કક્કાવારી

kakkavari

  Continue reading

શોખીન માંડવી..!

મુઘલ ગેટ મુંદ્ર

આ અગાઉ મેં મારા વ્હાલા વતન માંડવીની જગ પ્રખ્યાત દાબેલી વિષે એક  “દાબેલીનો ફાઉન્ડર કોણ?” એ નામનો લેખ તમારી સમક્ષ મૂકી ચુક્યો છું જેને મારા બ્લોગ પર સારો આવકાર મળ્યો છે.આ વાત પરથી મને માંડવીની શોખિન પ્રજાના શોખ બાબત એક અન્ય વાત કરવી છે તેના વગર આટલી બધી વાનગીઓનું વેંચાણ શક્ય નથી તેથી આજે વિસ્તારથી જણાવું છું.

 • માંડવીમાં ભા.ગોકલ ગોલા વારો તરિકે ઓળખાતો હતો.તે આઇ આશાપુરા માતાજીના મંદિર પાસેના ખુણા પર ગોલા અને શરબત વહેંચતો.જુના બે પૈસા (ટકો) આજના ત્રણ પૈસામાં કાંડીમાં ગોલો બનાવી આપતો જેના પર પાતળા બનાવેલા શરબતનો છંટકાવ રહેતો. જ્યારે એક આના-આજના છ પૈસામાં કાંચના ગ્લાસમાં ગોલો આપતો જેમાં ઘટ્ટ શરબત રહેતું. તેવી જ રીતે બે આનામાં આજના-બાર પૈસામાં એક મોટા કાંચના ગ્લાસમાં (આજે એ સાઇઝના ગ્લાસ જોવા પણ નથી મળતા) બે ચમચા તમારી પસંદગીની ફ્લેવરનો ઘટ્ટ શરબત નાખી અને લખોટી વાળી મોટી બોટલ (એ પણ આજે ક્યાં દેખાતી નથી) ની સોડા નાખી શરબત બનાવી આપતો.આતો થઇ ઉનાળાની વાત પણ શિયાળામાં આજ ભાઇ ગોકલ ડબલરોટી (બન્સ) વહેંચતો.ટકામાં ડબલરોટીમાં કાપો પાડીને તેમાં પાતળી કરેલ લસણવાળી લાલ ચટણી નાખી આપતો.તે બટાટાનું ઘાટા રસવાળો શાક બનાવી લાવતો અને મસાલાવાળા શિંગદાણા અને મસાલા વાળા દારિયા પણ લાવતો.એક આનામાં ડબલરોટીમાં કાપો પાડી થોડો બટાટાના રસો અને લસણવાળી ચટણી નાખી આપતો પણ બે આનામાં અર્ધી ડબલરોટીના ચાર કટકા કરી ભરપુર રસો અને તેના પર બટેટાના કટકા મુકી લસણવાળી ચટણી છાંટી આપતો.અથવા એજ ચાર કટકા પર થોડો રસો નાખી યા તો મસાલાવાળા શિંગદાણા અથવા મસાલાવાળા દારિયા નાખી આપતો.
 • તળાવવાળા નાકા પાસે આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર્ની બરબર સામે ઇમારત જે જુના નામ પ્રમાણે મિશ્ર ભુવન અને ધરતીકંપમાં પાધર થઇ ગયેલી વિઠલવાડીની સામે એક નાની ખુડડ઼ીમાં બારોટ લખોટી વાળી સોડા વહેંચતા ટકાની નાની અને એક આનામાં મરી મીઠા અને મસાલાવાળી મોટી બોટલ લખોટીવાળી સોડા કાંચના ગ્લાસમાં આપતા ટકામાં મળેલી સોડા એટલી પાવરવાળી રહેતી કે એકી શ્વાસે બે ગુંટડા ભેગા ન ભરી શકો.
