બાબલો

“બાબલો”

શેઠ રમણનાથ રૂંગટા ખુન કેસ બહુજ વિવાદાસ્પદ ખુન કેસ હતો.પાર્ટનર વાસુદેવ શર્મા ઉપર ખુન કર્યાનો આરોપ હતો.વાસુદેવ શર્માના બ્યાન મુજબ એ નિર્દોષ હતા પણ પોલીસને મળેલા પુરાવા તેમને દોષિત વધુ અને નિર્દોષ નહીવત સાબિત કરતા હતા. ઑટોપ્સી રિપોર્ટ મુજબ ખુન ૯.૦૦ વાગે થયું હતું જયારે વાસુદેવ શર્મા શેઠ રમણનાથના બંગલે ૯.૩૦ કલાકે આવ્યા હતા.વિધુર અને નિઃસંતાન શેઠ સાથે તેમનો એકજ નોકર દિનાનાથ રહેતો હતો.બજારમાંથી સામાન લાવેલ દિનાનાથે શેઠ રમણનાથનું શબ અને વાસુદેવ શર્માની હાજરી બન્નેાને સાંકળી લીધા હતા.
                 ખંજર હુલાવી મારી નાખેલા રમણનાથના લોહીથી લથપથ દેહ જોઇને  હેબતાઇને બહાવરા થઇ ભાગતા વાસુદેવ શર્માને દિનાનાથનું બ્યાન ગુન્હેગાર સાબિત કરતું હતું. મને માહિતિ પુરી પાડતા માણસો ખૂટતી કડીઓ ભેગી કરવામાં પડ્યા હતા. પહેલી દ્ર્ષ્ટીએ સરળ લાગતો આ કેસ ખુબ જ અટપટો હતો અને તેમાં પણ જીતી જાઉં તો સદ્નષશીબ અને હારી જાઉં તો બદ્નોશીબ (જો કે આજ દિવસ સુધી કોઇ કેસ હાર્યો નથી) એ કેસનો વકીલ હું હતો.હું એટલે સુમન પટેલ બી.એ.એલ.એલ.બી. બાર-એટ-લો લંડન વિચાર વમળમાં હતો ત્યાં ટન…..ભીંત ઘડિયાળમાં એક ટકોરો પડ્યો ૩.૩૦ થઇ હતી.
     મને એક બગાસું આવ્યું આળસ  મરડતા “સાલી ચ્હા પીવી જોઇએ” એમ હું મનમાં બબડયો અને ઉઠીને બારી પાસે આવ્યો.સડક પર કોઇપણ જાતની અપેક્ષા વગર ઉપર છલ્લી નજર કરી ખિસ્સામાંથી પાકિટ કાઢી અને છેલ્લી સિગારેટ હોઠમાં દબાવી ખાલી પાકિટ બહાર રસ્તા પર ફેંકી.રસ્તા પર ચાલ્યા જતા એક ટાલિયા રાહદારીથી થોડી દૂર એ પાકિટ પડી.પાકિટ પડવાના અવાઝથી રાહદારીએ પહેલા પાછળ અને પછી ઉપર મારી બારી તરફ જોયું જાણે કોઇએ તેના પર ગ્રેનેટ ફેંકી ફૂંકી મારવાનું કાવત્રુ કર્યું હોય.મેં રાહદારી તરફ “ટા….ટા…..”અદાથી આંગળીઓ ફરકાવી જે જોઇને રાહદારી મ્હોં મચકોડી ને  ખભ્ભા ઉલાળતો કંઇક બડબડતો ચાલ્યો ગયો.
       બારીમાંથી આવતો પવન ટેબલ પર ખુલ્લી પડેલ શેઠ રમણનાથ ખુન કેસની ફાઇલના કાગાળિયાઓને જાણે બહાર આવવા ઉશ્કેરી રહ્યો હતો. જેમ કોઇ સફળ રાજનેતા પાછળ તેના અનુયાયીઓ ઘેટાના ટૉળાની જેમ ઘાંટા પાડી સુત્રો પુકારતા જુસ્સો દાખવે તેમ કાગળિયા બહાર આવવા મથી રહ્યા હતા.એ ફડફડાટ સાંભળી હું પાછો ફર્યો ને ફાઇલ બંધ કરી બાજુએ મુકી અને સામે જ મુકેલ સ્મિતાના ફોટાને જોઇને
વિચાર અવ્યો ઘેર જઇને ચ્હા પિવાય તો કેવું?
                ૩.૪૦ થઇ શેઠ જમનાદાસ બજાજ આવ્યા નહીં. હં…. જમનાદાસ બજાજ …. જમનાદાસ બજાજ ….ઓહો!!!! એતો આવતી કાલે આવવાના છે વેરી ગુડ તો આજની એપોઇન્ટ્મેન્ટમાં શ્રીમતિ સરોજીની વેષ્ણવના કેસ બાબત તેમના સેક્રેટરી મી.સાવંતને ૪.૦૦ વાગે મળવા જવું.માણસો પણ અજબ છે દમ વગરના કેસ માટે હાઇકોર્ટના બારણા ખખડવનાર છે એ કેસ હારી જવાના પુરા ચાન્સ છે અને એવા કેસ સુમન પટેલ હાથમાં લેતા નથી એ મારે મી.સાવંતને સમજાવવું પડશે.
                    ૫.૩૦ કલાકે શ્રીમતી ભાવના ભટનાગરને બોલાવવી તેમના દીયરે પચાવી પાડેલી સહિયારી જમીન બાબત ફોન નંબર……… હા છે તે સિવાય નથીંગ ઓહ! વેરીગુડ ભાવના ભટનાગરને આજે બોલાવાય નહીં કે મી.સાવંતને મળાય નહીં તેથી તેમને કશો ફરક પડતો નથી પણ સુમન પટેલ ધ ગ્રેટ ને પડે છે.સ્મિતા હંમેશા સ્મિત કરતાં કહે છે કે વકીલ સાહેબને જરા પણ ફુરસદ નથી એટલે આજે ૪.૦૦ વાગ્યામાં સરપ્રાઇઝ કરી નાખું.
      મેં તરત જ મારા હાથમાંની ડાયરી અને જરૂરી કાગળિયા મારી બ્રીફકેસમાં મુક્યા અને બહાર આવ્યો.ઓફિસ બંધ કરી તાળું માર્યું.બારણાને લાગેલ જોરના ધક્કાથી બારણે ઝુલતા અને પડતા બોર્ડને પકડયું.રામસંગને કહું આને કાલે જ ફીક્સ કરી નાખે એક સ્ક્રુ પર અધ્ધર લટકતા બોર્ડ ઉપર નજર કરતાં મને સમીર યાદ આવી ગયો.મારો ભાઇથી પણ અદકો મિત્ર સમીર મહેતા એ મજાકમાં કહેતો
“યાર! સુમન તું હજુ થોડી ડીગ્રીઓ વધાર એટલે લખાય જેમકે સુમન પટેલ બી.એ. કોઇનાથી નહીં એલ.એલ.બી.,છોલેલ બી.,બીઝી બી.બાર-એટ-લો અંદર લંડન ટન ટન ઠન ઠન…”
“બસ બસ બસ રહેવા દે યાર જે છું તે જ ઘણું છે…”કહી હું તેને વારતો.
            નીચે આવીને હું મારી ગાડી તરફ વળ્યો.સામેની ઇરાની હોટલમાંથી દોડતા આવીને રામસંગે દરવાજો ખોલ્યો.હું પાછળની સીટમાં ગોઠવાયો તેણે બારણું બંધ કરી ડ્રાઇવિન્ગ સીટમાં ગોઠવાઇને ગાડી સ્ટાર્ટ કરી રેરવ્યુ મિરરમાં જોઇ કહ્યું
“સાહેબ…”
“ગાડી આપણા ઘર તરફ લઇલે.હું રામમંદિર પાસે ઉતરી જઇશ અને તું મી.સામંતને ઘેર જઇને કહી આવજે મારે એક અગત્યનું કામ છે મારી રાહ ન જુએ”
“ભલે સાહેબ”
“અરે હાં…!! ફકત એક જ સ્ક્રુ પર લટકતા સુમન પટેલને જરા ફિક્સ કરાવી લેજે”મેં લટકતા બોર્ડ તરફ આંગળી દેખાડતા કહ્યું
“કાલે થઇ જશે સાહેબ”તેણે મરકતા જવાબ આપ્યો.
              ગાડી રામ મંદિર પાસે ઊભી રહી હું ગાડીમાંથી ઉતર્યો અને રામસંગે ગાડી ફેરવી.આરામથી ચાલી હું ઘેર આવ્યો.વરંડાનો દરવાજો હળવેકથી ખોલ્યો.બારણાં ખુલ્લા હતા પણ વાસંતી દેખાઇ નહીં એટલે હૈયે ધરપત થઇ નહીંતર એ “પપ્પા આવ્યા..પપ્પા આવ્યા” બુમ મારત. હું બિલ્લી પગે ડ્રોઇન્ગ રૂમમાં પસાર કરી અમારા બેડરૂમ તરફ વળ્યો. મોટા ભાગે આ સમયે સ્મિતા પલંગ ઉપર આડી પડી ચોપડી વાંચતી હોય અથવા તો બેડરૂમની બારી પાસે બેસી ભરત ગુંથણ કરતી હોય.
             આજે શું કરતી હશે? પલંગ ઉપર આડી પડી હોય અને બારણાં તરફ પીઠ હોય તો મજા પડી જાય એવી બાજ ઝપટ મારૂં કે “હાય રામ!!!”કહી ગભરાઇ જાય એવા વિચારો વાગોળતો હું બેડરૂમ નજીક આવ્યો અને ડોકિયું કર્યું ત્યાં જ ડગાઇ ગયો.
                   સમીર સ્મિતાના ખોળામાં માથું રાખી સુતો હતો તેનો ચહેરો સ્મિતાના પાલવ હેઠળ ઢંકાયેલો હતો પણ કપડાં પરથી હું ઓળખી ગયો કે એ સમીર જ હતો અને સ્મિતા પોતાના બ્લાઉઝના બટન બંધ કરતી હતી. હે! રામ મારા મને પોકાર કર્યો અને ત્યાં વિજળીનો જબરદસ્ત કડાકો થયો અને મારા મગજમાં શંકાનો બોમ્બ ફાટયો હું હળવેકથી હારેલા સૈનિકની જેમ પાછા પગલે હટતો બહાર નીકળી ગયો.
          શું સ્મિતા અને સમીરના અણછાજતા સંબધ હશે? ના…ના….ના…સમીર અને સ્મિતા છી…..છી…..છી….આવું વિચારી પણ ન શકાય મારા વકીલ મને મને સમજાવ્યો ઘણી વખત નજરે જોયેલું સાચું નથી હોતું સુમન ! આમાં પણ એવી જ ગેરસમજણ હોયતો? ઉતાવળે એકાએક આક્ષેપ કેમ કરી શકાય….?
           હું ક્યારે અને ક્યાં સુધી રોડ ઉપર આવ્યો એનું પણ મને ભાન જ ન રહ્યું.જો બ્રેકની ચિચિયારી સાથે મારી જ ગાડી જો બરાબર મારી બાજુમાં ઊભી ન રહી હોત તો કોણ જાણે હું ક્યાંયે નીકળી જાત. ગાડીની બારીમાંથી બહાર ડોકાઇને રામસંગે પુછ્યું
“ક્યાંયે બહાર જવું છે સાહેબ?”
“ના…ના…અમસ્થો જ સિગારેટની પાકિટ લેવી છે” મેં ક્ષોભ છુપાવતા કહ્યું
“તમે ગાડીમાં બેસો પાકિટ હું લઇ આવું છું” તેણે ગાડીમાંથી ઉતરતા કહ્યું મેં ગાડીમાં બેસતા તેને પાંચની નોટ પકડાવી થોડીવારે તે પાછો આવ્યો.ગાડીમાં બેસી પાકિટ અને પૈસા મને આપતા પુછ્યું
“ઘેર જ જવું છે ને સાહેબ.?”
“હા”
ગાડી પોર્ચમાં ઊભી રાખતા હું ઉતર્યો.તેણે બારી બહાર ડોકાઇને કહ્યું
“મિ.સાવંતે કહ્યું છે  પટેલ સાહેબને જ્યારે ફુરસદ હોય ત્યારે મળી જાય પણ વહેલી તકે”
       હું ઘરના પગથિયા ચડ્યો ત્યાં જ વાસંતી “પપ્પા આવ્યા પપ્પા આવ્યા” કરતી મારા પગમાં વિટળાઇ પડી એ સાંભળી સમીર અને સ્મિતા પણ મારા બેડરૂમમાંથી બહાર આવ્યા.સ્મિતાના હાથમાં કોઇ અંગ્રેજી સામયિક હતું તે Femina કે Eve’s  હશે સમીરે આંખે કાળા ચશ્મા પહેર્યા હતા. હું સ્વાભાવિક થવા વાસંતીને ઉપાડી ગોળ ગોળ ફેરવવા લાગ્યો પછી એકાએક બન્નેંને જોયા હોય તેમ કહ્યું
“હાય! માય લવ…હાય! કોન્ટ્રાકટર….”
“ભાભી! આજે મોટાભાઇ બહુ ખુશ છે નહી?સમીરે પુછ્યું
“હા…”
             મેં વાસંતીને નીચે ઉતારી અને સમીર સામે જોયું ત્યારે મારા મેલા મને કહ્યું
“બેટા! આ તો થપ્પડ મારીને લાલ કરેલા ગાલ છે.થોડીવાર પહેલા મેં જે જોયું છે એ જો સાચું હશે તો તને જીવતો નહી રહેવા દઉ પુરાવો મળી જાય એટલી જ વાર” મારૂં મેલું મન બોલ્યું મેં વાસંતીને ચુંબન કર્યું અને હસ્યો.
“સમીરભાઇ! આજે તો એ ખાસ્સા પાંચ કલાક વહેલા પણ આવ્યા છે. નહીંતર સાત વાગ્યા પછી ઓફિસમાં અને નવ વાગ્યા પહેલા ઘરમાં પત્તો ન મળે” ખભા ઉલાડી મ્હોં મચકોડતા સ્મિતાએ કહ્યું
       મેં સ્મિતા સામે સ્મિત કર્યું ત્યાં મારૂં મેલું મન બોલ્યુ “હું વધુ બહાર રહું એમ જ તો તું ઇચ્છતી હશે પણ આજે જે જોયું છે એ સાચું હશે તો હું તારી એ દશા કરીશ કે તું
છેલ્લા શ્વાસ સુધી પસ્તાઇસ તોંય તને શાંતિ નહીં મળે” મારૂં મેલું મન બોલ્યું.હું અંદર એટલો ઉકળી ગયો હતો કે,નીચેનો હોઠ દાંતમાં જો ન દબાવ્યો હોત તો કોણ જાણે મારા મ્હોંમાંથી શું સરી પડત અને એ છુપાવવા મેં વાસંતી ને મારી પાસે ખેંચી.
“કેમ? ચ્હા-પાણીનું પુછીશ કે……” એમ હું કહેવા જતો હતો ત્યાં ચ્હા લઇને સ્મિતા હાજર થઇ ગઇ અમે ત્રણે ખુરશીમાં ગોઠવાઇને ચ્હા પીવા લાગ્યા ત્યારે મેં મારા વકીલ કસબને કામે લગાડ્યું એમને બન્નેવને માપક દ્રષ્ટીથી જોવા લાગ્યો.
“કેમ? આમ ધારી ધારીને શું જુએ છે સુમી?”
“તું જ કહે મારી આંખોમાં તને શું જણાય છે?”મેં વાત બદલતા કહ્યું
“જુઓ મોટાભાઇ આ કોર્ટ નથી કે ન તમે ઉલટ તપાસ કરો છો” સમીરે વાત કાપતા કહ્યું
“સ્મિતા જરૂર ગુન્હેગાર છે ત્યારે જ તે મારી નજર  સહન ન કરી શકી સમીરનું મન તેણીએ જ ચલાયમાન કર્યું હશે તો સમીરનો પણ થોડો સાથ તો હશે જ ત્યારે સ્મિતાનો કેવો બચાવ કર્યો?” મારા મેલું મન બોલ્યું અને હું ખડખડાટ હસ્યો
“બુધ્ધુ છો તમે બન્નેય.…અરે ભાઇ મેં પહેલા સમીર સામે જોયું કે, ઘરમાં કાળા ચશ્મા? પણ એ સમજ્યો નહીં એટલે તારા સામે જોયું કે સમીરે કાળા ચશ્મા અને તે પણ ઘરમાં શા માટે પહેર્યા છે પણ તું પણ ન સમજી ”મેં ચ્હાનો કપ ડાઇનિન્ગ ટેબલ પર મુકતા કહ્યું
“મને કબલ છે પપ્પા છમીલકાકાની આંકો ડુકે છે એટે કેમ નઇ મમ્મી…?અમારી વાતો સાંભળતી વાસંતીએ સ્મિતા પાસે દોડી જઇને પોતાના બન્ને  હાથ સ્મિતાના ગાલ ઉપર મુકી પુછ્યું
“ઓહ!! એતો કહેતા ભૂલી જ ગઇ સમીરભાઇની આંખો આવી ગઇ છે.”
        હું ફરી ખડખડાટ હસ્યો અને સ્મિતા કંઇક મુજવણમાં અને કંઇક ચીડાઇને કહ્યું
“એમાં હસવા જેવું શું છે?” મેં માંડ હસવું રોકયું અને કહ્યું
“હું તારા પર કે સમીર પર નથી હસ્તો…..હં…..હં…હં…..ઓ…મા….પણ આ…આપણી ભાષા ઉપર હસું છું…”માંડ રોકાયેલું હાસ્ય કો બંધ તૂટ્યો હોય ને ઘોડાપૂર આવે તેમ ફરી
વહેતું થયું. થોડીવારે સ્વસ્થ થતાં આંખે આવેલ પાણી લુછતા કહ્યું “કેવો વિચિત્ર શબ્દપ્રયોગ આંખો આવવી?”
    આટલીવારથી ક્યારેક મને ક્યારેક સમીરને તો ક્યારેક પોતાની મમ્મી સામે જોતી વાસંતીએ ફરી સ્મિતાના બન્નેં ગાલ પર હાથ મુઇને કહ્યું”તે…છમીલકાકાને આંકો નતી….અતી..અતી..અતીને મમ્મી?”
“હતી હો બેન હવે તું રમવા જા”સ્મિતાએ સ્વસ્થ થતાં કહ્યું
“નારે ના પહેલાં તારા સમીરકાકાને આંખો ન્હોતી હવે આવી છે તારી મમ્મીની કમનીય કાયાના રૂપરંગ જોવાની આંખો..”મારા મેલું મન બોલ્યું
      .હું ફરી હસી પડત પણ સ્મિતાના ચહેરાના વિચિત્ર હાવભાવથી મેં મારી જાતને સંભાળી.મને તેણીના ચહેરાના પરથી લાગ્યું કે,તેણી મારા કટાક્ષમાં અને મારા હાસ્યનું બોદાપણું પારખી ગઇ છે.મારા શરીરમાંથી આછી કંપારી પગથી માથા સુધી પસાર થઇ ગઇ એટલે સ્વસ્થ થવા મેં સિગારેટ સળગાવી.
“કેમ વકીલ સાહેબ….”સ્મિતા મને આગળ પુછે તે પહેલાં જ સમીર અમને એકાંત આપવા ચાલતો થયો એ તેની આદત હતી અને સ્મિતાનો પ્રશ્ન અધ્ધર રહી ગયો જે વાળતા તેણીએ સમીરને પુછ્યું
“કેમ? ક્યાં સુધી જવું છે?”
“ભાભી…સાડાચાર થયા છે ને પાંચ વાગે પેલા પાવરી એન્ડ કંપની સાથે મારી એપોઇન્ટ્મેન્ટ છે,પેલી નારાયણ નગર સોસાયટી બાબત”કાંડા ઘડિયાળ સામે જોતા સમીરે કહ્યું

(ક્રમશ)