“રંભા”(૩)

“રંભા”(૩)

(ગતાંકથી ચાલુ)

મેં ટ્રાવેલિન્ગ બેગ બાજુમાં મુકીને મારૂં લેપટોપ કાઢ્યું અને ઓપરેટ કરવા જાઉ ત્યાં કસ્તુરી દાખલ થઇ.તેણીએ સરસ લાલ સાડી પહેરી હતી જે દરેક શુભ પ્રસંગે પહેરે છે. લાલ ચૂડી વચ્ચે ડઝન બંધ લાલ કાંચની બંગડીઓ પહેરી હતી.નવોઢા જેવી સજધજ થયેલી કસ્તુરીને હું ધારી ધારીને જોતો હતો ત્યાં તો મારી પાસે આવીને મારી હડપચી પકડી મારી આંખોમાં જોતા પુછ્યું

“ક્યાં ખોવાઇ ગયા…?”

“ચાલ કસ્તુરી આજે ફરી મધુ રજની ઉજવીએ”આંખ મિચકારી તેણીની કમર ફરતાં હાથ ભીડી પાસે ખેંચતાં કહ્યું.

“મધુ રજની…????નો વે..હવે લાજો લાજો.ચાલો તમારી ઓફિસ બંધ કરો અને રંભાને ત્યાં ખોળો ભરાયાનો પ્રસંગ છે આપણે ત્યાં જ જમવાનું છે”પોતાને છોડાવવાનો ડોળ કરતાં કસ્તુરી એ કહ્યું.

“જવાય છે હવે…શું ઉતાવળ છે….???”મેં ઊભા થઇ તેણીને વધુ ભીસતાં અને તેણીની આંખો ચૂમી.આગળ કશું થાય ત્યાં વિભાની બુમ સંભળાઇ

“મમ્મી ચાલને રંભા આન્ટી બોલાવે છે”

“એ…આવું…છું”કહી મને અંગોઠો દેખાડતી કસ્તુરી જતી રહી.

મેં લેપટોપ ટેબલ પર મુંક્યું.જરા કપડા વ્યવસ્થિત કરી,ટાઇ સરખી કરી, ડ્રેસિન્ગ ટેબલ પરથી કાંસકો લઇ વાળમાં ફેરવી એક નજર આયનામાં કરી.બધું બરોબર છે એમ જોઇ રોહિતભાઇના ઘરમાં દાખલ થયો. બારણાના સામે જ ઊભેલા રોહિતભાઇએ મને આવકારતા હાથ પકડીને પોતાના મમ્મી પપ્પા તથા સાસુ સસરા ને મારી ઓળખાણ કરાવી.

“આ મારા મોટાભાઇ જેવા કિશોરભાઇ સામે ના જ ફ્લેટમાં રહે છે.અમારી કસ્તુરીભાભીના પતિદેવ”

મેં રોહિતભાઇના પપ્પા તથા સસરા સાથે હાથ મેળવ્યા અને મમ્મી અને સાસુના સામે હાથ જોડી અભિવાદન કરતાં કહ્યું

“જયશ્રી કૃષ્ણ”

“જયશ્રી કૃષ્ણ ભાઇ”સામેથી ઉત્તર મળ્યો.

હું અને રોહિતભાઇ સોફા સામેની ખુરશી ખેંચી બેઠા.કસ્તુરી એક ટ્રેમાં પાણી લાવી.

“પપ્પા આવ્યા…પપ્પા આવ્યા” કરતાં કેતકી અને ગૌરાંગ મારી પાસે દોડી આવ્યા.

“મારા પપ્પા…” કહી કેતકી મારા ખોળામાં બેસવા ગઇ તો ગૌરાંગે તેણીને ખેંચી

“મારા પપ્પા છે…”કહી એ ખોળામાં બેસવા ગયો તો કેતકી તેને ખેંચવા લાગી.મેં બન઼્ને ને મારા ખોળામાં બેસાડ્યા.

“આ બન઼્નેમાં મારા પપ્પા,મારા પપ્પાની લડાઇ ચાલુ જ હોય”બધા સામે જોતા કસ્તુરીએ કહ્યું.

“તમારા આ બન઼્ને ભુલકા બહુ જ મીઠડા છે.”રંભાની મમ્મીએ કહ્યું

“હા!!સાવ સાચી વાત છે.”રંભાની સાસુએ સ્વર પુરાવ્યો.

થોડી ઔપચારિક વાતો થઇ તેમાં એક જ વાત ચાલી કસ્તુરી રંભાનું કેટલું ધ્યાન રાખે છે.અમારા જેવા પડોશી જૂજ મળે વગેરે વગેરે. જમવાનું પુરૂં થયું એટલે મેં રોહિતભાઇની રજા માંગી.

“ચાલો રોહિતભાઇ હું રજા લઉ કલાકેક વાર પહેલાં બેંગલોરથી આવ્યો છું,થાકેલો પણ છું અને મેઇલ પણ ચેક કરવા બાકી છે એટલે રજા લઉ”

“હા! તમારે જવું જોઇએ કસ્તુરીભાભીએ મને વાત કરેલી કે,તમે બેંગલોરથી આજે આવવાના છો અને હવે તમને આરામની જરૂર છે આઇ કેન અંડરસ્ટેન્ડ”કહી હાથ મેળવી રજા આપી.

મેં ઘરમાં આવી કપડા બદલ્યા જરા ફ્રેશ થઇને બેડ પર બેસી મારૂં લેપટોપ સંભાળ્યું.લેપટોપ લેપ ઉપર જ રહી ગયું અને હું બેઠે બેઠે જ ઝોકે ચઢી ગયો.મને મુસાફરીનો થાક અને ઊંઘનું ઘેન એટલું બધું હતું કે,કસ્તુરી અને બાળકો ક્યારે આવ્યા, કસ્તુરીએ ક્યારે લેપટોપ બાજુ મુકયો,પીઠ પાછળના ઓશિકાઓ દુર કરી મને બરોબર સુવડાવ્યો અને ચાદર ઓઢાળી તેની કશી પણ મને ખબર ન પડી.સવારના ૯ વાગે અચાનક મારી આંખુ ઉઘડી ઘરમાં શાંતિ હતી મતલબ બાળકો સ્કૂલ ચાલ્યા ગયા હતાં અને કસ્તુરી ડ્રેસિન્ગ ટેબલ પાસે બેસી ભીનાં વાળ પર હેરડ્રાયર ફેરવતી હતી. આયનામાંથી મને જાગી ગયેલો જોઇ મને પુછ્યું

“ઊંઘ ઉડી…કે, હજુ ઊંઘવાનો વિચારછે…..?જો કે ૯ વાગી ગયા છે”

“શું…..?? ૯.૦૦ વાગી ગયા??? અરે!!!૧૦.૩૦ વાગે તો મારે મિટિન્ગ અટેન્ડ કરવાની છે.ચાલ જલ્દી કોફી બનાવ હું બ્રશ કરી લઉ”કહી હું બાથરૂમમાં ગયો. બ્રશ કરી ખભે મુકેલ ટોવેલથી મ્હોં લુછતાં હું રસોડા તરફ જતો હતો તો કસ્તુરીએ કોફીનો કપ લાવીને ડાઇનિન્ગ ટેબલ ઉપર મુક્યો.મારા ખભે મુકેલો ટોવેલ એક ઝાટકે ખેંચી બોલી

“કેટલી વખત કહ્યું છે કે,આમ કાંધે ટોવેલ મુકીને ન ફરો કોકની કાંણે જતા ડાઘુ જેવા લાગો છો” કહી ટોવેલ ખુરશી ઉપર મુકી મને કોફીનો કપ પકડાવ્યો.ચુપચાપ કોફી પી ટોવેલ લઇને હું બાથરૂમમાં ગયો.હું શેવ કરતો હતો ત્યારે કસ્તુરીનો અવાજ સંભળાયો.

“કહું છું ટોસ્ટ સેંડવીચ બનાવું કે સાદી???”

“સાથે શું છે?”મેં અંદરથી જ પુછ્યું

“ટોમેટો સૂપ”

“તો ટોસ્ટ સેંડવિચ”

તૈયાર થઇ હું ડાઇનિન્ગ ટેબલની ખુરશી પર બેઠો અને નાસ્તો શરૂ કર્યો ત્યારે ટેલિફોનની ઘંટી વાગી.

“જાવ તમને બોલાવે છે.”હું જ્યારે પણ ઘેર હોઉ અને ટેલીફોનની ઘંટી વાગે ત્યારે

હંમેશ મુજબ ટેલીફોન તરફ ઇશારો કરી તેણી રસોડા તરફ વળી….

“હલ્લો…..”

“………”

“ક્યારે આવો છો?થોડીવારમાં સ્ટેશન જવા રવાના થસો?હું કેટલા વાગે લેવા આવું ??”

“………”

“ભલે હું કસ્તુરીને રસોઇનું કહી દઉ છું,જયશ્રી કૃષ્ણ”કહી મેં ફોન મુક્યો અને ખીસ્સામાંથી રૂમાલ કાઢી ને ગળા ફરતો રાખી રસોડામાં આવ્યો.

“કોનો ફોન હતો…?”કસ્તુરીએ મારા સામે જોયા વગર પુછ્યું જવાબમાં અમીરખાનની જેમ ગળા પર રૂમાલ ઘસતા કહ્યું

“હે…આ….તી ક્યા ખંડાલા….??”

“ક્યા….કરૂં…..આકે મૈં….ખંડાલા….??? આ અચાનક ખંડાલા ક્યાંથી યાદ આવ્યું?????” તેણીએ પણ સુર પુરાવતાં પુછ્યું.

“મનોજભાઇનો ફોન હતો મોડી બપોર સુધીમાં અહીં પહોંચવા જોઇએ.”

“શું મનોજભાઇ ને મંજુભાભી આવે છે?”

“હા છોકરાઓને વેકેશન છે એટલે ફરવા આવે છે અને આવતી કાલે ખંડાલા જવાનું છે.તેમની કંપની તરફ્થી ગાડી પણ બુક થયેલી છે”

“હં એટલે ખંડાલા યાદ આવ્યું ખરૂં ને??”

“યા…આતી ક્યા……????”

“તો તમારી મિટિન્ગમાં કોણ જશે???”

“અરે….હા..સારૂં યાદ અપાવ્યું હું જાઉં મારે મોડું થાય છે…….”કહી મેં મારી બ્રીફકેશ સંભાળી

“પણ તો પછી…….????”

“હમણાં ટાઇમ નથી હું ઓફિસથી ફોન કરૂં છું…..”કહી હું લિફ્ટમાં દાખલ થયો.

ઓફિસમાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે, આજની મિટિન્ગ કેન્સલ થઇ ગઇ છે.મેં મારી કેબીનમાં આવીને બ્રિફકેશ બાજુમાં મુકીને ટ્રે તપાસી ખાસ કામ ન હતું તેથી હું તરત જ ઓફિસથી નીકળી ગયો.

“હલ્લો……” મેં લિફટમાં દાખલ થતાં મોબાઇલ પરથી ઘરનો નંબર જોડ્યો.

“હલ્લો…કહું…..છું, તમે એતો કહ્યું નહી….રસોઇમાં શું બનાવું ?તમારી મિટિન્ગ કેટલા વાગે પુરી થશે?…..તમે ક્યારે આવશો…..?”

“તું બોલ કેટલા વાગે આવું??????”મેં બારણા પાસે ઊભા રહી ને કહ્યું

“તમે તો એવી રીતે બોલો છો કે હું હમણાં બોલાવું તો તમે હમણાં આવી જાવ”

“વિશ્વાસ નથી આવતો????”કહી મેં ડોર બેલ વગાડી.

“…………..”તેણીએ બારણું ખોલાતાં મ્હોં પર હાથ મુકી મારા સામે એકી ટશે જોયું

“……….”મેં પણ આંખોના ઇશારે જ પુછ્યું શું થયું ???

“આનો મતલબ લિફ્ટ પાસે જ ઊભા રહીને જ મને કોલ કરેલ એમને???”બારણું બંધ કરતા તેણીએ કહ્યું

“પહેલાં એ કહે મનોજભાઇ આવી ગયા????”

“ના…”

“કેમ??ક્યાં અટવાઇ ગયા????”

“એમના બધા કલિગ ગોવા જતાં હતાં અને સરપ્રાઇસ માટે પહેલેથી જાણ કરેલી નહી, પણ સામાન સાથે તેઓ સ્ટેશન પર જવા રવાના થાય એ પહેલાં તેમને ગોવા માટે ડાઇવર્ટ કરી લીધા. હમણાં જ મંજુભાભીનો ફોન હતો કે, તેઓ મુંબઇ નહી આવે પણ હવે ગોવા જાય છે.અરે હા….તમને કહેવાનું રહી ગયું,ઓલ્યા બિલ્ડરનો ફોન ગઇકાલે આવ્યો હતો કહ્યું છે કિશોરભાઇને કહેજો મને મળી જાય”

“લાગે છે ઇનસ્ટોલમેન્ટનો ચેક માંગશે”

રસોડામાંથી આવતી ખુશ્બુથી લાગ્યું કે કસ્તુરી પુરણપોળી બનાવી રહી છે.હું મારૂ લેપટોપ ઉગાડુ તે પહેલાં જ કસ્તુરી હાથમાં તવેથો લઇને મારી પાસે આવી.

“તમારી ઓફિસ પછી ખોલજો ને જમવા ચાલો નહિતર…”

“નહિતર તવેથાથી મારીશ..??”મેં તેણીની વાત વચ્ચેથી કાપતાં મજાક કરી.

“તમે પણ શું..પુરણપોળી ઠંડી પડી જશે ઘી ઓગળશે નહીં તો તમને મજા નહી આવે એટલે મારે ફરી ગરમ કરવી પડશે”

ત્યાં તો ડોરબેલ વાગી.બારણું ખુલતાં જ બાળકો આવ્યા.જલ્દીથી પોતાના રૂમમાં દફ્તર મુકી ને કપડા બદલ્યા.કેતકી ને ગૌરાંગ મારી બન્‍ને બાજુ મને બાજીને બેઠા.

“મમ્મી ચાલને ભુખ લાગી છે..”મારી સામે ઊભેલી કસ્તુરીનો હાથ ખેંચતા વિભાએ કહ્યું

“આવી મમ્મીની ચમચી……”હું ગણગણ્યો

બધું ટેબલ પર વિભાએ મુકી દિધું હતું સૌ ખુરશી પર ગોઠવાઇ ગયા હતાં.જમવાનું શરૂ કર્યુ એટલે કસ્તુરીએ પુછ્યું

“પેલા બિલ્ડરને મળી આવ્યા…?”

“હા પહેલો ફ્લોર કંપ્લેટ થવા આવ્યો છે, બીજાનું કામ ચાલુ છે,ચેક આપી આવ્યો છું તેણે કહ્યું લગભગ આ પછી આવતી જુન એન્ડમાં પઝેશન મળી જશે.”

“આ પછીની જુન…???બાપરે…તોતો હજુ લગભગ સવા વરસ અહીં જ રહેવું પડશે”

“કહે છે માણસો નથી મળતા અને મળે છે તો સ્લો મોશનમાં કામ કરેછે.વધુ ફોર્સ કરો તો કામ મુકી ને ભાગી જાય છે”

“હં….”

એક દિવસ ઓફિસેથી ઘેર આવ્યો બ્રીફકેસ મુકીને અમારા રૂમમાં ગયો, ત્યાર બાદ રસોડામાં પણ કસ્તુરી ન દેખાઇ,બાળકોના રૂમમાં ગયો તેમને એકલા રમવામાં મશગુલ જોયા એટલે મેં વિભાને પુછ્યું

“બેટા તારી મમ્મી ક્યાં છે?”

“રંભા આન્ટીને બેઝમેન્ટમાં ઇવનિન્ગ વોક માટે લઇ ગઇ છે.”

હું બાથરૂમમાં ગયો અને ક્પડાં બદલી ફ્રેશ થઇ ને બહાર આવી મેં મારૂં લેપટોપ ખોલ્યું.થોડા મેઇલ જોયા ત્યાં કસ્તુરી આવી.

“ઓહ…હો!!!!! આવતા વેત જ તમારી ઓફિસ શરૂ…..”મારા હાથમાંથી લેપટોપ લઇ લેતાં કસ્તુરીએ કહ્યું.

“મને થયું કે,તું નથી તો થોડો કામનો બોજ હળવો કરી લઉ…”

“હા…હું રંભાને ઇવનિન્ગ વોક માટે લઇ ગઇ હતી…..”લેપટોપ બ્રીફકેસમાં મુકતાં કસ્તુરીએ કહ્યું.

“માણસ ફ્રેશ થવા મોર્નિન્ગ વોકમાં જાય તું તેણીને ઇવનિન્ગ વોકમાં લઇ જાય છે????”

“હું સમજુ છું પણ તેણી મોર્નિન્ગ વોકમાં ફૂલેલા પેટ સાથે જતાં શરમાય છે એટલે ઇવનિન્ગ વોકમાં લઇ જાઉ છું.ડૉક્ટરની સલાહ મુજબ તેણીને વોક કરાવવું જરૂરી છે એટલે તેણી જેમ માને તેમ બીજું શું?”કહી તેણી બાળકોના રૂમ તરફ વળી.

“વિભા,અનુપ,કેતકી..ગૌરાંગ બેટા ચાલો જમવા…..” કહી પાછી આવી.

“હું થાળી પિરસું છું પાછા ઓફિસ ખોલીને ન બેસતાં”કહી રસોડા તરફ વળી.

“પપ્પા ચાલો…મારા બન્‍ને ગાલ પર હાથ મુકી કેતકીએ કહ્યું

“પપ્પા ચાલો…”કહી ગૌરાંગે મારો હાથ ખેંચ્યો.

“હા બેટા ચાલો”કહી બન઼્ને ને તેડીને હું ડાઇનિન્ગ ટેબલ પાસે આવ્યો.

“નીચે ઉતારો…નીચે ઉતારો આ બન઼્ને ને આમ તેડી તેડી ન ફરો. ઘણીવાર હું તેમને બન્‍નેને સાથે તેડી લઉ એવી જીદ કરે છે.ચાલો નીચે મુકો”

“બેટા કેતકી..બેટા ગૌરાંગ મમ્મી શું કહે છે આમ મમ્મીને હેરાન નહી કરવાની નહિતર તમારા સાથે પપ્પાની કિટ્ટા…” બન઼્ને ને નીચે ઉતારતા મેં કહ્યું.

“સોરી પપ્પા…તમે અમારા સાથે કિટ્ટા નહી કરોને..?” બન઼્ને તરફથી મારા જભાની ચાડ ખેંચતા બન઼્ને એ સાથે પુછ્યું.

“ગુડ ગર્લ..ગુડ બોય” બન઼્ને ના માથા પર હાથ ફેરવતાં કહ્યું.કસ્તુરી હસી અને થાળીઓ પીરસી. (ક્રમશઃ)