બાબલો (૫)

બાબલો(૫)

પદમપુર આવવાનું થાય ત્યારે અમે સ્મિતાનો જ રૂમ વાપરતા એમાં સ્મિતાના બચપણથી કરીને લગ્ન થયા ત્યાં સુધીના વિવિધ લાક્ષણિક અદામાં પડાવેલા ફોટોગ્રાફ હતા અને એ બધા વચ્ચે મોટી ફોટોફ્રેમ હતી વાસંતીની રૂમ એમ જ અકબંધ હતો જયારે સ્મિતા કુંવારી હતી ત્યારથી આજ દિવસ સુધી અમારા સિવાય આ રૂમ કોઇ વાપરતું નહીં હું પલંગ પર બેસીને વિચાર કરતો હતો કાલે જાઉં કે ન જાઉં આ કિસ્સાની પુરી ખબર ન પડે ને ઉતાવળમાં જ હું અન્યાય કરી બેસીસ તો?મારા જ હાથે મારા પ્રેમને ફાંસીએ ચડાવી દઇશ અને હું જીવતો છતાં મરેલાના પ્રેતાત્મા જેમ જીન્દગી માટે વલખા માર્યા કરીશ.
“શું વિચારે છે સુમી?”મારી બાજુમાં બેસતાં સ્મિતાએ પુછ્યું પછી જરા નજીક આવી મારા વાળમાં આંગળા ફેરવતાં મને પોતાના તરફ ખેંચતા પુછ્યું “બોલને સુમી શું વિચારે છે?”તેણે મારૂં માથું ઊચુ કરી મારી આંખમાં જોયું હું હસ્યો અને તેણીની આંખો ચુમી
“સ્મિ પપ્પાની તબિયતમાં કઇ ફિકર જેવું નથી એટલે હું આવતીકાલે પાછો જવાનો છું આવતી કાલે ગ્યાનચંદ ઝંવરનું વસિયતનામું તૈયાર કરવાનું છે મી.સાવંતને મળવાનું છે અને બીજા પણ  બે ત્રણ કામો છે હું માનું છું કે તું સમજી શકે છે અને વાંધો નહીં લે”મેં જરા લાગણી ભર્યા સ્વરે કહ્યું
“એક દિવસ રોકાઇ ગયા હોત તો સારૂં મન જરા ફ્રેશ થઇ જાત હું દબાણ કરતી નથી અને બીજું કોઇ પણ રોકાઇ જવા દબાણ નહીં કરે બસ”તેણીએ મારા શર્ટના બટન સાથે રમતાં જરા ઉચું જોયું અને કહ્યું “તો પછી ગુડનાઇટ”
          સવારે વહેલા પરવરીને મેં મારા સસરાના ખબર અંતર પુછયા ચોકસીએ કહ્યું
“હી ઇઝ ઓલ રાઇટ”મારી પાછળ જ સમીર હતો મેં રજા માંગી તો તેણે પણ રજા માંગી ત્યારે મે કહ્યું
“કોન્ટ્રાકટર એક દિવસ બંગલો મોડો બંધાસે તેમાં કંઇ ખાટું મોળું નહીં થઇ જાય”તે મારી સામે જોઇ રહ્યો આજે તેણે કાળા ચશ્મા ન્હોતા પહેર્યા પણ આંખમાં લાલસ દેખાતી હતી.
“રોકાઇ જા ને યાર માશુક પણ અહીં છે ને ગણા બધા ઓરડા છે ગમે ત્યારે ગમે ત્યાં પેટ ભરીને પ્રેમ કરજેને”મારા મેલા મને કહ્યું
“ના…ના..તેને જવાદો તેને નારાયણ નગરનું ટેન્ડર ભરવાનું હશે”સ્મિતાએ રસોડામાંથી ટહુંકો કર્યો
“ભાભી તમે પણ શું જયારે ને ત્યારે નારાયણ નગર…નારાયણ નગર કર્યા કરો છો આ મજાક નથી હકિકત છે”જરા ચીડાઇને સમીરે કહ્યું
“હા…ભઇ હા..હું એ હકિકત જાણું છું તેથી જ કહું છું કે ભલે જાય”સ્મિતાએ નાસ્તો આપતા કહ્યું
         અમે નાસ્તાથી પરવાર્યા ત્યારે વસુ પાસે માથું હોળાવા બેઠેલી વાસંતીએ મારા કોટની ચાડ પકડી પુછ્યું
“પપ્પા ચ્યાં ધાવ તો…છમીલકાકા ચ્યાં ધાવ તો?
