“રંભા” (૨)

“રંભા” (૨)

(ગતાંકથી ચાલુ)

એક સવારે ઓફિસના કામે હૈદ્રાબાદ જવા નિકળ્યો ત્યારે સામાન ભરેલી એક ટ્રક કંપાઉન્ડમાં ઊભેલી જોઇ વોચમેનને પુછતાં ખબર પડી કે, ૪૦૪માં કોઇ રહેવા આવ્યું છે.એ જાણી હું જતો રહ્યો.બે દિવસ પછી પાછો આવ્યો ત્યારે એક અભિસારિકા સમી યુવતી લિફ્ટમાં મારા સાથે આવી.તેણી ન તો મને ઓળખતી હતી કે ન તો હું તેણીને.હું તો જોતો જ રહી ગયો. તેણી પણ ચોથા માળે મારી સાથે જ બહાર આવી અને ૪૦૪ નંબરના ઉઘાડા દરવાજામાં દાખલ થઇ ત્યારે સમજાયું કે,આ અભિસારિકા સામેના ફ્લેટમાં રહેવા આવી છે.મેં મારા ફ્લેટની બેલ દબાવી કસ્તુરી એ દરવાજો ખોલ્યો. મેં ટ્રાવેલિન્ગ બેગ બાજુમાં મુકી ટાઇ ઢીલી કરતાં રસોડામાં વ્યસ્ત કસ્તુરીને પુછ્યું

“સામે કોઇ રહેવા આવ્યું છે?”

“હા..રંભા”

“અરે!!રંભા જેવી લાગે છે પણ છે કોણ??”

“રંભા”

“એટલે?”

“એટલે રંભા”

“અરે..પણ કંઇ નામ ઠામ તો હશે ને?”

“તેણીનું નામ જ રંભા છે”

“ઓ…!!!!”તો એમ વાત છે એવા ભાવ સાથે મેં કહ્યું

“હં…..”

“ખરેખર નામ પ્રમાણે જ દેખાય છે.”મેં કસ્તુરીને ચીડવવાના આશયથી કહ્યું

“પારકી બૈરીના વખાણ કરતાં શરમાતા નથી?”કસ્તુરીએ છણકો કર્યો.

“હવે તેણી છે જ રંભા જેવી તો એમ જ કહેવાય ને? જોકે મારી રંભા.. મેનકા.. ઉર્વષિ. મોહીની તો તું જ છો”

“બસ બસ બહુ થયું.જાજા મસ્કા મારવાની જરૂર નથી.જલ્દી કપડા બદલી લો ને જમવા બેસી જાવ.”

“લે સાચી વાત કરી તો મસ્કા પાલીસ થઇ ગઈ????”

“ભુલ થઇ ગઇ ભઇસાબ”કહી તેણી બાળકોના રૂમ તરફ વળી ને બુમ મારી

“વિભા…અનુપ..કેતકી..ગૌરાંગ બેટા ચાલો જમવા તમારા પપ્પા આવી ગયા.”

“એમના પતિદેવ ક્યાં કામ કરે છે?”મેં જમવા બેસતાં પુછ્યું.

“રોહિતભાઇ ભાગ્યલક્ષ્મી બેન્કમાં કામ કરે છે.ત્રણ દિવસ પહેલાંજ સીતાપુરથી તેમની બદલી થતાં અહીં આવ્યા છે.બેન્ક મેનેજરે આપણી સામેનો ફ્લેટ બુક કરાવી રાખેલો એટલે સીધા અહીં જ આવ્યા. નાગર જ્ઞાતિના છે”

“ને બાળકો..?”

“લગ્નને ૯ વરસ થવા આવસે પણ મારા વ્હાલાએ હજુ મહેર નથી કરી.રંભાબેનને પુછ્યું ત્યારે બિચારા રડી પડ્યા”

“હાં..રે એના ખેલ જ નિરાળા છે જેના સામે જુએ ને આપે તેને ચાર ચાર આપી દે છે” બાળકો સામે જોતા મેં કહ્યું

“બસ..બસ મારા બાળકોને નજર ન લગાડતા”

“અરે..અરે..અરે….તારા બસ તારા જ બાળકો?મારા કંઇ નહીં?”મારી બાજુમાં મારા ગોઠણપર હાથ રાખી ઊભેલી કેતકીને મારા ખોળામાં બેસાડી ચુંમતાં મેં પુછ્યું

“તમે પણ શું દુધમાંથી પોરા કાઢવા બેઠા…..હું…..”

“લે..તું ગમે તે કહી શકે ને હું કશું કહું તો….”

