રિસામણા

tajchhap

 

‘રિસામણા’

          આ વાત સાઇઠના દાયકાની છે.ત્યારે બર્કલી,સીજર્સ.હની-ડ્યુ,પાસિન્ગ સો,ચાર મિનાર,કેવેન્ડર્સ સિગારેટનું ચલણ હતું.દુનિયામાં વર્જીનિઆનું તમાકુ શ્રેષ્ઠ ગણાય.એ વર્જીનિઆ તમાકુમાંથી ક્થ્થાઇ જેવા કાગળમાં વિટેલી બીજી સિગારેટો કરતા જરા જાડી અને ચપટી સિગારેટ મુંબઇની ધી ઇમ્પિરીયલ ટોબેકો કંપનીએ બનાવી ને બજારમાં મુકી.આખી પાકિટ પીળા કલરની હતી અને એ એવી પહેલી સિગારેટની પાકિટ હતી જેના પરનું બધું લખાણ ગુજરાતીમાં સફેદ અક્ષરથી લખેલું હતું.આગલા ભાગમાં એક વર્તુળમાં સ્ટીમરનું ચિત્ર હતું અને વર્તુળ પર તાજ મુકેલું હતું અને નામ હતું ‘તાજછાપ’ નીચે લખાણ હતું ઉત્તમ વર્જીનિઆ સિગારેટ.

             સિગારેટની જાહેરાત માટે પતરાના પીળા હેન્ડબીલ છાપવામાં આવ્યા હતા તેના પર તાજછાપ પાકિટનું ચિત્ર હતું અને લખાણ હતું ‘ધીમી બળે છે અને વધુ લિજ્જત આપે છે’ એ સાર્થક હતું.બધા ઠેકાણે પાનની દુકાનના બારણા પર ખીલાથી આ હેન્ડબીલ લગાડવામાં આવ્યા હતા.ગામડામાં તળાવની પાળે વૃક્ષો પર મુકવામાં આવ્યા હતા.કારીગરો,મજુરો અને ખાસ ગામડાના લોકોમાં એ સિગારેટની ખપત બહુ હતું.પાનની દુકાને એક જ માંગણી ‘એક કાળી આપજે’

તાજછાપ પરથી બનેલી એક વિટ સંભળાવું

       મીઠુ માલમ પાનવાળાની દુકાને તાજછાપનું હેન્ડ બીલ લગાડતા હતા.હથોડીનો ઠક ઠક અવાઝ સાંભળી પાન ખાવા આવેલ ખેતા વાઢા(સુતાર)ના કાન સરવા થયા અને મીઠુ માલમને પુછ્યું ‘આ શું ચાલે છે માલમ?’

‘આ તાજજાપ નવી સિગારેટ બજારમાં આવી છે તેની જાહેરાત છે લે એક તું પી જો કેવી લાગે છે’ કહી એક સિગારેટ આપી ખેતા વાઢાએ સળગાવી એક કસ લીધો તો મજા આવી ગઇ એટલે પુછ્યું

‘વાહ!! આ તો બહુ મજાની છે ભલા એ છે કઇ?’ કહી હેન્ડ બીલ પર તાજછાપ સિગારેટના પાકિટના ચિત્ર પરનું લખાણ વાંચ્યું ઉત્તમ વર્જીનિઆ સિગારેટ.હવે આપણા આ ખેતસી ભાઇ તો ખેરાજ બાપાની આછણી(કાણા પાડવા વપરાતી દોરી વાળી લાકડી)ના માર ખાઇ ખાઇ સાત ચોપડી ભણેલા એમણે લખાણ આમ વાંચ્યું ‘ઉત્તમ વરજી ની આ સિગરેટ’ ઉત્તમ સિગારેટ બનાવનાર વરજી આપણે ત્યાં દેવજી,રવજી કે શિવજી એમ તેમના પિતાનું નામ અને તેની આ સિગારેટ પછી મીઠુ માલમને કહ્યું ‘આ ઉત્તમ વરજી વાળાએ બહુ સારી સિગારેટ બનાવી છે. ત્યાર પછી કોઇ પુછે ‘ખેતા વાઢા સિગરેટ પીવી છે?’ તો કહેશે હા લ્યો એક ઉત્તમ વરજીવાળી.   

          હું તો અમરાવતીમાં કામ કરતો હતો અને મામી બીડી જ પીતો હતો.એક વ્ખત માંડવી આવ્યો ત્યારે ખેતા વાઢાને કહ્યું ચાલો ઉત્તમ વરજી વાળી પીવા તો ખેતા વાઢાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું ‘પ્રભુભાઇ એ ઉત્તમ વરજીવાળી હવે નથી મળતી એનાથી મો’બત થઇ ગઇ ને એ રિસાઇ ગઇ, ત્યારે ખબર પડી કે એ સિગારેટનું પ્રોડક્શન બંધ થઇ ગયું છે ક્યા કારણસર કોઇ નથી જાણતું. ગુગલ પર સર્ચ કરતા પણ જવાબ નથી મળતો આમ આમ જનતામાં પ્રીય એ સિગારેટ તેના અનેક આશિકથી રિસાઇ ગઇ.

૧૨-૦૬-૨૦૧૪