Posted on June 29, 2014 by dhufari

સાલ મુબારક
આજે અષાઢી બીજથી શરૂ થતા નુતન વર્ષની આપ સૌ મિત્રોને હાર્દિક શુભ કામના આ નુતન વર્ષ આપના અને સમસ્ત કુટુંબના જીવનમાં ખુશહાલી,સુખ અને શાંતિ આપનાર નીવળે એવી હાર્દિક શુભકામના. સાલ મુબારક
Filed under: General | Leave a comment »
Posted on June 26, 2014 by dhufari

ઉનાળાના દિવસોમાં સંધ્યા કાળે બાગમાં એક લટાર મારવાની મજા કંઇ અલગ છે.ફૂલછોડ પર હાથ ફેરવી કોમળ સ્પર્શ માણી એક બાંકડા પર બેઠો હતો.એક શિતળ પવનની લહેર શરીરને વિટળાઇ અને આનંદિત કરી ગઇ અને સાથે લાવેલ કોઇ સામયિકનું પાનુ આપી ગઇ. કોઇ રંગ વહેંચતી કંપનીની જાહેરાત હતી ‘ઇન્દ્ર ધનુષ્ય’ રંગો.
મનમાં પશ્ન ઉદ્ભવ્યો આ મેઘધનુષ્યને ઇન્દ્રધનુષ્ય જ શા માટે કહેવાય છે? બ્રહ્મા ધનુષ્ય,વિષ્ણુ કે નારાયણ ધનુષ્ય અથવા મહેશ કે શિવ ધનુષ્ય શા માટે નહી?
આ અહંકારી,અળવિતરા અને અકોણા ઇન્દ્રનો સ્વભાવ છે સારૂં એ મારૂં.ઐરાવત હાથી તો કહે મને જોઇએ,કલ્પવૃક્ષ તો કહે મારા આંગણામાં જ શોભે,ઇશ્વાકુ અશ્વ તો કહે મારો.મેનકા,ઉર્વશી અને રંભા જેવી અપ્સરાઓ તો મારા દરબારમાં જ જોઇએ. તેમ આ ધનુષ્ય માટે રોઇધોઇને મહાદેવને ગળે પડ્યો હશે આમે છે તો ગળે પડું ગોકળદાસ ભોળાનાથે કહ્યું હશે બાળો બાળો એને કજીયાનું મ્હોં કાળું.
આ ઇન્દ્રધનુષ્ય લઇને દાનવો સામે એ કેટલી લડાઇઓ લડ્યો?જ્યારે જ્યારે દાનવો ઇન્દ્રપુરી પર આક્રમણ કરે તો વરૂણ,વાયુ,અગ્નિ વગેરે ને મોકલે જાવ લડવા પોતે તો મેનકા કે રંભાના પાલવ તળે સંતાઇ જાય.દેવો જ્યારે દાનવો સામે હારીને ધોયેલા મુળા જેવા પાછા આવે ત્યારે કજીયારા બાળકની જેમ રડતો રડતો જાય મહાદેવ પાસે દાનવોએ ઇન્દ્રપુરી પર કબજો કરી લીધો હવે હું ક્યાં જાઉ?ભોળાનાથ ગણેશ માટે મોદક બનાવતી પાર્વતિને કહેશે દેવી હવે તમે જ આનું કંઇક ઉકેલ લાવો,એટલે પાર્વતિ કાલિકા,ચંડિકા કે દુર્ગાનું રૂપ ધરી પેલા દાનવને મારે.
