વિંછીનો ડંખ-પહેલો

વિછી

‘વિંછીનો ડંખ’-પહેલો                                                 

                 જેઠીએ ગઇકાલ પ્રેમાની દીકરી કાન્તાનો પગ કુંડાળે પડી ગયો એવું સાંભળ્યું ત્યારથી તેનો જીવ પડિકે બંધાઇ ગયો હતો.બસ હવે કલાં(કલ્યાણી)ના લગ્ન કરાવી દેવા જોઇએ.જોકે કલાં કુડાળે પગ નાખે એવી તો ન જ હતી.આમે રવિવાર સિવાય બહાર પણ ક્યાં જતી હતી?બારમી પાસ કરીને આગળ ભણવાની તેની ઇચ્છા નહોવાથી ભણતર મુકી દીધું હતું. જેઠીએ કહ્યું પણ ખરૂં કે કંઇ નહીં તો પી.ટી.સી.કરી લે તો શિક્ષિકાની નોકરી તો મળી જાય.કલાંએ વાત ટાળતા કહ્યું હતું કે મારે નોકરી નથી કરવી નો..કરી કરી કરી ને નો કરી મારે એવા બંધીજણમાં નથી પડવું 

                        ઘરમાં એક સિલાઇનું મશીન હતું જેના પર જેઠી ગામના કપડાં સિવતી હતી.કલાં બજારમાંથી પ્લેન સાડીઓ લઇ આવતી તે પર મશીનથી ભરતકામ કરી ઉપર હીરા મોતી ટાંકીને એ સાડી ૧૫૦૦/૨૦૦૦માં વેંચતી હતી.મહિને દહાડે ક્યારેક ત્રણ ક્યારેક ચાર સાડીઓ તૈયાર કરી લેતી હતી.એવી રીતે જેઠીને સારા એવા પૈસા ભેગા કરી આપ્યા હતા.છેલ્લા ચાર વરસથી કલાં એ જ કામ તો કરતી હતી.

             સંતોક ગોરાણી જ્ઞાતિના ઘેર ઘેર જઇ નારાણ હરિ કહી લોટ માંગવા આવતી હતી પણ સાથોસાથ એ પણ ધ્યાન રાખતી હતી કે કોની દીકરી કે કોનો દીકરો લગ્ન કરાવવા લાયક છે.કોઇ પુછે તો અંગુલિનિર્દેશ પણ કરતી હતી અને કોઇ કહે તો માંગાની વાત પહોંચાડી આવતી. જેઠી આજે એ જ વિચારમાં હતી કે સંતોકને કહી દે કે કલાં માટે યોગ્ય છોકરો બતાવ એટલે જ જેઠી સંતોક ગોરાણીની રાહ જોતી હતી.

                      નવ સાડા નવ થાય અને નારાણ હરિ કહી લોટ માંગવા આવનાર સંતોક આજે દશ વાગ્યા તોંય હજી કેમ ન દેખાણી શું થયું હશે?આમે છેતો વાતોડીને? પાટલો નાખો એટલે બેસી જાય એમ ક્યાંક વાતોના તડાકા મારતી હશે.બે-એકવાર તો જેઠીએ ગોખ ઉપરથી શેરીમાં નજર સુધા કરી લીધી પછી જેઠીએ મન વાળી લીધું ચાલ જીવ મુક પંચાત ત્યાં સાદ સંભળાયો નારાણ હરિ તો વાટકો ભરીને લોટ કલાંએ આપ્યો તે ટોપલીમાં ખાલી કરી વાટકો કલાંને આપ્યો તો જેઠીએ સંતોકનું બાવડું પકડી બેસાડીને કલાંને કહ્યું              

‘છોડી સંતોકમાશીને ચ્હા પિવડાવ’

‘તે શું આજે આટલી બધી મોડી આવી?’ જેઠીએ સંતોકને પુછ્યું

‘અરે!! ઓલી સામા પટેલિયાણી રસ્તામાં મળી ગઇ હવે તને તો ખબર છે ને કે તેની વાતમાં હિંગ કે ફટકડીનો સ્વાદ તો હોય નહીં, બસ તેને તો આખા ગામની પંચાત જોઇએ કટાળીને આખર મેં કહ્યું હું જાઉ જેઠી મારી રાહ જોતી હશે ત્યારે માંડ છુટકારો થયો.’              

