અભેસિંહ

“અભેસિંહ”

સવારના પહોરમાં દરરોજ પોતાની વોચમેન કેબીનમાં બેસી સરગમબેનના મધુર કંઠે ગવાતી “મંગલ મંદિર ખોલો……” પ્રાર્થના સાંભળવા ટેવાયેલા અભેસિંહ જાડેજા, એકએક નિવૃતિનિવાસ તરફ આવતી એમ્બ્યુલન્સનું સાયરન સાંભળી કોઇ અમંગળના એંધાણ સાથે સફાળા ઊભા થઇ ગયા. એમ્બ્યુલન્સની સ્ટ્રેચર સાથે અંદર જતા હોસ્પિટલના કર્મચારી પાછળ તેઓ પણ નિવૃતિ નિવાસમાં દાખલ થયા.
પથારીમાં પડેલા સરગમબેનના અચેતન દેહ જોઇને માથે બાંધેલી કચ્છી પાઘડી જમીન પર પટકી ગાલ પર હાથ મુકી ગોઠણિયા ભેર થતાં ધ્રુસકે ધુસકે રડી પડ્યા અને આભ તરફ હાથ ઊંચા કરી રુધાતા અને ગળ ગળા અવાજે માંડ બોલ્યા
“ઓ…મુજી…મા આશાપુરા તું..હી…કેડ઼ો,,,,,ગજબ….ગુધારે? કઇ વરે પ્વા હન અનાથ કે
(ઓ…મારી,,,મા આશાપુરા તેં…આ કેવો ગજબ ક્રર્યો કેટલા વરસો પાછી આ અનાથને)
હકડ઼ી ભેણ મલઇ વઇ સે પણ તોકે મંજુર નવો સે હકડે ઝાટકે જટે ગડ઼ે?”
(એક બહેન મળી હતી તે પણ તને મંજુર ન હતો તે એક ઝાટકે જૂટવી લીધી?)
હન કના ત તું હન અભગિયે કે કો ન ખણી ગડ઼ે જેંજી હન ખલકતે જરૂરત નાય……
(આ કરતાં તો આ અભાગિયાને કેમ ન ઉપાડી લીધો જેની આ જગતમાં જરૂરત નથી)
“અભેસિંહ ધીરા પડો મારા ભાઇ.તમે અનાથ ક્યાં છો?? તમારા બેન નિવૃત્તિ નિવાસના આટલા મોટા કુટુંબ સાથે તમારો પરિચય કરાવી ગયા છે.બાકીતો આપણી એમના સાથે જેટલી લેણાદેણી હતી તે પુરી થઇ. હવે તો હાથ જોડી ને પ્રાર્થના કરો કે તેણીના આત્માને પરમાત્મા શાંતિ આપે.”કહી મીનાબેને લાવેલ પાણીનો ગ્લાસ આપ્યો
પાણી પીને સરગમબેનના પગને હાથ અડાડી આંખે લગાડી પગે લાગીને બે હાથે પકડેલી પોતાની પાઘડીમાં મોઢું સંતાડીને અભેસિંહ પોતાની કેબીન તરફ આવ્યા અને ખુરશીમાં ફસડાઇ પડ્યા.અભેસિંહસિહ જાડેજા મુળ કચ્છ-મેરાઉના વતની, ૨૫ ડિસેમ્બર ૧૯૪૨માં તેમનો જન્મ થયો. ભુજમાં સ્થાહી થયેલ માવિત્રનું એકનું એક સંતાન. મોજીલા અને મળતાવળા સ્વભાવના અભેસિંહનો મિત્રવર્ગ મોટા હતો.પોતે ૧૯૪૨માં જન્મેલા એટલે ઘણી વખત મજાકમાં મિત્રોને કહેતા બાપુની “હિન્દ છોડો” આંદોલનમાં જોડાવા હાકલ કાને પડી એટલે બંદા જાલ્યા રહે? એટલે જ ૧૯૪૨ પુરી થાય એ પહેલાં જ જન્મ લીધો.