મોટા ઉપાડે ઇન્દ્રધનુષ્યનો માલિક બની બેઠેલે ઇન્દ્ર જાણે છે કે,ઇન્દ્રધનુષ્યના રંગોનું સંમિશ્રણ શું છે?દરેક રંગનું પ્રમાણ યાને ટકાવારી કેટલી?રંગો બધા નેચરલ છે કે સિન્થેટિક? પાછા એ રંગો શેના બાય પ્રોડક્ટસ છે.કેટલા નેચરલ છે અને કેટલા સિન્થેટિક. પાછા જેટલા સિન્થેટિક છે એ ટોક્ષિક છે કે નોન ટોક્ષિક? ટોક્ષિક હોય તેની સાઇડ ઇફેક્ટ કઇ અને એ સાઇડ ઇફેક્ટ્સના નિવારણ માટે ભગવાન ધનવંતરીએ કોઇ ઔષધ શોધ્યો છે કે નહી? આ ઇન્દ્રધનુષ્યની બનાવટ આઇ.એસ.આઇ પ્રમાણિત છે કે કેમ? એની મેન્યુફેકચરીન્ગ ડેઇટ અને કોષ્ટ કેટલી અને હાલની ડેપ્રિસિએટેડ વેલ્યુ કેટલી કે એક્ષપાયરી ડેઇટ કઇ?
એકાએક ફરી એક પવનની લહેર આવી અને મારા હાથમાં રહેલ સામયિકનું પાનું ઉડી ગયું અને કપાયેલા પતંગની જેમ લહેરાવા લાગ્યો.આજે ઉતરાણ હોત અને આ સમયિકનું પાનું પતંગ હોત તો જરૂર બુમ મારી હોત ‘એ….કા…ય..પો છે’ પેલા પાનાએ જમીન તરફ આવવા પ્રયાણ કર્યું ત્યારે સામેની બાજુએ મુકેલ બે બેનર પર નજર ગઇ હર હાથ શક્તિ હર હાથ તરક્કી વોટ કોન્ગ્રેસ અને અબકી બાર મોદી સરકાર વોટ ભાજપ ત્યારે વિચાર આવ્યો આ ઇન્દ્ર જો મારા વિસ્તારમાંથી ચુંટણી લડે તો હું કે ધુફારી મત આપવા તો ન જ જઇએ પછી ભલે એ બે મતથી હારી જાય જેમ ખરે ટાંકણે ફાઇનલમાં ભારતની ક્રિકેટ ટીમ બે કે ચાર રનથી હરી જાય છે.આ વિચાર આગળ ચાલે ત્યાં ધુફારીએ મારા ખભા પર હાથ મુંકી કહ્યું’ચાલો ઘેર જઇએ’.
૨૬-૦૪-૨૦૧૪
Filed under: General | Leave a comment »
Posted on June 21, 2014 by dhufari

‘મુક્તક’
ના રહી મિઠાસ મોરસમાં હવે,
દિલ નથી કે મન નથી વસમાં હવે
દાખલા શાને ‘ધુફારી’ તું ગણે,
ચાલ બદલી નાખીએ ચશ્મા હવે
૨૨-૦૩-૨૦૧૩
સમયને પારખીને બદલો તેવો રંગ તમે,
લોકો નથી એ જાણતા કેવા છો દબંગ તમે;
વાકેફ છે ‘ધુફારી’ તમારી રગ રગ થકી,
કરો છો ભવ્ય અભિનયથી સૌને દંગ તમે
૩૧-૧૨-૨૦૧૨
તાલ તબલા ‘ધુફારી’ હાથમાં પખવાઝ છે
સંગીત સર્જન કારણે નિત નવો રિયાઝ છે
મન મણિધર ડોલતો એ સાંભળી જાતો સદા
બાગ,ટહુકા,બાંકડા,ઠંડી હવા ને સાંજ છે
૩૧-૧૨-૨૦૧૩
Filed under: Poem | Leave a comment »
Posted on June 17, 2014 by dhufari

‘રિસામણા’
આ વાત સાઇઠના દાયકાની છે.ત્યારે બર્કલી,સીજર્સ.હની-ડ્યુ,પાસિન્ગ સો,ચાર મિનાર,કેવેન્ડર્સ સિગારેટનું ચલણ હતું.દુનિયામાં વર્જીનિઆનું તમાકુ શ્રેષ્ઠ ગણાય.એ વર્જીનિઆ તમાકુમાંથી ક્થ્થાઇ જેવા કાગળમાં વિટેલી બીજી સિગારેટો કરતા જરા જાડી અને ચપટી સિગારેટ મુંબઇની ધી ઇમ્પિરીયલ ટોબેકો કંપનીએ બનાવી ને બજારમાં મુકી.આખી પાકિટ પીળા કલરની હતી અને એ એવી પહેલી સિગારેટની પાકિટ હતી જેના પરનું બધું લખાણ ગુજરાતીમાં સફેદ અક્ષરથી લખેલું હતું.આગલા ભાગમાં એક વર્તુળમાં સ્ટીમરનું ચિત્ર હતું અને વર્તુળ પર તાજ મુકેલું હતું અને નામ હતું ‘તાજછાપ’ નીચે લખાણ હતું ઉત્તમ વર્જીનિઆ સિગારેટ.
