ગુલુભગત

kartal 

ગુલુભગત

            અડબીડ બાવળિયાના ઝુંડ અને બોરડીના કાંટાની આડસમાં બનાવેલા કુબાની બહાર ખાંપરા-કોડિયાની જોડી જેવા જગલો ને ભગલો સવારની સુસ્તિ ઉડાડતા ચ્હાની મજા માણીને સિગારેટ સળગાવતા હતા ત્યાં માધુ મંઢો(લંગડો) આવતો દેખાયો.આજુ બાજુ જોતા તે આવીને તેમના સાથે ખાટલા પર બેઠો.

‘તે શું આજે તને સવારના પહોરમાં ફુરસદ મળી ગઇ?જગલાએ સિગારેટની પાકિટ અને બાકસ આપતા પુછ્યું

‘ઉસ્તાદ! આજે દી આથમે ગાંધીધામના રસ્તે શહેરમાં ૨૦૦ ગુણી કાળી બજારનો માલ મહારાષ્ટ્રના ટ્રકમાં આવનાર છે.’સિગારેટ સળગાવતા માધુએ કહ્યું

‘બાતમી પાકી છે ને?’આંખો જીણી અને કાન સરવા કરતા ભગલાએ પુછ્યું

ખોટી હોય તો તમારું ખાસડું (જોડો)ને મારું માથું’કહી માધુ હસ્યો

‘એમ….? તો તને તારો ભાગ મળી જશે જા જલસા કર’માધુના ખભે ધબ્બો મારતા જગલાએ કહ્યું

       સિગારેટ પુરી કરી ને માધુ ગયો અને આ બંને માલ તફડાવવાની વેતરણમાં પડ્યા.કોઇ કોલેજીયન સમા ફુલ ફટાક થઇને બંને બજારમાં આવ્યા.અનેક ગલિયો વટાવીને એક નાનકડી હાટે આવી ઊભા રહ્યા અને બહાર સ્ટૂલ પર બેસી બીડી પીતા પિતાંબરને ઇશારાથી સાથે આવવા જણાવ્યું.એક લીમડાના ઓટલે બેસીને ત્રણે સિગારેટ સળગાવી.

‘બસો ગુણી કાળી બજારનો માલ લેવો છે? જુનો દોસ્ત છો એટલે પેલક તારી નહીંતર નરસીને પુછિયે’જગલાએ ગણગણતા પુછ્યું

‘માલ ક્યાંથી આવે છે?’પિતાંબરે જીણી આંખ કરી ગણગણ્યો

‘ખબર નથી ટ્રક મહારાષ્ટ્રની છે’ભગલાએ જવાબ આપ્યો

‘તો કરો કડદો…’સિગારેટ ફેંકતા પિતાબરે કહ્યું

‘અંદાજે સાડા ચાર-પાંચ લાખ સાચા’જગલાએ કહ્યું

‘લ્યો તમે કહોને હું અપાવી દઉ?’કહી પિતાબર હસ્યો

‘તો તું કેટલા અપાવીશ?’જગલાએ પુછ્યું

‘અઢી લાખ….’

‘તું તો સીધો પાણીમાં બેસી ગયો કઇક વ્યાજબી બોલ’

‘જાવ ત્રણ લાખ તેનાથી વધારે પાઇ પણ નહીં છતા તમારે નરસીને પુછવું હોય તો મને વાંધો નથી પણ ઇ મુંબઇ ગયો છે ચાર દહાડા પછી આવશે ત્યારે કડદો કરી લેજો’કહી પિતાંબર ઊભો થયો.

‘ભલે ત્રણ લાખ કબુલ પણ માલ લેશે કોણ ને પૈસા આપશે કોણ?’

‘ગોપાલ શેઠ ને પૈસા હું લાવી આપીશ’

‘કોણ ગુલુભગત?’

‘તમારે મમથી કામ છે કે ટપ ટપથી’કહી પિતાંબર હસ્યો

‘છોડને પીંજણ ચાલ જઇએ’કહી બંને ગયા.