કિશોર અવસ્થામાં એક લગ્ન પ્રસંગે સૌ અંજાર ગયા હતાં ત્યાં થયેલ ધરતીકંપમાં માવિત્ર ગુમાવ્યા.બે દિવસની શોધ પછી મળેલા મૃત દેહોને અગ્નિ સંસ્કાર કર્યા બાદ ભગ્ન હ્રદયે ભુજ પાછા આવ્યા. શાળામાંથી આવ્યા બાદ પેટનો ખાડો પુરવા એક હોટલમાં વેઇટરનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતાં. ૧૯૬૨ની લડાઇ વખતે ફોજમાં ભરતી થયા. શરૂઆતની પોસ્ટિન્ગ કચ્છ બટાલિયનમાં થયેલી.કચ્છ બોર્ડરપર એક મોટા ઘુસણખોર અને ગદાર જવાનની ગુપ્ત કરતુત રંગે હાથે પકડવામાં મુખ્ય ભુમિકા ભજવેલ તેનાથી પ્રભાવિત થયેલ ગુપ્તચર વિભાગના પ્રેમાળ અને સત્યનિષ્ઠ ઉપરી જનાર્દન ગોહિલ સાહેબે તેમને પોતાના અંગત અંગરક્ષક નિમવાની માંગણી કરી જે મંજુર થઇ.ત્યાર બાદ નેફા બોર્ડર, વાઘા બોર્ડર,પૂર્વ પાકિસ્તાનની બોર્ડર પર એમ જયાં જયાં તેઓ ગયા ત્યાં ત્યાં અભેસિંહ તેમના સાથે જ હતાં.
એક દિવસ તેમના મિત્ર સુજાન ચૌહાણ પોતાને આવેલ પત્ર અને સાથે બીડેલ વાગ્દ઼્તાનો ફોટોગ્રાફ જોતા હતા.રૂમમાં આવેલ અભેસિંહસિહે પુછ્યું
“ભાભીનો ફોટોગ્રાફ છે?”
“આજે તેણીનો પહેલો પ્રેમ પત્ર આવ્યો છે”કહી અભેસિંહને ફોટોગ્રાફ આપ્યો.
“ભાભી તો શોભે છે” કહી ફોટોગ્રાફ પાછો આપ્યો ત્યાં સુધી ટૂંકો લખેલ પત્ર વાંચીને કવરમાં મુકતાં સુજાન ચૌહાણે કહ્યું
“મારી ભાભીનો ફોટો તો બતાવો”
“તમારી ભા…ભી નો? નો વે આ જીન્દગીમાં તો ચાન્સ નથી કારણકે મારૂં કોઇ નથી ન મા ન બાપ ન ભાઇ ન બેન કોણ મારા લગ્નની ફિકર કરે?”કહી ખડખડાટ હસ્યા.
“સોરી અભેસિંહભાઇ મેં તમારૂં મન દુખાવ્યું”
“અરે જે છે એતો હકીકત છે એમાં સોરી ક્યાં આવ્યું?”
એક દિવસ ગોહિલ સાહેબાને તેમના મિત્ર ધર્મેન્દ્રસિંહનો ફોન આવ્યો અને પોતાની દીકરી સુનયનાના એકવિસમાં બર્થ ડે નિમિતે રાખેલ પાર્ટિમાં આવવાનું આગ્રહ ભર્યુ આમંત્રણ મળ્યું.પાર્ટી પુરજોશમાં ચાલતી હતી.સુનયનાને જોઇ ગોહિલ સાહેબને બારણા બહાર ઊભા રહી સુજાણ ચૌહાણ અને અભેસિંહ વચ્ચે થયેલ વાર્તાલાપ યાદ આવી ગયો. મિત્રો વચ્ચે ધેરાયલા ધર્મેદ્રને એક બાજુ આવવા ઇશારો કર્યો.
“હા બોલ જનાર્દન શું વાત છે?”
“ધરમ જો મારી વાત માને તો કહું માઠું નહીં લગાડતો”
“અરે….અરે…અરે….આટલી લાંબી પ્રસ્તાવના વગર જે મનમાં હોય એ કહી દેને તું મારો મિત્ર છે તને હક્ક છે”
સુનયના માટે હું મુરતિયો બતાવું તો?”
“મુરતિયો ? કોણ છે??
“મારો અંગરક્ષક અભેસિંહ”
“અભેસિંહ?પણ આગળ પાછળ કંઇ?”
“અભેસિંહ જોરાવરસિંહ જાડેજા કચ્છી નરબંકો”
“ઓલ્યો તો નહી જેણે બોર્ડર પર ગદાર જુવાનો ને પકડાવેલા?”
“હા એ જ”
“જાડેજા મતલબ જામ જાડાના વંશજ ક્ષત્રિય લોહી તો મને શો વાંધો હોય?”
