નવું ખમિસ

Aabho

‘નવું ખમિસ’

              ઉમર અને ઉમરસી બંને એક જ શેરીમાં રહેતા હતા અને ઉમરસી પાસેની હાથગાડી પર બંને મજુરીનું કામ કરતા હતા.ઉમરસી પરણેલો હતો તેની પત્નિ નેણા અને જીવલા સાથેનું જીવનસંસાર હતું જયારે ઉમર હજુ કુંવારો હતો.આમ તો તેના નિકાહ મરિયમ સાથે નક્કી હતા પણ મરિયમનો બાપ હાસમનું કહેવું હતું કે પહેલાં ૫૦૦૦ રૂપિયા રોકડા મેહરના આપ તો નિકાહ કરાવી દઉં.

         વાત ઇમામ સાહેબ સુધી પહોંચી તેમણે હાસમને સમજાવ્યો.નાતના પટેલે દમદાટી આપી પણ હાસમ જેનું નામ તે પોતાની વાત ઉપર અડગ જ રહ્યો.ઉમરના

મિત્રોએ સલાહ આપી કે કોર્ટ મેરેજ કરી લે પછી હાસમની કોઇ કારી નહીં ફાવે પણ ઉમરે કહ્યું હાસમ રાજીખુશીથી નિકાહ ન કરાવી આપે ત્યાં સુધી મારે નિકાહ નથી કરવા.અલ્લાહે મરિયમ મારા માટે ઘડી છે તો નિકાહ પણ કરાવી આપશે.આજે નહીંતર કાલે એટલે જ દીકરાનું ઘર મડાય એ આશયથી ઉમરને મળતી મજુરીના પૈસા ઉમરની મા સકીના અલગથી રાખતી હતી.સકીના બાંધણીનું કામ કરતી તે માથી મળતા પૈસાથી છાસ રોટલો મળી રહેતા હતા તે ખાઇને સંતોષી જીવ ગુજરાન ચલાવતા હતા.

              જીવલા ભેગા જે છોકરાઓ ભણતા હતા તેમના સફેદ ઉજળા ખમીસ સામે જીવલાનું પાણકોરામાંથી સીવેલું ખમીસ જોઇ ને નેણાને ઘણી વખત જીવલાને આવું ખમીસ પહેરાવવાની ઇચ્છા થતી પણ કરે શું જ્યાં બે સાંધિયે ત્યાં તેર તૂટે એવી હાલત હતી પૈસા કાઢવા તો ક્યાંથી?ઉમરસીને તો વાત કરાય નહીં નાહકનું તેને જીવ બળતરા થાય.      

      એક દિવસના તળાવના ઓવારે લાધી ખારવાણી ભેગી નેણા કપડા ધોવા બેઠી હતી ત્યાં તો અચાનક તળાવના વચ્ચેથી સાદ સંભળાયો

‘લાધી લાધી કૂ……’

‘એ…. કાંઉ…..સે ભચી…. ?’

‘તુંએ…..કામવારીના (જેનું કામ કરે છે તેના) લગરાં….. અજારી (કપડા ધોઇ લીધા) લીધા?’

‘એ હા…..’

‘મુંને…. લગરીક તીનાપોલ(ટિનોપાલ) ને ગરી… ડેજે…. મું આજે ઘરે ભુલી આવી’

‘એ…. હલા…. હલા’

        આટલા સંવાદ પછી લાધી નજીકના કુવામાંથી પાણીની ડોલ ભરી આવી અને એક નાની ડબ્બીમાંથી ચણા જેટલો પીળો પાઉડર નાખ્યો અને બીજી ડબ્બીમાંથી એક ચમચી ગળી નાખી પાણીને હાથથી ખુબ હલાવ્યું અને પછી તેમાં ધોયેલા સફેદ કપડા ડૂબાડ્યા પાણીમાંથી જ્યારે બહાર કાઢ્યાતો તેમની તો રંગત ફરી ગઇ નેણા તો જોતી જ રહી ગઇ.બધા કપડા એ પાણીમાંથી કાઢ્યા પછી લાધી વધેલું પાણી ઢોળવા જતી હતી તો નેણાએ લાધીને પુછ્યું

‘હું મારા દીકરાનું ખમીસ તેમાં ડુબાડી લઉ?’

