બાબલો (૨)

બાબલો (૨)

(ગતાંકથી ચાલુ)

“પણ ગઇકાલે તો તું નીખીલ કોર્પોરેશનનું નામ નારાયણ નગર સોસાયટી માટે લેતો હતો ને?તે આમ રોજ નામ બદલાયા કેમ કરે છે કંઇ સમજાયું નહીં….!!”
“એ તો છે ને ભાભી …પેલી નીખીલ કોર્પોરેશને આ કોન્ટ્રાક્ટ પા…પાવરી એન્ડ કંપનીને વહેંચ્યો છે…ઓન..થી વહેંચ્યો છે…એટલે..”તેની જીભ લોચા વાળવા લાગી અને તે જવા માટે લગભગ ભાગી છુટવા માટે પાછો વળ્યો.
“ખેર!કોઇના પણ પાસે કોન્ટ્રાક્ટ હોય તેનાથી મને મતલબ નથી પણ સાંજે વહેલો આવજે આજે તારા મોટા ભાઇ વહેલા આવ્યા છે તો પિકચરમાં જઇશું…..જઇશું ને સુમી?” તેણીએ મારા સામે જોતા કહ્યું
“હેં..હા..હા શા માટે નહીં?”મેં બન્નેિ વિષે ચાલતા સાચા ખોટા વિચારોના વમળમાંથી બહાર આવતા અને સિગારેટ બુઝાવી સ્વસ્થ થતા કહ્યું.
“ભલે ભાભી હું પિકચરની ટિકેટ લાવવા રામસંગને કહી દઉ છું”એમ કહેતા એ બહાર નીકળ્યો અને પરાગના રડવાનો અવાઝ સાંભળી સ્મિતા બેડરૂમમાં ગઇ.
“છમીલકાકા ઉં ટમાલી છાથે આઉં?”વાસંતીએ સમીરના કોટની કિનાર પકડતાં કહ્યું
“ના બેટા! હું બહુ…..જ દૂર જઇશ તું રામસંગ સાથે જજે હં..કે? એ પિકચરની ટિકેટ લેવા જશે અને તને ફેરવી આવશે હં..કે?” તેણી હકારમાં માથું ધુણાવતી રામસંગ સાથે ચાલી ગઇ.
        થોડીવારે ગાડી સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો એટલે હું મારી ટાઇ ઢીલી કરતોક અમારા બેડરૂમમાં આવ્યો ત્યારે સ્મિતા પલંગ પર બેસીને પરાગને સ્તનપાન કરાવતી હતી અને હળવે હાથે તેના માથાના વાળ પસવારતી હતી.
     તમને થસે કે,સ્તનપાન કરાવતી સ્મિતા યા તો જુનવાણી હશે અથવા અભણ હશે
પણ તમે નહીં માનો તેણી બી.એ.વીથ ઇકનૉમિક્સ છે અને તે પણ ફર્સ્ટ કલાસ ફર્સ્ટ થયેલી.મારી ઓફિસનો એકાઉન્ટ તેણી જ જુએ છે. એકાઉન્ટ ઑડીટ માટે પણ તેણી જ જાય છે કોઇની પણ મદદ વગર.સમીરને ઘણી વખત ટેન્ડરના હિસાબમાં મદદ કરેછે.
      ફેશનમાં તેણી અલ્ટ્રા મૉડર્ન છે પણ ક્લબમાં નથી જતી,પાર્ટીઓમાં જાય છે પણ મારા અને સમીરના નજીક રહીને,કોઇ સાથે જાજુ હળવું મળવું નહીં છતાં અતડી ન લાગે કોઇને એ વાતની કળ પડવા ન દે,દરેક વાતમાં સીફતથી છટકી જાય.કોઇનો પરિચય કરાવીએ તો એટલા ઉમળકા ભેર સત્કારે કે સામા માણસ પર ધારી અસર થાય પણ પોતાની મર્યાદામાં રહીને બધું કરે.
