જાધુ મિસ્ત્રી

mechanic

 

જાધુ મિસ્ત્રી                                                                

                 આજે નીમાની આંખ ખુલી ત્યારે દરરોજ જાગને જાદવા… પ્રભાતિયું ગાતી અને આંગણું વાળતી તેની મા નાથીનો અવાઝ ન સંભળાયો એટલે નીમાને નવાઇ લાગી શું વાત થઇ? તેણે માની પથારી તરફ જોયું તો નાથી હજી ચતિપાટ પડી હતી.હંમેશા પડખાભેર સુતી માને ચતિપાટ પડેલી જોઇને નીમાએ તેની પથારી પાસે જઇ જોયું તો નાથીની આંખો અને મ્હોં ખુલ્લા હતા એ જોઇ નીમા હેબતાઇ ગઇ અને વોય મા…. ચીસ પાડી દોડતી ઠાકા મિસ્ત્રીની ડેલીમાં રહેતી નાથીની સહેલી માંકોરને ઘેર પહોંચી ત્યાં સુધીમાં તો તે હાંફી ગઇ.

‘મા…શી….મારી મા…કરતીક માંકોરના ઘરના બારણામાં જ ધબ દઇને નીમા બેસી ગઇ અને પોકે પોકે રડવા લાગી.

‘શું થયું નાથીને….નીમા?’માંકોર નીમાની પોક સાંભળી રસોડામાં ચ્હા બનાવવાનું મુકી બહાર આવી નીમાને જંજોળતા પુછ્યું

‘મા…શી મારી મા….’કહી નીમાએ માથું ધુણાવ્યું ને ફરી પોક મુકી રડવા લાગી.

‘હાય રામ….’કહી માંકોરે નીમાને બાથમાં લીધી ત્યાં તો માકોરની સામે રહેતી પુરાંએ નીમાની પોક સાંભળી પાણીના કળશિયા સાથે બહાર આવી પુરાંએ પુછ્યું.

‘શું થયું માંકોર આ નીમા કેમ રડેછે?’

‘નાથી ગુજરી ગઇ’પુરાંએ લાવેલ કળશિયોનું પાણી નીમાને પિવડાવતા માંકોરે કહ્યું

‘જાધિયા…બહાર નીકળ’પુરાંએ દીકરાને સાદ પાડયો.

‘કાં બા શું થયું…..આ નીમા કેમ રડે છે?’ઓટલા પરથી જાધુએ પુછ્યું

‘ઇ સવાલ જવાબ પછી કરજે પહેલા માણસો ભેગા કરી નાથીને મસાણે પહોચાડવા તૈયારી કરો.’પુરાએ કહ્યું

         જાધુ તરત ઘરમાં જઇને ટોવેલ ખભે મુકીને બહાર નિકળ્યો જરાવારમાં તો માણસો ભેગા થઇ ગયા. માંકોર અને પુરાંએ નાથીને સ્નાન કરાવી કોરા કપડા પહેરાવ્યા અને પછી નનામી ઉપડી.સ્મશાનમાંથી જાધુ ઘેર આવ્યો તો માંકોરે નીમાને મરણસ્નાન કરાવીને નાથીના ઘેરથી લાવેલ કોરા કપડા નીમાને પહેરાવી ને ચ્હા પાઇ.થોડીવારે નીમાએ કહ્યું

‘માશી હવે હું ઘેર જાઉ’

‘કંઇ જરૂર નથી ઘેર જવાની અને આમેય તારૂં ત્યાં છે કોણ?તને ત્યાં નાથી યાદ આવશે તો તને સાંત્વન કોણ આપશે?વળી તારૂં ઘર છે શેરીના છેક છેવાડે વધારામાં પાછળ કોટની દિવાલ અને શુનકાર ને તું જુવાન જોધ એટલે એકલું ન રહેવાય તું અહીં જ રહે મારી સાથે શું સમજી?’આ વાત ચાલતી હતી તો પુરાંએ તેમાં સુર પુરાવતા કહ્યું