“તો સુનયનાને વાત કર અને બન્ને વચ્ચે હમણાં જ  મીટિન્ગ ગોઠવીએ”
“હા..હા શુભસ્ય શીઘ્રમ્”
બન્નેને એકાંતમાં મળવાની ગોઠવણ કરવામાં આવી લગભગએકાદ કલાક્ના સમય ગાળા પછી બન્ને પાર્ટિમાં આવ્યા ત્યારે
“આ કોઇ જબરદસ્તી નથી વિચારીને ખુલ્લા મને તમારો અભિપ્રાય આવતી કાલે અમને જણાવજો” બન્નેની સામે રાખીને પુછવામાં આવ્યું
“બાપુ તમે વિચાર્યું છે એમાં મારૂં હિત જ હશે”સુનયનાએ નયન ઢાળી શરમાતા કહ્યું
“તો મારા માવિત્ર ગોહિલ સાહેબે પણ મારૂં હિત જ જોયું હશે”અભેસિંહસિંહે કહ્યું.
એક અઠવાડિયા પછી સુનયના સાથે અભેસિંહના લગ્ન થયા.બે મહિનાની રજા ભોગવી સુનયનાને ભુજમાં મુકીને પાછા ડ્યુટી પર હાજર થઇ ગયા.
દશ વરસના લગ્ન જીવન બાદ નિઃસંતાન રહેલા અભેસિંહસિંહે ઉઘાડા પગે બાળક્ને લઇ આઇ આશાપુરાના દર્શને જવાની કરેલી માનતા ફળ્યાના સમાચાર જ્યારે સુનયનાએ આપ્યા ત્યારે હરખના આંસુ ઉમટી પડ્યા અને ૧૯૮૩માં ગોકુળ અષ્ટમીના દિવસે પુત્ર જન્મ થયો.આમ તો રાશી પ્રમાણે નામ તો મહેન્દ્રસિંહ પાડયું પણ જન્માષ્ટમી ના જન્મેલ એ બાળકનું હુલામણું નામ પાડ્યું કાનજી/કાનો.
ગોહિલ સાહેબની પુણે ખાતે નિમણુંક થઇ ત્યારે અભેસિંહને લુલાનગરના આર્મી ક્વાટરમાં સુનયના સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.એક દિવસ તેમના બાતમીદારે માહિતિ આપીકે આવતી કાલે સવારે શાકભાજીના ટ્રક્માં એપલના કાર્ટુનમાં ડ્રગ સંતાડીને મોટું કન્સાઇન્મેન્ટ લાવવામાં આવનાર છે.અભેસિંહસિંહે ગોહિલ સાહેબને વાત કરી અને બીજા દિવસે સવારે ગોઠવેલા છટકામાં કન્સાઇન્મેન્ટ પકડાયાના સમાચાર પુણે ટાઇમ્સમાં ફોટા સહિત છપાયા.
બે રોક્ટોક ચાલતા આ ડ્રગ ટ્રાફિકના ધંધા આડે અચાનક આવી પડેલી આ અભેસિંહ નામની ફાચરને સમયસર દૂર કરવાના પ્રયત્નો શરૂ થઇ ગયા અને એક દિવસ પુણેથી લોનાવલા ખંડાલા સહકુટુંબ જઇ રહેલી અભેસિંહની જીપની પાછળ પુરપાટ આવતાં ટ્ર્કે હળફેટમાં લઇને ખાઇમાં ધકેલી દીધી.આ અક્સ્માતમાં અભેસિંહસિહને પગમાં ફેક્ચર અને હાથ મચકોડાઇ ગયા અને અન્ય જગાએ મુઢ માર લાગ્યા.અક્સ્માત સમયે જીપમાંથી ઉછળીને અભેસિંહ બહાર પડેલા પણ સુનયના અને મહેન્દ્રને ગંભીર અને જીવલેણ ઇજા થતાં સ્થળ પર જ મૃત્યુ પામ્યા.લગભગ દોઢ માસની સારવાર પછી અભેસિંહ બેવડા આઘાતમાંથી માંડ બહાર આવ્યા પણ સ્મગલરોને અભેસિંહ જીવતો રહી ગયાનો વસવસો રહી ગયો.
એ દરમ્યાન ગોહિલ સાહેબ રિટાયર થયા અને તેમના સ્થાન પર એક નંબરના લાલચું અને ભ્રસ્ટાચારી અધિકારી વસાવડાની નિમણુંક થઇ. સ્મગલરોના ડોન અને વસાવડા વચ્ચે ગુપ્તમંત્રણા થઇ.પોતાના લાભમાં આડે આવનારની ટાઢેપાણીએ ખસ કાઢવામાં પારંગત વસાવડાએ જાળ પાથરી. જાળની જાણ અભેસિંહને તેમનો બાતમીદાર પહોંચાડે તે પહેલાં જ તેને લોકઅપ ભેગો કરી દેવામાં આવ્યો. વસાવડાએ પાથરેલ જાળથી અજાણ અભેસિંહ તેમાં ફસાઇ ગયા અને તેના સામે મિલ્ટરી કોર્ટમાં કોર્ટ માર્શલ થયો.ગોહિલ સાહેબે પોતાના જુના અંગત નિર્દોષ અંગરક્ષક્ને બચાવવાના પોતાથી થતાં પ્રયત્નો કર્યા પણ પટાવાળાથી ઉપરી સુધી આખા તત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના લીધે એમના બધા પ્રયત્નો વ્યર્થ ગયા આખર નિર્દોષ અભેસિંહ ગુન્હેગાર જાહેર થયા.તેના બધા માન અકરામ, જીપ અને રિવોલ્વર અને યુનિફોર્મ જપ્ત કરી તેમને મિલટરીમાંથી પેન્સન કેનસલેશન પત્ર સાથે બરતરફ કર્યા.બે દિવસમાં કેમ્પમાંનું ક્વાટર ખાલી કરી ચાલ્યા જવાનો ઓર્ડર મળી ગયો.
આખી જીન્દગી ઇમાનદારી અને કર્તવ્યપરાયણ રહેલ અભેસિંહ આ જૂઠા તહોમતનો આઘાત સહન ન કરી શક્યા અને હવે બાકીની જીન્દગી બદનામી અને ગુન્હેગાર તરિકે જીવી શકે એ અશ્ક્ય હતું.એકાએક ક્વાટર તરફ આવતાં જવાનની પાર્ક કરેલ જીપ અને તેમાં લટકતી ચાવી નજરે પડતાં એક પળનો વિલબ કર્યા વગર ચીત્તાની જડપથી કુદ્કો મારી જીપમાં ચડીને પુરપાટ મારી મુકી.મેઇન ગેટ સામે મુકેલ આડસનો ભુક્કો બોલવતા મેઇન રોડ પર આવી મુબઇ તરફ જીપ મારી મુકી.મિલટરી કેમ્પમાં જીપ ચોરાયાના અને અભેસિંહ ભાગ્યાના સમાચાર મળતાં હાઇએલર્ટ સાયરન વાગી અને સૌ અભેસિંહને શોધવા નીકળી પડ્યાં.ટ્રાફિક પોલીસને અને ટોલ નાકા પર જાણ કરી દેવાઇ અર્ધો ખડંલાઘાટ વટાવ્યા પછી પોતાને પકડવા માટે આવી રહેલ વેનને જોઇ મરણિયા થયેલ અભેસિંહસિંહે ખંડાલાની ખીણમાં જીપ જાવા દીધી.
એક ખડક સાથે અથડાઇજીપ ઊંડી ખીણમાં જઇને સળગી ગઇ પણ અભેસિંહનું જીવન મોતને હાથતાળી આપી છટકી ગયું.જીપમાંથી ઉછડેલ અભેસિંહ એક ઝાડ્ની ઘટા પર પડીને બચી ગયા.
અભેસિંહને પકડવા આવનારાઓએ દૂરથી અભેસિંહની જીપ ખાઇમાં પડતી જોઇને હાશકારો ભરતાં આનંદમાં એક બીજાને તાળી આપતાં બોલ્યા “મરી ગયો સાલ્લો! ચાલો બલા ટળી” કહી ત્યાંથી જ વસાવડાને આનંદના સમાચાર આપ્યા “સાહેબ પાર્ટી જોઇશે અભેસિંહ ખંડાલાની ઊંડી ખાઇમાં પડીને કુતરાની મોતે મરી ગયો.”