       સ્મિતા માને છે કે,જીન્દગીને નજીકથી જોવા સમજવા અને જીન્દગીના સમિકરણો ઉકેલવા ભણતર જરૂરી છે,પણ ભણેલા છીએ એટલે ક્લબમાં જવાની,ડિસ્કોથેકમાં નાચવાની, જુગાર રમવાની,સિગારેટ ફૂંકવાની અને શરાબ પીવાની,નોન-વેજ ખાવાની, નીત નવા બોય-ફ્રૅન્ડ સાથે હરવા ફરવાની અને રાત્રે મોડે સુધી રખડવાની પરવાનગી નથી મળી જતી.સ્ત્રીએ પોતાની મર્યાદા સમજવી જોઇએ,વડિલો તરફની,બાળકો તરફની પતિ તરફની,પોતાના ઘર તરફની,પિયરિયા તરફની અને સાસરિયા તરફની ફરજો સમજવી વિચારવી અને પાળવી જોઇએ.
     આટલી બધી ભણેલી ગણેલી મારી પત્ની એ સ્ત્રી છે જેને એકાંતમાં હિન્દી ફિલ્મોમાં આવતી સુશીલ,ઘરરખ્ખુ અને આજ્ઞાકિંત અર્ધાગિની (મીનાકુમારી ફેઇમ) જેમ વર્તવુ બહુ જ ગમે છે.શરૂઆતમાં હું ઘણી વખત તેણીની મશ્કરી કરતો પણ તેણીએ ગણકારતી નહીં અને પછી મેં પણ તેણીનું મન દુભાય એવું આપણે શા માટે કરવું માની તેણીની મશ્કરી કરવાનું છોડી દીધું છે.
       સ્મિતા પરાગને પારણામાં સુવડાવીને મારા પગ પાસે બેસી પડી ને મારા સુઝ ઉતારવા લાગી હું તેણીની સામે જોઇ રહ્યો.કેવી પતિ પરાયણ લાગે છે પણ આજ બપોરે તેણીએ જે પાપ કર્યું છે તે અને આ બન્નેવ એક જ વ્યક્તિ હોઇ શકે એમ કોઇ માની શકે? તેણી સુઝ મુકી આવી અને સ્લિપર લાવી મારા પગ પાસે મુક્યા ત્યારે મેં તેણીને ખભા પાસેથી પકડી લીધી અને તેણીની આંખોમાં જોયું.આછી ભુરી અને કાજળ ભરેલી આંખો શરદપુનમના આકાશ જેવી સ્વચ્છ લાગી ત્યારે એ સ્વચ્છતાથી મારૂં મેલું મન હચમચી ગયું
                   તેણીને કસી ગંધ ન આવી જાય એ આશયથી મેં તેણીની આંખો પર ચુંબન કર્યા અને તેણી “સ્વામી” કહી મને વળગી પડી.તેણી જ્યારે પણ આનંદ કે શોકના અથવા અસ્વસ્થતાના આવેગમાં હોય ત્યારે આ જ સંબોધન મને કરે છે.
“શું થયું સ્મિ…?”તેણીને ખભાથી અડગી કરી તેણીની તરફ જોતા મેં પુછ્યું
“પ્લિઝ સુમી એમ ન જો કોણ જાણે કેમ આજે તારી આંખોથી મને ડર લાગે છે”અને તેણી મારા ખોળામાં માથું રાખી રડી પડી.
“જોયું પાપ કર્યું છે એટલે તારી નજરથી નજર મેળવી શકતી નથી નહીંતર પતિથી પત્નીને ડરવાનું શું હોય?”મારૂં મેલું મન બોલ્યું  
“પણ જ્યારે તેણીની આંખો સ્વચ્છ જણાતી હતી ત્યારે તું થથર્યો શા માટે મારા વકીલ મને પુછ્યું
     કેટલીય વાર સુધી મારા મેલા મન અને મારા વકીલ મન વચ્ચે દલીલો ચાલતી રહી પછી બન્નેયની સુનવણી પડતી મુકીને મેં મને રોજના રૂટીનમાં ઢાળવા પ્રયત્ન કર્યો અને તેના પ્રથમ સોપાન રૂપે મેં સ્મિતાને બાંહોમાં ઉચકી લીધી એક ચુંબન હોઠ પર કર્યા બાદ ચુંબનોનો વરસાદ થઇ પડ્યો પછી તેણીને કહ્યું
“તને મારાથી ડર લાગે છે?જુઠ્ઠી નહીંતો આ તો મને વળગવાના તારા બહાના છે”કહી તેણીને પલંગ ઉપર પટકી તે સ્પ્રિન્ગવાળા પલંગ પર ઉછળી અને મારા વર્તનને હું તોફાને ચડ્યો છું એમ માની લીધું હશે પણ મારા વકીલ મને મને કરડાકીથી પુછ્યું
“તેં જે કર્યું તે ઠીક કર્યું સુમન?તેણી જો જાણી જાય કે કોઇ તિરસ્કારથી પ્રેરાઇને તે આમ કર્યું છે તો…?”
