વિંછીનો ડંખ-બીજો

વિછી

‘વિંછીનો ડંખ’-બીજો         

               કેતકી અને કપીલ ઇન્ટરનેટ પર વાતો કરતા હતા એક દિવસ કલાં એ જોઇ ગઇ તો કેતકીને પુછ્યું

‘કોણ છે આ છોકરો ઘેર લઇ આવ તો હું પણ જોઉ’

‘એ કપીલ છે અને તેના પપ્પા મોટા સરકારી ઓફિસર છે’કેતકી એ કહ્યું

               કલાંએ વિચાર કર્યો કે સરકારી ઓફિસર અને તે પણ મોટો જો આ પારેવું હાથ આવી જાય તો તેના બાપે લાંચ લઇ ભેગી કરેલ મુડીમાંથી આપણે પણ થોડી ખંખેરી શકિયે.બે દિવસ પછી કપીલ ઘેર આવ્યો તો કલાંએ પોતાની લટુડા પટુડાની કળા અજમાવવાની શરૂઆત કરી.ત્રણ ચાર વખત કપીલ ઘેર આવ્યો તો કલાંએ અંદાઝ બાંધી લીધો કે કપીલ ચડાઉ ધનેડું છે વાહ કપીલ વાહ કરીએ તો ચણાના ઝાડ પર ચડી જાય એમ છે એટલે કલાંએ પોતાની કળાના દાણા નાખ્યા અને પારેવું ચણવા લાગ્યું અને તે એટલે સુધી કે કપીલને કલાંનું ઘર પોતાનું ઘર લાગવા લાગ્યું. 

                         એમ.બી.એ.નું રીઝલ્ટ આવ્યું બંને પાસ થઇ ગયા કપીલે બહુજ હરખાઇને જગજીવનને રિઝલ્ટ બતાવ્યું તો જગજીવને કહ્યું

‘આના લીધે તને સારી નોકરી મળી જશે મારી પાસે મારી મરણ મૂડી છે તારી કમાણી તું વાપરજે તારી કમાણીની રાતી પાઇ પણ મને નહીં જોઇએ’             

     બીજા દિવસે કપીલ કલાંને મળ્યો અને જગજીવન સાથે થયેલ બધી વાત કરી  

‘તારા પપ્પાની તો ઘણી ઓળખાણ હશે તેથી તને ગમે ત્યાં નોકરી અપાવી શકે’ કલાંએ સોગઠી મારતા સલાહ આપી.

        એક અઠવાડિયું પસાર થઇ ગયું એક દિવસ જગજીવને પુછ્યું

‘પછી શું થયું તારી નોકરીનું ક્યાંક મળી?’

‘તમારી આટલી બધી ઓળખાણ છે મને ક્યાંક રખાવી દો ને’કપીલે દયામણે ચહેરે કહ્યું

‘તો પછી ગ્રેજ્યુએટ અને એમ.બી.એ. થવાની શું જરૂર હતી બારમી પાસ કરીને કારકુની જ કુટવી હતીને.હું કોઇની મદદ વગર મારી રીતે પગભર થયો છું.તું એ ભરમમાં રખે રહેતો કે હું તને ક્યાંક નોકરીએ રખાવી દઇશ.પોતે કમાણી કરો અને વાપરો હવે હું તને રાતી પાઇ પણ આપવાનો નથી.’જગજીવને ઉશ્કેરાઇને કહ્યું  

‘પપ્પાએ તો મને નોકરી અપાવવાની અને પૈસા આપવાની ના પાડી દીધી’કપીલ કલાંને કહ્યું.