          કલાંએ બંને માટે ચ્હા બનાવી ને બંનેને આપી દાદર ચડી ગઇ.કલાંને વહેમ તો પડયો કે વાતમાં કંઇક ભેદ છે એટલે દાદર પાસે બેસી કાન સરવા કર્યા.

‘સંતોક કલાં માટે છોકરો દેખાડ’જેઠીએ કહ્યું

‘હરગોવિંદ છોકરો તો મજાનો છે ડાહ્યો અને સમજુ પણ છે એમતો ઘર પણ ભર્યુ ભાદર્યુ છે પણ છોકરાની મા……’કહી સંતોકે નિસાસો નાખ્યો

‘શું થયું છોકરાની મા ને?’ જેઠીએ ઉત્સુકતાથી પુછ્યું

‘છોકરાની માનું નામ સાંભળી કોઇ છોકરી દેવા તૈયાર નથી થતું…’સંતોકે જેઠી સામે જોઇ કહ્યું

‘કોણ છે  છોકરાની મા’જેઠીએ વધુ ઉત્સુકતાથી પુછ્યું

‘ગોમતી’

‘કોણ ગોમા તિખારો?’ જેઠીએ આંખો જીણી કરી પુછ્યું

‘હા’સંતોકે માથું ધુણાવી કહ્યું

‘ના…રે જાણી જોઇને એ ઘરમાં દીકરી ન અપાય છોડીનું જીવતર ઝેર થઇ જાય બીજો કોઇ હોય તો બતાડજે’જેઠી એ હાથ જોડી ને કહ્યું

‘ભલે હું જાઉ મારે હજી બે ઘર ફરવા બાકી છે’કહી સંતોક ગઇ

                જેઠી બારણા વાંસી ઉપર આવી તો કલાંએ આંખો ઢાલી મા ને કહ્યું 

‘બા તું સંતોકમાશીને કહી દે હું હરગોવિંદ સાથે પરણવા તૈયાર છું’

‘તું શું બોલે છે તેનું તને ભાન છે ઓલી ગોમા તિખારાથી પનારો છે’ એકદમ આવેશમાં આવીને જેઠીએ કહ્યું

‘મારો પનારો હરગોવિંદ સાથે છે સુરજ સમો તો ગૃહ બધા જખ મારે’કલાંએ જેઠી સામે મલકીને કહ્યું

‘દીકરી મારી આ બધું બોલતા સારૂં લાગે જ્યારે પનારો પડે ત્યારે ખબર પડે કે કેટલા વીસે સો થાય છે’જેઠીએ સમજાવટના સ્વરમાં કહ્યું

‘જો બા લગ્ન પછી મારી સાસુ આમ કરેછે ને મારી સાસુ તેમ કરે છે કહેતી રડતી રડતી તારી પાસે આવું તો તું મને બાવડું જાલીને ઘરની બહાર કાઢી મુકજે પછી છે કંઇ હું મારૂં ફોડી લઇશ’ કલાંએ કહ્યું તેણી ક્યા વિશ્વાસથી આમ કહેતી હતી એ જેઠીને ન સમજાયું

             આખર કલાંની જીદ સામે હારીને જેઠીએ કલાંના લગ્ન હરગોવિંદ સાથે કરાવી આપ્યા. કહેવત છે ને ક નવી લાડી નવ દિવસ ખેંચતાણથી તેર દિવસ અને બળજબરીથી મહિનો દિવસ, મહિના દિવસ પછી ગોમાએ પોતાનો રંગ બતાવવો શરૂ કર્યો પણ કલાં જેનું નામ હા બા…ભલે બા…બા તમે કહો તેમ…આટલા જ જવાબ કલાં હસીને ગોમાને આપતી હતી.ક્યારેક હરગોવિંદને પણ થતું હતું કે મારી ઘરવાળી કઇ માટીની ઘડેલી છે.ગોમાએ પણ બે ત્રણ વખત જેઠીને સુધ્ધાં કહ્યું કે તારી દીકરી કઇ માટીની ઘડેલી છે નતો ક્યારે સામા જવાબ આપતી કે નથી મ્હોં બગાડતી સાંભળીને જેઠીને શેર લોહી ચડતું હતું