“હા…..સાવધ રહેવું જરૂરી છે” એમ નક્કી કરી હું તેણી પર ઝળુંબ્યો અને હોઠ હડપચી ગાલ નાક આંખ કપાળ પર ચુંબન કરતાં સ્મિ સ્મિ મારી સ્મિ કરીને ઝકડવા હાથ લંબાવ્યો ત્યાંતો પોર્ચમાં ગાડી પાર્ક થયાનો અવાજ આવ્યો સ્મિતા સફાળી ઊભી થઇ વોસ-બેસીન તરફ વળી અને હું બારી બહાર જોવા લાગ્યો ખિલખિલાટ હસતી વાસંતીને
      વાસંતી ઘરમાં આવી ત્યારે તેણીના હાથમાં બાબલો(ઢીંગલો)હતો.
“પપ્પા…પપ્પા…આ ધુઓ પલાગભાઇ જેવો બાબલો એને છુવાઇએ તો આંકો બંધ કલે તે ને આમ કલિયે તો ઓય તે”તેણીએ આંખો પટપટાવતા મને બાબલો બતાડ્યો.
“અરે!!પણ તું આ લાવી ક્યાંથી?..રામસંગ..”મેં સોફરને બુમ મારી
“લામછંગ મોટલ મુકવા ગયો તે..પપ્પા આ બાબલો તો મને વછુમાછીએ અપાવ્યો તે” વાસંતીએ જ ખુલાસો કર્યો
“વસુ માશી મળેલા તને?”સ્મિતાએ પુછ્યું
“હા જો મમ્મી પલાગભાઇ જેવો બાબલો આમ ઓય તે ને આંકો બંધ કલે તે”
“બાબલો તો જોયો પણ તું વસુમાશીને સાથે કેમ ન લાવી?”કહી સ્મિતાએ મારો કોટ હેંગરમાં લટકાવ્યો.
“થેને…થેને…મમ્મી વછુમાછી કેટા’ટા મને મોઉં થાય તે ટાલા માછા વજ છે”કહી વાસંતી બાબલો લઇને બહાર ચાલી ગઇ.
“વસુ પણ કમાલ છે ને આ બાળકને કહેવાની શી જરૂર તારા માશા મને વઢશે બાળક ઉપર શી ઇમ્પ્રેશન પડે?”મારા હાથમાંથી ટાઇ લઇ મને ટોવેલ પકડાવતા તેણીએ કહ્યું
“સુમી બાથ લઇ આવ ત્યાં સુધી હું ગરમાગરમ પકોડા ઉતારૂં છું હં…કે?”કહેતા તેણી રસોડામાં જતી રહી.
    મારા મગજમાં હજુ “ઇમ્પ્રેશન” ગુમ્યા કરતી હતી “ઇમ્પ્રેશન”કેવો શબ્દ છે? પણ તેમાં નાના મોટાનો શો સબંધ “મારા મન ઉપર તારી બપોરની સ્થિતીમાં  પડેલી ઇમ્પ્રેશન મારો ક્યાં કેડો મુકે છે?વિચારતા વિચારતા હું બાથરૂમમાં ગયો.