‘હા દીકરા માંકોરની વાત તદન સાચી છે કાંઇ જરૂર નથી ત્યાં જવાની’

              માંકોર ખાખરા અને પાપડ બનાવવાનું કામ કરતી હતી અને નક્કી કરેલ દુકાનદારને માલ પહોંચાડતી હતી.તે રોજ બાજરાનો રોટલો જ ખાતી હતી.જેટલી ભુખ લાગી હોય તે મુજબ ક્યારેક એક ક્યારેક બે રોટલા ટીપે પછી અથાણા સાથે,દહીં સાથે કે ગોળ સાથે ખાઇ લે.શાક માર્કેટમાં જાય તો તેને રીગણાં બહુ ભાવે તે લઇ આવે એટલે તેની ટોપલીમાં રીગણાં તો હોય જ. ક્યારેક શાક બનાવે નહીંતર ચુલામાં એકાદ રીગણું સેકી ભડથામાં લસણની ચટણી મેળવીને ખાય.સાંજે મરજી પડે તો ખીચડી રાંધે નહીંતર પોતાના બનાવેલા ખાખરા ખાઇ ચલાવી લે.નીમા આવતા માંકોર બહુજ ખુશ થઇ હવે બે જણની સરખી રસોઇ થતી હતી.

        નાથીને ગુજરી ગયે ડોઢ મહિનો થયો ત્યારે વરસી-છમાસીનું બહ્મભોજન સાથે કરાવવામાં આવ્યું.એક દિવસ પુરાં અને માંકોરે નકકી કર્યું કે નીમાના લગ્ન જાધુ સાથે કરાવી દેવા.માંકોરે નીમાને વાત કરી તો નીમાએ કહ્યુ

‘હું લગ્ન એક શરતે કરૂં કે માશી તું રોટલા ટીપવાની પંચાત છોડી દે તો જ નહીંતર હું તને મુકીને ક્યાં પણ જવાની નથી’માંકોરને ગળે વિટળાઇને નીમાએ કહ્યું.

‘ઇ વળી શું? આખો જન્મારો મારૂં લોહી પીતી વાંઢી બેઠી રહીશ?’માંકોરે નીમાને અળગી કરતા પીઠમાં ધબ્બો મારી પુછ્યું

‘રામ..રામ…રામ…માશી હું માંકડ,મચ્છર જે જૂ થોડીજ છું તે તારૂં લોહી પિવું? હા…ઓલી શું કહેવાય છે હાં…હાજરા(સાધવી)થઇશ પણ તને મુકીને ક્યાં પણ નહીં જાઉ’કહી ફરી નીમા માંકોરને ગળે વિટળાઇ.બીજા દિવસે માંકોરે પુરાંને કહ્યું નીમા તો આમ કહે છે

‘સાવ સાચી વાત છે નીમાની મેં તને કેટલીવાર કહ્યું છે કે,આ બાજરાના રોટલા અને આચરકુચર ખાવાનું મુક તે તું ક્યાં માનતી હતી?સારૂં થયું આ તને માથાની મળી જાધુના લગ્ન થશે પછી અમારી ત્રણ જણની રસોઇ ભેગી તારી પણ થઇ જશે’પુરાએ કહ્યું

       આખરે નીમાની જીદની જીત થઇ અને નીમા-જાધુના લગ્ન થઇ ગયા.ચારેય આનંદથી સાથે બેસીને જમે.જાધુ તેના બાપ ઠાકા મિસ્ત્રી જેવો જ નંબર-૧ કારીગર હતો.દરેક જાતના મશીન રિપેર કરતો હોવાથી જાધુ મિસ્ત્રી નામથી જાણીતો હતો.આમેય કામ પુરતી વાત કરે વધારે કોઇમાં હળેમળે નહીં.પુરાં તો ઘણી વખત કહેતી હતી મારારોયા સાવ જડભરત જેવો છો.નથી કોઇમાં ભળતો નથી કોઇથી વાત કરતો મને તે ચિંતા થાય છે કે તને કોણ પોતાની દીકરી પરણવવા તૈયાર થશે.નીમાથી લગ્ન થઇ ગયા પછી એક દિવસ જાધુએ પુરાંને કહ્યું

‘બા…ભલે હું જડભરત છું પણ જોઇલે કોઇકની દીકરી મને મળી ગઇ કે નહી’ કહી જાધુ હસ્યો.