 • માંડવીના જુના શાસ્ત્રીવાડામાં એક ભાઇ રહેતા હતા.સફેદ પાયજામો તેના પર બારિક ચેક વાળો બુસશર્ટ પગમાં ટાઅરની ચપ્પલ ભેઠમાં બાંધેલ ગમછો કપાળમાં મોટો ચાંદલો દાંત વગરનું બોખલું મ્હોં બગલમાં નેતરનો ખુમચો અને માથા પર ત્રણ ફૂટ વ્યાસનો એલ્યુમિનિયમનો થાળ અને તેમાં બાફેલા કાળા ચણાનો મોટો ઢગલો અને સદા એક જ લીટી “નંદલાલ નહીંરે આવું ને ઘરે કામ છે…ગાતા તેથી તેમની ઓળખ નંદલાલ તરિકે છપાઇ ગઇ એમનું સાચું નામ તો હતું કૃપાશંકર.સવારના નવ વાગ્યાથી તેમની ફેરી શરૂ થતી શાળામાંથી રિસેસમાં બાળકોને રમેશભાઇ આવો અરૂણભાઇ આવો ,મહેશભાઇ આવો…રમાબેન આવો ,શાંતિબેન આવો…રમીલાબેન આવો એમ બધા બાળકોને આવકારતો આ નંદલાલ ટકામાં બે ચમચા બાફેલા ચણા તેના પર મીઠું,લાલ મરચું,ઝીણા સમારેલા કાંદા અને કોથમીર છાંટીને આપતો આબાલ વૃધ્ધ બધા તેના ચણા ખાતા અને રાતના લગભગ નવ વાગ્યા સુધી બધા ચણા ખલાસ થઇ ગયા હોય.
 •  નંદલાલની જેમ જ બગલમાં ખુમચો અને મોટો એલ્યુમિનિયમના થાળમાં વઘાર કરેલા ઢોકળાનો ઢગલો લઇને કોઇ દેખાય એ શશિકાંત (શશિયો ઢોકળાવાળો) એ પણ કચ્છીમાં બોલતો હોય શશિયેજા ઢોકરા આનેજા છ (શશિયાના ઢોકળા એક આનાના છ) પાછો મશ્કરો પણ એવો એટલે કહે શશિયેજા ઢોકરા આનેજા છ ખાય સે ખંગે (શશિયાના ઢોકળા એક આનાના છ ખાય તેને ઉધરસ આવે) રેગ્યુલર ગ્રાહક બે દિવસ ન ખાય અને ત્રીજા દિવસે ખાય તો મશ્કરીમાં પુછે ખંગ મટી વઇ (ઉધરસ મટી ગઇ)
 • સાંજીપડીના ચોકમાં ઉમરશી ગાંઠિયાવાળાની દુકાન તેના જેવા પાટા કોઇ ન બનાવે મુળ તો એના પાસે એક કારીગર હતો અભેરાજ એની કમાલ હતી.બાળકોમાં તેને ત્યાં મળતા તીખા લાકડિયા ગાંઠિયાનું ભારે આકર્ષણ હતું. ટકામાં બાળકોની ચડ્ડીના બન્ને ખીસા ગાઠિયાથી ભરી આપે.
 • લક્ષ્મી નારાયણ ના ચોકમાં એક ભાઇ ઊભા રહેતા સાચું નામ તો ખબર નથી પણ મલુકો તરિકે તે ઓળખાતો તે નકરી ખાંડની અને બીજી સૂઠવાળી ગોળની ચિક્કી વહેંચતો
 • માથા પર લાકડાનો થાલો અને વચ્ચે એલ્યુમિનિયમના તપેલામાં લીલા મરચા,

