“બાબલો”(૪)

“બાબલો” (૪)

(ગતાંકથી ચાલુ)

રામસંગ આવ્યો તેણીએ પરાગને પલંગ પર સુવડાવતા કહ્યું
“આ બન્નેો બેગ ડીકીમાં મુકજે અને બાસ્કેટ પાછલી સીટ પર મુકજે.પપ્પા બિમાર છે એટલે અમે પદમપુર જઇએ છીએ”કહી હેન્ગરમાંથી મારો કોટ કાઢી મારી પાછળ ઊભી રહી.મેં કોટ પહે(રી લીધો સ્મિતાએ પરાગને ઉચકી લીધો અને વાસંતી તો ક્યારની ગાડીમાં બેસી ગઇ હતી સ્મિતા માટે મેં આગલી સીટનો દરવાજો ખોલ્યો ત્યાં રામસંગે કહ્યું
“સાહેબ ગાડી તમે જ લઇ જશો??”
“હા! મારે સવારે પાછા આવવું છે તારે હેરાન થવાની જરૂર નથી અને જો સમીરની ગાડી કાલે ગેરેજમાં સર્વિસ માટે આપવાની ડેઇટ છે તો સમીર માટે મી.મહાજન પાસેથી ગાડી  લાવી રાખજે”કહી મેં ગાડી સ્ટાર્ટ કરી એટલે બારી પાસે ઊભેલી રામીએ પરાગ,સ્મિતા, વાસંતી તરફ નજર ફેરવી લીધી પછી હાથ ઉચો કરી”ટાટા બેબી બેન”કહ્યું અને ગાડી સાથે ચાલતા પરાગના માથા પર હાથ ફેરવતાં કહ્યું
“બેન તમારી સંભાળ રાખજો”
“ટા..ટા…લમછંગ ઉ મામાને ઘેલ જાઉ તું”
        ગાડી કમ્પાઉન્ડ વટાવી રસ્તા પર આવી ગઇ દરવાજા પાસે ઊભેલી ડૉકટર ચોક્સીની ગાડી દેખાઇ ડૉકટરને અભિવાદન કરવા મેં ગાડી ધીમી પાડી પણ ડૉકટરે બુમ પાડી “કેરી ઓન” અને મેં ગાડીની સ્પીડ વધારી રસ્તામાં મારા અને સ્મિતા વચ્ચે કોઇ વાત ન થઇ ગાડી ફુલસ્પીડમાં જતી હતી સ્મિતા પિતાની માંદગીની ગમગીનીમાં અપલક નયને પરાગના ઉછળતા પગ જોતી હતી વાસંતી દોડી જતી ધરતી અને ઝાડવા જોવામાં મશ્ગુલ હતી અને હું થોડી થોડી વારે ડૉકટર ચોકસીની ગાડી બરોબર મારી પાછળ જ આવે છે ને? એ જોઇ લેતો હતો.
          પદમપુરમાં ગાડી ઊભી રહી અને પાછળ ડૉકટર ચોક્સીની ગાડી પણ આવી ગઇ.અતુલ જલ્દીથી ઘરમાંથી બહાર આવ્યો અમારા સામે માથું નમાવ્યું અને ડૉકટર ચોક્સીના હાથમાંથી બેગ લઇ લીધી અને અમે ચુપચાપ ઘરમાં દાખલ થયા પણ અમારા પહેલાં સ્મિતા પરાગને લઇ લગભગ દોડતી દાખલ થઇ પાછળ મમ્મી…મમ્મી કરતી દોડતી વાસંતીને મેં ઉચકી લીધી
         ઘરમાં દાખલ થયા ત્યારે મારા સસરા ઊંઘમાં હતા પાસે જ એક તરફ મારા સાસુ બેઠા હતા તેમના ખોળામાં વાસંતી બેઠી હતી અને જમીન પર બેસી સ્મિતા પુછપરછ કરતી હતી.બીજી તરફ મારી સાળી વસુંધરા બેઠી હતી તેણીની બાજુમાં જ અંજના ઊભી હતી બાજુની ખુરશી પર મારો સાંઢુંભાઇ અશોક બેઠો હતો તેની બાજુની ખુરશી પર ડૉકટર દેસાઇ બેઠા હતા તે બધા અમને જોઇ ઊભા થઇ ગયા.
