કોઇને કહેતા નહીં

‘કોઇને કહેતા નહીં’

(રાગઃઆપકી આંખોમેં કુછ… … … )

કોઇને કહેતા નહીં એવું કહી કહેવાય છે;
નામ દઇ કહેનારનું ને વાત એ કહેવાય છે.

વાત જે પરદા મહીં હો રાખવાની એ બધી,
કાનમાં ને શાનમાં સમજાવવાની તે બધી;
ખુદ રહી પરદા મહીં ને વાત એ કહેવાય છે,
કોઇને કહેતા નહીં એવું કહી કહેવાય છે
નામ દઇ કહેનારનું ને વાત એ કહેવાય છે.

વાત ફિક્કી ફસ રહે તો કાન કો’ધરતું નથી,
ના ‘ધુફારી’ સાંભળે તો કાજ એ સરતું નથી;
તો મસાલા મેળવીને વાત એ કહેવાય છે,
કોઇને કહેતા નહીં એવું કહી કહેવાય છે.
નામ દઇ કહેનારનું ને વાત એ કહેવાય છે.

૦૭.૦૪.૨૦૧૨

અમે દોડયા

“અમે દોડ્યા”

તમોને કેન્દ્રમાં રાખી અમે વર્તુળમાં દોડ્યા
ન સમજાયું કે શા માટે અમે વર્તુળમાં દોડ્યા

ન’તા કો કાવ્ય લખવાના ન’તા કો લેખ લખવાના
છતા પણ શબ્દ સથવારે અમે વર્તુળમાં દોડ્યા

હતા પ્રશ્નો ઘણા એવા મળ્યા નો’તા જવાબો પણ
કલમ કાગળ ઉપાડીને અમે વર્તુળમાં દોડ્યા

તમારા હાસ્યના ગુંજન અમારા કાનમાં આવ્યા
ગણી લઇ એહને સરગમ અમે વર્તુળમાં દોડ્યા

“ધુફારી”કેન્દ્રમાં જોયું ન’તુ ત્યાં કોઇ પણ ઊભુ
ન જાણે શી હતી ભ્રમણા અમે વર્તુળમાં દોડ્યા

૦૩.૦૩.૨૦૧૨ ૦૩.૪૦

શે’ર

શે’ર

ન જાણે કેટલા સાથે,પ્રણયના ફાગ ખેલ્યા છે;
‘ધુફારી’ બેવફા તેને છતાં પણ કોઇ તો કહેતું નથી.
-@-
કહો ધતરાષ્ટ્ર થઇ જાશું,નથી બીજો કશો રસ્તો;
‘ધુફારી’ એમને કહી દો,ન આવે આ તરફ ક્યારે.
-@-
પુષ્પો તો રોજ બાગમાં ખીલે,અને કરમાય છે;
પણ ‘ધુફારી’આ ભ્રમર શા કારણે શરમાય છે.
-@- ૦૮.૦૩.૨૦૦૬
બે ઘડીને કાજ તારી,વાત હું માની લઉ ભલે;
છે‘ધુફારી’ને અનુભવ એ વાત ના માની શકે.
-@-
નોંધ રાખે છે ‘ધુફારી’,રોજના બ્હાના તણી;
આજ જોવું એટલું છે,શું નવું બ્હાનું હશે.
-@-
ત્રેશઠ વરસ માશુક જેવી,ચાલી રહી સંગાથમાં;
ક્યારે’ધુફારી’બેવફા સમ,છોડી જશે આ જીન્દગી.

મળીગ્યા’તા

મળીગ્યા’તા

રાહમાં ચાલ્યા અચાનક ત્યાં મળીગ્યા’તા તમે;
ના અમે ધાર્યુ હતુ કંઇ ત્યાં મળીગ્યા’તા તમે.

શું તમે કહેશો મને યા હું તમોને શું કહું;
ગડમથલ આ ચાલતી’તી ત્યાં મળીગ્યા’તા તમે.

મુજ ગમાનો અણગમાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી;
શું ગમે તમને વિચારું ત્યાં મળીગ્યા’તા તમે.

જો મળી જાસો કદી તો ચાલસુ સંગાથમાં;
મન મહીં ઇચ્છા કરી’તી ત્યાં મળીગ્યા’તા તમે.

બસ ત્રિભેટો જ્યાં મળે છે ત્યાં લગી તો ચાલશું;
રાહ મારી મેં ધરી’તી ત્યાં મળીગ્યા’તા તમે.

આમ અણધાર્યું બધું થાતું હશે શાને કહો;
પુછવા ચાલ્યો ”ધુફારી” ત્યાં મળીગ્યા’તા તમે.

૦૬.૦૩.૨૦૧૨