          કલાં ગોમાને કોણ જાણે શું ખવડાવતી હતી ભગવાન જાણે પણ રાતી રાણ જેવી ગોમા દિવસા દિવસ ઘસાતી જતી હતી અને એક દિવસ ગોમા મરી ગઇ.કલાએ ગોમાના શબને બાથ ભીડીને મોટા સાદે પોક પોકે રડી.કાળા સાડલા પહેરી લૌકિક કરવા આવનાર સામે   એ…મને આમ નોધારી છોડીને કેમ ચાલ્યા ગયા….એ..તમારા વારસદારને જોવા પણ ન રોકાયા એ…મને તો પુરી સેવા કરવાનો મોકો પણ ન આપ્યો અને કાં હાલ્યા ગયા?’  

          બારમા તેરમાના બ્રહ્મભોજન પત્યા પછી પણ એકાદ અઠવાડિયો કલાં એક ખુણામાં ગુમસુમ બેસી રહેતી હતી.

             આ તો ગોમા હયાત હતી એટલે હરગોવિંદ સાથે લટકા મટકા અને લાડ મર્યાદામાં રહીને કરવા પડતા પણ હવે તો તે આઝાદ હતી.હળવે હળવે લટુડા પટુડા અને લાડની આડમાં હરગોવિંદના નામે જે કંઇ હતું તે કલાંએ પોતાના નામે કરાવી લીધું આમ કરતા લગ્નને પાંચ વરસ પુરા થયા ને કેતકીનો જન્મ થયો.

                    કલાંને જોઇતો હતો દીકરો અને આવી દીકરી અને ત્યાર બાદ કયારેક ઝીણી ચડભડ ચાલુ થઇ પછી હળવે હળવે સમય ગાળો ઘટવા લાગ્યો આખર અવાર નવાર થવા લાગી તેમાં હરગોવિંદ જરા ઊંચે સાદે બોલે તો તરત કલાં કહેતી ગામ ગજવવાની જરૂર નથી આમને આમ એક વરસમાં હરગોવિંદ આ ત્રાસથી વાજ આવી ગયો.તે દરમ્યાન ઘરના ભાલમાં માંકડ થયા રાત પડે ને ભાલમાંથી માંકડ નીચે આવે અને લોહી પીએ રાતના માંકડ લોહી પીએ અને દિવસના કલાં લોહી પીડા કરે.

             એક દિવસ કલાં માંકડ મારવાની દવા લઇ આવી.હરગોવિંદ ચ્હા પીવા બેઠો હતો ચ્હા પીવા કપ ઉપાડ્યો અને ત્યારે કોણ જાણે ક્યો કાળ ચોઘડિયો ચાલતો હતો હરગોવિંદે માંકડ મારવાની દવા પીધી અને પછી ઉપરથી ચ્હા પીધી જરા વારમાં ઝેર આખા શરીરમાં વ્યાપી ગયો અને હરગોવિંદ ઢળી પડયો.

        કલાંએ ખાલી કપ પાસે ખાલી બોટલ જોઇ કહ્યું ચાલો ટાઢા પાણિયે ખસ ગઇ.કલાંએ આડોસ પાડોસના લોકોને રાડારાડ કરી બોલાવ્યા અને બધા સામે હરગોવિંદના શબને બાથ ભીડી મોટા સાદે પોકે પોકે રડી એ…આ તમને કેવી કુમતિ સુજી…?એ…છોડીના મ્હોં સામે પણ ન જોયું…એ અમને નોધારા કરી ચાલ્યા ગયા…એ પાછા આવો…પાછા આવો મને સાથે લઇ જાવ…મને સાથે લઇ જાવ’

         હરગોવિંદના શબને અગ્નિ સંસ્કાર થઇ ગયા બે દિવસ કાળા સાડલા પહેરી લૌકિક કરવા આવનાર સામે કલાં પોકે પોકે રડી..એ…મને શા માટે સાથે ન લઇ ગયા? એ…પાછા આવો એ…છોડીને બાપ વગરની કરી ગયા..એ…અમને નોધારા કરી ગયા….પાછા આવો’  

                બારમા તેરમાનું બ્રહ્મભોજન પતી ગયું.ડોઢ મહિનો કલાં કાળો સાડલો પહેરીને ફરી કેતકીને પહેલાથી જ નાનીમાને ત્યાં મોકલી આપી હતી.કાળો સાડલો ઉતારીને પછી ઘેરા કલરના સાડલા બે વરસ પહેર્યા બે વરસ પછી તો જાણે કશું બન્યું નથી એવી તેની વર્તણુક હતી હા એક કામ કર્યું ગોમતી અને હરગોવિંદના મોટા ફોટોગ્રાફસ સરસ ફ્રેમમાં મઢાવી સુખડની માલા પહેરાવીને દિવાલ પર ટીંગાડી દીધા.                 