‘હા બોડી લે મારેતો આમેય ફેંકી દેવું સે’

           નેણાએ ખમીસ ડુબાડયું તો ખમીશની ચમકવધી ગઇ એ જોઇ તેણી ખુબ ખુશ થઇ ગઇ ત્યાર બાદ તો નીયમ થઇ પડયો કે જ્યાં લાધી કે ભચી કપડા ધોતી હોય ત્યાં જ નેણા કપડા ધોવા બેસે અને બાકી બચેલા પાણીમાં નેણા જીવલા ખમીસ ડૂબાડી લે.

         એક રવિવારના ઉમરસી સિરામણ કરતો હતો અને નેણા ચપટા તળિયાના લોટામાં અંગારા નાખી જીવલાના ખમીસને ઇસ્ત્રી કરતી હતી તે જોઇને ઉમરસીએ પુછ્યું  

‘આ જીવલા માટે નવું ખમીસ ક્યારે સિવડાવ્યું?’

‘તમે પણ ચક્કર ખાઇ ગયા ને આ ઓલું જુનુ પાણકોરાનું જ ખમીસ છે’

‘હવે જા જા પાણકોરૂ કંઇ પોપલીન જેટલું ઉજળું ન હોય’

‘આ તો બધી લાધીની કમાલ છે’કહી તેણીએ બધો ખુલાસો કર્યો તો ઉમરસીના મનમાં જીવલા માટે પોપલીનનું ખમીસ સિવડાવવાની ઇચ્છા ઘર કરી ગઇ

           શહેરની બહાર નવા મકાન બનતા હતા તે માટે સિમેન્ટની ગુણીઓ પહોંચાડવાનું કામ મળ્યું.ચાલો સારી મજુરી મળશે વિચારી ઉમરસી ખુશ થઇ ગયો. હવે જીવલા માટે પોપલીનનો ખમીસ જરૂર સિવાસે ચાર ફેરાની મળેલ મજુરીમાંથી જીવલા માટે ખમીસનું કાપડ લઇ આવવાની સલાહ ઉમરે આપી.         

‘આપણે સાથે જઇશું ને?’ઉમરસીએ કહ્યું

‘હું જુમન પાસેથી મીઠુ સિંગાદાણાવાળા માટે લાકડાં પહોચાડી આવું તું જા’

             ઉમરસી વાલજી નરસીની દુકાનેથી સફેદ પોપલીનનું કાપડ લઇને ઉતાવળે

જુમનના વાડા પર આવ્યો.લાકડાં હજી તોળાયા નહોતા

‘લઇ આવ્યો કાપડ?’ઉમરે પુછ્યું

‘હા…જો’કહી બતાવવા કાપડ બાર કાઢે એ પહેલા જુમને બુમ પાડી

 ‘લો ઉપાડો  તમારા લાક્ડાં..’સાંભળી કાપડનું ગુચળું વાળી કોથળીમાં મુક્યું અને લાકડાંં હાથગાડીમાં મુકી તેના પર કાપડની કોથળી મુકી બંને ઉતાવળે રવાના થયા.આગળ જતા રસ્તામાં ડામર પાથરવાનું કામ ચાલુ હતું તે રસ્તાના વણાંક પર એક ટ્રકે એક બાઇક સાથે અકસ્માત થયો હતો તેના લીધે ટ્રાફિક જામ થઇ ગયો હતો.      