         મેં ડૉકટર ચોકસીનો પરિચય ડૉકટર દેસાઇ સાથે કરાવ્યો.તેઓને મસલતમાં મુકી હું મારી સાસુ પાસે ગયો અને બધી વિગત જાણી તો ખબર પડી કે મારા સસરા બાથરૂમમાં લપસી જતાં પડી ગયા હતા.આમ જોવા જાવ તો બહાર કોઇ ઝખમ ન્હોતો થયો પણ જાંઘના હાડકાને ફરસ પર પડેલી ડોલની કિનાર તથા માથામાં વોસબેસીનની ધારનો માર લાગ્યો હતો તેથી અંદર કળતર થતી હતી.
          ડૉકટર ચોકસીએ મારા સસરાને તપાસવા તેમના ખભે હાથ મુક્યો તો મારા સસરાએ આંખ ખોલી પુછ્યું
“કોણ…?”
“હું ડૉકટર ચોક્સી”
“……….” તેમણે પ્રશ્નાર્થ નજર ફેરવી.
“પપ્પા…ડૉકટર ચોકસી મારો ખાસ ફ્રેન્ડ અને ફેમીલી ડૉકટર છે એટલે હું તમને તપાસવા સાથે લાવ્યો છું”મેં નજીક જઇ તેમના હાથ પર હાથ રાખતા કહ્યું
“આ અતુલ અને અંજુએ નકામો ફજેતો કર્યો તમે આવ્યા આ અશોકકુમાર આવ્યા વસુ અને સ્મિતાને નાહકની ગભરાવી મુકી આવું તો ચાલ્યા કરે”
“તમે વધુ બોલ બોલ ન કરો” ડૉકટર ચોકસીએ પગ તપાસતા કહ્યું પછી પગનો અમુક ભાગ દબાવતા પુછ્યું “અહીં પેઇન થાય છે”તે સાથે જ મારા સસરાના મ્હોંમાંથી આછો સીસકારો નીકળી ગયો.
“હં!!! ભાઇ સુમન ખાસ કંઇ નથી છતાં જોઇએ તો એક્સ-રે કરાવી લેજે.કંઇ નથી થયું ડૉલ પર જાંઘ પડવાથી અમુક નસ વળ ખાઇ ગઇ છે તેનો જ પેઇન છે.”ટેથોસ્કોપ બેગમાં મુકી એક ટ્યુબ કાઢીને મારી સાસુને આપે તે પહેલાં ડૉકટર દેસાઇએ તે લઈ લીધી તેના પર ન કોઇ નામ નિશાન ન હતું એવી કોરીધાકોર ટ્યુબ મારી સાસુને પાછી આપી અને ડૉકટર ચોકસી સામે જોયું જવાબમાં ડૉકટર ચોકસી મરક્યા.
“હં!! તો બેન આ ક્રીમની હળવા હાથે આ તરફથી આ તરફ માલીસ કરજો અને માલીસ કરતી વખતે ખટક ખટક અવાઝ આવે ત્યાં ખાસ દબાવીને માલિશ કરજો જેથી વળ ખાઇ ગયેલી નસ છુટી પડી જાય માથા પર ઢીમણું થયું છે ત્યાં બરફની કોથળી મુકો અને તમે (મારા સસરા તરફ જોતા આખ મિચકારી) જરા પેઇન સહન કરવાની હિંમત રાખજો જેટલું માલિશ વખતે પેઇન સહન કરશો એટલા વહેલા સાજા થઇ જશો ઓકે?” કહી તેણે મારા સસરા સામે હાથનો અંગુઠો ઊંચો કરી બેસ્ટ ઓફ લકનો ઇશારો કર્યો તો મારા સસરાએ ડોકું હલાવી સંમતિ દર્શાવી.
