“રંભા” (૪)

“રંભા” (૪)

(ગતાંકથી ચાલુ)

દિવસ નદીના પ્રવાહ સમ પસાર થતાં ગયા.એક દિવસ ઓફિસેથી આવ્યો તો કસ્તુરીને ન જોતાં બાળકોના રૂમમાં ગયો.વિભા બાળકોનો કબાટ સરખો ગોઠ્વતી હતી.મેં તેણીને પુછ્યું

“બેટા તારી મમ્મી ક્યાં છે?”

“રંભા આન્ટીને રોહિત અંકલ હોસ્પિટલ લઇ ગયા છે મમ્મી પણ તેમના સાથે ગઇ છે,હું કોફી બનાવી દઉ?”

“ના બેટા ક્યાંક દાઝી જઇશ તો?હું બનાવી લઉ છું” કહી હું ફ્રેશ થવા ગયો.બહાર આવ્યો તો વિભાએ કોફી બનાવીને ટેબલ ઉપર મુકી.

“તેં કોફી બનાવી…???”મેં આશ્ચર્યથી પુછ્યું

“મને તો રસોઇ બનાવતા પણ આવડે છે. હું ઘણીવાર મમ્મીને શાક અને દાળનો વઘાર પણ કરી આપુ છું અને રોટલીઓ પણ વણી આપું છું”તેણીએ આંખો નચાવતાં મને કહ્યું.

“વાહ્!તું તો ઘણી સમજદાર થઇ ગઇ દીકરી…”મેં તેણીને પાસે ખેંચી માથા પર હાથ ફેરવતા કહ્યું અને મારી આંખો હર્ષથી છલકાઇ.

“ડાહ્યા છોકરા રડતાં સારા ન લાગે….”તેણીએ મારી આંખ લુછતાં કહ્યું.

“હા..મારી…મા..હા,,,”કહી મેં તેણીને ચુમી તો બન્‍ને હાથ કમર પર મુકીને કહ્યું.

“બસ બસ બહુ થયું જાજા મસ્કા મારવાની જરૂર નથી ચાલો જટપટ કોફી પી લો નહિતર ઠંડી થઇ જશે”

“તારી મમ્મીની નકલ કરે છે  ચિબાવલી….”કહી મેં કોફીનો કપ મોઢે માંડ્યો.ખરેખર તેણીએ સરસ કોફી બનાવી હતી.હું કોફી પીતો હતો ત્યાં ટેલિફોન રણક્યો જે વિભાએ ઉપાડ્યો.

“હલ્લો…કોણ મમ્મી…???”

“… … ….”

“પપ્પા મમ્મીનો ફોન છે..”મને રીસીવર આપતાં કહ્યું

“હા બોલ કસ્તુરી…?”

“………….”

“વાહ!બેબી આવી???બન્‍નેની તબિયત કેમ છે..?

“…………..”

“તો રસોઇનું શું????”

“……………”

“ઓકે કહી દઉ છું”કહેતાં મેં ફોન મુકી વિભાને કહ્યું

“રંભા આન્ટીને બેબી આવી છે ને તારી મમ્મીએ કહ્યું છે વિભાને કહેજો કે,રંભા આન્ટીના ઘરની ચાવી લઇને એમના ઘેર બેસે અને ઓલી રસોઇ કરવાવાળી બાઇ આવે તો મને ફોન કરે”

“એટલે એનો મતલબ આપણને રંભા આન્ટીના ઘેર જ જમવાનું છે એમને??”વિભા એ વાત કાપતા કહ્યું

“હા…”

અમારે ત્યાં રહેતી રોહિતભાઇના ઘરની ડુપ્લિકેટ ચાવી લઇને વિભા રોહિતભાઇને ત્યાં ગઇ હું મારા લેપટોપ પર મેઇલ ચેક કરતો હતો.મેં લેપટોપ બંધ કર્યો તે જ વખતે બેલ વાગી.એટલે મેં દરવાજો ખોલ્યો તો મારી બાજુમાંથી પસાર થઇ ફસ કરતીક કસ્તુરી સોફા પર બેઠી.

