‘વિંછીનો ડંખ’-છેલ્લો
બંનેને ચ્હા પીધા પછી પોપચા ભારે લાગતા બારણા વાંસીને સુઇ ગયા અર્ધી રાત્રે ચ્હા બનાવતી વખતે અર્ધી ખુલ્લી મુકેલી રસોડાની બારીમાંથી કપીલ ઘરમાં દાખલ થયો અને સીધો માવિત્રોના રૂમમાં જઇ સાદ પાડ્યો મમ્મી એ મમ્મી પપ્પા એ પપ્પા કશો જવાબ ન મળતા ઘરમાં શોધખોળ શરૂ કરી.
કબાટમાં ઘડી વાળી મુકેલ કપડા ઉલટ પુલટ કર્યા,ચોર ખાનો ખુલ્લો હતો તે હાથફેરવી જોયો ભંડકિયામાં રાખેલ જુનો સામાન ફંફોસી જોયો માળિયા પર ચડીને શોધ કરી તો કળશ હાથ આવ્યો લેબલ વાંચ્યું સ્વ.રતનબા ના અસ્થી સ્વર્ગવાસ તારીખ…. પાછું મુકી દીધું.શો-કેશમાં મુકેલ વસ્તુઓ ઉલટ પુલટ કરી જોઇ ટેબલનો ખાનો ફંફોસતા કસ્તુરની પર્સ મળી તેમાં પંદર રૂપિયા હતા પાછી મુકી દીધી.રસોડામાં અનાજના ડબ્બામાં હાથ ફેરવી જોયો કાંઇ ન મળ્યું,જગજીવનના કોટના ખિસ્સા તપાસ્યા ખાલી હતા.
કપીલ પહેલી વખત અર્ધીરાત્રે કબાટ ફંફોસતો હતો ત્યારથી જગજીવન પોતે પહેરતા હતા એ કાળી ટોપી ઉતારી પૈસાનું પાકિટ તેમાં મુકીને ખીટીએ લટકાવતા હતા એટલે કપીલના હાથમાં એ પાકિટ પણ ન આવ્યું.નિરાશ થઇ એ બબળ્યો બધી મહેનત પાણીમાં ગઇ પછી બારી વાટે બહાર જઇ કલાં પાસે ચાલ્યો ગયો.વહેલી પરોઢે બારણું ખખડાવ્યું કલાએ બારણું ખોલ્યું તો કપીલ સીધી પોતાના રૂમમાં જઇ સુઇ ગયો.
સવારના ચ્હા નાસ્તો પત્યા પછી સાસુ જમાઇ ટીવી જોતા હતા અસલમાં તો કેતકી આડી અવળી થાય તેની રાહ જોવાતી હતી અને આમેય સાસુ જમાઇ જે કંઇ કાવતરા કરતા હતા એ કેતકીની ગેરહાજરીમાં જ થતા હતા આખર કેતકી શાક લેવા ગઇ એટલે નિરાંત થઇ
‘શું થયું રાતના..?’ઉત્કંઠાથી કલાંએ પુછ્યું
‘બધી મહેનત પાણીમાં ગઇ’કપીલે મ્હોં બગાડીને કહ્યું
પછી પોતે ઘેર ગયો અને જગજીવન સાથે શું વાત કરી,કેવી રીતે એ મધરાતે રસોડાની બારીમાંથી ઘરમાં ગયો,કેવી રીતે આખા ઘરની ઝડતી લીધી ઇવન અનાજના ડબ્બા સુધ્ધા ફંફોસ્યા સુધીની વિગતવાર વાત કરી એ સાંભળી કલાંએ નિસાસો નાખતા વિચાર્યું ખરેખર જગજીવન પાસે કશા કાળાનાણા નહીં હોય?’