“જો બેન!મારે કામ છે આટલું બધું”મેં બે હાથ પહોળા કરતાં કહ્યું અને “સમીરકાકાને પણ ઓફિસે જવાનું છે”
“ટો ઉં ટમાલા છાથે આઉં તું”મારા પગમાં વિટળાતા કહ્યું
“જો બેટા અહીં મમ્મી છે,વસુમાશી છે,અંજુમાશી છે,અતુલમામા છે નાનીમા છે નાનાબાપુ છે કેવી મજા પડશે અતુલમામા તને સાઇકલ પર ફરવા લઇ જશે પેલા વડ પર તને હીચકાવશે”મેં તેણીને લાલચ આપવા મંડી
“અરે! આ તું શું કરે ચે સુમન છોકરીને લઇને ચાલવા માંડ અહીં રોકાઇ જશે તો મલવી મુશ્કેલ થશે ભૂલી ગયો ડીવોર્સની એપ્લિકેશન દાખલ કરવાનો વખત આવશે તો?”મારા મેલા મને કહ્યું
“નઇ નઇ માલે ટમાલા છાથે આપલા ઘેલ આવવું તે ઉં ઓઇછ નઇ લામી ને લામછંગ પાછે લઇશ  ઓને પપ્પા….ઓને પપ્પા…”તેણીએ મારી ટાઇ ખેંચતા કહ્યું
“સ્મિતા તારા વગર આ છોડી એકલી ત્યાં રહેશે?”અંજનાએ પુછ્યું
“એના પપ્પા હોય તો તેણીને કોઇની જરૂર નથી મારી પણ નહીં”  
“કમાલ છે આ છોડી તો,તું આ અંજુ ને ઓલી વસુ સાત આઠ વરસની ઢાંઢી થયા સુધી મારો કેડો ન્હોતી મુકતી”બારણાંમાં ઊભેલા મારી સાસુએ કહ્યું
“તમારા અને વાસંતીના કપડાં સાથે જ આ બેગમાં લાવી હતી તે જેમની તેમ જ છે”રામસંગને બેગ આપતા સ્મિતાએ કહ્યું અને વાસંતીનું માથું હોળવા લાગી.
“જો બેન પપ્પા આખો દિવસ ઘેર નહીં હોય હં…કે? તો તું રડીશ નહીં હં કે?પપ્પાને હેરાન નહીં કરવાના..હં…કે અને ચુપચાપ દુધ પી લેવાનું હં…કે?” સ્મિતા શિખામણ આપે જતી હતી અને વાસંતી હકારમાં માથું હલાવે જતી હતી.
“દવાઓ લઇને રામસંગને તુરત મોકલાવું છું”મેં મારી સાસુને કહ્યું
“જો પપ્પા કંઇ આખો દિવસ ઘેર નહીં હોય પછી કજિયા નહીં કરેને?”સ્મિતાએ આગળની સીટમાં વાસંતીને બેસાડતા ફરી પુછ્યું.
“ઉં લામછંગ ને લામી પાછે લમીછ ઓ મમ્મી”કહી તેણીએ “પલાગભાઇ ટાટા,વછુમાછી ટાટા,અંધુ માછી ટાટા…”કરવા માંડયું અને બાકીના ટાટા ગાડીની ઘરઘરાટીમાં વીરમી ગયા.
      મારી ગાડી ઉપડી પાછળ સમીરને લઇને રામસંગે ગાડી ઉપાડી અને પાછળ ડૉકટર ચોકસી હતા ગાડી થોડી આગળ ચાલી ત્યાં વાસંતીને યાદ આવ્યું
“પપ્પા પપ્પા માલો બાબલો વછુમાછી વાલો બાબલો પપ્પા ઉં લમીછ છેનાથી”
“બેન ઘેર ઘણા રમકડાં છે ને?”મેં ગાડી ધીમી પાડતા કહ્યું
“ના પપ્પા માલો બાબલો વછુમાછી વાલો બાબલો…”અને રડવા જેવી થઇ ગયેલી વાસંતીને જોઇ મેં ગાડી રોકી મારી પાછળ બીજી બે ગાડીઓ રોકાઇ ડૉકટર ચોકસી બારીમાંથી ડોકું કાઢી નિરક્ષણ કરવા લાગ્યા રામસંગ અને સુધીર મારી ગાડી પાસે આવી પુછવા લાગ્યા “શું થયું સાહેબ? મોટાભાઇ એની પ્રોબ્લેમ?”ત્યાં તો રડું રડું થતી વાસંતીએ કહ્યું “મારો બાબલો”
“ઓહ!!” સમીર હસી પડ્યો “ગાડીમાં બેઠી ત્યારે યાદ ન આવ્યું ખરૂં ને? બા..બ..લો”
“સાહેબ તમે આ ગાડીમાં બેસો હું બાબલો લાવું છું”સમીરને કહી રામસંગ પાછળની ગાડી તરફ વળ્યો સમીરે પાછલી સીટનો દરવાજો ખોલતા ડૉકટર ચોકસી સામે જોઇ કહ્યું “બાબલો ભુલાઇ ગયો”ડૉકટર હસ્યા અને સમીરે દરવાજો બંધ કર્યો અને મેં ગાડી સ્ટાર્ટ કરી ત્યાં
“પપ્પા…પપ્પા..માલો બાબલો”વાસંતી મારો ખભ્ભો પકડી કહેવા લાગી.