‘જો તારા પપ્પા પાસે કાળાનાણા ઘણા હશે એ પૈસા બેન્કમાં ન મુકી શકાય તે રોકડા જ ઘરમાં ક્યાંક સંતાડેલા હશે.તે શોધી કાઢ અને હા…મળી જાય તો બધા ન ઉપાડજે ખપ પુરતા સો બસો ઉપાડવાના શું સમજ્યો?’કલાંએ શિખામણ આપી

       રાત્રે જગજીવન અને કસ્તુર ઊંઘી ગયા તો હળવેકથી કપીલ ઉઠ્યો અને ખાંખા ખોડા કરવા લાગ્યો.જગજીવનની તો ઊંઘ એવી કે પથારીની બાજુમાંથી બિલાડી પસાર થાય તો પણ જાગી જાય એટલે ખખડાટ સાંભળી જાગી ગયો અને જોયું તો કપીલ કબાટમાંની ચીજો ઉલટ પલટ કરતો હતો.

‘અત્યારે મધરાતે શું શોધવામાં પડ્યો છો?’જગજીવને પુછ્યું

‘મને એક જગાએ નોકરી મળે એમ છે તેમાં એક સર્ટિફીકેટ જોઇએ એ યાદ આવ્યું તે શોધું છું’કપીલે બચાવ કરતા કહ્યું

‘દિવસના શોધજે ચાલ અત્યારે સુઇજા’કહી જગજીવન પોતાના રૂમમાં ગયા        

            જગજીવનને થયું કે,આજ નહીંતર કાલ બેન્કની પાસબુક ચેકબુક કે ફિક્સની રસીદો જો કપીલના હાથે ચડી જાય તો મુસીબત થાય એટલે સાંજે ઘેર આવતી વખતે એક પિતળનો કળશ લઇ આવ્યો.

‘આ કળશ…?’કસ્તુરે પાણીનો ગ્લાસ આપતા પુછ્યું

‘સારો લાગ્યો અને ગમ્યો એટલે લઇ આવ્યો’જગજીવને વાત ટાળતા કહ્યું

         આવો જવાબ સાંભળી કસ્તુરે જાજી પંચાત ન કરી આજે નહીંતર કાલે તો ખબર પડવાની જ છે.બીજ દિવસે રવિવાર હતો કસ્તુર બજાર ગઇ કપીલ તો કલાંને ત્યાં ચાલ્યો ગયો હતો                 

            જગજીવને કબાટના ચોર ખાનામાંની એક પાસબુક અલગ રાખી બાકીની ત્રણ પાસબુક,ચાર ચેકબુક અને ફિક્સની રસીદો કાઢીને પેલા કળશમાં નાખી પછી ઢાંકીને એક લાલ કપડાને નાડાછડીથી મ્હોં બાંધી ને એક લેબલ લટકાવ્યું ‘સ્વ. રતનબાના અસ્થી સ્વર્ગવાસ તારીખ….પછી આંગણામાં જઇને ખોબો ભરી ધૂળ ઉપાડી અને બંને હથાળી હળવે હળવે હલાવી ધૂળ જમીન પર વેરી છેવટે રજોટાયેલા હાથ પેલા કળશ ઉપર ખંખેરી લાલ કપડું રજોટી નાખ્યું અને કળશ માળિયા પર ચડાવી દીધું

                 આ લીલાધરનો ભરોસો નહીં કદાચ પેન્શન રખડાવે તો તેવે વખતે પાસબુકથી બેન્કમાંથી પૈસા ઉપાડી શકાય એ વિચારે પેલી પાસબુક ભજન-કિર્તનની ચોપડીઓ વચ્ચે જુની ગીતાજીના કવરમાં સંતાડી દઇ જગજીવને હાશ કરી.અહીં કપીલ વીલા મોંઢે કલાં પાસે આવ્યો તો કલાંએ પુછ્યું

‘શું થયું પૈસા હાથ ન આવ્યા?’