પહેલી તારીખે જગજીવન પાછો લીલાધર પાસે ગયો તો લીલાધરે કહ્યું
‘તમારા પેન્શનની ફાઇલ હજુ સુધી મારા સુધી પહોંચી નથી’સાંભળી જગજીવન દેસાઇ સાહેબને મળ્યો અને લીલાધર સાથે થયેલ વાત કરી.દેસાઇએ હેડ ઓફિસમાં ફોન કર્યો તો જવાબ મળ્યો કે અમે તો જગજીવન રિટાયર થયા પછી બે અઠવાડિયા બાદ જ પેન્શનની ફાઇલ મોકલાવી આપી છે.તો દેસાઇએ કહ્યું કે મને તેની નકલ રવાના કરો સાંભળી જગજીવન ઘેર જતા પહેલાં બેન્કમાં પૈસા ઉપાડવા ગયા.તેને ખાત્રી જ હતી કે લીલાધર કશીક અડવિતરાઇ જરૂર કરશે એટલે ગીતામાં સંતાડેલી પાસબુક પૈસા ઉપાડવા સાથે જ લીધી હતી.
એક અઠવાડિયા બાદ બીજી ફાઇલ આવી ગઇ.લીલાધર એ પણ પોતાના ઘેર લઇ ગયો. ફરી પહેલી તારીખે જગજીવન લીલાધરને મળ્યો તો જીણી આંખો કરી લીલાધરે કહ્યું
‘જુઓ જગજીવન તમારા પેન્શનની અસલ અને નકલ એમ બંને ફાઇલો મારી પાસે મારા ઘેર પડી છે, હવે તમને મંજૂર હોય તો તમારા ત્રણ મહિનાના પેન્શનની જે રકમ થાય તેમાંથી રૂપિયે ચાર આના ભાગ મને આપવો એ જો તમને કબુલ હોય તો હું કાલે જ તમારૂં પેન્શન ચાલુ કરાવી દઉ નહીંતર ધક્કા ખાધે રાખજો અને મારા માટે તો રકમ વધતી જ જશે’ એમ કહી બંને હાથના આંગળા ભીડી માથા પાછળ રાખીને ખંધાઇપૂર્વક લીલાધર હસ્યો. જગજીવન નિરાશ થઇ બહાર આવ્યા અને ઓફિસથી થોડી દૂર ઊભી રહેતી ચ્હાની રેંકડી પાસે મુકેલા બાંકડા પર બેસી ગયા,તે જ વખતે કેતકી બાઇકથી ત્યાંથી પસાર થતા સસરાને ત્યાં બેઠેલા જોઇ બાઇક બાજુમાં ઊભી રાખી જગજીવનના ખભે હાથ રાખી પુછ્યું
‘પપ્પા અહીં કેમ બેઠા છો?’તો ભીની આંખે જગજીવને કેતકી સામે જોયું
‘હમણાં કંઇ બોલતા નહીં ચાલો બાઇક પર બેસો આપણે ઘેર વાત કરીશું’કહી જગજીવનને બાઇક પર બેસાડી ઘેર લઇ આવી.કસ્તુરે બારણું ઉગાડ્યું
‘શું થયું?’તેનો જવાબ આપ્યા વગર કેતકી રસોડામાં ગઇ અને પાણીનો ગ્લાસ ભરી લાવી જગજીવનને પીવડાવી થોડીવાર બાદ પુછ્યું
‘શું થયું પપ્પા?’
જગજીવને પહેલી વખત પેન્શન લેવા ગયો ત્યારથી આજ દિવસ સુધી શું થયું તેની વિગતવાર વાત કેતકીને કરી તો કેતકીએ કહ્યું
‘તમે ચિંતા નહીં કરો પપ્પા તમને પેન્શન હું અપાવીશ’
‘બેટા તું ઓલા લીલાધરને ઓળખતી નથી ઇ બહુ જ નીચ માણસ છે’જગજીવને ભીની આંખે કહ્યું
‘ઇ ભલે ગમે એટલો નીચ હોય હું પણ જોઉ છું કે એ તમારૂં પેન્શન કેમ નથી આપતો’કેતકીએ દ્રઢતાથી કહ્યું
‘પણ દીકરી….’જગજીવને લાચારીથી કહ્યું
‘પપ્પા…. મેં તમને કહ્યું ને તમે ચિંતા નહીં કરો હું લીલાધરને જોઇ લઇશ’કેતકીએ આશ્વાસન આપતા કહ્યું
‘દીકરી તું તો ગઇ તે ગઇ પછી પાછું ફરીને પણ ન જોયું?’કસ્તુરે કહ્યું
‘પેલી ગોવા વાળી વાત પછી કપીલ મને બાવડું પકડીને લઇ ગયો ત્યારે રસ્તામાં કહ્યું પપ્પાએ કહ્યું છે કે,જ્યારે જુઓ ત્યારે એક જ વાત પૈસા આપો..પૈસા આપો હવે ઘરમાં આવતો નહીં નહીંતર બાવડું જાલીને ઘરથી બહાર કાઢી મુકીશ’કેતકીએ કહ્યું
‘હાય રામ!! આવડું મોટું જુઠાણું?’કસ્તુરે બે હાથ મ્હોં પર રાખી ને કહ્યું
‘એમાં શું અજબ નવાઇની વાત છે પહેલેથી જ જુઠા બોલો છે પારણામાં પણ સાચું નહીં રડયો હોય’જગજીવને મ્હોં બગાડી કહ્યું તો કેતકી હસી.
‘હવે ક્યાં જાય છે?’કેતકી ઊભી થઇ બહાર જવા લાગી તો કસ્તુરે પુછ્યું
‘મમ્મી હું હમણાં જ આવું છું ‘કહી બાઇક સ્ટાર્ટ કરી
ઘેર આવી શાકની થેલી કલાંને પકડાવી કેતકી પોતાના રૂમમાં ગઇ અને ખપ પુરતા પોતાના ચાર જોડી કપડા અને બીજો સામાન એક બેગમાં નાખી રૂમની બહાર આવી એ જોઇને કલાંએ પુછ્યું
‘આ બેગ ઉપાડી ક્યાં જાય છે?’
‘માવતરે…’કેતકીએ જવાબ આપ્યો તેના મ્હોંના હાવભાવ જોઇ કલા હબકી ગઇ
‘પણ તારા માવતરનું ઘર તો આ છે તો…..’કલાંએ ડરતા ડરતા પુછ્યું
‘જયાં મારો પતિ રહેતો હોય એ મારા સાસરાનું ઘર કહેવાય માવતરનું નહીં…’શું સમજી એવા ભાવથી કલાંઅ સામે જોઇ કેતકી બહાર નીકળી ગઇ અને બાઇક સ્ટાર્ટ કરી
‘કેતકી,,,કેતકી,,,સાંભળતો ખરી’કલાંએ પાછળ બુમ મારી કહ્યું પણ ફોગટ
સાંજે ફોન કરીને કેતકીએ પોતાની સહેલી નીશાને બોલાવીને બધી વાત કરી બીજા દિવસે સવારે નીશા આવી તો કેતકીએ બાઇક ચાલુ કરતા કહ્યું
‘મમ્મી હું નીશા ભેગી બહાર જાઉ છું કલાક દોઢમાં પાછી આવી જઇશ’
બંને સહેલીઓ લીલાધર પાસે આવી.કેતકી લીલાધર સામે મુકેલી ખુરસી પર બેઠી અને નીશા તેણીની પાછળ ઊભી રહી ખોટે ખોટો ફોન કરવાનો ઢોંગ કર્યો અને પછી કેતકીના ખભે હાથ મુક્યો
‘હાં… બોલો શું કામ હતું?’લીલાધરે કેતકીના અંગો પર નજર કરતા પુછ્યું
‘હું જગજીવનની પુત્રવધુ છું પપ્પાના પેન્શનની વાત કરવી હતી’
‘ઓહો…!!ઓલ્યો સત્યવાદીની પુછડી આખી જિંદગી મને આડો આવ્યો છે ન પોતે ખાતો ન મને સુખે ખાવા દીધું ઇ કાગડો માંડ લીલાધરના ફાસલામાં ફસાયો છે તેને લીલાધર પોતાની લીલા બતાવ્યા વગર એમ જ થોડો જવા દેશે’કહી લીલાધર ખંધુ હસ્યો.