                     કેતકીને તો હાથ પર રાજકુમારી જેમ રાખી હતી.મોટી ખુબીની તો એ વાતની હતી કે કેતકીમાં કલાંનો એક પણ અવગુણ ન હતો.એ તો હરગોવિંદ જેવી ડાહ્યી, સમજુ અને શાંત હતી. બારમી પાસ કરી કે તેને કલાંએ મોબાઇલ અને બાઇક લઇ આપી.કોલેજ પુરી થતાં લેપટોપ લઇ આપ્યો.કેતકી એમ.બી.એ. કરતી હતી ત્યારે તેની ઓળખાણ કપીલ સાથે થઇ. કપીલ એક સરકારી ઓફિસર જગજીવનનો દેખાવડો,હસમુખો,મશ્કરો અને વાતોડિયો છોકરો હતો.જગજીવન સાફ હાથનો.સાફ દિલનો અને ઇમાનદાર ઓફિસર હતો.

                    જગજીવન જેટલો ઇમાનદાર હતો તેનાથી ચાર ચાંસણી ચડે એટલો બેઇમાન, લાલચુ, લંપટ,લોભિયો ને લાંચખાઉ તેના હાથ નીચે કમ કરનાર લીલાધર હતો.તે અવારનવાર જગજીવનની ઇમાનદારી સામે બળબળાટ કરતો પોતે ખાતો નથી અને બીજાને ખાવા દેતો નથી. લીલાધર પાસે બે જણ આંટા ફેરા  કરતા હતા અને દિવેલિયું મ્હોં કરી પાછા જતા હતા.આ વાત જગજીવનના ધ્યાનમાં આવી એટલે વૃજલાલને બોલાવી ને કહ્યું હમણાં બે જણ બહાર ગયા તેમનો મામલો શું છે એ જરા તપાસ કર.વૃજલાલને ખબર પડી કે એ બંનેની ફાઇલો લીલાધર પાસે છે અને કામ પાર પાળવાના બંને પાસે હજાર હજાર રૂપિયાની માંગણી કરે છે.

         લીલાધર જરા આડો અવળો થયો તો વૃજલાલે બંનેની ફાઇલો શોધીને જગજીવનને આપી. અઠવાડિયા પછી બંને પાછા આવ્યા. જગજીવને ફાઇલમાં સેરો ભરી દેસાઇ સાહેબની સહી લેવા બંનેને મોકલાવ્યા.દેસાઇ સાહેબની સહી લઇ બંને ખુશ થતા બહાર આવ્યા અને વૃજલાલ સાથે હાથ મિલાવ્યા એ લીલાધરે જોયું તો લીલાધરે ઉશ્કેરાઇને વૃજલાલને કહ્યું

‘મને પુછયા વગર તેં કેમ ફાઇલો ઉપાડી?’

‘જગુકાકાએ માંગી ને મેં આપી’વૃજલાલે કહ્યું

      લીલાધરે મનોમન વિચાર કર્યો કે,જગજીવન તો રિટાયર થવાનો છે પણ આ જો ઓફિસમાં રહેશે તો સત્યવાદીની પુંછડી જરૂર આડી આવશે એટલે આનો ઘાટ સમયસર ઘડવો જોઇએ.તેણે કાનજીની દબાવી રાખેલી ફાઇલ કાઢી અને સોમવારના આવવા જણાવ્યું.કાનજી સાથે થતા અન્યાયને સાબિત કરવા બે ખોટા સાક્ષી ઊભા કર્યા,એક અમુ ગઢવી અને બીજો અધ્રેમાન-કચ્છી શનિવારના એ બંનેને બોલાવ્યા હતા.સૌથી પહેલાં અમુ ગઢવી આવ્યો.