કોથમીર,કોપરૂં, કોઠા, દારિયા વગેરેની બનાવેલી લીલી ચટણીનો પીંડો લઇ ભુદા તરિકે ઓળખાતી એક પ્રૌઢ વ્યક્તિ ગામ આખામાં ફેરી કરતી ટકામાં મુઠી દારિયા અને સોપારી જેવડી ચટણી આપતા.

 • ગોવિન્દ નામે ઓળખાતી એક વ્યક્તિ રવિવારે ખાસ તો મેળામાં એક સંચો ફેરવતા જે માંથી એ એક આના (આજના છ પૈસા) માં મુઠી ભરીને ખાંડ નાખી બુઢ્ઢીકે બાલ બનાવી આપતા (આજ લેવા જાવ તો લગભગ ૩૦ રૂપિયામાં એટલા મળે)
 • આજ કાલ ૮૦% પેંડા માવાને ચાસણીમાં નાખીને બનાવવામાં આવે છે પણ જુની પાઠશાળાની સામેની દુકાનમાં બચુભાઇ (લીલાધરભાઇ) દુધ બાળીને પેંડા બનાવતા અને તે ખુબ વખણાતા શિયાળામાં તેમના બનાવેલા અડદિયા લાડું મુંબઇ,કરાંચી અને પરદેશ જનાર જરૂર લઇ જતા ત્યારે મુંબઇ-માંડવી-કરાચી વચ્ચે સરસ્વતી અને સાબરમતી બે આગબોટ ચાલતી હતી.(આજ પણ તેમના વંશજ દુકાન ચલાવે છે.)
 • અસલનામ જાણવાની કદી કોઇએ કોશીશ નથી કરી પણ એ ભાઇ કાણાબાવા તરિકે ઓળખાતો તે બાફેલા બટાટાની બે સ્લાઇસ વચ્ચે લસણની લાલ મરચા સાથેની ઘટ્ટ ચટણી મુકીને બટેટા વડા બનાવીએ તે પ્રમાણે લસણિયા ભજિયા બનાવતા અને ખજૂરની મીઠી ચટણી સાથે વહેંચતા જેને ખાવા લોકો તેમની ભીડ બજારમાં આવેલ દુકાને જતા અને સાંજે લગભગ માલ ખલાસ થઇ જતો.
 • અસલનામ કદાચ દયારામ હોવું જોઇએ પણ ડઉ તરિકે ઓળખાતો તે એકદમ મુલાયમ દહિવડા બનાવતો અને તેની ભેળ પણ વખણાતી.
 • રૂપને સાંજીપડીમાં “ભાટિયા બિસ્કીટ ફેકટરી”નાખી તેના બનાવેલા લાંબા બન્સ જે ત્યારે ભટર તરિકે ઓળખાતા જેની કિંમત હતી ટકો (આજના ત્રણ પૈસા) જો લોટમાં લો તો બે આના (આજના બાર પૈસા) માં પાંચ આપે પણ એક ભટર અને એક કપ દૂધ અથવા ચ્હાનો જો સવારે નાસ્તો કરો તો પ્રેમથી પેટ ભરાઇ જાય
 •  આજે તો ઘણા ગાઠિયાવાળા પણ જલેબી બનાવે છે પણ જુના વખતમાં જલેબી રાણેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ મિઠાઇની દુકાનની વખણાતી લોકો ત્યાંની જલેબી અને ઉમરશીના ગાઠિયા અલગથી લેતા પણ બન્ને એક જ જગાએ લેવા હોય તો લોકો સાબરકાઠા લોજની સામે આવેલ કુંભારની દુકાને જતા.
 • આજે ટાઇમ પાસ માટે મોટા ભાગે મકાઇની ધાણી (પોપકોર્ન) ખવાય છે પણ ત્યારે મીઠુભાઇ અને પોપટભાઇ સેકેલી આખી મગફળીની ગાડી ફેરવતા તેમા જો મેળો હોય તો ઘર તરફ આવતા લોકો બે આનાની મગફળી લે અને આખી વાટ ફોલી ફોલીને ખાતા આવે.આજે એના જેવી મોટી મગફળી પણ મળતી નથી અને તેની લારીઓ પણ અદશ્ય થઇ ગઇ છે. ત્યારે ખારી સિંગ પણ એ જ લોકો પાસે મળતી અને સાકર ચડાવેલી સિંગ (કાજુગરી) પણ મળતી આજે કોઇ બનાવતું નથી
 • આજે તો ઘણી જાતના જેવા કે કપાસિયાનું,સુરજમુખીનું,સોયાબીનનું.અડસીનું વગેરે વગેરે એમ વિવિધ જાતના કુકિન્ગ ઓઇલ મળે છે પણ કચ્છનો કચ્છી ગમે ત્યાં વસતો હોય એ ૭૦% મગફળીનું તેલજ વાપરતો હોય તેમાં જો માંડવીની કચ્છ ઓઇલ મીલનું મગફળીનું તેલ મળે તો ઓહો! જલ્સો માંડવીથી આફ્રિકા અથવા ગલ્ફમાં કે ફકત મુંબઇ જનાર વહાણોમાં કચ્છ ઓઇલ મીલના તેલના ડબ્બા અચૂક અને જરૂર હોય.

