Posted on March 30, 2011 by dhufari

“તું રોજ સતાવે છે”
(રાગઃકિસ મોડસે જાતે હૈ… … … … ફિલ્મ આંધી)
તું રોજ સતાવે છે
કદી પનઘટના ઘાટે,કદી મથુરાની વાટે;
વૄંદા કેરા વનમાં,કદી કદમની ડાળેઃ
બંસીની ધુન છેડી તું રોજ સતાવે છે…. ….તું રોજ સતાવે છે
તારી માતા જશોદાએ,ખોટા લાડ લડાવીને;
પેલી રાધા રાણીએ,તને રંગે રમાડીને;
એ નખરાળીના નખરે,નટખટ થઇને તું;
બંસીની ધુન છેડી તું રોજ સતાવે છે…. ….તું રોજ સતાવે છે
તારા બંસીના સુરથી,તેં કામણ શા કીધા?
મન મોહ્યા તેં મોહન,તેં ચિત્ત ચોરી લીધા;
ના વાગે વિરહ લાગે,ના વાગે નયન જાગે;
બંસીની ધુન છેડી તું રોજ સતાવે છે…. ….તું રોજ સતાવે છે
તેં વાંસના કટકામાં શું જાદુ ભરી દીધા?
એક ફૂંક ભરીને તેં સુર કામણ શા કીધા;
પેલી રાધાને કાજે,મન સૌના વસ કિધા;
બંસીની ધુન છેડી તું રોજ સતાવે છે…. ….તું રોજ સતાવે છે
૧૩/૦૪/૨૦૦૮-૩૦/૦૩/૨૦૧૧
Filed under: Poem | Leave a comment »
Posted on March 30, 2011 by dhufari
“ગિરજાશંકર”
ગિરજાશંકર અને હું એક જ કંપનીમાં કામ કરતા હતા હું એકાઉન્ટ સેક્શનમાં હતો અને ગિરજાશંકર કપાસિયા સેકશનમાં હતા. કપાસિયા સેકશનના ઇનચાર્જ ધારશીભાઇને અચાનક દેશમાં(પોતાના ગામ) જવાનું થતાં અમારા આસિસ્ટંટ મેનેજરે મને કપાસિયા સેક્શનનો ચાર્જ સંભાળી લેવા જણાવ્યું.
મેં અમારા આસિસ્ટંટ મેનેજરને કહ્યું
“મને ત્યાં શું કામ મોકલાવો છો ત્યાં ગિરજાશંકરભાઇ છે તેમને ચાર્જ સોંપી એક આસિસ્ટંટ આપો ને”
અમારા આસિસ્ટંટ મેનેજર હસ્યા “તમે ત્યાં ચાર્જ સંભાળો બે દિવસ ત્યાં રહો બધું સમજાઇ જશે”
જ્યારે મેં સેકશનનો ચાર્જ સંભાળ્યો ત્યારે મને જરા અજુગતું તો લાગ્યું કારણ કે, ગિરજાશંકર મારાથી લગભગ બમણી ઉમરના હતા.બે દિવસ બાદ ગિરજાશંકરના વર્તન અને વહેવાર અને કામ કરવાની સમજણ જોઇ ત્યારે મારા હેડની વાત સાચી લાગી. ગિરજાશંકર ચિંધ્યું કામ કરી શકે સ્વબળે કાંઇ પણ કરવા અસમર્થ હતા.
ખાદીનો ઝભ્ભો,ખાદીનું ધોતિયું.માથાના વચ્ચેના વાળ ગાયબ હતા અને બાકી આજુ બાજુ બચેલા કંઇક કાળા કંઇક સફેદ હતા એકદમ જથ્થર શરીર અને એક પગથી ખોડંગાતા ચાલતા જેના લીધે તેમની જનોઇમાં બાંધેલ ચાવીના ઝૂડામાંથી ઉત્પન્ન થતો છનનન છન અવાઝ કોઇ મદમાતી માનુનીના ઝાંઝરના શબ્દનો વહેમ ઊભો કરે.
ખાવાના ગજબના શોખીન તેથી આખા શહેરમાં કઇ વસ્તુ ક્યાં સારી મળે છે તેની સંપૂર્ણ માહિતિ તેમના પાસેથી મળે.અમારા સ્ટાફ મેશમાં પહેલી પંગતમાં અને તે પણ દરવાજાની બાજુમાં પહેલે પાટલે બેસીને જમવાની ટેવ અને જમણ દરમ્યાન સતત બધાની થાળી પર નજર ફરતી હોય કે બધાને પિરસાયું છે એ જ તેમને પિરસાયું છે કે કેમ?
જમ્યા બાદ પણ છેલ્લે કોગળે,બીજી પંગતમાં પોતે જમ્યા એ જ પિરસાયું કે, કશો ફેરફાર છે એ અવલોકન કરવાની ટેવ કે કુટેવ,પછી એ ચટણી જ કેમ ન હોય,એના માટે મહારાજ પાસેથી એક રોટલી અને ચટણી લઇ ખાતા બિલકુલ શરમાય નહીં.અરે!! હા “બિલકુલ” એ તેમનો પ્રિય શબ્દ
કોઇ પણ વાતમાં તેમનો અભિપ્રાય માંગો અને તેમને અવઢવ થતી હોય તો એક જ શબ્દમાં જવાબ આપે “બિલકુલ” મેં એક દિવસ એ શબ્દનો ખુલાસો માંગ્યો કે “તમે દરકે વાતનો જવાબ બિલકુલ કેમ આપો છો?” તો મને કહે “બિલકુલનો મતલબ બિલકુલ હા પણ થાય અને બિલકુલ ના પણ થાય” કહી પોતાની ચતુરાઇ પર હસેલા.
રસોઇ માટે જો અભિપ્રાય માંગો તો તો ખુશખુશાલ થઇ જાય અને પછી તેમની પત્ની મનોરમા શું શું સરસ બનાવે તેનું વર્ણન ખુબ લડાવી લડાવીને લંબાણથી અને રસપૂર્વક કરે અને સાથો સાથ તેમના દીકરા મનોજનો ઉલ્લેખ તો જરૂર આવે પછી મનોજ કઇ કઇ રમત રમવામાં ખુબ પાવરધો છે તેનું વર્ણન પણ ખુબ લડાવી લડાવીને લંબાણથી એટલા જ રસપૂર્વક કરે.આ વાત હું અહિં આવ્યો ત્યારથી લગભગ પાંચ વખત સાંભળી ચુક્યો છું.
અમારા મેશના બારણાં પાસે બે કુતરા બેસતાં.તેના ગિરજાશંકરે વંકો અને મગો એમ નામ પાડેલા,એ બન્ને કુતરા તેમના સાથે બહુજ ગેલ કરે.બપોરે અને રાત્રે તેઓ મેશની પરસાળમાં બેસી બીડી પીએ.બપોરે તો પાછું ફરજ ઉપર જવાનું હોય એટલે ખાસ સમય નહોય પણ રાત્રે જમી લીધા બાદ બન્ને કુતરાને રમાડે.વંકો બસ સામે બેસી ને તેમને જોયા કરે ક્યારેક ઝભ્ભાની બાંય ખેંચે,જ્યારે મગો તેમના ખોળામાં માથું ઘાલી લાડ કરે ત્યારે હડસેલો મારતાં કહે “મારામાં ક્યાં ભરાય છે,બહુ ટાઢ વાતી હોય તો જા ને મીલમાં કામ કર પૈસા મળશે તો ડગલો શિવડાવી દઇશ.”
તે દિવસે બળેવ હતી.બપોરનો સમય અને ગ્રાહક ન હોવાથી હું જરા ભારે ખોરાકની અસર હેઠળ મારી ખુરશીમાં લંબાઇને આંખો બંધ કરીને બેઠો હતો,ત્યાં છનનન છન છનનન છન ગિરજાશંકરના આગમનની છડી પોકારાઈ.
