તું રોજ સતાવે છે

“તું રોજ સતાવે છે”

(રાગઃકિસ મોડસે જાતે હૈ… … … … ફિલ્મ આંધી)

તું રોજ સતાવે છે
કદી પનઘટના ઘાટે,કદી મથુરાની વાટે;
વૄંદા કેરા વનમાં,કદી કદમની ડાળેઃ
બંસીની ધુન છેડી તું રોજ સતાવે છે…. ….તું રોજ સતાવે છે
તારી માતા જશોદાએ,ખોટા લાડ લડાવીને;
પેલી રાધા રાણીએ,તને રંગે રમાડીને;
એ નખરાળીના નખરે,નટખટ થઇને તું;
બંસીની ધુન છેડી તું રોજ સતાવે છે…. ….તું રોજ સતાવે છે
તારા બંસીના સુરથી,તેં કામણ શા કીધા?
મન મોહ્યા તેં મોહન,તેં ચિત્ત ચોરી લીધા;
ના વાગે વિરહ લાગે,ના વાગે નયન જાગે;
બંસીની ધુન છેડી તું રોજ સતાવે છે…. ….તું રોજ સતાવે છે
તેં વાંસના કટકામાં શું જાદુ ભરી દીધા?
એક ફૂંક ભરીને તેં સુર કામણ શા કીધા;
પેલી રાધાને કાજે,મન સૌના વસ કિધા;
બંસીની ધુન છેડી તું રોજ સતાવે છે…. ….તું રોજ સતાવે છે

૧૩/૦૪/૨૦૦૮-૩૦/૦૩/૨૦૧૧

ગિરજાશંકર

“ગિરજાશંકર”

ગિરજાશંકર અને હું એક જ કંપનીમાં કામ કરતા હતા હું એકાઉન્ટ સેક્શનમાં હતો અને ગિરજાશંકર કપાસિયા સેકશનમાં હતા. કપાસિયા સેકશનના ઇનચાર્જ ધારશીભાઇને અચાનક દેશમાં(પોતાના ગામ) જવાનું થતાં અમારા આસિસ્ટંટ મેનેજરે મને કપાસિયા સેક્શનનો ચાર્જ સંભાળી લેવા જણાવ્યું.
મેં અમારા આસિસ્ટંટ મેનેજરને કહ્યું