‘આ ગુલુભગત ને કાળી બજાર?’ભગલાએ પુછ્યું 

‘અરે તું ગુલુભગતને ઓળખતો નથી એ ગુલુભગત મોટો ઠગ ભગત છે રવિવારે રામમંદિરમાં કરતાલ લઇને રામ ધુન બોલાવતા નાચે છે’

‘મીરાંભાઇની જેમ?’

‘હા અને લોકોને દેખતા કઇક ભક્તિના નખરા કરે છે.આરતીમાં પાંચરૂપિયાના સિક્કો દેખાય ત્યારે રૂપિયાનો સિક્કો તેની બાજુમાં નાખી ચાર રૂપિયા ઉપાડી લે લોકોને લાગે કે પાંચના છુટા લે છે પાછા દાનેસરીની જેમ એ રૂપિયા બહાર ભિખારીઓને આપી દે’

‘તો તો મહા ગિલિન્ડર છે’

‘એના કિસ્સા કહેવામાં તો રાત ઓછી પડે’

‘આ માલમાંથી માલ લઇને ઘુટડો ભરતા સંભળાવજે’

          દિવસ આથમવા ચાલ્યો ત્યારે જગલા અને ભગલાએ પોલીસની ચોરાવેલી વેર્દી ચડાવી અને ભંગારમાંથી લીધેલી પોલીસની જીપ કાઢી અને ગાંધીધામના રસ્તે વહેતા થયા.એક ચ્હાની ઝુંપડી પાછળ જીપ રાખી બંને એક ઝાડની ઓથે બેઠા.જગલો દુરબીનથી આવતી ગાડીઓની નંબર પ્લેટ જોતો હતો.ત્યાંતો દૂરથી મહારાષ્ટ્રની નંબર પ્લેટ વાળી ટ્રક આવતી દેખાઇ.જગલાએ ઇશારો કર્યો એટલે ભગલો જીપ લેવા ગયો અને જગલો રસ્તા વચ્ચે ઊભો રહ્યો ત્યાં ભગલો જીપ લઇ આવી ગયો.

‘ગાડી રોકો…’કરડાકીથી જગલાએ કહ્યું

          ટ્રક ઊભી રહી તો ટ્રકની બોડીને હાથમાંની લાકડીથી ઠોકતા ડ્રાઇવરને ફરી કરડાકીથી પુછ્યું

‘ક્યા હૈ ઇસમેં…?’

‘ઢેપ(ખોળ) હૈ સાહીબ’ડ્રાઇવરે હાથ જોડી કહ્યું

‘ચલો દિખાવ….’કહી ફરી લાકડી ટ્રકની બોડીને ઠોકી

        ક્લિનર ગાડીની બોડી પર ચડીને તાલપત્રી ખોલવા લાગ્યો અને જગલો અને ભગલો ટ્રક પર આવ્યા ત્યાં સુધીમાં ડ્રાઇવર અને ક્લિનર રફુચક્કર થઇ ગયા,પહેલા માલ તપાસીને પછી અંધારામાં બંનેને અલોપ થતા જોઇ બંને મલક્યા.

        આ તરફ જગલા ને ભગલાથી છુટા પડી પિતાંબર ગુલુભગતને મળ્યો અને દુકાનની ઘરાકી ઘેરાયલા ગુલુભગતને દુકાનના પાછળના ભાગમાં લઇ ગયો.

‘કાળી બજારની બસો ગુણીનો સોદો ત્રણ લાખમાં કર્યો છે’

‘માલ કેટલાનો છે?’

‘આસરે સાડા ચાર-પાચ લાખનો’

‘પણ રાખશું ક્યાં ગોદામમાં એટલી જગા નથી’

‘ભાનુશાલી  નગરમાં નવા બનેલા મકાનના ભોંયતળિયે. મેં મકાન માલિક સાથે વાત કરી છે, એ પાંચ હજારમાં રાજી થયો છે અને બે દિવસમાં તો માલ ફૂંકી મારશું’

‘ભલે તને ઠીક લાગે એમ’

        નક્કી કરેલી જગાએ પિતાંબર જગલા અને ભગલાને મળ્યો અને માલ ઉતારવાની જગા બતાવી.હાજર રહેલા મજુરો પાસેથી માલ ઉતારાવી રવાના કર્યા. પિતાંબરે પસ્તિમાં વિંટેલા ત્રણ લાખ જગલાને આપ્યા અને બંને ભીડ બજારમાં ટ્રક ઊભી રાખી પલાયન થઇ ગયા.

          વહેલી પરોઢે વિજળીનો મોટો ઝબકારો થયો  અને મેઘ ગાજતા સાંબેલા ધાર વરસાદ પડવો શરૂ થયો, મેઘગર્જના સાંભળી ગુલુભગત સફાળા બેઠા થઇ ગયા અને અંગ પર અંગરખુ ને છત્રી લઇ બહાર આવ્યા અને એક રિક્ષા પકડી ભાડાની રકજક કર્યા વગર ભાનુશાલી નગર જવા રવાના થયા.નિચાણ વાળા એ વિસ્તારમાં કેડ સમાણા પાણી ભરાયા હતા.રિક્ષા વાળો પાણીનું વહેણ જ આગળ હાંકવા તૈયાર ન થયો તેને ડબલ ભાડાની લાલચ ગુલુભગતે આપી તોંય એ તૈયાર ન થયો એટલે ગુલુભગત રીક્ષા ત્યાં જ રોકવાનું કહી, રિક્ષામાંથી ગોઠણ સમાણા પાણીમાં છત્રી લઇને ઉતર્યા.પવનનો એક જોરદાર ઝાટકો આવ્યો અને છત્રીમાં પવન ભરાતા કાગડો થઇ ગઇ સાથે ગુલુભગત સંતુલન ગુમાવતા પાણીમાં પડ્યા અને વહેણમાં તણાવા લાગ્યા.સદ્‍ભાગ્યે ડિવાઇડર પર ઊભેલા લીમડાના ઝાડ સાથે અથડાયા અને તેમણે ઝાડના થડને બાથ ભરી લીધી.મહામહેનતે તેઓ ઊભા થયા અને તેમની નજર જ્યાં માલ ઉતાર્યો હતો ત્યાં પહોંચી, મકાનના ભોંય તળિયાનો ભાગ પાણીમાં ગરકાવ હતો એ જોઇ ગુલુભગતે ઠુઠવો મુક્યો.’મારી મો…ર…સ (ખાંડ)’(સંપૂર્ણ)

શું વાત કરો છો?

murkanu

 

‘શું વાત કરો છો?’

એક જગાએ કોન્ગ્રેસ અને ભાજપના કાર્યકરો ભેગા થઇ આકાશ તરફ જોઇ રહ્યા હતા

રજનીઃ આ બંને પક્ષના માણસો ભેગા થઇ ને આકાશમાં શું જુવે છે?

કાન્તઃ  ચુંટણી પ્રચાર માટે રજનીકાન્તને બોલાવ્યો છે.

રજનીઃ  તો એ ક્યા પક્ષનો પ્રચાર કરવાનો છે?

કાન્તઃ   એ નક્કી કરવા માટે જ રજનીકાન્તે ટોસ કરેલો એ સિક્કો હજી સુધી             નીચે  નથી આવ્યો.

મન પાંચમ

Rose-06

‘મન પાંચમ’

મન પાંચમના મેળે જાવા અસવારી પલાણી લો;

મનનો માણિગર મળે તો મનભરીને માણી લો.

અરસ પરસના ઉરમાં ત્યારે કેવી સરગમ વાગે છે;

એક બીજાના મનની વાતો સાથે બેસી જાણી લો.

મનમાં મેઘાડંબર છાયે ઝરમર સરવાણી વરસે;

આંખ મીંચીને એ પર ઝિલી મસ્તી એની માણી લો.

ભીંજાયેલા તન પર વાયુ ઠંડીનો અણસાર કરે;

વૃક્ષ ઘટા હેઠળ ઝંખે મન હૂફ મેળવવા માણી લો.

આવી વાતો ને ઘટનાઓ ‘ધુફારી’ સાભળતો આવ્યો;

એતો સાંભળવા માંગે કો નવી અજબ કહાણી હો.

૧૮-૦૪-૨૦૧૪