“ગિરજાશંકર જમી આવ્યા?”
“હો…..પહેલી પંગતમાં પહેલે નંબરે એમાં રાહ શું જોવાની હોય??”
“આજે મહારાજે પુરણપોડી બહુ સરસ બનાવી હતી નહીં?”
“બિલકુલ”
“એટલે?”
“બિલકુલ”
“એમ દુધ-દહીં બન્નેમાં પગ રાખીને વાત ન કરો બિલકુલ એટલે બિલકુલ “હા” કે બિલકુલ “ના”
“અં….બિલકુલ”
“એટલે કે ઠીક ઠીક હતી બરાબરને?,પાપડ તળેલા જ સારા લાગે નહીં?”
“પાપડ તો મળે છે ચિત્રા ટૉકિઝ પાસે દશ પૈસામાં એ…..ને આવડો મોટો તળેલો અને ઉપર મરી મીઠું છાંટેલો” કહી સવા-દોઢ ફૂટ જેટલા હાથ પહોળા કરી બતાવ્યું
“જોકે રસોઇ આજે મનોરમાની…….”
“બસ….બસ….બસ…..ભાભીની વાતે ચડી જશો તો,રસોઇમાં ભાભી શું શું સરસ બનાવે અને તમારા મનોજને કઇ રમત સરસ રમતાં આવડે એવી બધી વાતોનો પાર નહીં આવે અને સાંજ પડી જશે….પેલો સેલ્સ રિપોર્ટ બનાવ્યો?”
“હા…ને ક્યારનો…..તમે સહી કરો એટલે ઓફિસમાં આપી આવું”
રિપોર્ટમાં મેં સહી કરી એટલે ડુપ્લિકેટ ફાઇલ કરી ઓરિજીનલ લઇને ગિરજાશંકર ચાલતા થયા એટલે ઝુડો છનનન છન છનનન છન વાગ્યો એટલે મારૂં ધ્યાન ઝુડા સામે જતાં હું ચમકી ગયો મેં બુમ પાડી
“ગિરજાશંકર…”
“જી”
“અહિં આવો તો જરા”
તેઓ મારી બાજુમાં આવી ઊભા રહ્યા.
“હાં…બોલો”
“તમે પરણેલા છો?”
ગિરજાશંકર ચમક્યા અને એક્દમ સ્તબ્ધ થઇ થોથવાતા કહ્યું
“હા…….આ….આ…ને”
“તો આ જનોઇ એકવડી કેમ?”
તેમના ચહેરા પર કરૂણતા લીપાઈ ગઈ અને આંખમાં પાણી.તેમની કરૂણતાની વાર્તા એવી હતી કે,તેમનાથી મોટા બે ભાઈ હજુ કુંવારા હતા અને સૌથી મોટાભાઇએ એક રખાત રાખેલી તે તેમના સાથે જ રહેતી હતી અને સૌ ઉપર પોતાની મન માની કરતી હતી એટલે તો તેઓ ઓફ સીઝનમાં પણ અહીં જ રહેતા હતા અને પોતાની એક કાલ્પનિક દુનિયામાં રાચતા હતા જેની કોઇને આજ દિવસ સુધી ખબર નથી.
30/૦૩/૨૦૧૧
Filed under: Stories | 2 Comments »
Posted on March 8, 2011 by dhufari

“અંધારી રાત”
રાગઃ વો ચાંદની કી રાત થી… … … …)
એ રાત અંધારી હતી બેઠો હતો એકાંતમાં;
વહેતી હતી ઠંડી હવા ખુશ્બુ ભરી એકાંતમાં… ……એ રાત અંધારી હતી
તમરા ઘણાં બોલ્યા કરે પોતા તણા અંદાઝમાં; Continue reading →
Filed under: Poem | Leave a comment »
Posted on March 1, 2011 by dhufari

“રંભા” (૪)
(ગતાંકથી ચાલુ)
દિવસ નદીના પ્રવાહ સમ પસાર થતાં ગયા.એક દિવસ ઓફિસેથી આવ્યો તો કસ્તુરીને ન જોતાં બાળકોના રૂમમાં ગયો.વિભા બાળકોનો કબાટ સરખો ગોઠ્વતી હતી.મેં તેણીને પુછ્યું
“બેટા તારી મમ્મી ક્યાં છે?”
“રંભા આન્ટીને રોહિત અંકલ હોસ્પિટલ લઇ ગયા છે મમ્મી પણ તેમના સાથે ગઇ છે,હું કોફી બનાવી દઉ?”
“ના બેટા ક્યાંક દાઝી જઇશ તો?હું બનાવી લઉ છું” કહી હું ફ્રેશ થવા ગયો.બહાર આવ્યો તો વિભાએ કોફી બનાવીને ટેબલ ઉપર મુકી.
“તેં કોફી બનાવી…???”મેં આશ્ચર્યથી પુછ્યું
“મને તો રસોઇ બનાવતા પણ આવડે છે. હું ઘણીવાર મમ્મીને શાક અને દાળનો વઘાર પણ કરી આપુ છું અને રોટલીઓ પણ વણી આપું છું”તેણીએ આંખો નચાવતાં મને કહ્યું.
“વાહ્!તું તો ઘણી સમજદાર થઇ ગઇ દીકરી…”મેં તેણીને પાસે ખેંચી માથા પર હાથ ફેરવતા કહ્યું અને મારી આંખો હર્ષથી છલકાઇ.
“ડાહ્યા છોકરા રડતાં સારા ન લાગે….”તેણીએ મારી આંખ લુછતાં કહ્યું.
“હા..મારી…મા..હા,,,”કહી મેં તેણીને ચુમી તો બન્ને હાથ કમર પર મુકીને કહ્યું.
“બસ બસ બહુ થયું જાજા મસ્કા મારવાની જરૂર નથી ચાલો જટપટ કોફી પી લો નહિતર ઠંડી થઇ જશે”
“તારી મમ્મીની નકલ કરે છે ચિબાવલી….”કહી મેં કોફીનો કપ મોઢે માંડ્યો.ખરેખર તેણીએ સરસ કોફી બનાવી હતી.હું કોફી પીતો હતો ત્યાં ટેલિફોન રણક્યો જે વિભાએ ઉપાડ્યો.
“હલ્લો…કોણ મમ્મી…???”
“… … ….”
“પપ્પા મમ્મીનો ફોન છે..”મને રીસીવર આપતાં કહ્યું
“હા બોલ કસ્તુરી…?”
“………….”
“વાહ!બેબી આવી???બન્નેની તબિયત કેમ છે..?
“…………..”
“તો રસોઇનું શું????”
“……………”
“ઓકે કહી દઉ છું”કહેતાં મેં ફોન મુકી વિભાને કહ્યું
“રંભા આન્ટીને બેબી આવી છે ને તારી મમ્મીએ કહ્યું છે વિભાને કહેજો કે,રંભા આન્ટીના ઘરની ચાવી લઇને એમના ઘેર બેસે અને ઓલી રસોઇ કરવાવાળી બાઇ આવે તો મને ફોન કરે”
“એટલે એનો મતલબ આપણને રંભા આન્ટીના ઘેર જ જમવાનું છે એમને??”વિભા એ વાત કાપતા કહ્યું
“હા…”
અમારે ત્યાં રહેતી રોહિતભાઇના ઘરની ડુપ્લિકેટ ચાવી લઇને વિભા રોહિતભાઇને ત્યાં ગઇ હું મારા લેપટોપ પર મેઇલ ચેક કરતો હતો.મેં લેપટોપ બંધ કર્યો તે જ વખતે બેલ વાગી.એટલે મેં દરવાજો ખોલ્યો તો મારી બાજુમાંથી પસાર થઇ ફસ કરતીક કસ્તુરી સોફા પર બેઠી.
“કેમ છે મા દીકરી?????” મેં સોફા પર બેઠેલી કસ્તુરીને પાણી આપતાં પુછ્યું
“બન્ને બરાબર છે,રંભાની દીકરી ગલગોટા જેવી ગટુકડ઼ી ને મીઠડી છે.”
“હં……” કસ્તુરીનો અવાજ સાંભળી વિભા આવી
“મમ્મી પપ્પા ચાલો રોહિત અંકલ ને રંભા આન્ટીના મમ્મી પપ્પા આવી ગયાછે સૌ જમવા બેસે છે અને આપણને જમવા બોલાવે છે.”કહી વિભા જતી રહી.
“હા પહેલાં જમવાનું પતાવીએ…….”કહી મેં કસ્તુરીનો હાથ પકડીને ઊભી કરી.
જમવા દરમ્યાન હોસ્પિટલની અને નવજાત બેબીની જ વાતો થતી હતી.જમવાનું પુરૂ થતાં રંભાની મમ્મીએ કહ્યું
“કસ્તુરીબેન તમારે હવે આરામ કરવો જોઇએ હોસ્પિટલમાં આખો દિવસ ખડે પગે રહ્યાનો થાક લાગ્યો હશે…”
“હા..હા..હવે તમારે આરામ કરવો જોઇએ અમે છીએને….? ફીકર નહી કરતાં..”રંભાની સાસુએ સૂર પુરાવ્યો.
“જયશ્રી કૃષ્ણ…”કહી અમે ઘરમાં આવ્યા. કસ્તુરી તો પલંગમાં પડતાં પહેલા જ વિભાને સુચના આપતા કહ્યું
“તને ઊંઘ આવે ત્યારે સુઇ જજે, કામ વગર………”
“હા…હા..હું સમજી ગઇ તને ડિસ્ટર્બ નહીં કરવાની વગેરે વગેરે…..તું તારે સુઇજા”વચ્ચે વાત કાપતા વિભાએ કહ્યું
એક અઠવાડિયા પછી નામકરણ થવાનું હતું.જ્યોતિષે જણાવેલ રાશી વૃષભ પ્રમાણે ત્રણ અક્ષર “ બ.વ.ઉ.”માંથી “બ” અક્ષર પરથી બિન્દુ નામ પાડવું એમ સર્વાનુમતે નક્કી થયું.રોહિતભાઇને કોઇ બહેન હતી નહી એટલે રોહિતભાઇની મમ્મીએ કહ્યું કસ્તુરી ફઇની ફરજ બજાવી નામાકરણ કરે.
દિવસોનો પ્રવાહ વહેતો હતો. બાળકો સ્કૂલમાંથી આવી હોમવર્ક કરીને ટીવી જોતા ક્યારેક બિન્દુને રમાડવા જતા.સમય સાથે એ બેસતાં અને પછી ભાંખોડિયા ભરતા,ભીંતના આધારે ચાલતા શીખી અને વાતો કરતા શીખી ત્યારે પરિક્ષાઓની તૈયારીમાં બાળકોને તેણીને રમાડવાનો ઓછો સમય મળતો. બાળકો સાથે રમવા ટેવાયલી બાળકોના રૂમ સુધી જવા લાગી.બાળકોની પરિક્ષા પુરી થઇ કે બીજા દિવસ થી જ બાળકો દાદીને મળવા અધીરા થઇ ગયા.
દિલ્હીમાં સતત વ્યસ્તતાને લીધે બધું ડિસ્ટર્બ થઇ ગયું હતું,ન પુરી ઉંઘ થતી હતી ન જમવાનું ઠેકાણું હતું તેથી ભારણ વધી ગયું હતું. ૧૫મીએ ઘેર આવ્યો હતો. કપડાં બદલી ને સોફામાં જ લંબાવ્યું.થાકના અને ઊંઘના ભારણને લીધે કેટલા વાગ્યા તેનો પણ ખ્યાલ ન રહ્યો.
એકાએક મારો મોબાઇલ રણક્યો.અર્ધી ઊંઘમાં જ મેં મોબાઇલ કાને ધર્યો
“હલ્લો…..”
“કિશોરભાઇ….ક્યાં છો?.”
“ઘરમાં જ છું……”કહેતાં મેં સોફામાંથી ઊભા થઇ દરવાજો ખોલ્યો
“કેમ પાર્ટીમાં ન આવ્યા….?”
“…………”મેં કાંડા ઘડિયાળમાં જોયું સાડા અગ્યાર થયા હતા
“આતો મારા પપ્પાએ તમારી પુછા કરી એટલે…”
“એટલે હું યાદ આવ્યો ખરૂં ને?”
“તમને માઠું લાગ્યું…?? આઇ એમ સોરી….”
“……………..”
“ચાલોને પાર્ટી હજુ ચાલુ જ છે”
“તો….?”એક ધારદાર નજર કરીને મેં પુછ્યું
“તમને વહેલા ન જગાડ્યા એટલે માઠું લાગ્યું???આઇ એમ સોરી…”
“જો રંભા અત્યારે ઘરમાં કોઇ નથી અત્યારે હું તારા સાથે કશું અજુગતુ કરૂં અને પછી કહું સોરી તો ચાલે??”
“તે કરોને….”
“……………”હુંદિગ્મુઢ સમ તેણીને જોઇ રહ્યો
“કિશોરભાઇ પ્લી….ઝ…”કહી તેણી ખડખડાટ હસી
હું દોડીને બાથરૂમમાં ભરાઇ ગયો કેટલી વાર પછી મારો દરવાજો બંધ થવાનો અવાઝ સાંભળી હું બહાર આવ્યો.મેં મારી ટ્રાવેલિન્ગ બેગ ઉપાડી.નવા ઘરની ચાવી લઇને નીચે આવ્યો અને ગાડી દિનેશના ઘર તરફ વાળી.દિનેશના ઘરની લાઇટ ચાલુ જોઇ ધરપત થઇ.તેના ઘરની બેલ મારી અને મને દરવાજામાં ઊભેલો જોઇ પુછ્યું
“કેમ આટલી મોડી રાતે?”
“હા….”
“અરે!! પણ તેમને ઘરમાં તો આવવા દો” પાણીનો ગ્લાસ લઇ ઉભેલા સવિતા ભાભી એ દિનેશને ટકોર કરી
ટ્રાવેલિન્ગ બેગ બાજુમાં મુકી ભાભીના હાથનો ગ્લાસ લઇ પાણી પીધું ત્યાં દિનેશએ પુછ્યું “કોફી ચાલશેને????”
“નહીં સાથે ખાવા પણ કશુંક જોઇશે”
“શું બનાવી આપું બટેટા-પૌઆ કે સેન્ડવિચ કે બીજુ કંઇક?”
“એમ કરો ટોસ્ટ સેન્ડવિચ બનાવી આપો”
“કેમ અત્યારે ને એકલો આવ્યો બાકીના બધા ક્યાં છે?”
“ચિંચવડ”
“એટલે ઘર ક્સ્તુરીભાભી વગર બટકા ભરતું હતું એમ ને?”
ટોસ્ટ સેન્ડવિચ અને કોફી પુરી કરી બન્ને મિત્રો અહીં ત્યાંની ઘણી વાતો કરી અને બીજા દિવસે સવારના તૈયાર થઇને મેં મારી ટ્રાવેલિન્ગ બેગ સંભાળી અને દિનેશને પંકજ પ્લાઝા વાળા ફ્લેટમાંનો બધો સમાન બ્લુ-ડાયમંડવાળા ફ્લેટમાં શિફ્ટ કરાવવા તેને એ નવા ફલેટની અને હાલના ઘરની ચાવીઓ સોંપી
“પણ તું હાજર રહેજે ને બન્ને સાથે રહીને સમેટશું”
“જો મારે હાજર રહેવું હોય તો તને શા માટે કહું જો તને વાંધો હોય તો અશોકને આ કામ માટે વાત કરૂં”
“કમાલ છે ને નાની અમસ્થી વાતમાં નારાજ ન થા સામાન સિફ્ટ થઇ ગયા પછી ચાવી તને ચિંચવડ આપી જઇશ બસ”
બે દિવસ પછી દિનેશ અને સવિતાભાભી સવારમાં જ ચિંચવડ આવ્યા.ચ્હા પાણી થઇ ગયા પછી દિનેશે મને જુના અને નવા ઘરની ચાવીઓ સોંપી ત્યારે કસ્તુરીએ પુછ્યું
“શેની ચાવીઓ છે?”
“આપણો સામાન પંકજ-પ્લાઝામાંથી બ્લુ-ડાયમન્ડમાં સિફ્ટ થઇ ગયો છે”
“અરે! તમે મને કહ્યું નહી…”
“સામાન ગોઠવતાં આપણને ઘણો સમય મળશે ત્યારે વાત કરવા કંઇક વિષય તો જોઇશે કે નહીં?”
“હં……”મારી વાતમાં કશોક ભેદ છે એ સમજી તેણીએ વાત બદલી
“સવિતા ભાભી તમને શેનું શાક ભાવશે અહીં ઘણી બધી જાતના શાક ભાજી છે”
“ભીંડાનું….”
બપોરના જમી અને ધનકુંવરબેનની રજા લઇને દિનેશ અને મારી ગાડી મુંબઇ જવા ઉપડી.દિનેશે ચિંચવડમાં મારી અને કસ્તુરીની વાત સાંભળેલી તેથી પોતાના ઘેર ગયો અને અમે નવા ઘરમાં આવ્યા.સૌથી પહેલા કિચનના કાર્ટુન ખુલ્યા અને વિભા અને અનુપે ગોઠવણી કરવા માંડી.મેં ગેસનું કનેક્શન જોડ્યું અને ત્યાં સુધી નજીકની સુપર-શોપીમાંથી વિભા દુધના પેકેટ લઇ આવી એટલે બાળકો માટે ઓવેલટીન અને અમારા માટે કોફી બનાવી અને પાછા કામે વળગ્યા.
રાત્રે બાળકોની ફરમાઇસ પર પિત્ઝા મંગાવી. તે ખાઇ લીધા બાદ વિભા અનુપ,કેતકી અને ગૌરાંગને સુવળાવવા લઇ ગઇ.લગભગ સમાન પહેલેથી તૈયાર કરાવેલ ફર્નિચર અને કેબીનેટોમાં ગોઠવાઇ ગયું
રાતના દશ વાગે બાળકોને પોતાના રૂમમાં મોકલાવી અમે અમારા રૂમ તરફ વળ્યા અને એકાંત મળતા મારી બાજુમાં ભરાઇને આજ સવારથી તેણી મગજમાં ઘુમરાતો સવાલ કસ્તુરીએ કર્યો
“એવું શું થયું કે કોઇને હાજર રાખ્યા વગર દિનેશભાઇ માર્ફત સામાન સિફ્ટ કરાવ્યો?”
મેં તેણીને દિલ્હી માટે ચિંચવડથી નીકળી દિલ્હીથી આવ્યા બાદ રંભાની માંગણી દિનેશના ઘેર રાત વાસો અને ફરી ચિંચવડ આવ્યા સુધીની બધી વાત વિગતવાર કરી તે સાંભળી ક્સ્તુરી અવાક થઇ ગઇ. એટલામાં કસ્તુરીના ભાગ્યે જ વપરાતા મોબાઇલની ઘંટી રણકી રંભાનો નંબર જોઇ કોઇપણ ઓપચારિકતા વગર કસ્તુરીએ કહ્યું
“ઓ!!વિષકન્યા ફરીથી આ નંબર ઉપર ફોન કરી અમારી શાંતિનો ભંગ ન કરજે અને હા!! એ ભુલી જજે કે ક્યારેક અમે તારા પડોશી હતા”
(સંપુર્ણ)
Filed under: Stories | Leave a comment »