“કેમ છે મા દીકરી?????” મેં સોફા પર બેઠેલી કસ્તુરીને પાણી આપતાં પુછ્યું

“બન્‍ને બરાબર છે,રંભાની દીકરી ગલગોટા જેવી ગટુકડ઼ી ને મીઠડી છે.”

“હં……” કસ્તુરીનો અવાજ સાંભળી વિભા આવી

“મમ્મી પપ્પા ચાલો રોહિત અંકલ ને રંભા આન્ટીના મમ્મી પપ્પા આવી ગયાછે સૌ જમવા બેસે છે અને આપણને જમવા બોલાવે છે.”કહી વિભા જતી રહી.

“હા પહેલાં જમવાનું પતાવીએ…….”કહી મેં કસ્તુરીનો હાથ પકડીને ઊભી કરી.

જમવા દરમ્યાન હોસ્પિટલની અને નવજાત બેબીની જ વાતો થતી હતી.જમવાનું પુરૂ થતાં રંભાની મમ્મીએ કહ્યું

“કસ્તુરીબેન તમારે હવે આરામ કરવો જોઇએ હોસ્પિટલમાં આખો દિવસ ખડે પગે રહ્યાનો થાક લાગ્યો હશે…”

“હા..હા..હવે તમારે આરામ કરવો જોઇએ અમે છીએને….? ફીકર નહી કરતાં..”રંભાની સાસુએ સૂર પુરાવ્યો.

“જયશ્રી કૃષ્ણ…”કહી અમે ઘરમાં આવ્યા. કસ્તુરી તો પલંગમાં પડતાં પહેલા જ વિભાને સુચના આપતા કહ્યું

“તને ઊંઘ આવે ત્યારે સુઇ જજે, કામ વગર………”

“હા…હા..હું સમજી ગઇ તને ડિસ્ટર્બ નહીં કરવાની વગેરે વગેરે…..તું તારે સુઇજા”વચ્ચે વાત કાપતા વિભાએ કહ્યું

એક અઠવાડિયા પછી નામકરણ થવાનું  હતું.જ્યોતિષે જણાવેલ રાશી વૃષભ પ્રમાણે ત્રણ અક્ષર “ બ.વ.ઉ.”માંથી “બ” અક્ષર પરથી બિન્દુ નામ પાડવું એમ સર્વાનુમતે નક્કી થયું.રોહિતભાઇને કોઇ બહેન હતી નહી એટલે રોહિતભાઇની મમ્મીએ કહ્યું કસ્તુરી ફઇની ફરજ બજાવી નામાકરણ કરે.

દિવસોનો પ્રવાહ વહેતો હતો. બાળકો સ્કૂલમાંથી આવી હોમવર્ક કરીને ટીવી જોતા ક્યારેક બિન્દુને રમાડવા જતા.સમય સાથે એ બેસતાં અને પછી ભાંખોડિયા ભરતા,ભીંતના આધારે ચાલતા શીખી અને વાતો કરતા શીખી ત્યારે પરિક્ષાઓની તૈયારીમાં બાળકોને તેણીને રમાડવાનો ઓછો સમય મળતો. બાળકો સાથે રમવા ટેવાયલી બાળકોના રૂમ સુધી જવા લાગી.બાળકોની પરિક્ષા પુરી થઇ કે બીજા દિવસ થી જ બાળકો દાદીને મળવા અધીરા થઇ ગયા.

દિલ્હીમાં સતત વ્યસ્તતાને લીધે બધું ડિસ્ટર્બ થઇ ગયું હતું,ન પુરી ઉંઘ થતી હતી ન જમવાનું ઠેકાણું હતું તેથી ભારણ વધી ગયું હતું. ૧૫મીએ ઘેર આવ્યો હતો. કપડાં બદલી ને સોફામાં જ લંબાવ્યું.થાકના અને ઊંઘના ભારણને લીધે કેટલા વાગ્યા તેનો પણ ખ્યાલ ન રહ્યો.