અભેસિંહની જીપ ખાઇમાં પડતી જોઇ પુણે ખંડાલાના સર્પાકાર રસ્તા પર નીચેથી આવી રહેલી કારના ચાલકનું ધ્યાન સાથીદારે ખેચ્યું.અકસ્માતની જગાએ તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે માંડ જેમ તેમ ઉપર આવી બેભાન થયેલા અભેસિંહનું શું કરવું એ દ્વિધામાં પડ્યા.અભેસિંહને અહિં મુકી જવો કે સાથે લઇ જવો? તેમને તેમની રાહ જોતા મિત્રો પાસે પણ જલ્દી પહોંચવું હતું કારણ કે, પિકનિક પેક તેમની કારમાં હતું એટલે વિચાર કર્યો કે,મહાબળેશ્વર સુધી અભેસિંહને લઇ જવો અને ત્યાની દિવ્યજયોતિ હાસ્પિટલમાં દાખલ કરી દેવો.
અભેસિંહને કારની પાછલી સીટમાં સુવડાવીને મહાબળેશ્વર લઇ આવ્યા અને દિવ્યજ્યોતિ હોસ્પિટલના રિસીપ્શન-કાઉન્ટર પર પેશન્ટ્ને લાવ્યા હોવાની જાણ કરી. તરત જ સ્ટ્રેચર લઇ વોર્ડ બોય આવ્યા અને પાછળ ડો,પંડયા પણ આવ્યા પેશન્ટ કોણ છે અને ક્યા સંજોગોમાં લાવ્યા છો વગેરે પ્રાથમિક સવાલના જવાબ મળ્યા પછી અને આ કોઇ પોલીસકેશ નથી જાણી એડમિટ કરી દીધો.લાવનાર પોતાના મોબાઇલ નંબર આપી ને ચાલ્યા ગયા
ભાનમાં આવ્યા બાદ અભેસિંહસિંહે પોતાની ઓળખ છુપાવતા કહ્યું પોતાને તેમના સગાઓએ દગો દીધો હતો.બધુ ઝૂટવીને રસ્તા પર લાવી દીધો.પોતાના એક મિત્રને મળવા અને મળે તો આશરો લેવા પોતાની બચેલી મૂડી રૂપી કારમાં મુંબઇ જતા હતા અને અકસ્માત થયો.ડૉ.પંડયા તેમને નિવૃતિ નિવાસમાં મુકી આવ્યા.
નિવૃતિનિવાસમાં આવ્યા બાદ સરગમબેનના માયાળુ સ્વભાવ અને સારવારને લીધે આટલા દિવસના માનસિક યાતના ભોગવતા મનને પહેલી વખત શાંતિનો અનુભવ થયો.ત્રણ દિવસ પછીની સવારના પહોરમાં “ભૈયા મેરે રાખીકે બંધન……ગીત સાંભળી એમનાથી એક નિશ્વાસ નંખાઇ ગયો.સવારના દવાના ડોઝ આપવા આવેલ સરગમબેનની નજર બહાર આ વાત ન રહી.
“ચાલો સવારની ગોળિયો લીધી કે નહીં?”સાથે લાવેલ જગમાંથી ગ્લાસમાં પાણી રેડતા આત્મીયતાથી પુછ્યું
“બસ હમણા લેવાનો જ હતો” જરા દયામણા ચહેરે અભેસિંહે કહ્યું
“એવા તે કયા વિચારમાં ખોવાઇ ગયા હતાં??”
“આ ગીત જ્યારે પણ વાગે છે મન ખીન્ન થઇ જાય છે.”
“કેમ તમને બેન નથી?”
“એતો હતી જ નહી અને હવે તો કુટંબમાં પણ ક્યાં કોઇ છે?”
“બસ એટલી જ વાત?ચાલો હાથ આગળ કરો આજથી હું તમારી બેન” કહી કમરમાં ખોડેલી રાખડી કાઢી કાંડેબાંધવા લાગ્યા.
“બેન મારી બે..ન..ડી!!!” કહી અભેસિંહસિંહે સરગમબેનનો હાથ પકડી આંખે અડાડી ચુમ્યો પછી ખીસ્સામાંથી એકસો એક રૂપિયા કાઢી તેમના હાથમાં આપ્યા.
“આ શું? આટલા બધા?”
“લે બેને રાખડી બાંધી તો અભેસિંહની બેન કાપડું તો માગે ને??”કહી માથે હાથ મુક્યો.
“આજે બેન બનાવી છે તો એ હક્થી પુછું છું કે, ડૉ.પંડયાના કહેવા પ્રમાણે તમારા સગાઓએ તમારાથી શો દગો કરી બધું ઝુંટવી લઇ રસ્તે રખડતા કરી દીધા. તે વાત મને નંહી કહો ?”
