“બાબલો” (૩)
(ગતાંકથી ચાલુ)
“જોયું આનું નામ નિર્દોષતા..”મારા વકીલ મને દલીલ કરી
“સ્મિ..!”
“હં…!!”
“સ્મિ..!!”
“હં…!!”
“એ..સ્મિ..!! બોલને સમીર ક્યાં ગયો છે?”ચ્હાનો છેલ્લો ઘૂંટડો ભરતા અને કદાચ નવો પોઇન્ટ મળી જાય એ હિસાબે જીજ્ઞાષા દર્શાવતા પુછ્યું
“સમીર કોઇ ટેન્ડર બેન્ડર ભરવા પાવરી એન્ડ કંપનીમાં નથી ગયો એતો પોતાના પ્રેમનું ટેન્ડર ભરવા માયાને મળવા ગયો છે સમજ્યા જેવી રીતે તું ચોરીછુપીથી મને મળવા આવતો તેમ….જાવા દે યાર વાત જુની થઇ ગઇ તું નહીં સમજે!!!”
“માયા…”
“હા..માયા”
“ઓહ! માયા પેલા આર.બી.હરનામસીંગની કુડી પંજાબ દી અરે!!એ પંજાબણના ચક્કરમાં
ક્યારથી પડી ગયો?”તેં મને પહેલાં કેમ ન કહ્યું”
“તમને ફૂરસદ છે….??”
“વાહ!! બેટા અંદર સ્મિતા અને બહાર માયા …ઇસ હાથમેં લડ્ડુ ઔર ઉસ હાથમેં ભી લડ્ડુ” મારૂં મેલું મન બોલ્યું
“જોયું એ માયાને ચાહે છે પછી સ્મિતા સાથે આડો સબંધ બાંધીને દોસ્તથી અદકા ભાઇ જેવા મારા સંસારમાં પથ્થર શા માટે નાખે?” મારા વકીલ મને દલીલ કરી.
“પણ ભાઇ ભાઇ હોય છે અને દોસ્ત દોસ્ત એ ક્યાં તારો સગો ભાઇ છે?” મારૂં મેલું મન બોલ્યું
“પણ તમારા બન્નેનો સ્નેહ જોઇને કોઇ ન કહી શકે કે સમીર મહેતા અને સુમન પટેલ સગાભાઇ નહીં હોય.દેશમાં પણ બન્ને મકાન વચ્ચે નામની દિવાલ છે છતાં રમણિકલાલ
મહેતા અને મનસુખલાલ પટેલનું ઘર એક જ ગણાય છે એ જગજાહેર વાત છે બાપુજી તો મોટા ભાગે કલકત્તા જ રહે છે છતાં કોઇ દિવસ રમણિકકાકા તરફથી અણછાજતું વર્તન બા તરફ થયું હોય એવું ક્યારે નોંધ્યું છે? અને સમીરથી અદકો તને જે રમીલાકાકી અને રમણિકકાકા રાખે છે એવા સંસ્કારી મા-બાપનું સંતાન આવું પાપ કરે?મારા વકીલ મને દલીલ કરી મને હચમચાવી નાખ્યો.
“પણ તારૂં વકિલાતમાં ડૂબ્યા રહેવું,રાત્રે મોડેથી ઘેર આવવું,એકાંત,કુંવારૂંમન તથા કમનીય અંગઉપાંગો વાળી ઉજળે વાનવાળી રંભા જેવી કામીની જોઇને કોનું મન ન ચળે કામ-બાણ આગળ મોટા મોટા મુનીવર મહાત થઈ ગયા ત્યારે આ મગતરું કાળા માથાનો માનવી શું વિશાતમાં?” મારૂં મેલું મન બોલ્યું
“તેણીને બપોરે આડા પડવાની ટેવ છે,તેણીને સુતેલી જોઇને તારૂં હૈયું ક્યારે હાથ રહ્યું છે
જાણે છે કે આ કોમલાંગીનો સ્વામી તું છે ત્યારે આ કાચા કુંવારા જીવનું શું ગજું કે તેણીથી અળગો રહી શકે એની શી ખાત્રી?” મારૂં મેલું મન લાંબી દલીલ કરતા બોલ્યું “ઓહો!! ખાત્રી..ખાત્રી..ખાત્રી..બસ તું છીદ્રો જ શોધ્યા કરજે”મારા વકીલ મને દલીલ કરી
“શું વિચારમાં પડી ગયો?કેમ છોકરીમાં કશું કહેવાપણું છે?સમથિન્ગ રોંગ?સમીર અને માયા એકબીજાને ખરા દિલથી ચાહે છે અને જલ્દી લગ્ન પણ કરવા માગે છે એ હું જાણું છું બોલને સુમી સમથિન્ગ રોન્ગ? તેં જવાબ ન આપ્યો…”સ્મિતા ઝુકીને મારી સામે જોતા પુછ્યું
“ના…ના…ગેરસમજણ ન કરતી નથિન્ગ રોંગ મને નવાઇ લાગે છે એ વાતની કે સમીર તારું અને મારૂં પ્રેમ પ્રકરણ જાણતો હતો અને પોતાનું કેવું છુપાવ્યું નહીં?”એમ કહીને મેં તેણીને ચૂમી.
“ચાલો આજે એક સાથે સમીરના બે પ્રેમ પ્રકરણની ખબર પડી” મારૂં મેલું મન બોલ્યું
હું વોશબેસિન તરફ વળ્યો,હાથ ધોયા અને સ્મિતાએ નેપકીન પકડાવ્યું મેં નેપકીન હાથ લુછી પાછું આપ્યું તો સિગારેટ્નું પાકીટ અને લાઇટર પકડાવ્યા અને પરાગનો અવાઝ સાંભળી તેણી બેડરૂમમાં ગઇ અને રામસંગ અંદર આવ્યો અને મને સિનેમાની ટીકેટ પકડાવતા કહ્યું
“સાહેબ! શો ૯.૩૦ વાગ્યાનો છે ગાડી તમે લઇ જશો કે…….”
“ના…ના તું ફીકર નહીં કર..”
“ભલે”
“સ્મિતા…”
“એ!…આવી”
“બેન! ભાઇ મને આપો સાહેબ તમને બોલાવે છે…”રામીનો અવાઝ સંભળાયો
“આવો…આવો…આપણે બહાર જઇશું વાસંતીબેન પાસે….”કહેતી રામી પરાગને લઇને બહાર નીકળી ગઇ.
“હાં.!! બોલ” સ્મિતાએ મારી બાજુમાં સોફા પર બેસતા કહ્યું
“આ સિનેમાની ટીકેટ સંભાળ ૯.૩૦નો શો છે સમીર ત્યાં સુધી આવી જશે?”મેં સિગારેટ બુઝાવતાં પુછ્યું
“બસ પંદર મિનિટ પછી અહીં હશે”સ્મિતાએ ભીંત ઘડિયાળમાં જોતાં કહ્યું
“અરે વાહ!!! તું તો બરાબર ટાઇમિન્ગ જાણે છે!!”
“ટાઇમિન્ગમાં તો તે અંગ્રેજોથી ચાર ચાસણી ચડે એવો છે એતો તું જાણે છે.માયાને આઠ વાગ્યા પછી બહાર રહેવાની રજા નથી અને આજે જલ્દી આવજે કહ્યું છે એટલે તેની મિટિન્ગ ૭.૦૦ વાગે પુરી થશે અને ૭.૧૫ વાગે સમીર અહીં”
“ગજબ છોકરો છે નહીં સ્મિ..?”
“હં..!!!”
“પણ તને આ વાતની ખબર….”
“આમ તો મને શી ખબર?પણ એક દિવસ પાર્કમાં માયા સાથે બેઠો હશે અને રામસંગ વાસંતીને ફરવા લઇ ગયો હતો ત્યારે વાસંતીએ પાસે બેઠેલી માયા વિષે પુછ્યું કે આ કોણ છે?તેણે જ કહેલું તારી કાકી છે માયા કાકી તે આ છોડીને બરાબર યાદ રહી ગયું અને તમે પેલા મી.સાવંતના કેસ માટે દિલ્હી ગયેલા તે દરમ્યાન મી.શ્રીનિવાસને પાર્ટી આપેલી તેમાં માયા આવેલી તેણીને બતાવતા વાસંતીએ કહ્યું મમ્મી…મમ્મી ધો માલા માયાકાકી મારી બાજુમાં જ વસુ બેઠેલી તેણીને મેં ઇશારાથી બોલાવી પુછ્યું તો તેણી હસી પડી તેણીની માયા ખાસ બહેનપણી થાય અને તેણીને બધી વાતની ખબર હતી મને કહે મોટાબેન સમીરભાઇ ૨૪ કલાક ઘરમાં રહે છે અને તમે અજાણ છો? નવાઇ કહેવાય.
પાર્ટીમાંથી આવ્યા બાદ એ છુપા રૂસ્તમની મેં પરેડ લીધેલી ત્યારે પોપટની જેમ તે બિચારાએ પોતાની પ્રેમકહાણી આરંભથી અત્યાર સુધીની સંભળાવીને કબુલ કર્યું કે તે માયાને અને માયા તેને ચાહે છે સમજયા કે?”કહેતા સ્મિતા હસી પડી તેણીના ચહેરા પર આ માહિતિ મેળવવાનૉ ગર્વ હતો.
“જોયું કેટલા રસથી તેણીએ માયાની વાત કરી જો સમીર સાથે તેણીનું લફરૂં હોત તો માયાની વાત કરતાં તેણીના આવાઝમાં કડવાસ કે તિરસ્કારનો રણકો જરૂર હોત એથી જ કહું છું સ્મિતા નિર્દોષ છે”મારા વકીલ મને દલીલ કરી
“આર.બી.હરનામસીંગ મારા ક્લાયન્ટ છે તેથી તેમના બન્નેના લગ્ન રાજીખુશીથી કરાવી આપવા કદાચ હું તેમને સમજાવી શકીશ”
“હું પણ તને એ જ કહેવાની હતી”
“સવા સાત થયા સમીર ન આવ્યો પછી પિકચરમાં મોડું થશે”
“પિકચર તો ૯.૩૦ વાગે શરૂ થશે તને અત્યારમાં શું ઉતાવળ છે?”કહી સ્મિતાએ બારી બહાર ડોકિયું કર્યું ત્યાંતો બાજુના ટેબલ પરનો ફોન રણક્યો સ્મિતાએ રિસીવર ઉપાડ્યું
“હલો!!!”
“……….”
“યસ ઇટ ઈઝ ૨૦૩૨૧ મીસીસ પટેલ સ્પીકિન્ગ”
“………..”
“કોલ ફ્રોમ?”
“…………”
પદમપુર ઓકે પુટ ઇટ યસ યસ”
તેણીએ માઉથપીસ પર હાથ રાખી મારી સામે જોયું
“પપ્પાનો ફોન છે”તેણીથી ગડમથલ સહન ન થતાં મને કહ્યું હું જાણતો હતો મારા સસરા કોઇ અગત્યનું કામ સિવાય કયારે પણ ફોન ન કરે
“હલ્લો કોણ?”
“…………”
“અતુલ?”
“…………”
“હું સ્મિતા કેમ અચાનક ફોન કર્યો? ઘરમાં બધા………”
“………..”
હે!! પપ્પાની તબિયત અચાનક બગડી છે? ઓહ! ગોડ”
“…………”
“ભલે હું અત્યારે જ રવાના થાઉ છું”
“………..”
સ્મિતા ફોન પર વાત કરતી હતી ત્યાં “તેણી પદમપુર જાય છે તું પુરાવા ભેગા કરવા માંડ અગર તેણી ગુન્હેગાર સાબિત થાય તો ડીવોર્સની એપ્લિકેશન દાખલ કરવામાં ઢીલ ન કરજે છોકરી પર કબજો હમણાથી જ રાખજે હા…એ જ સારો મોકો છે”
મારૂં મેલું મન સલાહ આપતા બોલ્યું
“અત્યારે આવા બધા વિચારો કરવાનો સમય છે?”મારા વકીલ મને દલીલ કરી અને મેં સ્મિતાના હાથમાંથી ફોન લઇ લીધો.
“હલ્લો!!”
“………..”
“અતુલ હું સુમન બોલું છું કેમ એકાએક પપ્પાને શું થયું?
“………..”
“પડી ગયા?”
“………..”
“બેભાન પણ થઈ ગયા છે? કંઇક ગંભીર લાગે છે”
“…………”
“જો ભાઇ હિમત રાખજે હું અહીંથી ડૉકટર ચોક્સીને મારી સાથે જ લાવું છું હું અને સ્મિતા હમણાં જ નીકળીએ છીએ ફીકર નહીં કરતો”
“…………”
“તો મુકુ છું ઓકે?”
મેં ફોન ક્રેડલ કર્યો અને બેડરૂમમાં ગયો પલંગ પર બે સુટકેસ ખુલ્લી પડી હતી એકમાં તેણી પોતાના અને પરાગના અને બીજીમાં મારા અને વાસંતીના કપડા મુકતી હતી બેગ્સ પેક થઇ ગઇ એટલે તેણીએ બારીમાંથી બુમ પાડી
“રામસંગ ગાડી લઇ આવ અને રામીને મોકલ”રામસંગ બંગલાના પગથિયે વાસંતીને રમાડતા ઉઠ્યો અને વાસંતી દોડતી ઘરમાં આવી એ જોઇને સ્મિતાએ જલ્દી જલ્દી આંસુ લુછ્યા.
“પપ્પા મમ્મી છા માતે ઓય છે? પપ્પા…પપ્પા…મમ્મીને છું થયું તે…..”હું ડૉકટર ચોક્સીને ફોન કરતો હતો ત્યાં સુધી એ છોકરી મારૂં પેન્ટ પકડી પપ્પા પપ્પા કરતી રહી
“મને કાંઇ નથી થયું હો બેન”કહી સ્મિતાએ તેણીને પાસે ખેંચી સમજાવવાની કોશિશ કરી પણ તેણી માની નહીં
હું ફોન કરી બાથરૂમ તરફ જતો હતો ત્યાં પપ્પા…પપ્પા…પપ્પા કરતી વળી મારી પાછળ પડી ગઇ
“હું હમણાં જ આવું છું હો બેન જા તું રામીને બોલાવી લાવ ભાઇને તૈયાર કરે”તેણી હકારાત્મક માથું હલાવતા બહાર નીકળી ગઇ પણ તરત પાછી આવી ને પાછો એનો એ જ પ્રશ્ન
“પપ્પા મમ્મી છા માટે ઓતી’તી?”
“જો બેન મમ્મી ને ઓલી પરફ્યુમ છે ને ફુસ ફુસ વાળી એ છાંટતી હતીને એ એની આંખમાં ઉડીને પડી એટલે રડવું આવ્યું આંખો બળે તો રડવું આવેને બેન?”
“કેવી બલે છે હે મમ્મી? છાબુ આંકમાં પલે ને બલે એવી? હેં મમ્મી”તેણીએ પરાગની બાસ્કેટ ચેક કરતી સ્મિતાના ગળે ટીંગાઇને પુછ્યું
“હા..બેન એવી જ બળે છે ચાલ જલ્દી તૈયાર થઇજા આજે આપણે અતુલમામા પાસે જઇશું તને મજા પડશે” પછી સામે ઊભેલી રામીને કહ્યું
“રામી પરાગ મને આપ અને આનું ફ્રોક બદલી નાખ”
(ક્રમશઃ)
Filed under: Stories |
Leave a Reply