એકાએક મારો મોબાઇલ રણક્યો.અર્ધી ઊંઘમાં જ મેં મોબાઇલ કાને ધર્યો

“હલ્લો…..”

“કિશોરભાઇ….ક્યાં છો?.”

“ઘરમાં જ છું……”કહેતાં મેં સોફામાંથી ઊભા થઇ દરવાજો ખોલ્યો

“કેમ પાર્ટીમાં ન આવ્યા….?”

“…………”મેં કાંડા ઘડિયાળમાં જોયું સાડા અગ્યાર થયા હતા

“આતો મારા પપ્પાએ તમારી પુછા કરી એટલે…”

“એટલે હું યાદ આવ્યો ખરૂં ને?”

“તમને માઠું લાગ્યું…?? આઇ એમ સોરી….”

“……………..”

“ચાલોને પાર્ટી હજુ ચાલુ જ છે”

“તો….?”એક ધારદાર નજર કરીને મેં પુછ્યું

“તમને વહેલા ન જગાડ્યા એટલે માઠું લાગ્યું???આઇ એમ સોરી…”

“જો રંભા અત્યારે ઘરમાં કોઇ નથી અત્યારે હું તારા સાથે કશું અજુગતુ કરૂં અને પછી કહું સોરી તો ચાલે??”

“તે કરોને….”

“……………”હુંદિગ્મુઢ સમ તેણીને જોઇ રહ્યો

“કિશોરભાઇ પ્લી….ઝ…”કહી તેણી ખડખડાટ હસી

હું દોડીને બાથરૂમમાં ભરાઇ ગયો કેટલી વાર પછી મારો દરવાજો બંધ થવાનો અવાઝ સાંભળી હું બહાર આવ્યો.મેં મારી ટ્રાવેલિન્ગ બેગ ઉપાડી.નવા ઘરની ચાવી લઇને નીચે આવ્યો અને ગાડી દિનેશના ઘર તરફ વાળી.દિનેશના ઘરની લાઇટ ચાલુ જોઇ ધરપત થઇ.તેના ઘરની બેલ મારી અને મને દરવાજામાં ઊભેલો જોઇ પુછ્યું

“કેમ આટલી મોડી રાતે?”

“હા….”

“અરે!! પણ તેમને ઘરમાં તો આવવા દો” પાણીનો ગ્લાસ લઇ ઉભેલા સવિતા ભાભી એ દિનેશને ટકોર કરી

ટ્રાવેલિન્ગ બેગ બાજુમાં મુકી ભાભીના હાથનો ગ્લાસ લઇ પાણી પીધું ત્યાં દિનેશએ પુછ્યું “કોફી ચાલશેને????”

“નહીં સાથે ખાવા પણ કશુંક જોઇશે”

“શું બનાવી આપું બટેટા-પૌઆ કે સેન્ડવિચ કે બીજુ કંઇક?”

“એમ કરો ટોસ્ટ સેન્ડવિચ બનાવી આપો”

“કેમ અત્યારે ને એકલો આવ્યો બાકીના બધા ક્યાં છે?”

“ચિંચવડ”

“એટલે ઘર ક્સ્તુરીભાભી વગર બટકા ભરતું હતું એમ ને?”

ટોસ્ટ સેન્ડવિચ અને કોફી પુરી કરી બન્‍ને મિત્રો અહીં ત્યાંની ઘણી વાતો કરી અને બીજા દિવસે સવારના તૈયાર થઇને મેં મારી ટ્રાવેલિન્ગ બેગ સંભાળી અને દિનેશને પંકજ પ્લાઝા વાળા ફ્લેટમાંનો બધો સમાન બ્લુ-ડાયમંડવાળા ફ્લેટમાં શિફ્ટ કરાવવા તેને એ નવા ફલેટની અને હાલના ઘરની ચાવીઓ સોંપી

“પણ તું હાજર રહેજે ને બન્‍ને સાથે રહીને સમેટશું”

“જો મારે હાજર રહેવું હોય તો તને શા માટે કહું જો તને વાંધો હોય તો અશોકને આ કામ માટે વાત કરૂં”

“કમાલ છે ને નાની અમસ્થી વાતમાં નારાજ ન થા સામાન સિફ્ટ થઇ ગયા પછી ચાવી તને ચિંચવડ આપી જઇશ બસ”

બે દિવસ પછી દિનેશ અને સવિતાભાભી સવારમાં જ ચિંચવડ આવ્યા.ચ્હા પાણી થઇ ગયા પછી દિનેશે મને જુના અને નવા ઘરની ચાવીઓ સોંપી ત્યારે કસ્તુરીએ પુછ્યું

“શેની ચાવીઓ છે?”

“આપણો સામાન પંકજ-પ્લાઝામાંથી બ્લુ-ડાયમન્ડમાં સિફ્ટ થઇ ગયો છે”

“અરે! તમે મને કહ્યું નહી…”

“સામાન ગોઠવતાં આપણને ઘણો સમય મળશે ત્યારે વાત કરવા કંઇક વિષય તો જોઇશે કે નહીં?”

“હં……”મારી વાતમાં કશોક ભેદ છે એ સમજી તેણીએ વાત બદલી

“સવિતા ભાભી તમને શેનું શાક ભાવશે અહીં ઘણી બધી જાતના શાક ભાજી છે”

“ભીંડાનું….”

બપોરના જમી અને ધનકુંવરબેનની રજા લઇને દિનેશ અને મારી ગાડી મુંબઇ જવા ઉપડી.દિનેશે ચિંચવડમાં મારી અને કસ્તુરીની વાત સાંભળેલી તેથી પોતાના ઘેર ગયો અને અમે નવા ઘરમાં આવ્યા.સૌથી પહેલા કિચનના કાર્ટુન ખુલ્યા અને વિભા અને અનુપે ગોઠવણી કરવા માંડી.મેં ગેસનું કનેક્શન જોડ્યું અને ત્યાં સુધી નજીકની સુપર-શોપીમાંથી વિભા દુધના પેકેટ લઇ આવી એટલે બાળકો માટે ઓવેલટીન અને અમારા માટે કોફી બનાવી  અને પાછા કામે વળગ્યા.

રાત્રે બાળકોની ફરમાઇસ પર પિત્ઝા મંગાવી. તે ખાઇ લીધા બાદ વિભા અનુપ,કેતકી અને ગૌરાંગને સુવળાવવા લઇ ગઇ.લગભગ સમાન પહેલેથી તૈયાર કરાવેલ ફર્નિચર અને કેબીનેટોમાં ગોઠવાઇ ગયું

રાતના દશ વાગે બાળકોને પોતાના રૂમમાં મોકલાવી  અમે અમારા રૂમ તરફ વળ્યા અને એકાંત મળતા મારી બાજુમાં ભરાઇને આજ સવારથી તેણી મગજમાં ઘુમરાતો સવાલ કસ્તુરીએ કર્યો

“એવું શું થયું કે કોઇને હાજર રાખ્યા વગર દિનેશભાઇ માર્ફત સામાન સિફ્ટ કરાવ્યો?”

મેં તેણીને દિલ્હી માટે ચિંચવડથી નીકળી દિલ્હીથી આવ્યા બાદ રંભાની માંગણી દિનેશના ઘેર રાત વાસો અને ફરી ચિંચવડ આવ્યા સુધીની બધી વાત વિગતવાર કરી તે સાંભળી ક્સ્તુરી અવાક થઇ ગઇ. એટલામાં કસ્તુરીના ભાગ્યે જ વપરાતા મોબાઇલની ઘંટી રણકી રંભાનો નંબર જોઇ કોઇપણ ઓપચારિકતા વગર કસ્તુરીએ કહ્યું

“ઓ!!વિષકન્યા ફરીથી આ નંબર ઉપર ફોન કરી અમારી શાંતિનો ભંગ ન કરજે અને હા!! એ ભુલી જજે કે ક્યારેક અમે તારા પડોશી હતા”

(સંપુર્ણ)