           આટલીવારથી નાનીમાના ખોળામાં બેઠેલી અને હળવે હળવે ગુસપુસ કરતી વાસંતી બોલી
“નાનાબાપુ ટમને છું થયું તે…?”
“બેટા હું ઢોળાઇને લાડવો ખાઇ ગયો”મારા સસરાએ વાસંતીને હાથના ઇશારે પોતાના પાસે બોલાવતા કહ્યું અને સૌ મલકયા.
“ટમને ક્યાં વાગ્યું તે..?બગમાં…?”મારા સસરાની મુછથી રમતા રમતા વાસંતીએ પુછ્યું
“હા બેટા”
“નાનાબાપુ ધુવો આ બાબલો વછુમાછીએ આપ્યો આમ છુવાઇયે ટો આંકો બંધ કલે ચે”
“એમ?સરસ હો…”મારા સસરા મલક્યા
“ઓકે! તો આ ગોળીઓ જે ડૉકટર દેસાઇએ આપી છે એ ચાલુ રાખજો એનાથી રાહત થશે અને ઊંઘ સરસ આવશે અને સુમન તને દવાઓ લખી આપુ છું તે સવાર સાંજ લેવાની છાતીમાં કફનો ભરાવો વધુ છે એ છુટો થઇ જશે અને અશક્તિ ઘણી છે તે પણ  રીકવર થઇ જશે..”કહી પ્રિસ્ક્રીપ્શન લખી આપ્યું
“તો મને રજા આપો..”કહી ડૉકટર ચોકસીએ બેગ લેવા હાથ લંબાવ્યો
“નહીં…નહીં ચોકસી આમ ન જવાય હજુ જમવાનું બાકી છે અત્યારે રાત્રે ૯.૩૦ વાગે સાલા પાછા જઇને તારે શું કરવું છે?એ જ કલબ અને એ જ તું રાત રોકાઇ જા સવારે સાથે જ જઇશું આઇ પ્રોમીસ”
“તું આવીને શું કરીશ? હું તો માણસોની આઇ મીન દરદીઓની સારવાર કરીશ કદાચ કોઇને ઇમરજન્સીમાં કામ આવીશ અને તું? તું તો…..ડૉકટર ચોકસી કાંઇ આગળ બોલે તે પહેલાં જ..
“યુ વિલ સેવ એ લાઇફ એન્ડ હી વિલ હેંગ એ લાઇફ એમ જ ને…?યાર ચોકસી તારી આ સતત પ્લે થયેલી રેકર્ડ ઘણી જુની થઇ ગઇ છે…”આંગણામાંથી ઘરમાં દાખલ થતાં સમીરે કહ્યું
“પપ્પા પપ્પા લામછંગ આયો…છમીલકાકા આયા” કહેતીક વાસંતી દોડી આવી અને…
“ઓહ! આશિક મહાશય અહીં પણ આવી પહોચ્યા..? આવે જ ને પ્રેમિકાના પિતાની ખબર કાઢવા એ ન આવે તો કોણ આવે?” મારૂં મેલું મન બોલ્યું
“તારા ભાઇ જેવો છે ભાઇથી પણ અદકો તારૂં દુઃખ એ તેનું દુઃખ પણ ગણાય આટલી હમદર્દીથી આવ્યો છે ને તેને તું વખોડે છે?”મારા વકિલ મને દલીલ કરી.
“સમીરભાઇ આવ્યા…?”દોડતી સ્મિતા બહાર આવી.