“ભુલ થઇ ગઇ ભઇસાબ હવે જમવાનું શરૂ કરો”મારી વાત વચ્ચેથી કાપી થાળી સરકાવતાં કહ્યું

આજે રવિવાર હતો.સવારની કોફી આપવા કસ્તુરી આવી ત્યારે તેણીના ભીના અને ખુલ્લા કેશ જોતાં લાગ્યું કે,તેણી બહુ જલ્દી ઉઠી ગઇ હશે.સાચું કહું તો બાથરૂમમાંથી ન્હાઇને તરત બહાર આવેલી કસ્તુરીને જ્યારે પણ જોઉ છું ત્યારે આજ પણ મારૂં હૈયું હાથ નથી રહેતું. ડ્રેસિન્ગ ટેબલ સામે સ્ટૂલ પર બેસવા જતી તેણીને નજીક ખેંચી તો મારા હાથમાં કોફીનો કપ પકડાવતાં કહ્યું.

“જલ્દી પરવારી જાવ આજે રંભાબેન અને રોહિતભાઇ આપણા ઘેર જમવા આવનાર છે.”આમ કહી તેણી જવા લાગી તો

“અરે!!!આવે તો ભલે આવે તેનું અત્યારે શું છે?”કહી કોફીનો કપ ફરી સાઇડ ટેબલપર મુકતાં તેણીને મારી તરફ જોરથી ખેંચી બાથમાં લીધી તો તેણીએ મારી આંખો ચુમી મારી આંખમાં જોતા

“તમે એવાને ને એવા જ રહ્યા”એવા અહોભાવથી તેણીએ કહ્યું

“તું પણ સદાબહાર છો”મેં તેણીને ભીંસીને ચુંમતા કહ્યું.

“બસ બસ હવે જવાદો મોડું થાય છે,ક્યાંક રંભાબેન આવી ન………”એ વાક્ય પુરૂ કરે તે પહેલાં જ બારણામાં રંભાનો ટહુકો સંભળાયો.

“કસ્તુરીભાભી આવું કે…..?”

“એ આવ રંભા..!!!!”

“જોયું?”એવા ભાવથી મારા સામું જોઇ તેણી હસીને રસોડા તરફ જતી રહી.

“શું બનાવવાના છો?લાવો શાક સમારી આપું”કહેતી રંભા કસ્તુરી પાછળ રસોડામાં ગઇ.

“શાક તો ભરેલા બટેટાનું બનાવવાનું છે,તે ભરીને બાફવા માટે કુકરમાં મુક્યા છે.દાળ બફાઇ ગઇ છે,બટેટા બફાઇ જાય એટલે દાળ શાકનો વઘાર કરવાનો બાકી છે.”

“તો લાવો આદુ મરચાં કોથમીર સમારી આપું”

“બધુ થઇ ગયું છે તું બેસ તારા માટે કોફી બનાવું”

“તમેય શું ભાભી કંઇક તો કામ આપો”ખુણામાં પડેલ સ્ટૂલ ખેંચી બેસતાં રંભાએ કહ્યું તો કસ્તુરી હસી પડી.

મેં કોફી પીને બાળકોને જગાડયા વિભાએ તેમને બ્રશ કરાવીને નવડાવ્યા ત્યાં સુધીમાં એક ટ્રેમાં દુધના ગ્લાસ લઇને રંભા આવી.

“ગુડ મોર્નિન્ગ એવરી બડી”દુધના ગ્લાસ બાળકોને આપતાં તેણીએ કહ્યું

“ગુડ મોર્નિન્ગ..”બધા બાળકોએ એક સાથે કહ્યું

“ચાલો ચાલો જલ્દી દુધ પી લો પછી આપણે ગેઇમ રમીશું”ડ્રેસીન્ગ ટેબલના સ્ટૂલ પર બેસતા રંભાએ કહ્યું

“ગુડ મોર્નિન્ગ કિશોરભાઇ”

“ગુડ મોર્નિન્ગ”કહી હું મારા કપડાં લઇ બાથરૂમમાં જતો રહ્યો.મારે દિનેશભાઇને મળવા જવું હતું એટલે જલ્દી તૈયાર થઇ બહાર જતાં મેં કસ્તુરીને કહ્યું.

“હું જરા દિનેશભાઇને મળી આવું”

“પાછા જલ્દી આવજો, દિનેશભાઇ સાથે વાતોમાં તમે ઘડિયાળ સામે જોવાનું ભુલી જાવ છો.જમવાના ટાઇમ પહેલાં આવી જજો”

“ઓકે”

લગભગ એક અઠવાડિયા પછી એક સવારે હું વાળ ઓળતો હતો ત્યારે મને લાગ્યું કે,કસ્તુરી મને ધારી ધારી ને જોતી હતી.એમ ધારીને મન વાળ્યું કે, એ મારા મનનો વ્હેમ હશે.આયના સામે ઊભો રહી ટાઇ બાંધતો હતો ત્યારે મેં આયનામાંથી ફરી જોયું કે,ખરેખર કસ્તુરી મને ધારી ધારીને જોતી હતી તેથી ટાઇ બાંધવાનું રહેવા દઇ પાછા ફરી તેણીને ખભેથી પકડી ઊભી કરી બાથમાં લેતાં પુછ્યું

“શી વાત છે આજે આમ ક્યારની ધારી ધારીને શું જુવે છે…?મારામાં કશુંક વિચિત્ર લાગે છે કે શું?”