‘જો આજે શનિવાર છે સોમવારે અગ્યાર વાગે પહોંચી આવજે અને મેં કહ્યું છે તેમ હામી ભરજે’લીલાધરે કહ્યું

‘સોમવારે તો હું આવીશ પણ પૈસા?’હાથના ઇશારાથી અમુ ગઢવીએ પુછ્યું

‘આપીસ ને’લીલાધરે વાત ટાળતા કહ્યું

‘પૈસા તો આગોતરા જોઇએ’અમુએ પોતાની વાત પકડી રાખતા કહ્યું

‘તને મારા પર વિશ્વાસ નથી?’લીલાધરે દાવ ફેંકયો

‘પૈસા બાબત તો હું મારા સગા બાપ પાલુ ગઢવીનો પણ વિશ્વાસ ન કરૂં તો તું તે કઇ વાડીનો મુળો પૈસા આપ નહીંતર…’હાથના ઇશારે ગાળ આપી.

       આવું સાંભળી મ્હોં બગાડી લીલાધરે પાકિટ કાઢી પચાસની નોટ આપી

‘આ તો પચાસ છે બાકીના.?’અમુ ગઢવીએ પુછ્યું

‘પચાસની વાત થઇ હતી તે પચાસ આપું છું’મ્હોં બગાડી લીલાધરે કહ્યું

‘એ…લીલા તારી આ લીલા બીજા કોઇને બતાડજે મને નહીં પાંચસોની વાત થઇ હતી’અમુ ગઢવીએ ઉશ્કેરાઇને કહ્યું

‘અમુ વાયદાથી ફર નહીં’લીલાધરે કહ્યું

‘વાયદાથી તો તું ફરી જાય છે બેઇમાન હાં લે તાર વારા પચાસ અને પચાસવાળા બીજા શોધી લેજે’કહી લીલાધરના પરસેવાથી રેબઝેબ કપાળ ઉપર પચાસની નોટ ચોટાડી ‘જય માતાજી’કહી હસતા હસતા અમુ ગઢવી ચાલ્યો ગયો.

‘હા…હા તારા એકલા ઉપર મદાર નથી’લીલાધર અમુ ગઢવીને પાછળ બરાડયો.

              લે આ તો ચાલ્યો ગયો અતરિયાળ બીજો સાક્ષી ક્યાંથી કાઢવો?પણ વાંધો નહીં હજી અધ્રેમાન કચ્છી છે ને?એમ વિચારતો હતો ત્યાં અધ્રેમાન કચ્છી આવ્યો.

‘જો આજે શનિવાર છે સોમવારે અગ્યાર વાગે પહોંચી આવજે મોડો ન પડતો.’લીલાધરે કહ્યું

‘હો..હો..બેફિકર રહો પહોંચી આવીશ પણ આના?’અધ્રેમાન કચ્છીએ કહ્યું

‘આપીશ ને?’લીલાધરે વાત ટાળતા કહ્યું

‘આના તો પહેલાં જોઇએ બેઇમાનીના ધંધામાં પછી પછી કે ઉધાર ન ચાલે’અધ્રેમાન કચ્છીએ માથું ધુણાવીને કહ્યું

           લીલાધરને લાગ્યું કે વાત હાથથી જશે એટલે પાકિટમાંથી પચાસની નોટ કાઢી ને આપી

‘આ તો પચાસ છે બીજા ક્યાં?’નોટ સામે જોઇ અધ્રેમાન કચ્છીએ કહ્યું

‘અધ્રેમાન વાયદાથી ફરી મ જા’લીલાધરે જરા કડકાઇથી કહ્યું

‘અરે!!વડે પીર જા સોં પાંચસોની વાત થઇ હતી’અધ્રેમાન કચ્છી હંમેશા પોતાની વાત વાતમાં કચ્છીમાં વડે પીરજા સોં(મોટા પીરના સમ બોલવાની આદત હતી) તેથી તેમ કહ્યું

        જરાવાર પચાસ અને પાંચસોની રકઝક થઇ આખર લીલાધરે પાંચસોની નોટ અધ્રેમાન કચ્છીને આપતા કહ્યું

જો સોમવારના સમયસર પહોંચી આવજે અને મેં શિખવાડયું છે તે પ્રમાણે હામી ભરજે’લીલાધરે દબાયેલા સ્વરે કહ્યું

       અધ્રેમાન કચ્છી ગયો તો ઓફિસની બારી પાસે ઊભા રહી આ નાટક જોતા જગજીવન બહાર નિકળ્યા અને ઓફિસથી થોડે દૂર ચ્હાની રેંકડી પાસેના બાંકડા પર બેસી અધ્રેમાન ચ્હા પીતો હતો તેની સામે જઇને ઊભા રહ્યા અધ્રેમાને ચ્હાનો છેલ્લો ઘૂટડો ભરી ઉપર જોયું

‘જગુકાકા તમે…?’

