ઇન્દ્ર ધનુષ્ય

RB

 

  • ‘ઇન્દ્ર નુષ્ય’

            ઉનાળાના દિવસોમાં સંધ્યા કાળે બાગમાં એક લટાર મારવાની મજા કંઇ અલગ છે.ફૂલછોડ પર હાથ ફેરવી કોમળ સ્પર્શ માણી એક બાંકડા પર બેઠો હતો.એક શિતળ પવનની લહેર શરીરને વિટળાઇ અને આનંદિત કરી ગઇ અને સાથે લાવેલ કોઇ સામયિકનું પાનુ આપી ગઇ. કોઇ રંગ વહેંચતી કંપનીની જાહેરાત હતી ‘ઇન્દ્ર ધનુષ્ય’ રંગો.

        મનમાં પશ્ન ઉદ્‍ભવ્યો આ મેઘધનુષ્યને ઇન્દ્રધનુષ્ય જ શા માટે કહેવાય છે? બ્રહ્મા ધનુષ્ય,વિષ્ણુ કે નારાયણ ધનુષ્ય અથવા મહેશ કે શિવ ધનુષ્ય શા માટે નહી?

આ અહંકારી,અળવિતરા અને અકોણા ઇન્દ્રનો સ્વભાવ છે સારૂં એ મારૂં.ઐરાવત હાથી તો કહે મને જોઇએ,કલ્પવૃક્ષ તો કહે મારા આંગણામાં જ શોભે,ઇશ્વાકુ અશ્વ તો કહે મારો.મેનકા,ઉર્વશી અને રંભા જેવી અપ્સરાઓ તો મારા દરબારમાં જ જોઇએ. તેમ આ ધનુષ્ય માટે રોઇધોઇને મહાદેવને ગળે પડ્યો હશે આમે છે તો ગળે પડું ગોકળદાસ ભોળાનાથે કહ્યું હશે બાળો બાળો એને કજીયાનું મ્હોં કાળું.

         આ ઇન્દ્રધનુષ્ય લઇને દાનવો સામે એ કેટલી લડાઇઓ લડ્યો?જ્યારે જ્યારે દાનવો ઇન્દ્રપુરી પર આક્રમણ કરે તો વરૂણ,વાયુ,અગ્નિ વગેરે ને મોકલે જાવ લડવા પોતે તો મેનકા કે રંભાના પાલવ તળે સંતાઇ જાય.દેવો જ્યારે દાનવો સામે હારીને ધોયેલા મુળા જેવા પાછા આવે ત્યારે કજીયારા બાળકની જેમ રડતો રડતો જાય મહાદેવ પાસે દાનવોએ ઇન્દ્રપુરી પર કબજો કરી લીધો હવે હું ક્યાં જાઉ?ભોળાનાથ ગણેશ માટે મોદક બનાવતી પાર્વતિને કહેશે દેવી હવે તમે જ  આનું કંઇક ઉકેલ લાવો,એટલે પાર્વતિ કાલિકા,ચંડિકા કે દુર્ગાનું રૂપ ધરી પેલા દાનવને મારે.

        મોટા ઉપાડે ઇન્દ્રધનુષ્યનો માલિક બની બેઠેલે ઇન્દ્ર જાણે છે કે,ઇન્દ્રધનુષ્યના રંગોનું સંમિશ્રણ શું છે?દરેક રંગનું પ્રમાણ યાને ટકાવારી કેટલી?રંગો બધા નેચરલ છે કે સિન્થેટિક? પાછા એ રંગો શેના બાય પ્રોડક્ટસ છે.કેટલા નેચરલ છે અને કેટલા સિન્થેટિક. પાછા જેટલા સિન્થેટિક છે એ ટોક્ષિક છે કે નોન ટોક્ષિક? ટોક્ષિક હોય તેની સાઇડ ઇફેક્ટ કઇ અને એ સાઇડ ઇફેક્ટ્સના નિવારણ માટે ભગવાન ધનવંતરીએ કોઇ ઔષધ શોધ્યો છે કે નહી? આ ઇન્દ્રધનુષ્યની બનાવટ આઇ.એસ.આઇ પ્રમાણિત છે કે કેમ? એની મેન્યુફેકચરીન્ગ ડેઇટ અને કોષ્ટ કેટલી અને હાલની ડેપ્રિસિએટેડ વેલ્યુ કેટલી કે એક્ષપાયરી ડેઇટ કઇ?

         એકાએક ફરી એક પવનની લહેર આવી અને મારા હાથમાં રહેલ સામયિકનું પાનું ઉડી ગયું અને કપાયેલા પતંગની જેમ લહેરાવા લાગ્યો.આજે ઉતરાણ હોત અને આ સમયિકનું પાનું પતંગ હોત તો જરૂર બુમ મારી હોત ‘એ….કા…ય..પો છે’ પેલા  પાનાએ જમીન તરફ આવવા પ્રયાણ કર્યું ત્યારે સામેની બાજુએ મુકેલ બે બેનર પર નજર ગઇ હર હાથ શક્તિ હર હાથ તરક્કી વોટ કોન્ગ્રેસ અને અબકી બાર મોદી સરકાર વોટ ભાજપ ત્યારે વિચાર આવ્યો આ ઇન્દ્ર જો મારા વિસ્તારમાંથી ચુંટણી લડે તો હું કે ધુફારી મત આપવા તો ન જ જઇએ પછી ભલે એ બે મતથી હારી જાય જેમ ખરે ટાંકણે ફાઇનલમાં ભારતની ક્રિકેટ ટીમ બે કે ચાર રનથી હરી જાય છે.આ વિચાર આગળ ચાલે ત્યાં ધુફારીએ મારા ખભા પર હાથ મુંકી કહ્યું’ચાલો ઘેર જઇએ’.

૨૬-૦૪-૨૦૧૪