“મને ત્યાં શું કામ મોકલાવો છો ત્યાં ગિરજાશંકરભાઇ છે તેમને ચાર્જ સોંપી એક આસિસ્ટંટ આપો ને”
અમારા આસિસ્ટંટ મેનેજર હસ્યા “તમે ત્યાં ચાર્જ સંભાળો બે દિવસ ત્યાં રહો બધું સમજાઇ જશે”
જ્યારે મેં સેકશનનો ચાર્જ સંભાળ્યો ત્યારે મને જરા અજુગતું તો લાગ્યું કારણ કે, ગિરજાશંકર મારાથી લગભગ બમણી ઉમરના હતા.બે દિવસ બાદ ગિરજાશંકરના વર્તન અને વહેવાર અને કામ કરવાની સમજણ જોઇ ત્યારે મારા હેડની વાત સાચી લાગી. ગિરજાશંકર ચિંધ્યું કામ કરી શકે સ્વબળે કાંઇ પણ કરવા અસમર્થ હતા.
ખાદીનો ઝભ્ભો,ખાદીનું ધોતિયું.માથાના વચ્ચેના વાળ ગાયબ હતા અને બાકી આજુ બાજુ બચેલા કંઇક કાળા કંઇક સફેદ હતા એકદમ જથ્થર શરીર અને એક પગથી ખોડંગાતા ચાલતા જેના લીધે તેમની જનોઇમાં બાંધેલ ચાવીના ઝૂડામાંથી ઉત્‍પન્ન થતો છનનન છન અવાઝ કોઇ મદમાતી માનુનીના ઝાંઝરના શબ્દનો વહેમ ઊભો કરે.
ખાવાના ગજબના શોખીન તેથી આખા શહેરમાં કઇ વસ્તુ ક્યાં સારી મળે છે તેની સંપૂર્ણ માહિતિ તેમના પાસેથી મળે.અમારા સ્ટાફ મેશમાં પહેલી પંગતમાં અને તે પણ દરવાજાની બાજુમાં પહેલે પાટલે બેસીને જમવાની ટેવ અને જમણ દરમ્યાન સતત બધાની થાળી પર નજર ફરતી હોય કે બધાને પિરસાયું છે એ જ તેમને પિરસાયું છે કે કેમ?
જમ્યા બાદ પણ છેલ્લે કોગળે,બીજી પંગતમાં પોતે જમ્યા એ જ પિરસાયું કે, કશો ફેરફાર છે એ અવલોકન કરવાની ટેવ કે કુટેવ,પછી એ ચટણી જ કેમ ન હોય,એના માટે મહારાજ પાસેથી એક રોટલી અને ચટણી લઇ ખાતા બિલકુલ શરમાય નહીં.અરે!! હા “બિલકુલ” એ તેમનો પ્રિય શબ્દ
કોઇ પણ વાતમાં તેમનો અભિપ્રાય માંગો અને તેમને અવઢવ થતી હોય તો એક જ શબ્દમાં જવાબ આપે “બિલકુલ” મેં એક દિવસ એ શબ્દનો ખુલાસો માંગ્યો કે “તમે દરકે વાતનો જવાબ બિલકુલ કેમ આપો છો?” તો મને કહે “બિલકુલનો મતલબ બિલકુલ હા પણ થાય અને બિલકુલ ના પણ થાય” કહી પોતાની ચતુરાઇ પર હસેલા.
રસોઇ માટે જો અભિપ્રાય માંગો તો તો ખુશખુશાલ થઇ જાય અને પછી તેમની પત્ની મનોરમા શું શું સરસ બનાવે તેનું વર્ણન ખુબ લડાવી લડાવીને લંબાણથી અને રસપૂર્વક કરે અને સાથો સાથ તેમના દીકરા મનોજનો ઉલ્લેખ તો જરૂર આવે પછી મનોજ કઇ કઇ રમત રમવામાં ખુબ પાવરધો છે તેનું વર્ણન પણ ખુબ લડાવી લડાવીને લંબાણથી એટલા જ રસપૂર્વક કરે.આ વાત હું અહિં આવ્યો ત્યારથી લગભગ પાંચ વખત સાંભળી ચુક્યો છું.
અમારા મેશના બારણાં પાસે બે કુતરા બેસતાં.તેના ગિરજાશંકરે વંકો અને મગો એમ નામ પાડેલા,એ બન્‍ને કુતરા તેમના સાથે બહુજ ગેલ કરે.બપોરે અને રાત્રે તેઓ મેશની પરસાળમાં બેસી બીડી પીએ.બપોરે તો પાછું ફરજ ઉપર જવાનું હોય એટલે ખાસ સમય નહોય પણ રાત્રે જમી લીધા બાદ બન્‍ને કુતરાને રમાડે.વંકો બસ સામે બેસી ને તેમને જોયા કરે ક્યારેક ઝભ્ભાની બાંય ખેંચે,જ્યારે મગો તેમના ખોળામાં માથું ઘાલી લાડ કરે ત્યારે હડસેલો મારતાં કહે “મારામાં ક્યાં ભરાય છે,બહુ ટાઢ વાતી હોય તો જા ને મીલમાં કામ કર પૈસા મળશે તો ડગલો શિવડાવી દઇશ.”
તે દિવસે બળેવ હતી.બપોરનો સમય અને ગ્રાહક ન હોવાથી હું જરા ભારે ખોરાકની અસર હેઠળ મારી ખુરશીમાં લંબાઇને આંખો બંધ કરીને બેઠો હતો,ત્યાં છનનન છન છનનન છન ગિરજાશંકરના આગમનની છડી પોકારાઈ.
“ગિરજાશંકર જમી આવ્યા?”
“હો…..પહેલી પંગતમાં પહેલે નંબરે એમાં રાહ શું જોવાની હોય??”
“આજે મહારાજે પુરણપોડી  બહુ સરસ બનાવી હતી નહીં?”
“બિલકુલ”
“એટલે?”
“બિલકુલ”
“એમ દુધ-દહીં બન્‍નેમાં પગ રાખીને વાત ન કરો બિલકુલ એટલે બિલકુલ “હા” કે બિલકુલ “ના”
“અં….બિલકુલ”
“એટલે કે ઠીક ઠીક હતી બરાબરને?,પાપડ તળેલા જ સારા લાગે નહીં?”
“પાપડ તો મળે છે ચિત્રા ટૉકિઝ પાસે દશ પૈસામાં એ…..ને આવડો મોટો તળેલો અને ઉપર મરી મીઠું છાંટેલો” કહી સવા-દોઢ ફૂટ જેટલા હાથ પહોળા કરી બતાવ્યું
“જોકે રસોઇ આજે મનોરમાની…….”
“બસ….બસ….બસ…..ભાભીની વાતે ચડી જશો તો,રસોઇમાં ભાભી શું શું સરસ બનાવે અને તમારા મનોજને કઇ રમત સરસ રમતાં આવડે એવી બધી વાતોનો પાર નહીં આવે અને સાંજ પડી જશે….પેલો સેલ્સ રિપોર્ટ બનાવ્યો?”
“હા…ને ક્યારનો…..તમે સહી કરો એટલે ઓફિસમાં આપી આવું”
રિપોર્ટમાં મેં સહી કરી એટલે ડુપ્લિકેટ ફાઇલ કરી ઓરિજીનલ લઇને ગિરજાશંકર ચાલતા થયા એટલે ઝુડો છનનન છન છનનન છન વાગ્યો એટલે મારૂં ધ્યાન ઝુડા સામે જતાં હું ચમકી ગયો મેં બુમ પાડી
“ગિરજાશંકર…”
“જી”
“અહિં આવો તો જરા”
તેઓ મારી બાજુમાં આવી ઊભા રહ્યા.
“હાં…બોલો”
“તમે પરણેલા છો?”
ગિરજાશંકર ચમક્યા અને એક્દમ સ્તબ્ધ થઇ થોથવાતા કહ્યું
“હા…….આ….આ…ને”
“તો આ જનોઇ એકવડી કેમ?”
તેમના ચહેરા પર કરૂણતા લીપાઈ ગઈ અને આંખમાં પાણી.તેમની કરૂણતાની વાર્તા એવી હતી કે,તેમનાથી મોટા બે ભાઈ હજુ કુંવારા હતા અને સૌથી મોટાભાઇએ એક રખાત રાખેલી તે તેમના સાથે જ રહેતી હતી અને સૌ ઉપર પોતાની મન માની કરતી હતી એટલે તો તેઓ ઓફ સીઝનમાં પણ અહીં જ રહેતા હતા અને પોતાની એક કાલ્પનિક દુનિયામાં રાચતા હતા જેની કોઇને આજ દિવસ સુધી ખબર નથી.

30/૦૩/૨૦૧૧