સિગારેટની જાહેરાત માટે પતરાના પીળા હેન્ડબીલ છાપવામાં આવ્યા હતા તેના પર તાજછાપ પાકિટનું ચિત્ર હતું અને લખાણ હતું ‘ધીમી બળે છે અને વધુ લિજ્જત આપે છે’ એ સાર્થક હતું.બધા ઠેકાણે પાનની દુકાનના બારણા પર ખીલાથી આ હેન્ડબીલ લગાડવામાં આવ્યા હતા.ગામડામાં તળાવની પાળે વૃક્ષો પર મુકવામાં આવ્યા હતા.કારીગરો,મજુરો અને ખાસ ગામડાના લોકોમાં એ સિગારેટની ખપત બહુ હતું.પાનની દુકાને એક જ માંગણી ‘એક કાળી આપજે’
તાજછાપ પરથી બનેલી એક વિટ સંભળાવું
મીઠુ માલમ પાનવાળાની દુકાને તાજછાપનું હેન્ડ બીલ લગાડતા હતા.હથોડીનો ઠક ઠક અવાઝ સાંભળી પાન ખાવા આવેલ ખેતા વાઢા(સુતાર)ના કાન સરવા થયા અને મીઠુ માલમને પુછ્યું ‘આ શું ચાલે છે માલમ?’
‘આ તાજજાપ નવી સિગારેટ બજારમાં આવી છે તેની જાહેરાત છે લે એક તું પી જો કેવી લાગે છે’ કહી એક સિગારેટ આપી ખેતા વાઢાએ સળગાવી એક કસ લીધો તો મજા આવી ગઇ એટલે પુછ્યું
‘વાહ!! આ તો બહુ મજાની છે ભલા એ છે કઇ?’ કહી હેન્ડ બીલ પર તાજછાપ સિગારેટના પાકિટના ચિત્ર પરનું લખાણ વાંચ્યું ઉત્તમ વર્જીનિઆ સિગારેટ.હવે આપણા આ ખેતસી ભાઇ તો ખેરાજ બાપાની આછણી(કાણા પાડવા વપરાતી દોરી વાળી લાકડી)ના માર ખાઇ ખાઇ સાત ચોપડી ભણેલા એમણે લખાણ આમ વાંચ્યું ‘ઉત્તમ વરજી ની આ સિગરેટ’ ઉત્તમ સિગારેટ બનાવનાર વરજી આપણે ત્યાં દેવજી,રવજી કે શિવજી એમ તેમના પિતાનું નામ અને તેની આ સિગારેટ પછી મીઠુ માલમને કહ્યું ‘આ ઉત્તમ વરજી વાળાએ બહુ સારી સિગારેટ બનાવી છે. ત્યાર પછી કોઇ પુછે ‘ખેતા વાઢા સિગરેટ પીવી છે?’ તો કહેશે હા લ્યો એક ઉત્તમ વરજીવાળી.