       એક દિવસ પુરાં માંકોરને પાપડ વણાવતી હતી ત્યાં તેને ઉધરસ શરૂ થઇ.

‘આજે ફરી પાછી તને ઉધરસ ઉપડી?’

‘હા….ઇ ભજીયા માંગે છે’કહી પુરાં હસી તો માંકોરે નીમાને સાદ પાડયો.

‘નીમા દીકરી કાંદા સમાર ને કાંદાના ભજીયા પુરાંને ખવડાવી પાણી પા’

‘માશી ભજીયા ખાઇને પાણી પિએ તો વધુ ઉધરસ આવે’

‘દીકરા પુરાંની ઉધરસનો એ જ ઇલાજ છે’કહી માંકોર અને પુરાં હસી

        આખર ભજીયા બન્યા તે ખાઇને પુરાંએ પાણી પીધુ અને ખરેખર પુરાંની ઉધરસ સમી ગઇ એ જોઇ નીમાને નવાઇ લાગી.રાતે નીમાએ જાધુને વાત કરી તો જાધુએ કહ્યું ‘હા…બાને જ્યારે ઉધરસ ઉપડે છે ત્યારે તે ભજીયા બનાવીને ખાય છે’

              એક દિવસ શેરીમાં રખડતા લાંબી રૂંવાટી વાળા કાળા ગલુડિયાને જાધુ ઘેર લઇ આવ્યો એ જોઇ પુરાંએ કહ્યું

‘આ ગલુડિયા રમાડવાનો શોખ તને ક્યાંથી જાગ્યો?’

          જાધુએ જવાબ ન આપ્યો તે તો એ ગલુડિયાની બહુ જ સંભાળ લેતો હતો તે તેને દુધ પિવડાવે.દુધમાં પલાળેલો રોટલો ખવડાવે તેના ગળામાં પટ્ટો બાંધીને સાથે ને સાથે ફેરવે એ જોઇ નીમા,પુરાં ને માંકોર બહુ હસે પણ જાધુ તેની પરવાહ ન હતી.સમયના વહેણ સાથે એ નાનો ગલુડિયો વાછરડા જેટલો મોટો કુતરો થયો અને જાધુ સાથે તેના કારખાનામાં જ બેઠો રહેતો.સમજદાર પણ એટલો જ કે જાધુ કહે કાળા જા હથોડી લઇ આવ તો કાળો લાવી આપ

        નીમા ડઝનેક કાંચની બંગડીઓ પહેરતી હતી એટલે રોટલા ટીપતી કે વણતી વખતે બંગડિઓનો છનછન અવાઝ સાંભળી કાળો  ઘરના ઓટલા પર ઘરમાં મ્હોં રાખીને બેસે,નીમા પણ પહેલો રોટલો કે રોટલીઓ કાળાને ખવડાવે.ઘણી વખત નીમા કહે કે હજી રોટલા ટીપવાને વાર છે તો કાળો ઓટલા પર સુઇ જાય.

        ડેલીમાં દહીંવડાવાળા પસા મારાજનો,સવા સુથારનો,પાંચામેરાઇનો અને ગલુ ગઇધરના ઘર પણ હતા.તેમના કોઇના ઘરમાંથી કાળાના સામે રોટલો રાખે તો કાળો કોઇના ઘરનો રોટલો ખાય નહીં જ્યાં સુધી નીમા તેને રોટલો ન ખવડાવે.પાંચા મેરાઇની ઘરવાળી ચતુરાં તો ઘણી વખત કાળાના માથા પર ટાપલી મારી કહે પણ ખરી

‘મુવા નીમા તને શું સોનું કુટી ખવડાવે છે અને અમે શું ઝેર ખવડાવિયે છીએ?’તો કાળો ચતુરાંના ખોળામાં માથુ રાખે તો ચતુરાં કાળાને હડસેલીને કહે ‘ભાગ અહીંથી મુવા બેશરમ ખોટા લાડ ન કર’