“એ વાત સાચી નથી……”
“તો?”
અભેસિંહે પોતાનો જન્મ કેવા સંજોગોમાં થયો,અંજારના ધરતીકંપમાં માવિત્રો નો વિયોગ,ભણતર નોકરી પોતાના ઉપરીની રહેમ પોતાના લગ્ન બાળક્નો જન્મ,રોડ અકસ્માતમાં પત્ની અને બાળક્નું મૃત્યુ,ડ્ર્ગ કન્સાઇનમેન્ટ્નો પરદાફાસ,ઉપરીનું રિટાયરમેન્ટ,ખોટી બાતમી અને ખોટો આક્ષેપ,કોર્ટ માર્શલ,બરતરફી આઘાત અને મિલટરી જીપની ચોરી અને છેલ્લે આત્મહત્યાનો નિસ્ફળ પ્રયાસ વગેરે વાત કરી અને પોતે ભાગેડું છે એ જાહેર થઇ જવાની બીકે ડૉ.પંડ્યાથી વાત છુપાવેલ.
બીજા દિવસે સરગમ બેને આકાશને વાત કરી અને અભેસિંહની નિમણુંક નિવૃતિનિવાસના ચોકીદાર તરિકે થઇ ગઇ.ફુરસદના સમયમાં સરગમબેન અભેસિંહ પાસેથી દાદા મેકણના,ચંદુભા જાડેજાના,ગંગાસતીના ભજન સાંભળતા,ક્યારેક દુલેરાય કારાણીએ લખેલ કચ્છી વીરોની વિરાંગનાઓની અને રાજવીઓની વાર્તાઓ સાંભળતાં. અભેસિંહના સંપર્કમાં આવ્યા પછી તેમના સાથે કચ્છીમાં વાત કરતાં પણ શીખી ગયા.ત્યાર બાદ તો અભેસિંહને સરગમબેન પોતાની મા જણી બેનથી પણ અદકેરી થઇ ગયા.એ સરગમબેન અભેસિંહને રડતાં મુકી આજે આ ફાની દુનિયા છોડી ગયા.
-@-
નોંધઃ          ઉપરનો ચેપ્ટર અમેરિકાથી ભાઇશ્રી વિજયકુમાર શાહ દ્વારા “સહિયારૂં સર્જન” નામનો બ્લોગ hattp://gadyasarajan.wordpress.com ચલાવે છે તેમાં “નિવૃતિ નિવાસ” નામની બહુ લેખકો દ્વારા લખાયેલ એક નવલકથાનો એક ચેપ્ટર મેં લખેલ ત્યારે તેમાં ભાઇશ્રી વૃજ દવે દ્વારા અભિપ્રાય આપેલ કે અભેસિંહને ન્યાય અપાવ્યો હોત તો પ્રસંગને ન્યાય અપાયો ગણાંત તેથી નીચે મુજબ પ્રસંગ લંબાવ્યો છે.)
એક દિવસ ધર્મેન્દ્રસિંહના એક જુના મિત્ર દ્વારા સમાચર મળ્યા કે,તેમની પુત્રી તથા બાળકનુ મૃત્યું એ અકસ્માત નહીં પણ એક જાતનું કાવત્રુ હતું એ સાંભળી ધરમેન્દ્રસિંહ ચોંકી ગયા અને તેમણે જુના મિત્ર જનાર્દન ગોહીલને વાત કરી ફરી છુપી રીતે તપાસના ચક્રો ગતિમાન થયા.એક દિવસ વસાવડાના જમણા હાથ સમા વિનોદ વાઘેરને છટકામાં લેવા એક કહેવાતી ટે-પાર્ટિની ગોઠવણ કરવામાં આવી અને દારૂના રસિયા વિનોદને સ્કોચ વિસ્કીની અર્ધી બોટલ પીવડાવીને બાતમી કઢાવી અને તેમણે કરેલ કાર રોડ અકસ્માત અને તેમાં ઉપયોગમાં લેવાયેલી ચોરેલી ટ્રકના નંબર અને ચાલકનું નામ બધું પોપટની જેમ બોલી પડ્યો અને આ વાતની એક સીડી બનાવી લેવામાં આવી
એ પછી તે આખી ગેંગમાં સામેલ દરેકની એક યા બીજી રીતે ઉલટ તપાસ થઇ અને એ દરમ્યાન એક મોટા કન્સાઇનમેન્ટ માટે સ્મગલર અને વસાવડા વચ્ચે મીટિન્ગ પેમેન્ટ બાબત મીટિન્ગ દરમ્યાન જરા બોલચાલ થઇ અને ઓફિસમાંથી જ પીને નિકળેલા વસાવડાની સ્મગલર સાથે રકમ બાબત રક્ઝક થઇ