“બેન! રામસંગ પાછળ જ છે એ લઇને આવશે આપણે જઇએ”
“નઇ લામછંગ આવે ટ્યા છુધિ ઉભા લવને પપ્પા ઉભા લવને”
“જો તું આમ કજીયા કરીશ તો તને પાછી મુંકી આવશું”સમીરે કહ્યું
“પપ્પા ..છમીલકાકા વજે તે”વાસંતીએ લાડ કરતા કહ્યું
“એઇ…સમીર તું મારી દીકરીને વઢસે તો અમે તારૂં બે કાન વચ્ચે માથું કરી નાખશું”મેં ખોટો ગુસ્સો કરતાં ગાડી બંધ કરી તો વાસંતી સમીર સામે જીભડો કાઢી હાથ કાન પાસે રાખી હલાવ્યા ત્યાં સુધી રામસંગ આવ્યો તેના પાસેથી બાબલો લઇ વાસંતી બાબલામાં ખોવાઇ ગઇ,હું ગાડીની ગતિમાં ખોવાઇ ગયો અને સમીર કદાચ માશુકના વિચારમાં. ઘેર આવી મેં મારી બ્રીફકેશ સંભાળી વાસંતીને રામી લઇ ગઇ અને સમીર પોતાના ડેક્સ તરફ વળ્યો
         બપોરે એક વાગે હું ભુલી ગયો કે સ્મિતા ઘેર નથી તેથી રોજની આદત મુજબ હું ઘેર આવ્યો ત્યારે યાદ આવ્યું કે સ્મિતા નથી રામસંગે ગાડી પોર્ચમાં ઊભી રાખી
“રામસંગ આનંદ સાગર લઇલે હું ભુલી ગયો કે સ્મિતા ઘેર નથી વાસંતીને પણ સાથે લઇલે”પણ રામસંગે શાંતિથી ગાડી બંધ કરી દરવાજો ખોલ્યો ને કહ્યું “સાહેબ જમવાનું તૈયાર જ હશે મારી ઘરવાળીએ રાંધ્યું છે”
“પપ્પા આવ્યા…”કહેતી વાસંતી દોડતી આવી.
“મારી ડાહી દીકરી રોઇ નથી ને?”મેં તેણીને ઉચકી લેતાં પુછ્યું
“નાલે…ઉં છુકામ ઓઉ બાબલો ઓય ચે ઉંવા…ઉંવા”
      આજે જાણે આ ઘરમાં તેનું જ રાજ હોય એ અદાથી રામસંગે બુમ મારી
“અરે!! સાંભળે છે કે? સાહેબ આવી ગયા જમવાને કેટલી વાર?”
“બસ સાહેબ ભલે જમવા બેસતા રસોઇ પિરસાય છે”રસોડામાંથી રામીનો રણકતો અવાઝ આવ્યો.રસોઇ પીરસાઇ એટલે મેં વાસંતીને પુછ્યું”તેં જમી લીધું બેટા?”વાસંતીએ માથું હલાવ્યું
“ઓ પપ્પા”
    હું જમવા લાગ્યો રસોઇ સરસ થઇ હતી એના સ્વાદમાં કંઇક સ્મિતાની રસોઇનું અજબ સામ્ય હતું એમ હું વિચારતો હતો ત્યારે રામસંગે પુછ્યું “સાહેબ રસોઇ બરાબર થઇ છે?”
“રસોઇ તો સરસ થઇ છે સ્મિતા જેવી જ..અરે હાં!! તું દવાઓ પદમપુર પહોંચાડી આવ્યો?”
“હા ત્યારે બાઇ સાહેબે કહેલું રામીને કહેજે રસોઇ બનાવે અને જો સાહેબ રસોઇ પસંદ કરે તો રામી પાસ તો સાહેબ રામી નાપાસ કે પાસ?”રામસંગે જીજ્ઞાષાથી પુછ્યું
“પાસ? અરે ફુલ્લી પાસ”મેં જમતા જમતા કહ્યું
“પાસ”રામસંગે આનંદથી રસોડામાંથી જોતી રામીને કહ્યું
“……..”
