‘મુક્તકો’
રાત રડીને આંસુ એના ઝાકળ થઇ વેરાયા ને પાંદડા ભીંજાયા,
દુધ જેવી ચાંદની ફૂલોમાં સમેટાઇ ગ્ઇ ‘ને મોગરા ખિલ્યા;
પ્રાગળના દોરા ફૂટ્યા ‘ને અંધારૂં ઉડુ ઉડુ થયો ‘ને કૂકડો બોલ્યો,
‘ધુફારી’ વાટ જોતી જાગતી એ આંખોના પોપચા મીચાયા.
૩૦.૦૩.૧૯૮૭
વાહ! જગતના નાથ તારા પણ ગજબના ખેલ છે,
માનવીની ભાગ્યભામા વંતરી વંઠેલ છે;
જે લડાવે લાડ એને એ સદા ધુતકારતી,
આ ‘ધુફારી’બેફિકરને એ સદા બુચકારતી.
૧૨.૧૦.૧૯૯૪
માનવી પૂછી કરીને પ્રેમમાં પડતો નથી,
જો પડે,શોધો છતાં એ કયાંયે પણ જડતો નથી;
આ‘ધુફારી’મયકદામાં ના ફરી પાછો જશે,
છે સલામત ત્યાં સુધી સોપાન એ ચઢતો નથી.
૨૦.૦૨.૨૦૦૦ t
“ધુફારી” પ્રેમ કરનારા હ્રદય સાજા નથી હોતા,
ચમનથી ફૂલ મળનારા બધા તાજા નથી હોતા;
જગત છે રામ્ગભૂમિ ‘ને અદાકારી કરે માનવ,
ધરીને તાજ ફરનારા બધા રાજા નથી હોતા.
૦૧.૦૩.૨૦૦૦
શબ્દ કેરા સમંદરમાં ડૂબી જાવું નથી સહેલું,
કવિતા જાણવા પહેલા કવિ થાવું નથી સહેલું;
ઘણી છે રાગ રાગિણી અનેરા તાન પલટાઓ,
“ધુફારી” જો ન સમજણ હો કદી ગાવું નથી સહેલું.
૦૨.૦૬.૨૦૦૦
Filed under: Poem |
Leave a Reply