         જાધુ અને નીમાનો સુખી સંસાર ચલતો હતો તેમાં પુરાંને ખબર પડી કે,નીમા ગર્ભવતી છે તે તો એટલી ખુશ થઇ ક પુછો મ વાત.પુરાં નીમાને જાજુ કામ કરવા ન આપે તે તો એકજ વાત કરતી

‘હું છું ને તું શુ કામ ફિકર કરે છે બસ રમકડું મળી જશે પછી તો હું કંઇ કામ કરવાની નથી હા’

      હંમેશા તળાવના આરે લુગડા ધોનારી પુરાં એક દિવસ તળાવના વચ્ચે આવેલ કુવે લુગડા ધોવા જતી ચતુરાં ભેગી એ પણ ગઇ,કુવામાં પાણીનું સ્તર એટલો ઊંચો હતો કે,કુવામાંથી નમીને ડોલ ભરી લ્યો.તે દિવસે ધોયેલા લુગડાને છેલ્લા પાણીમાં કાઢવા પુરાં ડોલ ભરવા ગઇ તે વખતે સાબુની ગોટી પર પગ આવી જતા લસકીને કુવામાં પડી.ચતુરાંની તો ચીસ નીકળી ગઇ બીજી બાઇઓએ લુગડા ધોવા પડતા મુકીને કુવાની પડથાર પાસે આવી એકે કહ્યું ‘પાણીની બહાર આવે તો બાંવડુ પકડી બહાર કાઢી લઇએ’ લગભગ ૬૫-૭૦ ફૂટ ઊંડા કુવાના તળીએ ચીકણી માટી હતી પુરાં તેમાં ખુપી ગઇ એટલે બહાર જ ન આવી.ચતુરાં ત્યાં તળાવમાં તરતા પ્રેમલાને જાધુને બોલાવી લાવવા મોકલ્યો.જરા વારમાં તો બાઇ કુવામાં પડી ગઇ… બાઇ પડી ગઇ સાંભળી તળાવમાં તરતા જુવાન તરવૈયા ભેગા થઇ ગયા અને કુવામાં કુદી પડયા.જાધુ પણ આવીને પહેરેલે કપડે જ ઠેંકી પડયો.જાધુ અને બીજા જુવાનિયા પુરાને લઇને પાણી બહાર દેખાયા તેને પડથાર પાસે ઊભેલા જુવાનિયાએ બહાર કાઢ્યા.

      કુવાના ઓટલે સુવડાવેલી પુરાની છાતી અને પેટ ચતુરાંએ દાબ્યા તો મ્હોંમાંથી પાણી નીકળ્યું જરાવાર રઇને પુરાએ આંખ ખોલીને કહ્યું જા..ધિયા અને તેને ઉધરસ ઉપડી બે ડચકાં ખાઇ પુરાંનું માથુ એક બાજુ ઢળી પડ્યું

       જાધુ પુરાંને ઉચકીને તળાવના આરે લઇ આવ્યો.માણસો ભેગા થઇ ગયા એક જણ ખાટલો લઇ આવ્યો તેના પર પુરાંને સુવડાવીને ઘેર લઇ આવ્યા ત્યાં સુધીમાં પુરાં ગુજરી ગઇ…પુરાં ગુજરી ગઇ સાંભળી આડોશ પાડોશના માણસો ભેગા થઇ ગયા.              