“જોયું? કેવી બહાર દોડી આવી તેના ધ્યાનમાં જ ખોવાયેલી હશે નહીંતર આમ દોડી આવવાની શી જરૂર હતી?” મારૂં મેલું મન બોલ્યું
“મોટાભાઇ કેમ છે પપ્પાને?ભાભી પપ્પાને શું થયું?”બુટ ઉતારતા સમીરે પુછ્યું ત્યાં સુધીમાં મેં મને સંભાળી લીધો અને સ્વસ્થ થતાં બધા સમાચાર આપ્યા અને તેને લઇ હું
ઓરડામાં દાખલ થયો ત્યારે મારા સસરા ઊંઘી ગયા હતા મારા સાસુ આંખો બંધ કરી તેમના પગ પાસે બેઠા હતા કદાચ હરિ સ્મરણ કરતા હોય એમ લાગ્યું તેથી અમો બહાર આવી ગયા આ બાજુ પાટલા ઢળાઇ ગયા હતા એટલે સૌ જમવા બેઠા વાસંતી સમીર સાથે જ જમવા બેસી ગઇ અને તેના સાથે ગુસપુસ કરતી હતી અને સમીર તેણીને જમાડતો હતો એ જોઇ મારૂં મેલું મન બોલ્યું “કદાચ વા..સં..તી…ના…ના છટ..”મારા  
વકીલ મને તેને રોક્યો.
“તમે તો કાંઇ જમતા જ નથી”કહી અંજનાએ મારી થાળીમાં ગરમા ગરમ રોટલી મુકી અને વિચાર વિખેરીમેં અશોક અને અતુલ સાથે મજાક કરતા જમવાનું પતાવ્યું.બહાર આંગણામાં ખાટલા ઢાળી દેવાયા હતા ચાંદની રાત હતી અને શીતળ પવનની લહેરો વહી રહી હતી.અચાનક વાસંતી પીપરમેન્ટનો ડબ્બો ખખડાવતી આવી.
“છમીલકાકા આ બબામાં છું ચે?”
“એમાં પીપરમેન્ટ છે પણ પહેલાં કહે તું દીકરી કોની?”સમીરે તેણીને પાસેથી પીપરમેન્ટનો ફબ્બો લેતાં પુછ્યું
“જોયું હું નોતો કહેતો…?”મારૂં મેલું મન બોલ્યું
“હવે જા…જા..આમ તો સમીર શું બાળકને પ્યાર કરતો દરેક માણસ એમ જ પુછે તો શું તે તેનું સંતાન થઇ ગયું? મુરખના જામ”મારા વકીલ મને મેલા મનને ખખડાવ્યો.
“ત્યારે આ પીપરમેંટ પરાગભાઇ માટે છે વાસંતીને નહીં મળે”કહી સમીરે ડબ્બો લઈ લીધો અને ડબ્બા વાળો હાથ ઊંચો રાખ્યો.
“છમીલકાકાની…છમીલકાકાની…”વાસંતીએ ઠેકડા મારતા ડબ્બા સુધી પહોંચવા પ્રયત્ન કરતા કહ્યું
“જોયું? માની અસર દીકરીમાં આવે ને? આખો દિવસ કેસ અને કોર્ટના ચક્કરમાં રહો એટલે પત્નીને પ્રેમ ન કરી શકો તે પ્રેમ સમીરે આપ્યો અને સ્મિતા તેની થઇ ગઇ પ્રેમની પીપરમેન્ટમાં સ્મિતા લલચાય તો બાળક નું શું ગજું?” મારૂં મેલું મન બોલ્યું  પણ ત્યાં સુધીમાં તો વાસંતી ડબ્બો લઇને મારી પાસે આવી અને ડબ્બો ખોલી આપવા કહ્યું હું ડબ્બા પરની સેલોટેપ ઉખેડતો હતો ત્યાં વાસંતીએ મારા ગાલ પર હાથ રાખીને મારૂં માથું નમાવ્યું પછી કાનમાં કહેતી હોય તેમ કહ્યું
“પપ્પા…પપ્પા ઉં ટમાલી ડીકી છું ઓ ને પપ્પા આટો છમીલકાકા બબો નોટા આપટા એટે એની ડીકી થઇ હટી ઓ પપ્પા ઉં ટમાલી ડીકી છું ઓ ને પપ્પા”અમે સૌ હસી પડ્યા ત્યારે મારૂં મેલું મન થથરી ગયું    
“ઓહ!!છોડી મને બનાવી ગઇ એમને?કહી સમીરે વાસંતીનો ગાલ ખેંચ્યો વાસંતી ખિલખિલાટ હસી પડી સ્મિતાએ વાસંતીને પોતાના પાસે ખેચતાં મજાક આદરી.