‘પણ તેમના પેન્શનની ફાઇલ….’કેતકીએ પુછ્યું
‘અસલ અને નકલ બંને મારા ઘેર પડી છે.હમણાં જ જગજીવન આવ્યો હતો ત્યારે મેં સમજાવ્યો કે ત્રણ મહિનાના પેન્શનની જે રકમ થાય તેમાંથી રૂપિયે ચાર આના મારો ભાગ આપી દે તો કાલે જ તેનો પેન્શન ચાલુ કરાવી દઉ પણ એ જડભરત સમજવા જ તૈયાર નથી તો હું શું કરૂં?’ખભા ઉલાળતા લીલાધરે મલકીને કહ્યું પછી હળવેકથી કેતકીનો ટેબલ પર રહેલા હાથ પર પોતાનો હાથ મુકી જીણી આંખો કરી કહ્યું
‘તું સમજુ લાગે છે કાં તો બસ એક રાત…’કહી કેતકીને આંખ મારી પછી બંને હાથના આંગળા ભીડી માથા પાછળ રાખી કહ્યું
‘વિચારી જોજે આપણને કંઇ ઉતાવળ નથી..’કહી ખંધાઇથી હસ્યો ત્યારે તેની આંખમાં વાસનાના સાપોલેયા ફરતા હતા.નીશાએ કેતકીના ખભે હાથ રાખ્યો તો આટલી વારથી મનમાં ઉકળતો ચરૂ ધરબી બેઠેલી કેતકીનો જવાળામુખી ફાટયો અને કેતકી ઊભી થઇ અને રણચંડી જેમ આંખો ફાડી ક્રોધથી હાંફતા ત્રાડ નાખી
‘મુવા નીચ…નાલાયક..સાલા લંપટ..’કહી લીલાધરના ગાલ પર બે થપ્પડ જડી દીધી
લીલાધર તો હેબતાઇ જ ગયો ઓફિસ આખી કેતકીની ત્રાડથી ભેગી થઇ ગઇ
‘મુવા બેશરમ…મવાલી…હલકટ તારા ઘરમાં મા બહેન નથી?’કહી નીશાનો હાથ પકડી કેતકી ઓફિસની બહાર નીકળી ગઇ.ઓફિસ આખી ભેગી થઇ ગઇ તેની વચ્ચે લીલાધર નીચું માથું રાખી બેઠો હતો.
કલાક-એક પછી કેતકી અને નીશા સીધી દેસાઇની કેબીનમાં ગઇ.કેતકીએ લીલાધર સાથે જે વાત થઇ હતી એ કહી સંભળાવી તો દેસાઇ કેતકી સામે જોઇ રહ્યો તો કેતકીએ કહ્યું
‘તમે પોલીસને બોલાવો તમને પુરાવા જોઇએ ને તે મારી પાસે છે અને હું આપીશ’
દેસાઇએ પોલીસ ઇંસ્પેકટરને ફોન કરી તાબડતોબ આવી જવા કહ્યું અને પછી ટાઇપિસ્ટને બોલાવીને કોઇને પણ વાત કર્યા વગર લીલાધરનો સસ્પેન્ડ ઓર્ડર ટાઇપ કરી લાવવા કહ્યું.નીશાએ મોબાઇલમાં રેકર્ડ કરેલ લીલાધરની વાતોની ક્લિપસ દેસાઇને બતાવી તે જોઇ દેસાઇએ કહ્યું
‘છી..છી..છી કેટલી નિચતા ભરી છે આ માણસમાં એની ફરિયાદો તો ઘણી આવતી હતી પણ….’
‘પણ પુરાવાનો અભાવ હતો એમ ને?….’આ વાત ચાલતી હતી ત્યાં પોલીસ ઇંસ્પેકટર આવી ગયા કોઇ પણ બીજી વાત કર્યા વગર નીશાએ મોબાઇલની ક્લિપસ બતાવી તો પોલીસ ઇંસ્પેકટર પણ અચંબામાં પડી ગયો.સસ્પેન્ડ ઓર્ડર ટાઇપ થઇ આવી ગયો તો દેસાઇએ સહી કરી પટાવાળાને બોલાવીને કહ્યું
‘જાવ લીલાધરને આપી આવો’
પટાવાળો ગયો અને બે મિનિટમાં લીલાધર દોડતો દેસાઇની કેબીનમાં આવ્યો
‘કસ્ટમર સાથે ઉધ્ધતાઇ અચરવા અને સરકારી ફાઇલો ગેરવલ્લે કરવાના ગુન્હા સબબ તમને ગિરફતાર કરવામાં આવે છે’કહી ઇંસ્પેકટર લીલાધરને બેડી પહેરાવી અને પોલીસે તેના બાવડામાં દોરી બાંધી તેને ઓફિસ વચ્ચેથી બહાર લઇ ગયા અને જીપમાં બેસાડયો.ઓફિસમાંથી અવાઝ આવતા હતા
‘એ લીલો એ જ લાગનો હતો…પોલીસ ભલે લઇ ગઇ એ હલકટને….લોહીપીણો હતો લોહીપીણો… એ જાન છુટી…એ પેંડા વહેંચો પેંડા’કોઇક બોલ્યું અને પછી હાસ્યનું એક મોજું ફરી વળ્યું.
અહીંથી આખું લશ્કર લીલાધરના ઘર તરફ ચાલ્યું સૌથી આગળ પોલીસની જીપ હતી તે પાછળ દેસાઇની ગાડી અને તે પછી બાઇક ઉપર કેતકી અને નીશા નિકળ્યા.લીલાધરના ઘર પર રેડ પડી.કબાટમાંથી જગજીવનની બે ફાઇલો ઉપરાંત દશ બીજી ફાઇલો નીકળી અને સાથે ત્રણ લાખ રૂપિયા રોકડા.પોલીસે બધું જપ્ત કરી પંચનામું કર્યું. ઇંસ્પેકટરે બધી ફાઇલો દેસાઇને સોંપી અને નીશાએ મોબાઇલના ક્લિપની સીડી ઇન્સપેકટરને સોંપી.બધા બહાર આવ્યા ત્યારે ભીની આંખે કેતકીના માથા પર હાથ રાખી દેસાઇએ કહ્યું
‘બેટ!!! તેં ભારે હિંમ્મતનું કામ કર્યું જગજીવનને કહેજો કાલે આવીને પેન્શન લઇ જાય’
કેતકીએ નીશાને તેના ઘેર ઉતારી ત્યારે કેતકીની આંખ ભીની થઇ ગઇ
‘આ શું કેતકી?’નીશાએ કેતકીની આંખો લુછતા પુછ્યું
‘તારા સાથ વગર આ કામ પાર ન પડત’કેતકી નીશાને બાથ ભીડી કહ્યું
‘તું મને તારી સાચી સહેલી સમજે છે અને મારા પર ભરોસો કર્યો એ મારા માટે ઘણું છે’કહી નીશા ઘરમાં ગઇ અને કેતકીએ બાઇક ચાલુ કરી રસ્તામાંથી મિઠાઇની દુકાનેથી કાજુ કતરીનું પેકેટ લીધું. ઘેર આવી જગજીવનને કાજુ કતરી ખવડાવતા કહ્યું
‘પપ્પા..દેસાઇ સાહેબે કહ્યું છે જગજીવનને કહેજો કાલે આવીને પેન્શન લઇ જાય’
‘પણ આ થયું કેમ ઓલ્યો લીલો…..?’
‘તેને પોલીસે જેલમાં પૂર્યો છે અને તેના ઘર પર રેડ નાખી તમારી બે ફાઇલો અને બીજી દશ ફાઇલો તેના ઘરના કબાટમાંથી નીકળી અને ભેગા ત્રણ લાખ રૂપિયા રોકડા નીકળ્યા ચાલો મમ્મી શું બનાવ્યું છે અને શું બનાવવાનું બાકી છે મને બહુજ ભુખ લાગી છે’
અહીં કપીલને સહેલાઇથી કલાં પાસેથી પૈસા મળતા હતા એટલે એ હરામ હાડકાનો થઇ ગયો હતો.પોતાના ઘરમાંથી કશું ન મળ્યું એટલે કપીલને ખાત્રી થઇ ગઇ કે, હવે કલાં પણ તેને પૈસા નહીં આપે.શું કરીશું ઘણા વિચાર કર્યા પછી એક મિત્ર પાસેથી પૈસા ઉધાર લઇને ચાર દાબેલી બંધાવી બે તીખી અને બે સાદી સાથે પોતાની પસંદગીની સેવન-અપની બોટલ અને કલાંની પસંદગીની કોકાકોલાની બોટલ લઇ ઘેર આવ્યો અને ખુશ થતાં કલાંને કહ્યું
‘મમ્મી મને નોકરી મળી ગઇ મહિને પંદર હજાર પગારની અને પહેલી તારીખથી હાજર થવાનું છે એ માનમાં દાબેલી લઇ આવ્યો છું’
રસોડામાં જઇ બધી દાબેલીના ચાર ચાર કટકા કર્યા પછી સેવન-અપ અને કોકાકોલાની બોટલો ખોલી એક ચમચામાં થોડી કોકાકોલા કાઢી તેમાં અફીણની ગોળી ઓગાળી બાટલીમાં પાછી નાખી દીધી.દાબેલીની બે પ્લેટો અને બંને બોટલો લઇ કલાં પાસે આવ્યો તીખી દાબેલીની પ્લેટ અને કોકાકોલાની બોટલ કલાંને આપી અને બીજી પ્લેટમાંથી દાબેલી પોતે ખાઇ ને સેવન-અપ પીધી. કલાંએ દાબેલી ખાઇ કોકાકોલા પીધી તો તેણીને સ્વાદ જરા વિચિત્ર લાગ્યો એટલે કપીલને કહ્યું
‘છોરા….આ કોકાકોલાના સ્વાદમાં કઇક ફરક લાગે છે’
‘એમ…? આ વળી નવું લાવો જોઉ…’કહી કલાં પાસેથી કોકાકોલાની બોટલ લઇ હોઠ ભીંજાય એટલી પી કરી કહ્યું
‘હવે બરોબર તો છે કશો ફરક નથી આ ઘણા દિવસે તમે પીવો છો એટલે એમ લાગતું હશે.તમે એમ કરો તમે સેવન-અપ પીવો હું કોકાકોલા પીવું છું.’કહી સેવન-અપની બોટલ કલાં સામે ધરી.
‘ના…મને આ કોકાકોલા જ ઠીક છે સેવન-અપ મને ભાવતી નથી’કલાંએ કહ્યું
દાબેલી ખવાઇ ગઇ બોટલો પીવાઇ ગઇ પછી ખાલી પ્લેટો અને ખાલી બોટલો લઇ કલાં રસોડામાં ગઇ અને કપીલ પોતાના રૂમમાં ગયો.વહેલી પરોઢે કપીલ કલાંના રૂમમાં આવ્યો અને બે સાદ પડ્યા મમ્મી…એ મમ્મી જવાબ ન મળ્યો એટલે કલાંના ઓશિકાનીચે મુકેલી તિજોરીની ચાવી લઇ તિજોરીમાં જે રોકડા પૈસા હતા એ એક પાકિટમાં નાખી ભાગી ગયો.
રોજ સવારે છ વાગે જાગી જનાર કલાંની આંખ ખુલી ત્યારે આઠ વાગ્યા હતા. માથું ભારે લાગતું હતું.ઊઘરેટી આંખે કલાં બાથરૂમમાં ગઇ નિત્યક્રમથી પરવારી પોતાના રૂમમાં આવી ત્યારે ખાલી તિજોરી ખુલ્લી હતી.
‘ફટ રે ફટ મુવા કપીલ કલ્યાણીની શિખવેલી કળા કલ્યાણી પર જ અજમાવી?હું પણ કેવી મુરખી પૈસાની લાલચમાં છાણે ઠાકરિયો વીંછી ચડાવ્યો એ મને કલ્યાણીને જ ડંખ્યો?’
ધુવા ફુવા થતી કલાં કપીલનો ફોટોગ્રાફ લઇ સીધી પોલીસચોકી પર ગઇ અને ઇંસ્પેકટરને કહ્યું
‘આ મારો જમાઇ કપીલ છે એ મારા રૂપિયા ચોરવીને ભાગ્યો છે.’
‘ભલે અમે તપાસ કરીશું’ફરિયાદ નોંધી ઇંસ્પેકટરે કહ્યું
‘તપાસ કરવાની જરૂર નથી એ કપાતર ક્યાં હશે તે હું તમને દેખાડું બસ મારી સાથે ચાલો અને તેને પકડી બેડી પહેરાવો’
જીપમાં કલાંને બેસાડી મોટી બજાર ની એક શેરીમાં બીજી એક સાંકડી ગલીના છેવાડે એક ખખડધજ બંગલી કલાંએ દેખાડી ત્યાં જુગારનો અડ્ડો ચલાવતા ચુનિયો ચુંચો હોટલમાં ચ્હા પીતો હતો તેણે પોલીસની જીપ જોઇ ત્યાંથી સટક સીતારામ થઇ ગયો. પોલીસે બંગલી પર રેડ નાખી ત્યાં કપીલ અને બીજા પાંચ જુગાર રમતા હતા. પોલીસે માલ મત્તા જપ્ત કરી કપીલને બેડી પહેરાવી અને બીજા પાંચના બાંવડામાં દોરી બાંધી નીચે લઇ આવી અને જીપમાં બેસાડી પોલીસ ચોકી ઉપર લઇ આવ્યા. પંચનામુ કરી કલાની રકમ કલાને સોંપી ત્યારે કલાએ કપીલને કહ્યું
‘મુવા કપાતર હું તને મારો દીકરો સમજતી હતી અને તેં મારી સાથી કલ્યાણી સાથે આ રમત કરી?’
એમ કહી કલાંએ બે થપ્પડ કપીલના ગાલે જડી દીધી પછી હા..ક…થુ કરી કપીલના મ્હોં પર થુકીને ચાલી ગઇ.પોલીસ કપીલને પકડી ગઇ એ સમાચાર કેતકીને તેની સહેલી કુસુમે કેતકીને બજારમાં આપ્યા.કેતકીએ બજારમાંથી ઘેર આવી સાસુ અને સસરાને સમાચાર આપ્યા.
‘એ નાલાયક હતો જ એ લાગનો’કસ્તુરે મ્હોં બગાડીને કહ્યું.
‘ચાલો..આખર ભેંશના શિંગાડા ભેશને જ ભારે પડયા’ કહી જગજીવને નિસાસો નાખ્યો’ (સંપુર્ણ)
Filed under: Stories |
Leave a Reply