“એલા! મુન્ના તારા માટે હું બધા રસ્તા આસાન કરું છું અને તું જુના હપ્તા ચાલુ રાખે છે? મોંઘવારી કેટલી વધી ગઇ છે તો હવે રકમ દોઢી જોઇશે”
“વસાવડા જે મળે છે એમાં સંતોષ માન નહિંતર ઓલ્યો અભેસિંહ ગયોને એ જ રસ્તે તને પહોંચાડતા મને વાર નહીં લાગે”
“તું મને…મને…વસાવડાને ધમકી આપે છે? સાલા હરામખોર”
કહી વસાવડાએ રિવોલ્વર કાઢીને મુન્ના તરફ ડારો આપવા તાકીને હવામાં ફાયર કર્યો પણ અચાનક એક ગોળી મુન્નાના કપાળની આરપાર નીકળી ગઇ.તો વસાવડા હેબતાઇ ગયો. મુન્નાનો ખાસ માણસ ત્યાંથી ભાગવા જતા ગોહીલની જાળમાં જડપાઇ ગયો.વસાવડાને એરેસ્ટ કરવામાં આવ્યો અને કેસ ચાલ્યો તેમાં અભેસિંહના કુટુંબને નડેલ અક્સમાતની સીડી અને મુન્નાના ખાસ માણસની જુબાની પરથી ડયુટી પર દારૂપી તોફાન મચાવી મુન્નાના ખોટા એન્કાઉન્ટર અને સ્થળ પર મળેલી લાંચની રકમ લેવાના આરોપસર નોકરીમાંથી ડીસમીસ કરી આજીવન કારાવાસની સજા કરવામાં આવી અને આ આખા કાવતરામાં સાથ આપનાર દરેક કર્મચારીને સસ્પેન્ડ કરી યોગ્ય સજા કરવામાં આવી.
બીજા દિવસે ટીવી પર અને સમાચાર પત્રોમાં વસાવડાના કરતુકોની કહાણી તેને પગલે વધુ તપાસમાં આ લાંચિયા અધિકારી પાસેથી મળેલી દોઢ કરોડ જેટલી સંપતિના સમાચાર પ્રગટ થયા.ગોહિલ સાહેબને અભેસિંહ નિર્દોષ સાબિત થયાનો હરખ હતો તો અભેસિંહ હયાત નહોવાનો અફસોસ પણ થયો હતો.એવી બધી વાત તેમણે આપેલ એક ટીવી ઇન્ટરવ્યું દરમ્યાન જણાવી.અભેસિંહને દિવ્યજ્યોતિ હોસ્પિટલમાં પહોંચાડનારે આ ઇન્ટરવ્યું સાંભળી ગોહીલ સાહેબનો સંપર્ક સાધી અભેસિંહ હયાત હોવાના સમાચાર આપ્યા.
ગોહિલ સાહેબના હરખનો પાર ન રહ્યો અને તેમણે મહાબળેશ્વરની રાહ પકડી અને નિવૃતિ નિવાસમાં અભેસિંહને મળ્યા અને બધી વાત વિગત વાર કરી અને સાથે ચાલવા અને નોકરી અપાવવાની વાત કરી તો અભેસિંહે નમ્રતાથી કહ્યું
“ગોહીલ સાહેબ હવે ફરી નોકરી તો મળશે પણ સુનયના અને મહેન્દ્ર તો પાછા નહી મળે ને? અને સાચું પુછો તો હવે નોકરી કરવા માટે મન નથી માનતું રોજ ને રોજ કૌભાંડોના સમાચાર વાંચવા મળે છે એ સડેલા સરકારી તંત્રમાં ફરી કોઇ વસાવડા આવશે અને ફરી એ નું એ જ થશે તેના કરતાં અહીં જ આ મારા પરિવારમાં હું ખુશ છું”
“જેવી તારી મરજી”કહી ગોહીલ સાહેબ ભારે પગલે નિવૃતિ નિવસમાંથી બહાર આવ્યા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: