પુરણપોળી

puran-poli

‘પુરણપોળી’

    હા,એ રાખડીપૂનમનો દિવસ હતો.ચારે તરફ લાઉડસ્પીકર પર ગીતો વાગતા હતા ‘ભૈયા મેરે રખીકે બંધન કો નિભાના…રાખી બંધન હૈ ઐસા…’ બહેનો સજી ધજીને પૂજાની થાળી લઇને ભાઇની રાહ જોતી હતી,કયાંક રાખડીઓ ભંધાતી હતી તો કયાંક રાખડી બંધાવાને ભાઇઓ અધિરા થતા હતા.

             જેમના માડીજાયા વીર ન હતા એવી બહેનો રાખડી તરફ જોઇ જોઇ ને મનોમન નિસાસા નાખતી હતી.કોઇ કાકાઇ,મામાઇ,ફઇના દીકરાને કે પિતરાઇ ભાઇને તે પણ હોય એવી પપ્પાને કે મામાને રાખડી બાંધી પોતાના મનોભાવ વ્યક્ત કરતી હતી.જેમની બહેનો ન હતી એવા ભાઇ ધરમની બહેનના હાથે કે પછી કોઇ મંદિરના પૂજારી પાસેથી રાખડી બંધાવી મનમનાવતા હતા.ક્યાંક ઘરમાં પૂજાતી ભગવાન કૃષ્ણની મૂર્તિના કાંડે તો ક્યાંક કોઇ સાઇકલ કે સ્કૂટર ને કે પેટી પટારાને રાખડી બંધાતી હતી ક્યાંક સમાજસેવાની બહેનો જેલના કેદીઓ ને રાખડી બાંધવા પહોંચી ગઇ હતી.

           મનમાં થયું કે જે બહેનનો ભાઇ નહોય તેનો ભાઇ બનવું એ પુણ્યનું અને હિમતનું કામ છે.એવો નર તો મરદ ગણાય જે એવી કોઇ બહેન સામે પોતાનો કાંડો આગળ કરી કહે કે લે બહેન બાંધ રાખડી હજી તારો આ ભાઇ જીવતો છે રાખડી બંધાવા અને તારી રક્ષા કાજે.સાહેલીઓ કે પ્રિયતામાઓ બનાવવી સહેલી છે પણ બહેન બનાવી સબંધ નભાવવો એ વીરતા કે હિમત વગર ન થાય.

      સોમચંદ શેઠના ઘેર ભારે શોરબકોર થતો હતો, તે શા માટે ન થાય તેંના ચાર ચાર દીકરાને રાખડી બાંધવા બહેનો હોંસભેર આવી હતી.તેમના સાથે તેમના પતિદેવો અને બાળકો પણ આવ્યા હતા એટલે ઘર આખો ઠઠા મશ્કરી થી ગાજતો હતો.

        રસોઇ તૈયાર થઇ ગઇ હતી પુરણપોળીઓ ઉતરતી હતી.સામા શેઠાણી પહેલી થાળી ઠાકરને ધરાવી ગૌગ્રાસ તેમજ કુતરાને ખવડાવવા તૈયાર થતા હતા.પુરણપોળીમાંથી કેસર,જાયફળ અને એલચીની ભલભલાની ભૂખ ઉગાડે એવી સુગંધ આવતી હતી.પર્વનો દિવસ અને ઊંચી ઇમારત જોઇ જરૂર કશુંક ખાવાને મળશે એ આશાએ એક ભિખારણ પોતાના બે બાળકો સાથે ડેલી પાસે આવી ઊભી રહી પોકાર પાડ્યો…

‘એઇ …મેડીવાળીમા કશુક ખાવાનું આલજે તો તારા છોકરાંઉને ખાઇને દુવા દેસું’

    એ સાભળી એ મહેલ જેવી મેડીના ગોખમાં ઉભેલી બ ઉધ્ધત છોકરીઓ કહ્યું

‘ભાગ અહીંથી અમારા છોકરાઓ વધારાના નથી કે તને ખાવા આપીએ અને તેઓને ખાઇને અમને દુવા દે’

       એમ કહી એ છોકરીઓએ એક-બીજા સામે આંખ મિચકારી પછી પોતાની ચતુરાઇ પર ખુશ થતી એક-બીજીને સામ-સમે તાળીઓ આપી હસી. એ સાંભળી ભિખારણ બિચારી ભોંઠી પડી ગઇ અને સુધારી ને ફરી ટહેલ નાખી…

‘એઇ …મેડીવાળીમા ખાવાનું આલજે ઇ ખાઇને તને અને તારા છોકરાંઉને જાજી જાજી દુવાઓ દેશું’

         એટલામાં ડેલીની બારી ઉગાડી સામા શેઠાણી બહાર આવ્યા સામે જ ભિખારણને જોઇ તેમની કમાન છટકી ને બરાડયા…

‘સવાર પડી નથી ને ભિખારા ભેગા થયા નથી આગી મર!’

      એમ છણકો કરી ગૌગ્રાસની થાળી ગાય સામે મુકી અને પેપર પ્લેટમાં રાખેલી પુરણપોળી કુતરા પાસે મુકી,હંમેશ ગંધારી દુકાનો માંના અને નકલી  વેજીટેબલ ઘીમાં ખાસ કુતરા માટે બનેલ ટોસ્ટ અને બિસ્કીટ ઉપર ગુજરાન કરતા કુતરાને શુધ્ધ ઘીમાં બનેલ સુકામેવાવાળી પુરણપોળી પસંદ ન આવી અને એ તો સુંગી ને પડતી મુંકી આગળ ચાલ્યો ગયો.આ જોઇ ભિખારણના છોકરા બહુ ખુશ થયા અને કુતરાએ છાંડેલી પોળી લેવા દોટ મુકી,પણ હાયરે! કિસ્મત તેઓ ત્યાં પહોંચે એ પહેલા સામેના લીંમડાના ઝાડ પર બેઠેલ કાગડો ઉડી આવ્યો અને ચીલ ઝડપથી પોળી પોતાની ચાંચમાં ઉપાડીને ઉડી ગયો.અને એ છોકરાઓ વિલે મોઢે જોતા જ રહી ગયા,

        તેમને હજી આશા હતી કે કાગડાની ચાંચમાંથી પોળી નીચે પડે તો આપણું કામ થઇ જાય ત્યાં તો કુદરતનું કરવું અને થયું પણ તેમજ લીંમડાની ડાળે બેસી ચાંચમાંની પુરણપોળી કાગડો પગથી પકડવા ગયો અને છટકીની જમીન તરફ પડવા લાગી એ જોઇ વળી આશા બાંધી છોકરાઓ અધ્ધર ઝિલી લેવા દોડ્યા પણ વળી કિસ્મતે દગો દીધો.એ કાગડાની ચાંચમાંથી પડેલી અને કુતરાની છાંડેલી પુળી જમીન પર આવીને ગાયના પાતળા પોદળામાં પડી.એ ભુખ્યા છોકરાઓ મોટા નિસાસા નાખતા એને જોઇ રહ્યા.કહે છે કે ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે તે આનું નામ,

(સમાપ્ત)

 (કચ્છમિત્રની મધુવન પૂર્તિમાં તા.૨૭૦૫૨૦૧૨ના રોજ કચ્છીભાષામાં ‘ધિલજી ગાલ્યું’ કોલમમાં પ્રકાશિત કરવામાં આવી )