આ યાદી વાંચ્યા બાદ માંડવીનો કોઇ વાંચક હોય તેની પાસે કોઇ પૂરક માહિતિ હોય તો મન્ર અવશ્ય નીચે મુજબના સરનામે ઇ-મેઇલથી જરૂર મોકલાવશો.

http://www.dhufari@gmail.com

ચાલો ઘેર જઇએ

ss-10

‘ચાલો ઘેર જઇએ’ *

(રાગઃ અચ્છાજી મૈં હારી ચલો માન જાવ ના… …)

જોને રાત ઢળવા આવી ચાલો ઘેર જઇએ  )

એવી પણ ઉતાવળ શી છે થોડું બેસી લઇએ)(૨)

થોડું મોડું થાય છે તો બા ખીજાય છે     )

જ્યાં જ્યાં બાનું નામ આવે એવું થાય છે)(૨)

ટીખળ નહીં કરવાની)

જરૂર શી ડરવાની   )(૨)

ખોટા ઊંઠા નહીં ભણાવા સમજ્યો?….હા સમજ્યો….જોને રાત

જાતા વેળા થઇ જશે તો બસ વહી જશે )

રીક્ષા કરશું નહીં મળે તો છકડો લઇ જશે)(૨)

નહીં બેસું છકડોમાં)

નખરા મુંક નકામા)(૨)

છકડામાં ઉછાળા આવે સમજ્યો?….હ સમજ્યો….જોને રાત

મન તો એવું થાય છે કે ચાલી નાખીએ)

ચાલવાનું આજે છોડો કાલે રાખીએ    )(૨)

આજનું કરીએ આજે)

ખોટી જીદ ન છાજે )(૨)

‘ધુફારી’ પણ એ જ કહે છે સમજી?….હા સમજી….જોને રાત

૧૫-૦૬-૨૦૧૨

*નોંધઃ આ પ્રણયગીતની તરજ બહુ જાણીતી છે વાંચક મિત્રોને એક સજેશન છે કે આ ગીત ગાતા ગાતા વાંચે તો સાચો આનંદ આવશે.

પુરણપોળી

puran-poli

‘પુરણપોળી’

    હા,એ રાખડીપૂનમનો દિવસ હતો.ચારે તરફ લાઉડસ્પીકર પર ગીતો વાગતા હતા ‘ભૈયા મેરે રખીકે બંધન કો નિભાના…રાખી બંધન હૈ ઐસા…’ બહેનો સજી ધજીને પૂજાની થાળી લઇને ભાઇની રાહ જોતી હતી,કયાંક રાખડીઓ ભંધાતી હતી તો કયાંક રાખડી બંધાવાને ભાઇઓ અધિરા થતા હતા.

             જેમના માડીજાયા વીર ન હતા એવી બહેનો રાખડી તરફ જોઇ જોઇ ને મનોમન નિસાસા નાખતી હતી.કોઇ કાકાઇ,મામાઇ,ફઇના દીકરાને કે પિતરાઇ ભાઇને તે પણ હોય એવી પપ્પાને કે મામાને રાખડી બાંધી પોતાના મનોભાવ વ્યક્ત કરતી હતી.જેમની બહેનો ન હતી એવા ભાઇ ધરમની બહેનના હાથે કે પછી કોઇ મંદિરના પૂજારી પાસેથી રાખડી બંધાવી મનમનાવતા હતા.ક્યાંક ઘરમાં પૂજાતી ભગવાન કૃષ્ણની મૂર્તિના કાંડે તો ક્યાંક કોઇ સાઇકલ કે સ્કૂટર ને કે પેટી પટારાને રાખડી બંધાતી હતી ક્યાંક સમાજસેવાની બહેનો જેલના કેદીઓ ને રાખડી બાંધવા પહોંચી ગઇ હતી.

           મનમાં થયું કે જે બહેનનો ભાઇ નહોય તેનો ભાઇ બનવું એ પુણ્યનું અને હિમતનું કામ છે.એવો નર તો મરદ ગણાય જે એવી કોઇ બહેન સામે પોતાનો કાંડો આગળ કરી કહે કે લે બહેન બાંધ રાખડી હજી તારો આ ભાઇ જીવતો છે રાખડી બંધાવા અને તારી રક્ષા કાજે.સાહેલીઓ કે પ્રિયતામાઓ બનાવવી સહેલી છે પણ બહેન બનાવી સબંધ નભાવવો એ વીરતા કે હિમત વગર ન થાય.

      સોમચંદ શેઠના ઘેર ભારે શોરબકોર થતો હતો, તે શા માટે ન થાય તેંના ચાર ચાર દીકરાને રાખડી બાંધવા બહેનો હોંસભેર આવી હતી.તેમના સાથે તેમના પતિદેવો અને બાળકો પણ આવ્યા હતા એટલે ઘર આખો ઠઠા મશ્કરી થી ગાજતો હતો.