              તેમની હાથગાડીની આગળ એક ટેમ્પો હતો.ટ્રાફિક ખુલતા ટેમ્પો ચાલ્યો પણ ટેમ્પોમાં ભરેલ સળિયામાંથી એકે જોલ ખાધી અને તેમાં કાપડવાળી કોથળી ફસાઇ ગઇ તે જોઇ ઉમરસીએ ટેમ્પો પાછળ દોટ મુકી પણ હાય એ કિસ્મત કોથળી તો હાથ આવી પણ સળિયામાં અટવાયેલું કાપડ વાયરાને લીધે ઉડ્યો અને તાજી પાથરેલી ડામર પર પડ્યો અને તેના પર રિવર્સમાં ચાલતો રોડરોલર ફરી ગયું તે ઉમર અને ઉમરસી નિસાસા નાખતા જોઇ રહ્યા.

      બે અઠવાડિયા પછી એવી જ મજુરી મળી,ઉમરે સલાહ આપી કે ઘેર જતા પહેલાં કાપડ ખરિદ કરીશું.કાપડ લઇને બંને ઘર તરફ જતા હતા ત્યાં રસ્તાંમાં કાસમ મળ્યો તેણે કહ્યું ચાલો ચ્હા પીએ.

           ત્રણેય જણ હોટલ બહાર તાપણાને ઘેરી બેઠેલા સાથે બેઠા.ચ્હા આવી અને પિવાઇ ગઇ અને બીડીઓ સળગાવવામાં પડયા ત્યાં સુધીમાં રસ્તે રઝળતી કચરો ખાતી એવી એક ગાય કોઠળીમાં કશુક ખાવાનું હશે એવા આશયથી કાપડની કોથળીમાં મ્હોં ઘાલ્યું.ઉમરસી હી…હી..કરતો ગાય પાછળ દોડયો અને ગાયના મ્હોંમાંથી કોથળી ઝુંટવી લીધી પણ કાપડનો છેડો ગાયના મ્હોંમાં હતો તે પકડી ગાય દોડી.તેની પાછળ રમતે ચડેલા સાત-આઠ રઝડતા કુતરા ગાયને ઘેરી વળ્યા અને ગાયના મ્હોંમાં પકડેલા અને વાયરામાં ઉડતા કાપડના છેડાને સામ સામે મ્હોંમાં પકડી તાણ્યો અને કાપડના લીરે લીરા કરી નાખ્યા વળી કિસ્મત દગો દઇ ગઇ.ઉમર કાસમ ઉપર ખિજાયો

‘તારા વાળી ચ્હા અમને મોંઘી પડી ગઇ’    

               બંને નિસાસા નાખતા ઘર તરફ આવ્યા.ઘર નજીક આવ્યું ત્યારે ઉમરે પોતાના ભાગની મજુરી ઉમરસીને આપીને કહ્યું

‘લે..આ પૈસા નેણાભાભીને આપજે ને કહેજે કે કાપડ લઇ ને સિવા મેરાઇને આપી આવે તું તો નવ નવ વરસની બે કરે છે’

‘ના…તારા ભાગના પૈસા હું નહીં લઉ’ઉમરસીએ ના પાડી

‘આમ તારૂં મારૂં કરી ભાઇબંધીને ગાળ ન આપ’ઉમરે નારાજ થતા કહ્યું

‘તોંય આ પૈસા હું નહીં લઉ… તું મારાભાઇ તારા નિકાહ માટે પૈસા ભેગા કરેછે એ હું કેમ લઉ?’ઉમરસીએ દલીલ કરી 

‘જો નિકાહ તો થવાના જ છે આપણે કિસ્મત કંઇ વેંચી નથી માર્યા ક ન તો કોઇ પાસે ગિરવી મુક્યા છે’કહી ઉમર હસ્યો

‘હા…ઇ વાત તારી સો ટચના સોના જેવી સાચી છે.’ઉમરસીએ હામી ભરી

‘તેમાં ગયા વરસે હાજીપીરવલીના ઉર્સ(મેળા)માં મેં અને મરિયમે સાથે મળી નમાજ અદા કરી છે અને માનતા માની છે કે આવતા ઉર્સ પહેલા અમારા નિકાહ થશે તો ઉર્સ વખતે અમે બંને પગપાળા હાજીપીરવલીની સલામે(દર્શન કરવા) જઇશું અને મને વિશ્વાસ છે ગરિબ-નવાઝ અમારી ઇલ્તજા(પ્રાર્થના) જરૂર સાંભળશે’