હું તો અમરાવતીમાં કામ કરતો હતો અને મામી બીડી જ પીતો હતો.એક વ્ખત માંડવી આવ્યો ત્યારે ખેતા વાઢાને કહ્યું ચાલો ઉત્તમ વરજી વાળી પીવા તો ખેતા વાઢાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું ‘પ્રભુભાઇ એ ઉત્તમ વરજીવાળી હવે નથી મળતી એનાથી મો’બત થઇ ગઇ ને એ રિસાઇ ગઇ, ત્યારે ખબર પડી કે એ સિગારેટનું પ્રોડક્શન બંધ થઇ ગયું છે ક્યા કારણસર કોઇ નથી જાણતું. ગુગલ પર સર્ચ કરતા પણ જવાબ નથી મળતો આમ આમ જનતામાં પ્રીય એ સિગારેટ તેના અનેક આશિકથી રિસાઇ ગઇ.
૧૨-૦૬-૨૦૧૪
Filed under: General | Leave a comment »
Posted on June 8, 2014 by dhufari

‘શું વાત કરો છો?’
બાણાસુર અને કૃષ્ણનું યુધ્ધ થવાનું હતું એ જાણી બાણાસુર ડરી ગયો બાણાસુરને આકાશવાણીથી જાણ થયેલી કે,તારો પરાજય કૃષ્ણ દ્વારા થશે.બાણાસુરે વિચાર્યું કે,આ માયાવી કૃષ્ણ તેના સામે શું માયા કરે, એટલે બાણાસુરે મહાદેવને વિનંતી કરી કે,હું તમારૂં સ્મરણ કરૂં ત્યારે તમારે મારી રક્ષા કરવા આવવું તો મહાદેવે કહ્યું તથાસ્તુ.
યુધ્ધ શરૂ થવાનું હતું એટલે બાણાસુરે મહાદેવનું સ્મરણ કર્યું અને મહાદેવ પ્રગટ થયા,ત્યાં નારાયણ….નારાયણ કરતા નારદમુની આવ્યા અને મલકવા લાગ્યા તે જોઇ ને નવાઇ કૃષ્ણને નવાઇ લાગી એટલે કૃષ્ણે નારદમુનીને પુછ્યું
‘મુનીશ્રેષ્ઠ આપના મલકાટનું રહસ્ય શું છે?’
‘હું તો દેવોનાદેવ ભોળાનાથના ભોળપણ પર હસું છું’
‘મતલબ?’મહાદેવે પુછ્યું
‘આ બાણાસુરે આપનું સ્મરણ કર્યું ને આપ રક્ષા કાજે ઉપસ્થિત થયા પણ બાણાસુરને આપના ઉપર વિશ્વાસ છે કે આપ તેનું રક્ષણ કરશો?’
‘એમ કેમ કહો છો મુનીશ્રેષ્ઠ?’મહાદેવે પુછ્યું
‘જો બાણાસુરને આપના પર વિશ્વાસ હોત તો પોતાના પાછળ રજનીકાંતને ઊભો ન રાખત’
Filed under: General | Leave a comment »
Posted on June 5, 2014 by dhufari

શાંતા
(આ એક સત્ય ઘટના છે.પાત્રના નામ અને સ્થળ બદલાવ્યા છે.)
સ્વ.ગોવિન્દભાઇની ફેમિલીમાં ગં.સ્વ.ગુણવંતીબેન,પરણેલો દીકરો મનસુખ અને તેની પત્ની માલતી અને ત્રણ દીકરી કાંતા,શાંતા ને રમા,મનસુખથી નાના બે ભાઇ મનહર ને મહેશ એક બે માળના મકાનમાં રહેતા હતા.તેમાં મનહર સાથે મારી મિત્રતા.હું જ્યારે પણ મુંબઇથી આવું ત્યારે મનહરના ઘેર અવશ્ય જાઉ,
સ્વ.ગોવિન્દભાઇની એક માશી હતી જે અવાર નવાર તેમના ઘેર આવે.આ
માશીબાને ગામ આખાની ચિંતા.ગામ આખાની પુછપરછ ગુણવંતીબેન પાસે કરે અને એને આવે કંટાળો એટલે હશે..,એમ…મને ખબર નથી એવા ટૂંકા જવાબ આપે તે આ માશીબાને ન ગમે.છેલ્લા થોડા વખતથી ગુણવંતીબેને ઉપલા માળે જ બેસવાનું રાખ્યું હતું જેથી પેલા માશીબાનો સામનો ન કરવો પડે.પાછા માશીબા ગામમાં કહે પણ ખરા કે અમારી ગુણી વહુ બહુ મન તોરી…’
એક વખત હું મનહર સાથે વાતો કરતો બેઠો હતો ત્યાં મનસુખની ટેણકી શાંતા જે ગોખમાં ઊભી હતી એણે શેરીમાં માશીબાને દાખલ થતા જોયા ને કઠોડો પકડી નાચતા બોલી ડોશી આવી ડોશી…’
મનહરે મને કહ્યું’ચાલ તને નાટક બતાવું’કહી અમે બંને દાદરના પહેલા પગથિયા પર બેઠા.માશીબા ઘરમાં દાખલ થયા તો શાંતા બે ચાકળા લઇ આવી અને સામ સામે મુક્યા.માશીબાના હાથમાંથી લાકડી લઇ ખૂણામાં મુકતા કહ્યું
‘જુવો દાદી તમારી લાકડી ખૂણામાં મૂકી છે જાવ ત્યારે ત્યાંથી લઇ લેજો લ્યો, ચાકળા પર બેસો.’કહી પોતે એક પગ વાળી એક પગ ઊભો રાખી તેના પર હાથ ટેકવી લમણે હાથ મુકી સામેના ચાકળા પર કોઇ પ્રૌઢ બાઇ જેમ બેઠી.
‘દાદી તમે નિશાળ બાજુમાંથી આવ્યા કે હવેલી પાસેથી?’માશીબા બેઠા પછી શાંતાએ લહેકાથી પુછ્યું
‘આજે હું હવેલી પાસેથી આવી’
‘હું નિશાળની બાજુમાં આશાપુરાના મંદિરમાં ગઇ હતી માતાજીને લીલા વાઘા પહેરાવ્યા હતા.’હાથનો લહેકો કરતા કહ્યું
‘એને તો બધા વાઘા શોભે’
‘નારે ના…પેલા કસુંબલ વાઘા પહેરાવે છે ઇ તમે જોયા છે?આંખો નચાવી શાંતાએ માશીબાને પુછ્યું
‘હા….હો ઇ બહુ શોભે છે’
‘ત્યારે…અરે હા… આ જુવો ને બપોર થવા આવી છે જમીને જશોને?’કોળિયો લેતા હો તેમ હાથ રાખી શાંતાએ પુછ્યું
‘ના આજે નથી જમવું’
‘તો માલતીને કહું ચ્હા બનાવે?’આંખો જીણી કરી શાંતાએ પુછ્યું
‘હા ચ્હા ચાલશે’
‘દીકરી માલતીવહુ માશીબાના માટે ચ્હા બનાવજે’રસોડા તરફ જોઇ શાંતાએ સાદ પાડ્યો
‘તો ગુણી વહુ ક્યાં?’
‘ઇ ઉપર બેઠી ચોખા વીણે છે’મ્હોં મચકોડીને શાંતાએ કહ્યું
ચ્હા પીને માશીબા ઊભા થતા કહ્યું’હવે હું જાઉ…મારી લાકડી…?
‘બસ જાવું જ છે…જરા બેસો ને જવાય છે’લાકડી પકડાવતા શાંતાએ કહ્યું
‘ના મારે જરા લાધીના ઘેર જવું છે…’કહી માશીબા ગયા,મને આ નાટક જોઇને વિચાર આવ્યો કે,શાંતાને આ બધું કરતા ક્યાંથી આવડયું?
Filed under: General | Leave a comment »