        રસોઇ તૈયાર થઇ ગઇ હતી પુરણપોળીઓ ઉતરતી હતી.સામા શેઠાણી પહેલી થાળી ઠાકરને ધરાવી ગૌગ્રાસ તેમજ કુતરાને ખવડાવવા તૈયાર થતા હતા.પુરણપોળીમાંથી કેસર,જાયફળ અને એલચીની ભલભલાની ભૂખ ઉગાડે એવી સુગંધ આવતી હતી.પર્વનો દિવસ અને ઊંચી ઇમારત જોઇ જરૂર કશુંક ખાવાને મળશે એ આશાએ એક ભિખારણ પોતાના બે બાળકો સાથે ડેલી પાસે આવી ઊભી રહી પોકાર પાડ્યો…

‘એઇ …મેડીવાળીમા કશુક ખાવાનું આલજે તો તારા છોકરાંઉને ખાઇને દુવા દેસું’

    એ સાભળી એ મહેલ જેવી મેડીના ગોખમાં ઉભેલી બ ઉધ્ધત છોકરીઓ કહ્યું

‘ભાગ અહીંથી અમારા છોકરાઓ વધારાના નથી કે તને ખાવા આપીએ અને તેઓને ખાઇને અમને દુવા દે’

       એમ કહી એ છોકરીઓએ એક-બીજા સામે આંખ મિચકારી પછી પોતાની ચતુરાઇ પર ખુશ થતી એક-બીજીને સામ-સમે તાળીઓ આપી હસી. એ સાંભળી ભિખારણ બિચારી ભોંઠી પડી ગઇ અને સુધારી ને ફરી ટહેલ નાખી…

‘એઇ …મેડીવાળીમા ખાવાનું આલજે ઇ ખાઇને તને અને તારા છોકરાંઉને જાજી જાજી દુવાઓ દેશું’

         એટલામાં ડેલીની બારી ઉગાડી સામા શેઠાણી બહાર આવ્યા સામે જ ભિખારણને જોઇ તેમની કમાન છટકી ને બરાડયા…

‘સવાર પડી નથી ને ભિખારા ભેગા થયા નથી આગી મર!’

      એમ છણકો કરી ગૌગ્રાસની થાળી ગાય સામે મુકી અને પેપર પ્લેટમાં રાખેલી પુરણપોળી કુતરા પાસે મુકી,હંમેશ ગંધારી દુકાનો માંના અને નકલી  વેજીટેબલ ઘીમાં ખાસ કુતરા માટે બનેલ ટોસ્ટ અને બિસ્કીટ ઉપર ગુજરાન કરતા કુતરાને શુધ્ધ ઘીમાં બનેલ સુકામેવાવાળી પુરણપોળી પસંદ ન આવી અને એ તો સુંગી ને પડતી મુંકી આગળ ચાલ્યો ગયો.આ જોઇ ભિખારણના છોકરા બહુ ખુશ થયા અને કુતરાએ છાંડેલી પોળી લેવા દોટ મુકી,પણ હાયરે! કિસ્મત તેઓ ત્યાં પહોંચે એ પહેલા સામેના લીંમડાના ઝાડ પર બેઠેલ કાગડો ઉડી આવ્યો અને ચીલ ઝડપથી પોળી પોતાની ચાંચમાં ઉપાડીને ઉડી ગયો.અને એ છોકરાઓ વિલે મોઢે જોતા જ રહી ગયા,

        તેમને હજી આશા હતી કે કાગડાની ચાંચમાંથી પોળી નીચે પડે તો આપણું કામ થઇ જાય ત્યાં તો કુદરતનું કરવું અને થયું પણ તેમજ લીંમડાની ડાળે બેસી ચાંચમાંની પુરણપોળી કાગડો પગથી પકડવા ગયો અને છટકીની જમીન તરફ પડવા લાગી એ જોઇ વળી આશા બાંધી છોકરાઓ અધ્ધર ઝિલી લેવા દોડ્યા પણ વળી કિસ્મતે દગો દીધો.એ કાગડાની ચાંચમાંથી પડેલી અને કુતરાની છાંડેલી પુળી જમીન પર આવીને ગાયના પાતળા પોદળામાં પડી.એ ભુખ્યા છોકરાઓ મોટા નિસાસા નાખતા એને જોઇ રહ્યા.કહે છે કે ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે તે આનું નામ,

(સમાપ્ત)

 (કચ્છમિત્રની મધુવન પૂર્તિમાં તા.૨૭૦૫૨૦૧૨ના રોજ કચ્છીભાષામાં ‘ધિલજી ગાલ્યું’ કોલમમાં પ્રકાશિત કરવામાં આવી )