શાંતા

baby-18

 

શાંતા   

(આ એક સત્ય ઘટના છે.પાત્રના નામ અને સ્થળ બદલાવ્યા છે.)

         સ્વ.ગોવિન્દભાઇની ફેમિલીમાં ગં.સ્વ.ગુણવંતીબેન,પરણેલો દીકરો મનસુખ અને તેની પત્ની માલતી અને ત્રણ દીકરી કાંતા,શાંતા ને રમા,મનસુખથી નાના બે ભાઇ મનહર ને મહેશ એક બે માળના મકાનમાં રહેતા હતા.તેમાં મનહર સાથે મારી મિત્રતા.હું જ્યારે પણ મુંબઇથી આવું ત્યારે મનહરના ઘેર અવશ્ય જાઉ,

          સ્વ.ગોવિન્દભાઇની એક માશી હતી જે અવાર નવાર તેમના ઘેર આવે.આ

માશીબાને ગામ આખાની ચિંતા.ગામ આખાની પુછપરછ ગુણવંતીબેન પાસે કરે અને એને આવે કંટાળો એટલે હશે..,એમ…મને ખબર નથી એવા ટૂંકા જવાબ આપે તે આ માશીબાને ન ગમે.છેલ્લા થોડા વખતથી ગુણવંતીબેને ઉપલા માળે જ બેસવાનું રાખ્યું હતું જેથી પેલા માશીબાનો સામનો ન કરવો પડે.પાછા માશીબા ગામમાં કહે પણ ખરા કે અમારી ગુણી વહુ બહુ મન તોરી…’

         એક વખત હું મનહર સાથે વાતો કરતો બેઠો હતો ત્યાં મનસુખની ટેણકી શાંતા જે ગોખમાં ઊભી હતી એણે શેરીમાં માશીબાને દાખલ થતા જોયા ને કઠોડો પકડી નાચતા બોલી ડોશી આવી ડોશી…’

              મનહરે મને કહ્યું’ચાલ તને નાટક બતાવું’કહી અમે બંને દાદરના પહેલા પગથિયા પર બેઠા.માશીબા ઘરમાં દાખલ થયા તો શાંતા બે ચાકળા લઇ આવી અને સામ સામે મુક્યા.માશીબાના હાથમાંથી લાકડી લઇ ખૂણામાં મુકતા કહ્યું

‘જુવો દાદી તમારી લાકડી ખૂણામાં મૂકી છે જાવ ત્યારે ત્યાંથી લઇ લેજો લ્યો, ચાકળા પર બેસો.’કહી પોતે એક પગ વાળી એક પગ ઊભો રાખી તેના પર હાથ ટેકવી લમણે હાથ મુકી સામેના ચાકળા પર કોઇ પ્રૌઢ બાઇ જેમ બેઠી.

‘દાદી તમે નિશાળ બાજુમાંથી આવ્યા કે હવેલી પાસેથી?’માશીબા બેઠા પછી શાંતાએ લહેકાથી પુછ્યું

‘આજે હું હવેલી પાસેથી આવી’

‘હું નિશાળની બાજુમાં આશાપુરાના મંદિરમાં ગઇ હતી માતાજીને લીલા વાઘા પહેરાવ્યા હતા.’હાથનો લહેકો કરતા કહ્યું

‘એને તો બધા વાઘા શોભે’

‘નારે ના…પેલા કસુંબલ વાઘા પહેરાવે છે ઇ તમે જોયા છે?આંખો નચાવી શાંતાએ માશીબાને પુછ્યું

‘હા….હો ઇ બહુ શોભે છે’

‘ત્યારે…અરે હા… આ જુવો ને બપોર થવા આવી છે જમીને જશોને?’કોળિયો લેતા હો તેમ હાથ રાખી શાંતાએ પુછ્યું

‘ના આજે નથી જમવું’

‘તો માલતીને કહું ચ્હા બનાવે?’આંખો જીણી કરી શાંતાએ પુછ્યું

‘હા ચ્હા ચાલશે’

‘દીકરી માલતીવહુ માશીબાના માટે ચ્હા બનાવજે’રસોડા તરફ જોઇ શાંતાએ સાદ પાડ્યો

‘તો ગુણી વહુ ક્યાં?’

‘ઇ ઉપર બેઠી ચોખા વીણે છે’મ્હોં મચકોડીને શાંતાએ કહ્યું

        ચ્હા પીને માશીબા ઊભા થતા કહ્યું’હવે હું જાઉ…મારી લાકડી…?

‘બસ જાવું જ છે…જરા બેસો ને જવાય છે’લાકડી પકડાવતા શાંતાએ કહ્યું

‘ના મારે જરા લાધીના ઘેર જવું છે…’કહી માશીબા ગયા,મને આ નાટક જોઇને વિચાર આવ્યો કે,શાંતાને આ બધું કરતા ક્યાંથી આવડયું?