મુક્તકો (૨)

‘મુક્તકો’

રાત રડીને આંસુ એના ઝાકળ થઇ વેરાયા ને પાંદડા ભીંજાયા,

દુધ જેવી ચાંદની ફૂલોમાં સમેટાઇ ગ્‍ઇ ‘ને મોગરા ખિલ્યા;

પ્રાગળના દોરા ફૂટ્યા ‘ને અંધારૂં ઉડુ ઉડુ થયો ‘ને કૂકડો બોલ્યો,

‘ધુફારી’ વાટ જોતી જાગતી એ આંખોના પોપચા મીચાયા.

૩૦.૦૩.૧૯૮૭

વાહ! જગતના નાથ તારા પણ ગજબના ખેલ છે,

માનવીની ભાગ્યભામા વંતરી વંઠેલ છે;

જે લડાવે લાડ એને એ સદા ધુતકારતી,

આ ‘ધુફારી’બેફિકરને એ સદા બુચકારતી.

૧૨.૧૦.૧૯૯૪

માનવી પૂછી કરીને પ્રેમમાં પડતો નથી,

જો પડે,શોધો છતાં એ કયાંયે પણ જડતો નથી;

આ‘ધુફારી’મયકદામાં ના ફરી પાછો જશે,

છે સલામત ત્યાં સુધી સોપાન એ ચઢતો નથી.

૨૦.૦૨.૨૦૦૦ t

“ધુફારી” પ્રેમ કરનારા હ્રદય સાજા નથી હોતા,

ચમનથી ફૂલ મળનારા બધા તાજા નથી હોતા;

જગત છે રામ્ગભૂમિ ‘ને અદાકારી કરે માનવ,

ધરીને તાજ ફરનારા બધા રાજા નથી હોતા.

૦૧.૦૩.૨૦૦૦

શબ્દ કેરા સમંદરમાં ડૂબી જાવું નથી સહેલું,

કવિતા જાણવા પહેલા કવિ થાવું નથી સહેલું;

ઘણી છે રાગ રાગિણી અનેરા તાન પલટાઓ,

“ધુફારી” જો ન સમજણ હો કદી ગાવું નથી સહેલું.

૦૨.૦૬.૨૦૦૦

ગમતી હતી

ગમતી હતી”

કોણ જાણે કેટલા સંગ ફાગ તું રમતી હતી;
એમ સૌ કહેતા હતા કે તું બહુ ગમતી હતી.

કોઇની તંદ્રા મહીં તો કોઇની નિદ્રા મહીં;
મન જગત હરકોઇના તું  તો સદા ભમતી હતી.

કોઇને તારું વદન તો  કોઇને તારું બદન;
કોઇને ઝુલ્ફો અગર તો ચાલ પણ ગમતી હતી.

નેણના બાણો થકી ઘાયલ થતા’તા કેટલા;
હોઠ તું જ્યારે મરોડે એ અદા ગમતી હતી.

આંખની ભિનાસમાં પણ કેટલા ડૂબ્યા હશે;
કેટલા ડૂબ્યા નહીં તો આંખ તમતમતી હતી.

જોયેલા મૃગજળ મહીં ડૂબ્યો “ધુફારી” ના કદી;
હાજરી તારી છતા પણ એટલી ગમતી હતી.

૦૪.૦૩.૨૦૧૨ ૧૩.૩૦

એકાંત

“એકાંત”  

                     આ શબ્દનો ભેદ પામવો જરા મુશ્કેલ છે. એકાંત વિષે લેખકો પોતાના વિચારો રજુ કરે છે પણ તેઓની સંખ્યા અલ્પ છે હા એકાંત વિષે લખનારા કવિઓ અગણિત મળી રહેશે. તેમાં એક વાત સામાન્ય છે અને તે એ કે, સૌ પોતાના દૃષ્ટીકોણથી તેનું રૂપ ઘડતા હોય છે. તેમના વિચારોમાં એકાંતનું કારણ શું હતું કેવી રીતે તેની ઉત્પતિ થઇ અને તેનાથી શું પરિસ્થિતિ સર્જાઇ તેનું બહુ લડાવી લડાવીને સંગત કે અસંગત વર્ણન કરશે.એકાંતમાં તેમણે શું અનુભવ્યું અને એકાંત પરિસ્થિતિ નો કેવી રીતે સામનો કર્યો હસીને રડીને કે લડીને તે પણ જાણવા મળશે
એકાંત સામે ઉદ્ભવતા પ્રશ્નો જોઇએ

•    એકાંત કોને કહેવું?

      કોઇ દૂર સુ-દૂર નિર્જન જંગલમાંનું કોઇ સ્થાન એકાંત કહેવાય?યા કોઇ ઉંચા પર્વતની ટોંચ ઉપર રહેવું એકાંત કહેવાય?કે કોઇ ગિરિવરની ઊંડી ગુફા એકાંત કહેવાય?

•    એકાંત ક્યા ક્યા ક્ષેત્રમાં સરજાય છે?

                                એકાંત ગમે ત્યાં સર્જાઇ શકે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ જો કોઇના સંપર્કમાં ન રહે તો  જાહેર જીવનથી જોડાયેલી હોવા છતાંએ એકાંત વાસી કહેવાય તો કોઇ વ્યક્તિ પોતાના પરિચિત લોકોને અને સ્થળને મુકી કોઇના સંપર્કમા રહ્યા વગર અજ્ઞાત જગાએ ચાલી  જાય તેને એક રીતે એકાંત વાસી કહેવાય.

•    એકાંત કોના આધારે સર્જાય છે?

                  એનો સાવ સરળ જવાબ છે સંજોગો અને માનવીની મનોદશાના આધારે.કેટલા લોકો શરમાળ હોયછે જે જલ્દી કોઇમાં ભળી શકતા નથી એકલા અટુલા રહે છે પોતાના એકાંતના કોચલામાં પુરાઇ રહેવાનું પસંદ કરે છે, કોઇ વ્યક્તિ માનસિક શાંતિની શોધ માટે એકાંતમાં રહેતા હોય છે તો કોઇ ગહન ચિંતન માટે એકાંતમાં રહેતા હોય છે.સામાન્યત ગુનાહિત પ્રવૃતિ માટે એકાંત જરૂરી હોય છે.પ્રેમી પંખીડાનો સાચો કે ખોટો પ્રેમ એકાંતમાં જ પાંગરતો હોય છે ને?

•    એકાંતમાં રહેતા લોકોની માનસિક સ્થિતી શું હોય છે?

                   એકાંતમાં રહેતા લોકોની માનસિક સ્થિતિનો આધાર તેની આજુ બાજુ સર્જાતા વાતાવરણ  પર આધાર રાખે છે શરમાળ લોકો કોઇમાં ભળી શકતા નથી પણ પોતાના શરમાળપણાને તેઓ ભાંડતા હોય છે તેમની મનોદશા સાપે ગળેલા છછુંદર સમી હોય છે ન કહેવાય ન સહેવાય તેઓ કરવા તો ઘણું બધુ ચાહે છે પણ હિમત સાથ નથી આપતી.જેઓ માનસિક શાંતિની શોધ માટે એકાંતમાં વસતા હોય છે એ આશાએ કે કોઇ એવી પળ જરૂર આવશે  
જ્યારે તેમને શાંતિની અનુભુતી થશે એ અનુભુતી શું હશે એ વર્ણન માટેની વાત નથી અનુભવવાની વાત છે. ઘણા કોઇ ચિંતન અર્થે એકાંતમાં રહેતા હોય છે જેથી તેઓ તેમાં    
 ઓતપ્રોત થઇ તેનો ભેદ પામી શકે

•    અંતમાં મારી એક રચના

     “એકાંતમાં”

     જાતને મળવું પડે છે,હરઘડી એકાંતમાં;
     સામના કરવો પડે,એનો લડી એકાંતમાં.

     ધાક ધમકી ખૂન યા તો,અપહરણ થાતાં બધા;
     માનવી અટવાય જ્યારે,એકલો એકાંતમાં.

     યાદ કેરી જાળમાંથી,છુટવું મુશ્કેલ છે;
     ઘેરસે તમને બધી,ભેગી મળી એકાંતમાં.

     છે અજબ કાનુન એવો,વણલખેલો જગ મહીં;
     ઇશ હો કે પ્રેમદા સૌ,કો‘મળે એકાંતમાં.

     કલ્પનાના વ્યોમમાં,વિહારના આનંદમાં;
     કો ગઝલ સર્જે “ધુફારી“,વિહરતા એકાંતમાં.

     ૩૦/૦૩/૨૦૦૭

પ્રશ્નો

“પ્રશ્નો”

સાગર તણી ભરતી સમા આ સ્પંદનો કાં જાગતા;
આ સ્પંદનો કેરા કહો સૌ ઉત્તરો કાં માગતા.

વણઝાર છે પ્રશ્નો તણી ને ઉત્તરો જો ના મળે;
પ્રશ્નો બધા વિલાયલા યા તો નકામા લાગતા.

શાને નકામા પ્રશ્નને બહેલાવવા મથવું પડે;
ને પછી બહેલાયલા પ્રશ્નો  જવાબો માગતા

પ્રશ્નની પ્રશ્નાવલિના ઉદ્ભવે એવા વલય;
કેન્દ્રમાં ભાનુ ગણી ત્યાં ગ્રહ બધા હો ભાગતા.

નાકશું પુછો “ધુફારી”ને અહીં આવ્યા પછી;
ના સવાલો હો કશા ને ના જવાબો માગતા.

૦૪.૦૩.૨૦૧૨