‘એ તો જરૂર સાંભળશે પણ તોંયે…’ઉમરસીએ અચકાતા કહ્યું

‘તને મરિયમના સોગંદ છે…’ઉમરે ઉમરસીનો હાથ પકડી કહ્યું

‘મરિયમના સોગંદ શા માટે આપે છે?’ઉમરસીએ ગળગળા થતાં કહ્યું

‘ઇન્સાન પોતાને પ્રિય પાત્રના જ સોગંધ ખાય અને મરિયમ મને મારા જીવથી પણ વ્હાલી છે’સાંભળી ઉમરસીની આંખ ઉભરાઇ

‘હવે આંખો લુછીને ઘેર જા રડતો રડતો જઇશ તો કાલ સવારે નેણાભાભી પોલીસ કમિસ્નરની જેમ મારી ઉલટ તપાસ લઇ મારી ધૂળ કાઢી નાખશે’સાંભળી બંને મલકીને પોત પોતાના ઘેર ગયા.

        ઉમરે કહ્યું હતું તેમ ઉમરસીએ નેણાને પૈસા આપી કાપડ઼ લઇને સિવા મેરાઇને ત્યાં જીવલાનું ખમીસ સિવવા આપી આવવા કહ્યું નેણાએ પોતાને પસંદ આવ્યું એવું કાપડ લઇને જીવલાને સાથે લઇ જઇ સિવા મેરાઇને માપ અપાવી ખમીસ સિવવા આપી આવી.ચાર દિવસ વિત્યા પછી સવારના ઉમરસી સિરામણ કરતો હતો ત્યારે નેણાએ કહ્યું

‘બપોરે કામ પરથી પાછા આવો ત્યારે સિવા મેરાઇ પાસેથી જીવલાનું નવું ખમીસ લેતા આવજો’

ઘર સામેના ઓટલા પર બેસી બીડી પીતા ઉમરે બંનેની વાત સાંભળી લીધી.ઉમરસી ઘર બહાર આવ્યો તો કાંઠા તરફનો રસ્તો મુકી ઉમરે મોટી બજાર તરફ હાથગાડી વાળી તો ઉમરસીએ પુછ્યું

‘આ મોટી બજારમાં કઇ તરફ જાય છે?’

‘જો તેં ખમીસનું કાપડ બે વખત તારી સાથે ફેરવ્યું પછી શું થયું તે તને ખબર છે ને એટલે સિવા મેરાઇ પાસેથી ખમીસ લઇને પહેલાં ઘેર પહોંચાડી આવ હવે ફરી ખોટું જોખમ નથી લેવું હું પમુશેઠની વખારેથી સિમેન્ટની ગુણીઓ ભરૂં છું તું ત્યાં આવજે’

                  ઉમરસીએ પણ કોઇ જાતની આનાકાની કર્યા વગર સિવા મેરાઇ પાસેથી જીવલાનું ખમીસ લઇ ઘર તરફ રવાનો થયો.શેરીમાં થતા કોલાહલમાંથી તેને એટલી ખબર પડી કે પતંગ ચગાવવા આગાસી પર ગયેલ કોઇ છોકરો બે માળની આગાસી પરથી નીચે પડી ગયો છે એ સાંભલી ઉમરસીએ દોટ મુકી ને જોયું નેણા જીવલાનું માથું પોતાના ખોળામાં રાખી ફાટી આંખે હતપ્રભ થઇ બેઠી હતી.જીવલાની ખોપરીમાંથી લાલ લોહી નીકળતું હતું તેમાં ઉમરસીના હાથમાં રહેલ નવા ખમીસની કોથળી પડી અને ઉમરસી બે હાથે માથું પકડી ગોઠણિયાભેર બેસી પડ્યો તેના મોઢા માંથી અવાજ સુધ્ધા ન નિકળ્યો.(સંપુર્ણ)  

 

4 Responses

  1. આભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: