‘ખીર’
ભાગલપરના તળાવના પાણીની ધાર પર જાણે સુર્યનારાયણ સ્નાન કરીને બહાર આવ્યા અને અહીં ઓવારા નજીક કાનો મેરાઇ ડુબકી દઇને બહાર આવ્યો ત્યારે જાણે બન્નેએ એકમેકને જોયા.કાના મેરાઇએ બે ખોબા પાણી ભરીને સુર્યનારાયણને અર્ઘ આપી પ્રણામ કરી ભીના પંચિયે બહાર આવી ઘરની દિશા પકડી.એ જોઇ તળાવના ઓવારે કપડા ધોવા બેઠીલી ઓસમાણ લુહારની ઘરવાળી હલીમાએ પોતાની સહેલી સાકરી સુંયાણીને પુછ્યું
‘આ કાનો મેરાઇ તો વડોદરા ગયો હતો ને?’
‘હા બે દિવસ પહેલા જ પાછો આવ્યો છે,માણસ ગમે ત્યાં જાય પણ ધરતીનો છેડો ઘર તેમ હરી ફરીને પાછો પોતાના ઘેર જ આવે’
‘હા ઇ વાત સાચી મુઓ ઓસમાણ પણ એમજ કહે છે ઘર એ ઘર બાકી બધા કુતરા ના દર’ હલીમાએ કહ્યું તો બન્ને સહેલીઓ હસી.વળી એમની વાત આગળ ચાલી….
‘પણ કાના પર વીતી ભારે!’
‘હા ને પાંચ વરસે સરસ્વતી ગર્ભવતી થઇ એ જાણ થતા બિચારો રડી પડ્યો. મને ધરમની બહેન માને છે એટલે મને કહ્યું સાકરબેન હવે મારી સરસ્વતીને કોઇ વાંઝણી નહીં કહે.’
‘હા..હો ઓલ્યા હીરિયા મહેતરની ઘરવાળીએ મહેણું મારેલું કે સવારના પહોરમાં આ વાંઝણીનું મ્હોં ક્યાં જોયું?’
‘એ માટે તો એમના સમાજના મુખી ધનો તો હીરિયા અને તેની ઘરવાળી બુધીને નાતબાર તો ઠીક ગામવટો આપવાનો હતો, પણ એ વાતની ખબર કાના મેરાઇને પડી ને એ વચ્ચમાં પડ્યો અને બધું થાળે પડી ગયું નહીંતર જોવા જેવી થાત!’
‘એમ! આ નાતબાર અને ગામવટો દેવા સુધી વાત પહોંચી કેમ?’
‘ધના મુખીએ બુધીને ચોખ્ખુ સંભળાવી દીધું કે સવારના પહોરમાં ક્યા માણેકસ્થંભ રોપવા જતી હતી કે આવી વાહિયાત વાત કરી? ઉપાડવું ગામનું મેલું ને શુકન જોવા એમ?’
‘હં…..”
‘કાનાની ઘરવાળીને કહેતા પહેલાં વિચાર ન કર્યો કે તારા પોતાના ખોળે સાત વરસે દીકરી આવી તેના પહેલા કોઇએ તને વાંઝણી કહી હોત તો તને કેવું લાગત?’
‘હા…રે ધનાની વાત તો પાધરી જ છે.આતો પોતાની લીંપેલી હોય ને ગામની ધોવા જવા જેવો તાલ થયો’
‘પાછું સરસ્વતી ગર્ભવતી થઇ તેના બીજા જ મહિને ઉત્તમચંદ શેઠની દીકરીના લગ્ન હતા ત્યારે બધાના કપડા અતરિયાર રાતો જાગીને સમયસર કાના મેરાઇએ સીવી આપ્યા તેથી ખુશ થઇને શેઠે કાનાને દોઢી મજુરી આપી હતી.કાનાએ તો ગુલા સુથાર પાસેથી પિંગોળો ઘડાવ્યો અને સુલેમાન પિંઝારા પાસેથી રેશમની ગાદીઓ અને ગોદડીઓ સિવડાવી.આ જોઇને સરસ્વતી તો એવી હસે એવી હસે કે હજીતો ઘણીવાર છે ને તમે મંડ્યા છો તૈયારીઓ કરવા.’
‘એક જાતનો હરખ હતોને?’
‘પણ એ હરખ ટક્યો તો ત્રણ જ દિવસ’
‘થયું શું હતું?’
‘એ તો રામ જાણે પણ દીકરો એનો તું જુએ તો ખબર પડે એક તો રૂપાળો વળી હડપચીમાં ખાડો હતો ને ગાલોમાં ખંજન પડતા હતા એવો તો મિઠડો લાગતો હતો જાણે કોઇ રાજકુમાર જોઇલે.મેં આ જ હાથે માલિસ કરી નવડાવી બાળોતિયામાં વીટી સરસ્વતીને આપ્યો હતો.કાનાએ ગામ આખામાં પતાસા વ્હેંચ્યા હતા અને મને ચાંદીની માથાની પીનો આપી હતી.’
‘હં…’
‘જે દિવસે છોકરો ગુજરી ગયો તે દિવસે પણ નવડાવી બાળોતિયામાં વીટીને મેં જ સરસ્વતીને આપ્યો બસ એ છેલ્લી ધાવણ ધાવીને છોકરો પિંગોળામાં પોઢયો તે ઉઠ્યો જ નહીં.ઘણો સમય પસાર થઇ ગયો પણ છોકરો રડ્યો નહીં એટલે સરસ્વતીએ જોયું તો છોકરાનું માથું ઢળી ગયેલું હતું એ જોઇ તેણીના મ્હોંમાંથી રાડ નીકળી ગઇ.
‘અરે!’