“તું બરાબર શીખી ગઇ બાઇસાહેબ પાસેથી”એવી વાત રામસંગ અને રામીની આંખો થી થઇ.
     જમીને સિગારેટ સળગાવી હું મારી ટેબલ તરફ વળ્યો.થોડુ કામ આટોપી હું ઓફિસે જતો હતો ત્યારે એક લાલ ગાડીમાં સમીર સાથે કદાચ માયા…ના..ના…માયા જ હતી પેલા સરદારજીની છોકરી અને એ સરદારજીની જ ગાડી હતી લાંબી સેવરોલેટ ફરી મારા મગજમાં સમીર ફરવા લાગ્યો.આજે સાંજે રામસંગ અને રામી પાસેથી માહિતી કઢાવવી જોઇએ પણ બે દિવસ કામની ધમાલમાં પસાર થઇ ગયા.
      ત્રીજી સાંજે હું સાત વાગે જ ઘેર આવી ગયો ડ્રોઇન્ગરૂમમાં રમતી વાસંતી “પપ્પા આવ્યા”…”પપ્પા આવ્યા” કરતી દોડી આવી મેં તેણીને ઉચકીને ચુમી લીધી.
“બેટા!તેં દુધ પી લીધું?મેં પુછ્યું તો વાસંતીએ માથુ ધુણાવી ના પાડી ત્યાં તો રામી દુધની બોટલ લઇ આવી”સાહેબ બેબીબેન કહેતા હતા પપ્પા પાસે પી લઇશ”કહેતા દુધની બોટલ મેજ પર મુકી જતી રહી.મેં કપડાં બદલ્યા અને મારી ટેબલ તરફ વળ્યો દુધની બોટલ મારી ટેબલ પર જેમ ની તેમ પડી હતી મેં ખુરશી મારી તરફ ખેંચી બુમ મારી
“વાસંતી..”
“છું છે પપ્પા ઉં લમું છું”બાબલા સાથે વાસંતી દોડતી આવી.
“ચાલો બેટા બાબલો મુકીને દુધ પી લે”મેં તેણીને ખુરશી પર બેસાડી દુધની બોટલ હાથમાં પકડાવી બાબલો લેતાં કહ્યું તેણીએ બોટલ લઇ લીધી પણ બાબલો ન આપ્યો પણ તેને પોતાના ખોળામાં સુવડાવી દુધ પીવા લાગી હું થોડી થોડી વારે તેણીના સામે જોઇ લેતો હતો.
“પપ્પા ટમાલો ઉમાલ આપો ટો”વાસંતીએ કહ્યું
           મેં તેણીની તરફ જોયા વગર મારા ગજવામાંનો રૂમાલ આપ્યો.હું જે લખાણ કરતો હતો તેનું પાનું બદલતા મેં ઉચું જોયું તો વાસંતી બાબલાની આંખોમાં ફીડીંગ બોટલની નીપલ દબાવી દુધ નાખી રહી હતી.હું તેણીની રમત જોતો હતો તેણીએ બોટલ ટેબલ પર મુકીને મારો રૂમાલ બાબલાને ઓઢાળી ને કહ્યું “તાઇ આંકો ડુકે તે ને? તું તુઇ જા ઓ”એમ કહી બાબલાને પંપાળતા દુધ પીવા લાગી ત્યારે મને આશ્ચ્રર્ય થયું અને મારા મ્હોં પર હાસ્ય ફેલાઇ ગયું.
“શું કરે છે વાસંતી બાબલાને શું થયું?”મેં પુછ્યું
“પપ્પા બાબલાની આંકો ડુકે તે છમીલકાકાની ડુકે તે ને એમ?”
“પણ તેં શું કર્યું બેન…” મેં તાળો મેળવવા પુછ્યું
“મમ્મીએ છમીલકાકાની આંકોમાં દુધ લાકયું અતું મેં માલા બાબલાની આંકોમાં દુધ લાક્યું”વાસંતીએ મારી સામે જોતાં કહ્યું
        એક વીજળીનો કડાકો મારા મગજમાં થયો ઓહ!!ભગવાન એક મા-દીકરા જેવો પવિત્ર સબંધ….હું મારી જ નજરોમાં પામર સાબિત થયો અને પવનના સુસવાટા સાંભળી મેં બારી ખોલી ને જોયું આભમાં મેઘના કાળા વાદળ વિખરાઇ રહ્યા હતા અને મારા મનમાં શંકાના…

(સમાપ્ત)