્યું

‘હોય જેને આપે તેને ચાર ચાર આપે નહીંતર સંતાન વિહાણો લોકો પણ હોય છે અફસોસ ન કરો ચાલો ચ્હા-નાસ્તો કરી લો’રમિલાએ નાસ્તાની પ્લેટ અને ચ્હાના કપ સરકાવતા કહ્યું

‘સોરી ભાભી હું ને મેના તો ચ્હા પી લઇશું પણ નીલુને….’

‘કોફી જોઇશે એમને…વાંધો નહીં બનાવું છું?’મનહરની વાત સાંધતા રમિલા કહ્યું

     બપોરે સૌ જમવામાં ભેગા થયા ત્યારે બધા તરફ નજર કરતા મેનાવતીએ પુછ્યું

‘તો છબિલ ક્યાં?’સાંભળી રમણિકલાલની આંખો ભીની થઇ ગઇ

‘શું થયું રમણિક?’મનહરે રમણિકલાલની પીઠ પસવારતા પુછ્યું

‘આપણે નાના બાળકોને ડરાવવા બોલતા કે બાવો ઉપાડી જશે ખરેખર જે દિવસે છબિલ ખોવાયો અમારે ત્યાં લોટ માંગવા આવતો ગુગરિયો બાવો પણ ત્યાર પછી દેખાયો નહીં આડોસ પાડોસના લોકો એમ જ કહે છે કે,છબિલ તેના સાથે ચાલ્યો ગયો.ખરેખર હકિકત શું છે ખબર નથી પણ મેં મારો દીકરો ખોયો’આંખો લુછતા અને મનહરે આપેલ પાણી પીતા રમણિકલાલે કહ્યું

‘તેં પોલીસને જાણ….’

‘પોલીસમાં ફરિયાદ નોંધાવેલી ત્યારે ખબર પડી કે છબિલ સિવાય બીજા બે છોકરા ખોવાયાની ફરિયાદ નોંધાઇ હતી…હશે જેવા મારા નશીબ’રમીલાએ કહ્યું

‘રમિલા અને વિભાનો તો બહુ લાડકો હતો….ખેર છોડો એ વાત ચાલો જમવાનું પુરૂં કરો’રમણિકલાલે સ્વસ્થ થતા કહ્યું         

                  ચાર દિવસ પસાર થઇ ગયા તે દરમ્યાન વિભા અને સૌમિલ વચ્ચે તારામૈત્રિક રચાઇ ગઇ જે રમિલાથી છાનું ન રહ્યું.એણે એ વાત રમણિકલાલને કરી જે સાંભળી તે ખુશ થયો.ચોથા દિવસની સાંજે બપોરની ચ્હા પીતા મનહરે કહ્યું

‘રમણિક આ વિભાના લગન કરાવવા જ હું અમેરિકાથી અહીં ભારત આવ્યો છું’

‘એતો તું ન કહે તોય હું સમજી ગયો હતો જ્યારે નીલુને જોઇ ત્યારે જ’

‘તું તો અંતર્યામિ થઇ ગયો ભાઇ મનની વાત વાંચી લીધી?’

‘જો તને વાંધો ન હોય તો સૌમિલ માટે નીલુના હાથની માંગણી કરૂં તો?’

‘વાહ!! તેં તો મારા મનની વાત કરી’

‘હું જાણું ને દીકરીનો બાપ કોઇ દિવસ સામેથી આવી વાત ન કહી શકે બરાબર?’

‘તેં તો મારા મનનો ભાર ઓછો કરી નાખ્યો પણ એક ચોખવટ કરી દઉ’

‘શું…?’

‘લગ્ન પછી નીલુ અહીં નહીં રહે પણ સૌમિલ અમેરિકા આવશે’

‘ઘરજમાઇ?…ના હો આ વાત વ્યાજબી નથી’

‘જો ભાઇ નીલુના જન્મ પછી અભર્યા ભરાયા એમ કહું તો ચાલે મારો વિસ્તરેલો ધંધો મારા પછી કોણ સંભાળશે? અને તારે તો બબ્બે દીકરા છે એટલે હાથ જોડી રિક્વેસ્ટ છે કે સૌમિલને અમેરિકા આવવા દે…..તમે સૌ તેને મળવા અમેરિકા આવજો ને’

‘પણ….સારૂં હું તને કાલે જણાવિશ’

          રાત્રે રમિલા,સૌમિલ,કપિલ વિભા સાથે મસલત કરી નક્કી કર્યું કે,ઉજ્જવળ ભવિષ્ય માટે સૌમિલ ભલે અમેરિકા જતો.બીજા દિવસે ચાંદલા વિધી અને વેવિશાળની વિધિ થઇ અને અઠવાડિયા પછી લગ્ન લેવાઇ ગયા.વરઘોડિયા હનિમુન માટે જઇ આવ્યા અને ભીની આંખે વિદાય થયા અને વિદાઇ અપાઇ.ત્રણ મહિનામાં તો સૌમિલની પાસપોર્ટ અને વિઝા સાથે એર-ટિકિટ આવી ગયા.અમેરિકા જવાની આગલી રાતે સૌમિલે કપિલને ભલામણ કરી કે નોકરીના સ્પેર ટાઇમમાં ધંધા અને પપ્પાને સંભાળ લેજે.ભારે હ્રદયે સૌએ સૌમિલને વિદાય કર્યો.અમેરિકા ગયા પછી અઠવાડિયામાં એક વખત સૌમિલનો ફોન આવતો હળવે હળવે એમાં અંતર આવવા લાગ્યો એ બહાના હેઠળ કે પપ્પાનો ધંધો મોટો છે એ સંભાળતા થાકી જવાય છે.

         સૌમિલના અમેરિકા ગયા પછી બે વરસ બાદ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન-ડેના સિલ્વર સ્ટોન પ્લાઝા હોટલની પાર્ટીમાં ઓફિસના મિત્રો સાથે કપિલ ગયો.એક ટેબલ આસપાસ ગોઠવાઇને સૌ ડ્રિન્કની મજા માણતા બેઠા હતા ત્યાં રમિલાનો કોલ આવ્યો એને જવાબ આપવા કપિલ ઉઠીને લોબીમાં આવ્યો અને જવાબ આપી પાછા આવતા એક યુવતી તેના સાથે ભટકાઇ. લથડતી યુવતીને કપિલે ટેકો આપ્યો અને એને સોરી કહેવા જાય તે પહેલા બંનેની નજર મળી

‘કપિલ તું…?’

‘જસવંતી તું…..? તું તો લંડનમાં હતી ને?’

‘હા….પપ્પા-મમ્મી સાથે ભારત ફરવા આવી છું પ્લીઝ કોલમી ઝસી’

           બંને એક અલગ ટેબલ આસપાસ ગોઠવાયા અને ડ્રિન્કસનો ઓર્ડર આપવા વેઇટરને બોલાવ્યો.ઝસી સ્કોચનો ઓર્ડર આપે તે પહેલા કપિલે કહ્યું

‘ઇફ યુ ડોન્ટ માઇન્ડ આપણે બિયર પીએ બે ચિલ્ડ બિયર પ્લીઝ’

         બિયરને ન્યાય આપતા અને મંચિન્ગ ચાવતા અહી ત્યાંની ઘણી વાતો થઇ કોલેજની ક્લાસ ફેલો હોવાથી બીજા ક્લાસ ફેલોને યાદ કરી ઘણી વાતો કરી.કપિલે પોતાનો મોબાઇલ ટેબલ ઉપર મુકેલો તેમાં ઝસીએ પોતાનો મોબાઇલ નંબર સેવ કરી કહ્યું ‘પ્લીઝ કોલ મી’સાંભળી કપિલે વેલેટમાંથી પોતાનો કાર્ડ આપ્યો અને ઘણી વારે બંને છુટા પડ્યા.

      રોજ મેસેજની આપ લે થતી જેમાં જસી લંડનની લોભામણી વાતો કરતી.એક દિવસ ઝસીએ કપિલને પ્રપોઝ કરી લંડન આવવા કહ્યું ત્યારે કપિલે સૌમિલ અમેરિકા ગયાની અને પોતાના પપ્પાના બિઝનેસનું શું એવી વાત કરી ત્યારે ઝસીએ ધારદાર નજરે જોઇને પુછ્યું

‘તું લંડન આવવા ચાહે છે કે નહીં? તારી મહેચ્છા શું છે એ કહેને’

‘સૌમિલના અમેરિકા ગયા પછી મને લંડન જાવાની પપ્પા પરવાનગી ન આપે એટલે એ અશક્ય છે’દયામણા ચહેરે કપિલે કહ્યું

‘તું તૈયાર હોય તો હું એ શક્ય કરી બતાવું’ઝસીએ દાણા નાખ્યા

‘કેવી રીતે?’કપિલે ઉત્સુકત્તાથી પુછ્યું

‘જો સૌથી પહેલા કાલે ઉઘડતી કોર્ટમાં આપણે કોર્ટ મેરેજ કરી લઇએ’

‘પણ ઝસી…..મમ્મી-પપ્પાને પુછ્યા વગર…?’

‘પ્લીઝ કપિલ વચ્ચે ન બોલ નહીતર પ્લાનમાં ગડબડ થઇ જશે’

‘………..?’પ્રશ્નાર્થ કપિલે જોયું

‘મેરેજ થઇ જાય તે પછી તું પાસપોર્ટ માટે એપ્લીકેશન આપી દે.પાસપોર્ટ મળી ગયેથી મને તેની કોપી અને તારા આઇ કાર્ડની કોપી મેઇલ કરજે.તારી વિઝા મળી ગયેથી તારા ઓફિસના સરનામે તને હું કુરિયર કરીશ એ મળી ગયેથી ઓફિસના કામે મારે એક મિટિન્ગ અટેન્ડ કરવા બે અઠવાડિયા લંડન જવાનું થાય છે એટલે હું લંડન જાઉ છું કહી તારે ત્યાં આવી જવાનું બસ….. સિમ્પલ’

             બહુ આનાકાની પછી કપિલ તૈયાર થયો અને પછી તો બધુ ઝસીના પ્લાન મુજબ જ થયું.લંડન પહોંચીને કપિલે પહોંચની જાણ રમણિકલાલને કરી.બે અઠવાડિયા વિતી ગયા ન કપિલ પાછો આવ્યો ન કપિલનો કોલ આવ્યો.કપિલની ઓફિસમાં તપાસ કરતા રમણિકલાલને ખબર પડી કે,કપિલે મને બેટર જોબ લંડનમાં મળે છે કહી નોકરીમાંથી રાજીનામું આપેલું. ભારે હ્રદયે રમણિકલાલ ઘેર આવ્યા અને ભીની આંખે રમિલા અને વિભાને બધી વાત કરી.લંડનમાંજ રહેતા અને ભારત આવેલા રમણિકલાલના મિત્ર ગોરધનદાસે રમણિકલાલને લંડન આવવા કહ્યું તો રમણિકલાલએ આનાકાની કરી કહ્યું ‘મારો ધંધો મુકીને ત્યાં આવી શું કરૂં?’ 

‘કેમ તારા દીકરા કપિલનો મોટો બિઝ્નેસ છે મોટું એપાર્ટમેન્ટ છે અને પુત્રવધુ ઝસીને મળવાનું તને મન નથી થતું?’ ગોરધનદાસે કહ્યું સાંભળી રમણિકલાલ આંચકો ખાઇ ગયો પણ સ્વસ્થતા જાડવી કહ્યું જોઇશ.રાતે તેણે રમિલા અને વિભાને બધી વાત કરી કે કપિલે આપણા સાથે શી રમત કરી ત્યારે રમિલા રડી પડી.

‘આ તે કિસ્મતની કેવી કઠણાઇ બબ્બે કાંધોતર દીકરા માવતરોને રઝડાવીને દૂર જઇ બેઠા જયાં પોતાની મરજીથી જવાય નહીં અને જે વધુ લાડકવાયો હતો એ ખોવાઇ ગયો કોણ જાણે કઇ હાલતમાં હશે?’

‘રડ નહીં રમિલા કોને દોષ દેવો બાળકોને કે કિસ્મતને? અને ફાયદો પણ શું છે? આ વિભા પણ પરણીને પોતાને સાસરે જશે પછી આપણે અરસપરસ એક બીજાને આશરે રહેવાનું છે.’

‘ના…હો….હું તમને મુકીને કયાં પણ નહીં જાઉ’ભીની આંખે વિભાએ કહ્યું

‘દીકરી તો પારકી થાપણ કહેવાય એ તો જેની હોય તેને સોંપવી પડે રડીને કે હસીને’

           કપિલ લંડન ગયા પછી રમણિકલાલને જાણે ઊંડેથી સંદેશો મળતો હોય તેમ ધંધાની આંટી ઘૂંટીથી રમિલાને માહિતગાર કરવા લાગ્યો,શરૂઆતમાં રમિલાએ આનાકાની કરી પણ વિભાએ સમજાવી કે,પપ્પા જે કંઇ કરે છે એ સમજી વિચારીને કરતા હશે એટલે ઓફિસનું અને એકાઉન્ટનું અને ઓડિટનું કામ જે પહેલા સૌમિલ કરતો હતો પછી કપિલે સંભાળેલું તે બધું રમિલા સંભાળવા લાગી.એક સારી સેલ્સગર્લ તરિકે વિભા પણ દુકાનમાં મદદ કરવા લાગી.

        બે વરસ પસાર થઇ ગયા.એક સવારે દુકાનમાં કુળદેવીની છબી સામે દિવો અગરબત્તી કરી રમણિકલાલ ગાદી પર બેસવા જાય ત્યાં બજારમાં હોહા ને દોડાદોડ થતી જોઇને શું થયું તેનો તાગ મેળવવા રમણિકલાલ દુકાનના ઓટલા પર ઊભો રહ્યો બરાબર ત્યારે જ ઉશકેરાઇ દોડતા સાંઢે રમણિકલાલને શિંગડામાં ભેરવીને સામેની ભીંત તરફ ઉછાળીને ફંગોળ્યો ત્યારે દુકાન પર આવતી વિભાએ આ દૂરથી જોયું અને ‘પપ્પા……’એક ચીસ પાડી ત્યાં દોડી અને તરત જ રમણિકલાલને હોસ્પિટલમાં લઇ ગયા.સારવાર દરમ્યાન જ રમણિકલાલ ગુજરી ગયા.વિભા અને રમિલા પર તો આભ તૂટી પડ્યો.સૌમિલ અને કપિલને રમણિકલાલના અવસાનની જાણ કરી.સૌમિલ અમેરિકાથી એકલો આવી ગયો અને તેની સુચના મુજબ રમણિકલાલના શબને બરફની પાટ પર મોર્ગમાં રાખવામાં આવેલ જેના અગ્નિ સંસ્કાર તેણે કર્યા.૧૩મા દિવસે જ બધી વિધી પુરી કરી બીજા દિવસે એ અમેરિકા જતો રહ્યો.

        દુઃખનું ઓષડ દહાડા વિભાએ દુકાન પરના બે વાણોતરની મદદથી દુકાન સંભાળી લીધી.દોઢ માસ પછી રમિલા પણ દુકાન પર આવવા લાગી અને જે રીતે પહેલા વ્યાપાર ચાલતો હતો તે પ્રમાણે ચાલવા લાગ્યો.બે વરસ ક્યાં વીતી ગયા ખબર ન પડી.

          એક દિવસ સવારના પહોરમાં રમિલાના ભાઇ તલકશી અને ભાભી તારા મળવા આવ્યા.ભાઇ ભાભીને આવકારતા રમિલાએ પુછ્યું ‘તે શું આજે ઘણા દિવસે બહેન યાદ આવી?’

‘તમેય શું રમિલાબેન પોતે તો ક્યારે આવતા નથી અને અમને પુછો છો?’

‘આ એમના ગયા પછી દુકાનની જંજાળમાંથી ફુરસદ જ ક્યાં મળે છે?’

‘લો મામા-મામી ચ્હા પીઓ’ વિભાએ ચ્હાના કપ આપતા કહ્યું

       ચ્હા પીવાઇ ગઇ અહીં ત્યાંની ચાર વાતો કરી તલકશીએ કહ્યું

‘રમિલા વિભા માટે રાજકોટથી માંગુ આવ્યું છે.ઘર ભર્યું ભાદર્યું છે રાજકોટમાં એમનો પોતાનો મોટો બંગલો છે, ઘરની ગાડી છે અને હોલસેલનો વેપાર છે,એકનો એક ડાહ્યો અને સમજુ દીકરો સ્થાનિક બેન્ક મેનેજર છે.’

‘એ ગમે તે હોય હું મમ્મીને એકલી મુકીને ક્યાં પણ નહીં જાઉ’વિભાએ કહ્યું

‘લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય આવા માંગા અને મોકા વારે ઘડીએ ન આવે ભાઇ તમે વાત પાકી કરી મને જાણ કરજો’

‘મમ્મી તું એકલી પડી જઇશ એ મને નહીં ગમે’કહેતા વિભા રડી પડી.

‘તને સારૂં ઘર મળશે તો તારા પપ્પાને આપેલ વચન પાળ્યાનો મને સંતોષ થશે અને તેમના આત્માને પણ શાંતિ થશે’ભીની આંખે રમિલાએ કહ્યું

‘મમ્મી….’કહી વિભા રમિલાને બાઝીને રડી પડી.(ક્રમશ)