      લોકો કહે છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ…ખરેખર એ સાચું હોય તો મારી સ્મિતા એવી ન હોઇ શકે
“એવી ન હોઇ શકે ત્યારે કેવી એ તું જ બતાવ ને!” મારૂં મેલું મન બોલ્યો.મેં માથું પકડી બે ત્રણ વખત માથાને ઝટકા માર્યા જાણે કંઇક ખખેરી નાખવા માંગતો હોઉ.ન્હાતા ન્હાતા મને સતત લાગ્યા કરતું હતું કે ક્યાંક કશું ખૂટે છે હું કશુંક ભૂલી ગયો છું મેં બાથરૂમમાં એક ઉડતી નજર કરી ટૉવેલ,પહેરવાના કપડાં.બાથરૂમ સ્લીપર બધું જ તો છે છતાં સતત એમ કેમ લાગે છે કે કશુંક ખુટે છે અને આ વિચારતા બધું તંત્રવત પુરૂં કરી કુરતાના બટન બીડતા બીડતા હું રસોડામાં આવ્યો અને પછી ખુરશી જરા ખેંચીને ડાઇનિન્ગ ટેબલ પાસે બેસી ગયો.
         બાથરૂમમાં અધુરા રહેલા વિચારોના વમળ ફરી ચકરાવા લેવા લાગ્યા શું મેં જોયું અને જે હું ધારૂં છું એ સાચું હશે?પણ મારૂં વકીલ મન કબુલ ન્હોતું કરતું “આ ન બને ન ભૂતો ન ભવિષ્યતિ સ્મિતાને જ પુછી લઉ? ના…ના…રખે ભુલ કરતો એમ કરવા જતા રજ નું ગજ થાય અને તેણી ને ઠસાઇ જાય કે મારી એક વખતની પ્રિયતમા અને હાલની પત્ની પર મને આજે શક છે.આ શક મને ક્યારથી હતો? હમણાં પડ્યો કે પહેલાથી હતો?શક કરવાના કારણો વગેરે…વગેરે…યાર આ વાતનો કોઇ અંત જ આવે અને કદાચ કદાચ ગેર સમજણ પણ હોય અને તેમાં પણ અલગ વસ્તુ સ્થિતી બહાર આવે તો?તો તો આ ઝહેરના પારખા જેવું થાય જીવતર ઝહેર થઇ જાય રખેને સુમન એવું કરતો મારા વકીલ મને કહ્યું તો હું શું કરૂં? હું શું કરૂં? અને ટેબલ પર મુક્કો મારતા મારાથી અનાયસ જોરથી બોલાઇ ગયું તો “હું શું કરૂં?”
“ઓહ!! સુમી તું ક્યારે આવી ગયો કંઇ ખબર ન પડી,બાથરૂમમાંથી બહાર આવતા સદા વાગતી સીસોટી પણ ન સંભળાઇ ન તું કોઇ ગીત ગણગણયો”કહેતા તેણીએ પકોડાની પ્લેટ અને ચ્હા મારી સામે મુક્યા પછી નીચી વળીને મારા ગાલ પાસે નાક લાવીને એક ઊંડો શ્વાસ ભર્યો અને પછી ચુંબન કર્યું.
“હં…મારા મનમાં પ્રકાશ થયો વિચારોના તુમુલ યુધ્ધમાં મારી સીસોટી વિસરાઇ ગઇ, ગાયનવૃતિ દબાઇ ગઇ એટલે જ સાલું કયારનું થતું હતું કે.હું શું ભુલી ગયો છું. આ જ યાદ ન્હોતું આવતું અને બીજી જ પળે મેં રસોડામાં જાતી સ્મિતાનો હાથ પકડીને કહ્યું
“આ તો ભુખના આક્રમણમાં સીસોટીનું મહત્વ જરા ઓછું અંકાયું પણ હે અન્નનની દેવી તું જશે તો આપણા રામ આ પકોડા ખાવાના નથી”મેં વધુ લાડ દર્શાવવાની કોશિશ કરી.
“અરે!..અરે!…સ્ટવ ચાલુ છે તેલ ઉકળી જશે હું હમણાં આવી”કહી તેણી રસોડામાં ગઇ ગેસ બંધ કરીને પાછી આવી.
“લે..!! આ બેઠી બસ ..”કહી તે મારી બાજુની ખુરશી પર બેઠી પછી મારા ખભા પર માથું ટેકવીને મારી નજીક પ્લેટ સરકાવી એક પકોડું ઉપાડ્યું પોતે ચાખ્યું પછી મારા મ્હોંમાં મુકતા કહ્યું “ચાલ ખાવા માંડ ત્યાં સુધી હું બીજા ગરમાગરમ ઉતારી લાવું છું”તેણી ઊભી થઈ મારી ખુરશી પાછળ ઊભી રહી મારા વાળમાં આંગળા ફેરવ્યા અને તેણી મારા પર ઝુકી હું જાણતો હતો તેણી મારા ખભે બચકું ભરશે એટલે હું જરા બાજુ સરકી ગયો અને તેણી મારા પર આવી પડી મારા ખભે બચકુ ભરવા તેણીના ખુલેલા મ્હોંમાં મેં એક પકોડું ઠુસવી દીધું અને તેણી રસોડામાં જતી રહી ત્યારે મારા મનને ખાત્રી થઇ ગઇ કે તેણીનો તાગ મેળવવા હું વધુ પડતું પ્રેમ દર્શાવી રહ્યો છું એવી કોઇ વાતનો અણસાર તેણીને આવ્યો નથી.
“અલી! સમીરે પકોડા ખાધા કે?”મેં ચ્હા પીતા પુછ્યું
“ખુબ જ પ્રેમથી સામે બેસીને ખવડાવ્યા હશે..તું નહીં ખવડાવે તો કોણ ખવડાવશે?” મારૂં મેલું મન બોલ્યું
“તેને ગરમ પકોડા ખાવાની ફૂરસદ જ ક્યાં છે?”ગરમ પકોડા લાવતા સ્મિતાએ કહ્યું
“તારી કમનીય કાયાના વિચારોમાં બિચારો ભાન ભૂલી જતો હશે” મારૂં મેલું મન બોલ્યું “કેમ?હમણાં બહુ કામ રહે છે?”મેં સ્વાભાવિક થતાં પુછ્યું
“તમે તમારી વકીલાતમાંથી ઊંચા આવો તો ખબર પડેને?”ખોટો ગુસ્સો કરતાં સ્મિતાએ કહ્યું તેણી જ્યારે છણકા કરતી હોય ત્યારે માનવાચક શબ્દ “તમે” થી જ સંબોધન કરે છે.
“અરેરેરે…તું તો નારાજ થઇ ગઇ મારી રાણી” મેં તેણીને બાજુની ખુરશીમાં બેસાડતા કહ્યું
“કેવો સરસ અભિનય કરે છે નહીં? હું વકાલતમાંથી ઊંચો નથી આવતો ત્યારે તો તેં સમીરને ફાસ્યો છે” મારૂં મેલું મન બોલ્યું
“લ્યો સાહેબ બોલ્યા તું તો ગુસ્સે થઇ ગઇ”મારા અવાઝના અંદાઝમાં ચાળા પાડતા કહ્યું
“તે થયેલી જ છો”
“આજે હમણાં ક્યાં ગયો છે ખબર છે…?”તેણીએ મારી આંખોમાં આંખ પરોવતા પુછ્યું
“……..”
“બસ ને?”
“લે!..હું કંઇ પોલીસ કે સી.આઇ.ડી. ઓફિસર છું કે મને ખબર હોય હા….એ તને પાવરી એન્ડ કંપની….નારાયણ નગર સોસાયટી…ટૅન્ડર..એવું કંઇક કહેતો હતો પણ હું કંઇ ખાસ સમજ્યો નહીં મૈં બકસુર હું દરોગા સાબ..”મેં કાને હાથ અડાડતા કહ્યું
“પણ તું કસુરવાર છે..” મારૂં મેલું મન બોલ્યું
“તું સરકારી અદાલતમાં બાહોશ વકીલ હશે પણ વહેવારની અદાલતમાં બુધ્ધુ છો” તેણી એ ચ્હાના કપ પર ગોળ ગોળ ચમચી ફેરવતા કહ્યું
“હા…બુધ્ધુ જ છું તેનો જ તો તમે બન્નેત લાભ લો છો” મારૂં મેલું મન બોલ્યું
“એમ? તો મને તમારો શાગિર્દ બનાવી લ્યો ઉસ્તાદ”કહીને મેં હાથ જોડ્યા અને અમે બન્નેા ખડખડાટ હસી પડયા ત્યારે મને પોતાને જ મારા વર્તન પર નવાઇ લાગી (ક્રમશઃ)