‘આંગણામાં છાપરા નીચે કાનો સિલાઇ કરતો હતો,ઘરવાળીની અચાનક રાડ સાંભળી દોડ્યો.સરસ્વતી તો એવી ડગાઇ ગઇ હતી કે કશું બોલી જ ન શકી. છોકરો તેના હાથમાં આપી બેહોશ થઇ ગઇ ને એવી તો અવડી રીતે બારસાંખ ના ચોગઠે પડી ને ત્યાંથી ઓટલા પર અને ત્યાંથી આંગણામાં એવી કઢંગી રીતે પડી કે ઊભી જ થઇ શકી.કાના પર તો જાણે આભ ફાટયું એતો છોકરાના ટાઢા શબને ખોળામાં લઇને ઓટલા પર જ બેસી પડ્યો.એ તો છોકરાની અને ઘરવાળીની આ હાલત જોઇ એવો તો હેબતાઇ ગયેલો કે તેંના મ્હોંમાંથી રાડ સુધા ન નીકળી
‘હાય અલ્લા..’
‘આ તો તે જ વખતે પોતાનો સિવવા આપેલ ડ્રેસ લેવા ફાતિમા ત્યાં પહોંચી ને આ બધું જોઇ બુમાબુમ કરી અને લોકો ભેગા થઇ ગયા.કાના પાસેથી છોકરો લીધો અને સરસ્વતીને તપાસી તો ખબર પડી કે મા-દીકરી સ્વર્ગે સિધાવી ગયા હતા.લોકોએ ભેગા મળી બધી વ્યવસ્થા કરી.કાનાને તો ત્રણ દિવસે કળ વળી. પડોસીઓએ કોઇ સાથે સંદેશ મોકલાવ્યો એટલે તેનો મોટો ભાઇ પુરસોત્તમ આવ્યો અને તેને વડોદરા લઇ ગયો.’
‘માલિક આવા નિષ્પાપ લોકો પર આવો અત્યાચાર શા માટે કરતો હશે?’
‘આ કાળા માથાનો માનવી તેના સામે લાચાર છે.તેના અત્યાચારનો ન તો કોઇ ઇલાજ હોય છે નતો કોઇ જવાબ’
‘હા,,ઇ સાચું….. આ ઉત્તમચંદ શેઠની દીકરાવહુને દિવસ જાય છે નહીં?’
‘હા…આવતા મહિને સુવાવડ થવી જોઇએ’
‘આ મુખી બાપાની દીકરવહુને પણ દિવસો જાય છે શું લાગે છે આ વખતે કંઇ ફરક પડશે કે આગળની બે થઇ તેમજ….’
‘આ વખતે પણ આવશે તો દીકરી જ…’
‘તો પછી..?’
‘દૂધ પીતી બીજું શું? આગલી બે ને પણ કરી જ હતી ને?’
‘ખુદાની રહેમમાં મળેલ આવા નિષ્પાપની હત્યા કરતા તેમનો જીવ કેમ ચાલતો હશે?’
‘એ તને અને મને સમજાય છે ને? તેમને ક્યાં સમજાય છે?’
આટલીવારથી આ બન્ને સાહેલીઓની વાતો સાંભળતી મંગડી ઉતાવળે ઘર તરફ રવાના થઇ,આંગણામાં નાના ગમેલામાં છાણ રાખી છાણા ઘડતી દીકરી પાસેથી ગમેલું ઉપાડી છાણ જમીન પર ઠાલવી ને ઘરમાં ગઇ અને ચુલા આગળ સંકોરેલી રાખના બે ખોબા ગમેલામાં નાખતા તરત પહોંચી તળાવના આરે ગમેલાને ત્યાં ઘસી ઘસી ઉટકીને ચાંદી જેવો ચમકતો બનાવી દીધો પછી ઘેર આવીને રસોડાની અભેરાઇ પર મુકી દીધો.
સમયનું વહેણ વહ્યા કરતું હતું.ઉત્તમચંદ શેઠની પુત્રવધુના ખોળે દીકરો આવ્યો.વંશવેલો વધ્યો ઇ ખુશીમાં શેઠે ગામ આખામાં પતાસા અને ખારકોની લહાણી કરી.એ બનાવના એક અઠવાડિયા પછી મુખી બાપુની પુત્રવધુના ખોળે દીકરી અવતરી….
દુધની ત્રાંબાકુંડી ભરાણી….છોકરી વડારણને સોંપાણી…પલવારમાંતો એ બાળકીને દુધપીતી કરીને લાશ ખવાસને સોંપાણી…ત્રાંબાકુંડીનું દુધ કુતરાઓને પિવડાવવા કુંડીમાં નાખવા જતી હતી ત્યાં મંગડી પેલો ઉટકી રાખેલો ગમેલો લઇને પ્હોંચી આવી અને ઘણખરૂ દુધ ગમેલામાં લઇને ઘેર જવા નીકળી. બાજુના ગામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે અન્નદાનમાં મળેલ બે મુઠી ચોખા બાફી રાખવાની ભલામણ દીકરી ને કરી ને ત્યાં દુધ લેવા આવી હતી.
ઘેર આવી પેલો દુધવાળો ગમેલો ચુલા પર ચડાવ્યો.દુધ ઉકળી ને ઉભરો આવે તે પહેલા રસોડાના છાપરા નીચે લડ્તી બે ઢેઢ ગરોડિઓ તેમાં પડી.
‘વોય ભમરાડીઓ….!’ કહી એક ગંદી ગાળ આપી મંગડીએ પેલું દુધ આંગણામાં ઢોળ્યું.ગરોડીઓ તડફડીને મરી ગઇ ને ભેગી મરી પરવારી છોકરીની ખીર ખાવાની ઇચ્છા (સમાપ્ત)
Filed under: Stories | Leave a comment »