           ચતુરાંએ જયારે જાધુને બોલાવવા પ્રેમલાને મોકલાવેલ ત્યારથી નીમાનો જીવ પડિકે બંધાઇ ગયો હતો.માંકોર તેને બાથમાં લઇ સાંત્વન આપવાની મહેનત કરતી હતી પણ નીમાના હૈયે એક જ ફડક પેસી ગઇ હતી કે,રખે પુરાં જીવતી પાછી ન આવે.ખાટલા પર પુરાંને ઘેર લઇ આવ્યા ત્યારે બા…કરતીને નીમાએ દોડીને પુરાંને બાથ ભરી તો જાધુએ નીમાનો ખભો પકડી પુરાંથી અડગી કરતા માથુ ધુણાવ્યું તો વોય મારી મા… કરતીક નીમા બેહોશ થઇ ગઇ.જાધુએ માકોર તરફ જોયું તો માંકોર અને ચતુરાંએ નીમાને ઓટલા પર સુવડાવી પુરાંને કોરા લુગડા પહેરાવ્યા ત્યાં સુધી નનામી બંધાઇ ગઇ તેના પર પુરાંને સુવડાવી સ્મશાન તરફ રવાના થયા. 

       ચીતા ખડકી તે પર પુરાંના મડદાને સુવડાવ્યો અને ખાંપણ હટાવી જાધુને પુરાનું મ્હોં બતાળ્યું તો કાળાએ ચીતાને પરિક્રમા કરીને મ્હોં ઉપર કરી લારી કરવા લાગ્યો.ચીતાને અગ્નિદાહ આપી જાધુએ કાળાને બાથમાં લીધો.પુરાંને કુવામાંથી બહાર કાઢી લાવ્યા ત્યારથી અત્યાર સુધી જાધુની આંખમાંથી એક ટીપું આંસુ નહોતું પડયું તે કાળાને બાથમાં લેતાં પોકે પોકે રડી પડયો પસા મારાજ અને પાંચા મેરાઇએ જાધુને સાંત્વન આપી ઘેર લઇ આવ્યા.

     નીમા પાંચ માસની ગર્ભવતી હોતા પુરાંના મરણને દોઢ મહિનો થતાં જ વરસી છમાસીનો બ્રહ્મભોજન કરાવી લીધું.ફળિયાના ભેગા થઇને સાદાઇથી નીમાનો ખોળો ભરાવવાની વિધી કરી. 

           એક અઠવાડિયા પછી નીમા જાધુ માટે ચ્હા બનાવવા ચુલાની નજીક બારણાવાળા ગોખલામાંથી ચ્હાનો ડબો ઉપાડયો તો તે ખાલી હતો.ગોખલા ઉપર બનાવેલા ઘોડા પર પડેલો ચ્હાનું પડિકું લેવા નીમા ઊભી થઇ અને પડિકાને હાથનો હડસેલો લાગતા પાછળ ચાલ્યો ગયો તો પગના પંજા ઉપર ઊભી રહી નીમા લેવા ગઇ તો લથડી અને ગોખલાના ખુલ્લા બારણા પર પડી બારણા ઉપરની પટ્ટી તેના પેટમાં ખુચી અને પેટ ભેગી ગર્ભની કોથળી પણ ચીરાઇ ગઇ નીમા વોયમા…ચીસ પાડી ભફ દઇને પડી. નીમાની ચીસ સાંભળી ઓટલા પર બેસી કાળા સાથે ગેલ કરતો જાધુ સફાળો ઘરમાં આવ્યો ને નીમાને જોઇને નીમા…!!! જાધુની ચીસ નિકળી ગઇ.જાધુની ચીસ સાંભળી માંકોર દોડી તો જાધુ નીમાને લઇને આંગણામાં પડેલી પસા મારાજની હાથલારી પર નીમાને સુવડાવી પ્રસુતિકા ગૃહ તરફ દોડ્યો અને ત્યાં ડોકટરને બધી વાત કરી. ડોકટરે નીમાને તપાસીને કહ્યું’ ‘લોહી ઘણું વહી ગયું છે સાથે ગર્ભાશયમાંનું પાણી પણ ગર્ભમાં રહેલ બાળક મરી ગયું છે તેથી સેપ્ટિક થવાથી નીમા પણ મરી ગઇ છે’