‘ક્યાંથી મળે હું શોધતો હતો ત્યાં પપ્પા જાગ્યા હવે તેમની ઊંઘ તો એવી છે કે પથારી પાસેથી બિલાડી પસાર થાય તોંય જાગી જાય.હું શોધતો હતો તો જાગી ગયા અને મને કહ્યું જે શોધવું હોય તે દિવસના અજવાળે શોધજે પૈસા તો મળ્યા નહીં ને દિવસના અજવાળામાં શોધાય નહીં મમ્મી સત્તર સવાલ પુછે હવે હું ત્યાં નહીં જાઉ અને જઇને કરૂં પણ શું?’કપીલે મ્હોં બગાડીને કહ્યું

         કલાંએ વિચાર કર્યો કે,કપીલ ત્યાં જાય નહીં તો આપણી બાઝી બગડી જાય એટલે વિચાર કર્યો કે જો કપીલના લગ્ન કરાવી આપ્યા હોય તો એ ત્યાં રહે અને નવી બાઝી માંડી શકાય.

‘જો કપીલ તું અને કેતકી ઘણા દિવસ સાથે ફર્યા હવે તમારા લગ્ન થઇ જવા જોઇએ આ લગ્ન આંતરજ્ઞાતિના છે એટલે તારા પપ્પા આ લગ્ન કરાવી આપવા કદાચ તૈયાર ન પણ થાય એટલે હું તમારા લગ્ન શિવ મંદિરમાં આર્યસમાજ વિધિથી કરાવી આપું પછી હું કહું તેમ કર’કલાંએ નવા પાસા ફેંક્યા 

            બીજા દિવસે શિવ મંદિરના પુજારીને એકાવન રૂપિયા આપી કેતકી અને કપીલના લગ્ન કલાંએ કરાવી આપ્યા અને મનોમન કહ્યું ચાલો કેતકીના લગ્નનો ખર્ચો બચ્યો પછી કપીલને જેવી રીતે શિખવડાયું હતું તેમ કપીલ ઘેર આવ્યો.

‘પપ્પા..મમ્મી હું અને કેતકી એકબીજાને પસંદ કરતા હતા સાથે ફરતા હતા તેમાં અમારાથી ભુલ થઇ ગઇ એટલે આપણા અને કેતકી ના ઘરની આબરૂને દાગ ન લાગે એટલે અમે આર્ય સમાજ વિધિથી પરણી ગયા.’કપીલે આંખો ઢાળીને કહ્યું

‘વહુ ક્યાં છે?’કસ્તુરે પુછ્યું     

‘માવતરે’કપીલે કસ્તુર સામે જોઇ કહ્યું

‘લગ્ન પછી વહુ સાસરે આવે જા તેડી આવ’કસ્તુરે કહ્યું

         કપીલ કેતકીને લઇ આવ્યો.કસ્તુરે કેતકીને ચાંદલો કરી આરતી ઉતારી અને થાળીમાં પાણી અને કંકુ ઘોળી કુમકુમ પગલા કરાવ્યા તો કેતકીએ માથા પર સાડીનો પાલવ મુકી કસ્તુરના ચરણસ્પર્શ કરવા નમી તો કસ્તુરે કેતકીને ખભા પકડી બાથમાં લીધી ખાડી પકડી મ્હોં જોઇ માથું સુંઘયું તો કેતકીની આંખ ભીની થઇ ગઇ તો તેની આંખો લુછતા માથું ધુણાવી કસ્તુરે ના પાડી.ચાર દિવસ પ્રેમથી પસાર થઇ ગયા કસ્તુર અને જગજીવન ખુશ થયા કે વહુ તો જોઇએ તેવી મળી છે.            

         કપીલના મિત્રો બધા ગોવા જતા હતા કપીલને કહ્યું તું પણ અમારી સાથે ચાલ ટ્રીપની ટ્રીપ અને તારૂં હનીમુન બંને એક સાથે થઇ જાય કપીલે આવીને જગજીવન ને કહ્યું

‘મારા મિત્રો ગોવા જાય છે તો થોડાક પૈસા આપો એટલે હું અને કેતકી ફરી આવીએ’

‘મારો જવાબ તને ખબર છે’જગજીવને કહ્યું

‘મારા લગ્ન તમે કરાવ્યા હોત તો પૈસા તો વાપર્યા હોત તે તો બચી ગયા એમાંથી થોડા આપો’મ્હોં બગાડી કપીલે કહ્યું        

‘તને મેં એક વાર કહ્યુંને કે હું તને રાતી પાઇ પણ નહી આપું’જગજીવને કહ્યું

        કપીલની કમાન છટકી તે જ વખતે રસોડાનું કામ પુરૂ કરી બહાર આવેલ કેતકીનું બાવડું પકડી બારણા પછાડીને કલાં પાસે ચાલ્યો ગયો.કલાંએ બારણું ખોલ્યું તો કપીલ ફસ કરતોક સોફા પર બેસી પડયો.કલાંએ ઇશારાથી કેતકીને પુછયું શું થયું? તો કેતકી ખભા ઉલાડી પોતાના રૂમમાં જતી રહી.કલાં પાણીનો ગલાસ ભરી આવી કપીલને પીવડાવી શાંત પાડી પુછ્યું

‘શું થયું કપીલ?

     કપીલે તેના મિત્રો સાથે થયેલ વાત અને પછી જગજીવન સાથે થયેલ વાત કરી તો કલાં હસી

‘મમ્મી મારો જીવ બળે છે અને તમને હસવું આવે છે?’મ્હોં બગાડી કપીલે કહ્યું

‘હવે આવડી અમસ્થી વાતમાં નારાજ ન થવાય આમે તું તો મારા દીકરા જેવો જ છો પૈસા તને હું આપું જાવ ફરી આવો.’ખોટો મલકાટ મ્હોં પર આણી કલાંએ કહ્યું        

           કલાં મનમાં તો સમજતી હતી કે જગજીવનના કાળાનાણામાંથી અમુક હિસ્સો મેળવવા આ તો રોકાણ છે એમ સમજી કપીલને અવાર નવાર સારા પૈસા આપતી હતી.અહીં જગજીવન રિટાયર થયો ઓફિસ તરફથી વિદાય સમારંભ થયો. શાલ ઓઢાળી સન્માન કરી એક સરસ ફ્રેમમાં મઢી સન્માન પત્ર પણ અર્પણ કરવામાં આવ્યું.જગજીવન રિટાયર થયો તો લીલાધર તેની જગાએ આવ્યો.

      સૌથી પહેલું કામ ટપાલ સંભાળનાર કારકુનને બોલાવીને કહ્યું કે આજથી જે પણ ટપાલ આવે એ પહેલાં મને આપવી હું એ ચેક કરી દેસાઇ સાહેબને મોકલાવી આપીશ આ દેસાઇ સાહેબનો હુકમ છે પછી મનોમન કહ્યું હવે જોઉ છું જગજીવન તને પેન્શન કેમ મળે છે.તારા પેન્શનની ફાઇલ પહેલાં આવશે તો મારી પાસે જ ને?ઘણો આડો આવ્યો છો તું મને હવે જોઇ લેજે લીલાધરની લીલા કહી મલક્યો.પંદર દિવસ પછી ટપાલમાં જગજીવનના પેન્શનની ફાઇલ આવી ગઇ એ લીલાધર પોતાના ઘેર લઇ ગયો.   

         પહેલી તારીખના જગજીવન લીલાધર પાસે ગયો તો મલકીને લીલાધરે કહ્યું

‘આવો આવો જગજીવનભાઇ બેસો બેસો ચ્હા પીશું ને?’

‘મારૂં પેન્શન…’જગજીવને કહ્યું

‘હજી મારી પાસે ફાઇલ આવી નથી વાંધો નહીં આવતા મહિને બે મહિનાનો ભેગું લેજો શું ફરક પડે છે?’લીલાધરે મલકીને કહ્યું

          અહીં કપીલ એક અઠવાડિયું ગોવામાં મોજ કરી પાછો આવી ગયો.કલાંએ તેને એક પડીકી આપી અને બાઝી સમજાવી.તે દિવસે સાંજના કપીલ પોતાના ઘેર આવ્યો વાળુ થઇ ગયું પછી જગજીવનને કહ્યું

‘નોકરી તો મળી નહીં મારા મિત્રો બિઝ્નેસ શરૂ કરવાના છે,મને કહ્યું તું દશ ટકા એટલે ત્રણ લાખનું રોકાણ કર પ્રોફિટમાંથી દશ ટકા તારા આજે પહેલી વખત અને છેલ્લી વખત તમારી પાસેથી પૈસા માંગુ છું’

‘મારો જવાબ એ જ છે જે પહેલા આપ્યો હતો.’જગજીવને કહ્યું

‘કંઇ નહીં તો લોન સમજીને આપો ત્રણ ચાર મહિના પછી તમારા પૈસા દુધમાં ધોઇને પાછા આપી દઇશ.’કપીલે કાકલુદી કરી          

‘તું દુધમાં ધોઇને આપે કે ગંગાજળમાં હું તને રાતી પાઇ પણ આપવાનો નથી’જગજીવને કરડાકીથી કહ્યું

‘ સારૂં બીજુ શું આ ચાન્સ ગુમાવવા જેવો નથી હું બીજે ક્યાંકથી સગવડ કરી લઇશ કાં ક્યાંકથી વ્યાજે નાણા લઇને પણ રોકાણ તો કરીશ જ.ભલે હું જાઉ..’કહી કપીલ ઊભો થયો તો વાળુ પછી આ ઘરના રિવાજ મુજબ કસ્તુર ચ્હા બનાવવા ઊભી થતા કહ્યું ‘ચ્હા પીને જજે’

‘મમ્મી તું બેસ આજે ચ્હા હું બનાવું છું’કહી કસ્તુરને બેસાડી કપીલે ચ્હા બનાવી અને કલાએ આપેલ પડીકીમાંથી એક એક અફીણની ગોળી જગજીવન અને કસ્તુરની ચ્હામાં ઓગાળીને લઇ આવ્યો અને પોતે જલ્દી જલ્દી ચ્હા પીને રવાનો થઇ ગયો.

         બંનેને ચ્હા પીધા પછી પોપચા ભારે લાગતા બારણા વાંસીને સુઇ ગયા  અર્ધી રાત્રે ચ્હા બનાવતી વખતે અર્ધી ખુલ્લી મુકેલી રસોડાની બારીમાંથી કપીલ ઘરમાં દાખલ થયો અને સીધો માવિત્રોના રૂમમાં જઇ સાદ પાડ્યો મમ્મી એ મમ્મી પપ્પા એ પપ્પા કશો જવાબ ન મળતા ઘરમાં શોધખોળ શરૂ કરી. 

        કબાટમાં ઘડી વાળી મુકેલ કપડા ઉલટ પુલટ કર્યા,ચોર ખાનો ખુલ્લો હતો તે હાથફેરવી જોયો ભંડકિયામાં રાખેલ જુનો સામાન ફંફોસી જોયો માળિયા પર ચડીને શોધ કરી તો કળશ હાથ આવ્યો લેબલ વાંચ્યું સ્વ.રતનબા ના અસ્થી સ્વર્ગવાસ તારીખ….   પાછું મુકી દીધું.શો-કેશમાં મુકેલ વસ્તુઓ ઉલટ પુલટ કરી જોઇ ટેબલનો ખાનો ફંફોસતા કસ્તુરની પર્સ મળી તેમાં પંદર રૂપિયા હતા પાછી મુકી દીધી.રસોડામાં અનાજના ડબ્બામાં હાથ ફેરવી જોયો કાંઇ ન મળ્યું,જગજીવનના કોટના ખિસ્સા તપાસ્યા ખાલી હતા.(ક્રમશ)