“અરે!! હાં…પેલા ટેન્ડરની મિટિન્ગ પુરી થઇ ગઇ?…ટેન્ડર મળ્યું કે?”મારા સામે જોઇ હસતાં સ્મિતાએ પુછ્યું
“હેં..હા..હા..ટેન્ડર તો મળી ગયું પણ તમે હસો છો કેમ?”જરા ગુંચવાઇ જતાં સમીરે કહ્યું અને પોતાને મુંઝવણ થઇ ગઇ છે એ છુપાવવા અને મ્હોં લુછવા તેણે રૂમાલ કાઢ્યું તેના સાથે પૈસાનું પાકિટ ખેંચાઇને સરી પડ્યું તે જોઇ વાસંતીએ દોડીને તે પાકિટ ઉપાડી  મારી પાસે લાવીને બે હાથે પહોળું કર્યું
“પપ્પા લુપિયા આટા બધા લુપિયા ધુવો પપ્પા ફોટુ માયાકાકીનો ફોટુ”એ સાંભળી સમીર વાસંતી તરફ ઝાપટ્યો એ પહેલાં મારી નજર માયાના ફોટોગ્રાફ પર પડી ગઇ મેં સમીર સામે જોયું અને તે ચોરી પકડાઇ ગઇ હોય તેમ નીચું જોઇ ગયો મેં સ્મિતાને પાકિટ આપ્યુ ત્યાં વસુએ ડોકિયું કર્યું
“અરે!! આ તો માયા છે મારી બહેનપણી જીજાજી તમારી પાસે આ ફોટોગ્રાફ કયાંથી?”
“ચુપકર ડાહ્યલી ગમે તેમ બાફ્યા ન કર  પાકિટ તારા જીજાજીનું નથી આ મહેરબાનનું છે”સમીરને પાકિટ આપતાં સ્મિતાએ કહ્યું તો વસુ ભોંઠી પડી ગઇ.
“વસુને કેવી ધુત્તકારી કાઢી” મારૂં મેલું મન બોલ્યું
“તે ધુત્તકરી જ કાઢે ને?પાકિટ સમીરનું હતું તેમાં કોણ ના પાડી શકે?મારા વકીલ મને દલીલ કરી.
“ને તું શું દાવો કરેછે મારી બ..હે..ન..પ..ણી થાય તો તને તો તેણીના પ્રેમ પ્રકરણની ખબર હોવી જોઇએ”સ્મિતા વસુને કહ્યું
“હં…આજે જ ખબર લઉ છું”વસુએ કહ્યું  
“વાસંતી ચાલ આપણે ઉપર જઇએ અગાસીમાં”કહી સમીર વાસંતીને લઇ ચાલતો થયો ત્યારે જતાં સમીરને જોઇ સ્મિતાએ કહ્યું “બિચારો શરમાઇ ગયો”
“કે પોલ ખુલવાની અણીથી ઉગરી ગયો” મારૂં મેલું મન બોલ્યું
“ભાઇ હું તો લંબાવું છું”બાથરૂમમાંથી નાઇટડ્રેસ પહેરી આવેલા ડૉકટર ચોકસી એ ઉતારેલા કપડાં હાથમાં લઇ આમતેમ નજર દોડાવતાં ક્યાં મુકવાની તેની ગડમથલમાં હતા તે લઇને સ્મિતાને આપતાં મેં કહ્યું
“સાલા ચોકસી નાઇટડ્રેસ સાથે લાવેલો અને મને કહ્યું કે મને રજા આપો હું જાઉં છું સાલા નાટકિયા”
“અરે!મારા ભાઇ આ નાઇટડ્રેસ તો અતુલે આપ્યો છે.આ જોને પાંયચા વાળ્યા છે અને બાંયો ચઢાવી છે”    
“ઓ.કે.ગુડનાઇટ” કહી સૌ વિખરાયા

(ક્રમશઃ)