‘પાંચસો રૂપિયામાં કોઇના ઉપર ખોટો આળ ચડાવવા તૈયાર થયો છો?’જગજીવને જરા કડકાઇથી પુછ્યું

‘ક્યા પાંચસો રૂપિયા…?’અધ્રેમાન કચ્છીએ અણજાણ થતાં પુછ્યું

‘એ જ જે તને લીલાધરે આપ્યા છે’જગજીવને કહ્યું          

 ‘અરે વડે પીપજા સોં મારી પાસે નથી’હાથના લહેકાથી અધ્રેમાન કચ્છીએ કહ્યું

‘કેમ વૃજલાલ બેઇમાની કરેછે તેના સાક્ષી તરિકે તું નથી આવવાનો?’જગજીવને જરા  વધુ કરડાકીથી પુછ્યું

‘અરે વડે પીપજા સોં મને કંઇ ખબર નથી’પોતાનું નાટક ચાલુ રાખતા અધ્રેમાન કચ્છીએ કહ્યું

‘વડે પીરજા સોં ના બદલે વડે પીપજા સોંની ચાલાકી મારી પાસે નહીં કર જુના દિવસ ભુલી ગયો જયારે તારા પર ખોટો આળ મુકવામાં આવ્યો હતો અને તારા બાપ અભુ કનાથની સારાવાટને લીધે હું તારો જામીન પડયો હતો નહીંતર હજી જેલમાં સડતો હોત’હવે ધમકીના સ્વરમાં જગજીવને કહ્યું

‘પણ જગુકાકા આ પાંચસોની નોટ તો મને રસ્તા પર પડેલી મળી છે અને લીલાધર જેવો કાગડો તો ક્યારેક ફાંસલામાં સપડાય’કહી અધ્રેમાન કચ્છી હસ્યો

         સોમવારે કાનજી અને અધ્રેમાન કચ્છી ને લઇને લીલાધર દેસાઇ સાહેબ પાસે ગયો અને કહ્યું

‘જુઓ સાહેબ આ ગરિબ માણસ પાસેથી ફાઇલ ક્લીયર કરાવવાના વૃજલાલે ૧૫૦૦ માગ્યા હતા બોલ કાનજી’

‘કોણ વૃજલાલ હું કોઇ વૃજલાલને ઓળખતો નથી બાકી હા લીલાધરે માંગ્યા હતા’

 ‘કાનજી બોલીને ફરી મ જા તું જ રડતો રડતો મારી પાસે આવ્યો હતો આ અધ્રેમાન કચ્છી એ વાતનો સાક્ષી છે પુછો અધ્રેમાનને’તો દેસાઇએ અધ્રેમાન કચ્છી સામે જોયું      

‘અરે વડે પીપજા સોં  મને કાંઇ ખબર નથી આ લીલાધર હું રેંકડી પર ચ્હા પીતો હતો ત્યારે મને પાંચ રૂપિયા આપી કહેલું કે ઓફિસમાં આવજે અને મારી હા માં હા કરજે અરે સાલા બેઇમાન’ કહી પાંચ રૂપિયાની નોટ લીલાધરના ખીસ્સામાં મુકી અધ્રેમાન કચ્છી જતો રહ્યો.

‘લીલાધર આવા ખોટા કાવાદાવા આચરવા મુકો નહીંતર હેડ ઓફિસમાં તમારી ફરિયાદ કરવી પડશે’કહી ફાઇલ વૃજલાલને આપી કહ્યું

‘જગજીવનને કહો ફાઇલ ચેક કરી મારી સહી લઇ જાય’

          લીલાધર  ઘણો ધુવાં ફુવાં થયો અને વૃજલાલને ધમકી પણ આપી કે તને તો હું જોઇ લઇશ.

 (ક્રમશ)