        ડોકટરે નીમાના પેટને ટાંકા દઇ લાશ જાધુને સોંપી ત્યાં સુધીમાં માંકોરની વાત સાંભળી આડોશ પાડોશના પણ પ્રસુતિકા ગૃહ પહોંચી આવ્યા.એજ હાથ લારીમાં નીમાની લાશ લઇને ઘેર આવ્યા.માંકોર અને ચતુરાંએ નીમાને સ્નાન કરાવી કોરા લુગડા પહેરાવ્યા કપાળમાં ચાંદલો કરી સેંથો પુરી નનામી પર સુવડાવી.જાધુ એક ખુણામાં બે પગ વચ્ચે માથું રાખી બેઠો હતો.નનામી ઉપડી તો પસા મારાજે તેને ઊભો કર્યો.ચીતા પર નીમાને સુવડાવી ખાંપણ હટાવી નીમાનું મ્હોં પસા મારાજે જાધુને બતાડયું તો જાધુ નીમાના મડાને બાથ ભરી પોકે પોકે રડ્યો. કાળો તો નીમાની ચીતાને પરિક્રમા કરી સતત લારી કરવા લાગ્યો.પસા મારાજે જાધુ પાસેથી અગ્નિસંસ્કાર કરાવ્યા.સ્મશાનથી બધા પાછા વળતા હતા ત્યારે જાધુએ કાળાના માથા પર હાથ રાખી કહ્યું ‘હવે બસ કર મારા ભાઇ….’

       બે દિવસ એમ જ પસાર થઇ ગયા ન જાધુએ કશું ખાધુ ન કાળાએ ત્રીજા દિવસે માંકોરે નીમાના સોગંધ આપી જાધુને જમવા બેસાડયો અને કાળાને રોટલો આપ્યો પણ કાળાએ એ ન ખાધી એ તો જાધુના ઘરમાં  મ્હોં રાખી હંમેશ બેસતો હતો તેમ બેઠો રહ્યો.

       માંકોરના ઘેર જમીને જાધુ ઘરમાં આવ્યો અને ચુલો પેટાવી કાળા માટે બે રોટલા ટીપી કાળાને ખવડાવ્યા તે પછી જાધુ પોતાના ઘરમાં પોતા માટે અને કાળા માટે રોટલા ટીપે, કાળાને ખવડાવીને માંકોર શાક આપી જાય તેનાથી પોતે ખાઇલે.

       આમ એક મહિનો પસાર થઇ ગયો.જાધુને અસુખ થઇ આવ્યું એટલે ઉપલા માળે સુતો હતો.માંકોરે ચ્હા પીવા જાધુને સાદ પાડયો તો

‘માશી મને આજે મજા નથી ચ્હા નથી પીવી’ કહી જાધુ પાછો સુઇ ગયો.

      કાળો સતત બારણાને નહોર ભરાવીને ભસ્યા કરતો હતો.જાધુએ ઉપરથી ભુમ મારી

‘કાળા માથું શા માટે ખાય છે….?’ પણ કાળાનું ભસવુ બંધ ન થયું.જાધુ ચિડાઇને નીચે ઉતર્યો અને બારણું ખોલ્યું તો કાળાએ ઘરમાં જઇને જાધુ પર કુદીને જોરથી ધક્કો માર્યો તો જાધુ સામે રહેતી માંકોરના ખુલ્લા ઘરના બારણામાંથી ઘરમાં પડ્યો અને ત્યારે જ જાધુનું મકાન ધરતીકંપથી બેસી ગયું અને કાળા પર મોભ પડયો કાળાએ બે ડચકા ખાધાને મરી ગયો. આ જોઇ જાધુ બે હાથ વચ્ચે માથું પકડી કાળા….કહેતા રડી પડયો.

        પોતાના મકાનનું કાટમાળ હટાવી મરેલા કાળાને જાધુએ બહાર કાઢ્યો અને નીમાની સાડીમાં વીટી ખભે નાખી કોટની દિવાલની બીજી તરફ આવેલ બાળકોના સ્મશાનમાં આવ્યો.ત્યાંના મહાદેવના મંદિરમાંથી પાવડો લાવી લીમડાના ઝાડ હેઠળ ખાડો ખોદી કાળાને દફનાવ્યો તે પછી જાધુ ક્યાં ગયો કોઇને ખબર નથી (સંપૂર્ણ)

        

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: