ચોતરફ

“ચોતરફ”

મન હતું ગોબાયલા કો ઠામ જેવું ચોતરફ;
જ્યાં પડી તિરાડ લોહી વહી રહ્યું છે ચોતરફ
જ્યાં સબંધોની હતી ભરમાર ત્યાં નજરે પડે
ભય તણો ઓથાર ને સુનકાર વ્યાપ્યો ચોતરફ
મધ ભરેલી મીઠડી એ ઊંઘ જાણે ક્યાં ગઇ
ત્યાં અજંપાથી ભરેલી રાત દીઠી ચોતરફ
મન તણાં ઊંડાણમાં શું શું કહો છાનું રહે?
ભીંત પડવાની મને ભીતી દિશે છે ચોતરફ
ના કશું કહેવાય છે કે ના કશું સહેવાય છે
પણ “ધુફારી”ને કહો આ કોણ કરતું ચોતરફ

૧૭/૦૫/૨૦૧૧

આમ તું મળશે

“આમ તું મળશે”

સખી  મળવું  હતું  તુજને  નધાર્યું આમ તું  મળશે;
હશે એ  એક  માર્ગી  રાહ  તું  પાછી  નહીં  વળશે.
ભરાતા  હર  કદમમાંથી  ટપકતી  જોઇ મેં દ્વિધા;
અને ત્યાં કસમકસ  દીઠી નધાર્યું  આમ તું મળશે.
હતી જે લાલસા તારી મરી ગઇ કયારની તો પણઃ
ખભે લઇ  લાશ તું એની  ન  ધાર્યું આમ  તું મળશે.
નયનના દ્વારથી  વહેતી મને   ભાસે પીગળતી તું;
અશ્રુ  અંગાર  સમ ભાસે  ન  ધાર્યું આમ  તું મળશે,
સમય  કેરા  સપાટામાં  થસે  તારી  દશા  આવી;
હશે  તું  બંધને  બાંધી  ન  ધાર્યું  આમ  તું  મળશે.
અચાનક  આમ  તું  મારી  નજર સામે ખરી પડશે;
 “ધુફારી” હાથ  ના આવે  ન ધાર્યું  આમ તું મળશે.

૧૭-૫-૨૦૧૧