“ના વિચિત્ર તો કંઇ નથી લાગતું પણ પેલી રંભા કહેતી હતી કે………”

“શું કહેતી હતી…..??”

“કહેતી હતી કે,કિશોરભાઇ આજ પણ દેવઆનંદ જેવા હેન્ડસમ લાગે છે.કોઇ વિશ્વાસ ન કરે કે,તેઓ ચાર બાળકોના પપ્પા હશે”કહી કસ્તુરીએ આંખના ખુણેથી કાજળ લઇ મારા કાન પાછળ લગાડ્યું.

“કેમ નજર લાગી જવાની બીક લાગતી હતી?અને ખાત્રી કરતી હતી કે હું દેવઆનંદ જેવો લાગું છું કે નહી એમને?”

“તમેય શું!!!”મારી નજીક આવી મારી ટાઇ બાંધતા કહ્યું

“ઓકે હું દેવઆનંદ ને તું કલ્પનાકાર્તિક”

“….”મારા ખભે માથું નાખી રડી પડી અને મેં તેણીની ખાડી પકડીને તેણીની આંખમાં આંખ પરોવી ત્યારે તેણીની આંખો ઉભરાયેલી લાગી.

“આ શું કસ્તુરી!!!??”તેણીની આંખો લુછી તેણીને ચુમતાં પુછ્યું.

“…….”તેણીએ માથું ધુણાવતાં અળગી થઇ ગઇ.

“શું ઘોળાય છે તારા મનમાં મને નહીં કહે?”મેં ફરી બાથમાં લેતાં કહ્યું.

“તમે એવા જ રહ્યા”તેણીએ શરમાતા કહ્યું

“એવો એટલે કેવો?”

“તાજા પરણેલા જેવા”

“તું જ્યાં સુધી નવોઢા જેવી છો ત્યાં સુધી મારામાં ફરક પડવાનો સવાલ જ નથી?”

“છોડો હવે ઓફિસે નથી જવું?”

“અરે જવાય છે…”

“તમે જાવ મારે ઘરમાં ઘણું કામ છે”મને બ્રિફકેશ પકડાવતા કહ્યું

“દાખલા તરિકે????” મેં બ્રિફકેશ સોફાપર મુક્તા પુછ્યું

“પહેલું અને અગત્યનું કામ  પતિને સમયસર ઓફિસે રવાના કરવાનું”કહી મને બ્રીફકેશ પકડાવી.

એક દિવસ કલકત્તાની ઓફિસ ટ્રીપમાંથી પાછો આવ્યો ત્યારે કસ્તુરી ઘેર ન્હોતી.કદાચ શાક કે ઘરની કંઇ વસ્તુ લેવા બજાર ગઇ હશે એમ માની કપડા બદલી હું ટોવેલ લઇને બાથરૂમમાં ગયો.ફ્રેશ થઇને બહાર આવ્યો ત્યારે કસ્તુરી રસોડામાં કોફી બનાવતી હતી.

“ચાલો કોફી પી લો…”તેણી ડાઇનિન્ગ ટેબલ તરફ વળી.મારી નજર રસોડાના પ્લેટફોર્મ પર પડેલ મીઠાઇના પેકેટ પર પડી એ લાવતાં કસ્તુરીને પુછ્યું

“આ મીઠાઇ….???”

“રંભા આપી ગઇ છે”મારા તરફ કોફીનો કપ સરકાવતાં કહ્યું

“કઇ ખુશીમાં!!!???”મેં પેકેટ ખોલતાં કહ્યું

“રંભા આજે મેટરનિટીહોમમાં ચેક-અપ માટે ગઇ હતી રીપોર્ટ પોઝીટીવ આવ્યો એટલે વળતાં મીઠાઇ લેતી આવી.”

“ઓહો!!!”

“બિચારી ખુશીની મારી મને બાઝીને રડી પડી કે આટલા વરસ પછી ભગવાને સામે જોયું અને દયા કરી તેની ખુશીમાં આ બોક્ષ આપી ગઇ.”

“મતલબ કે આ ફ્લેટ એમને ફળદાઇ નિવડ્યો ખરૂં ને?”કાજુકતરીના કટકાને બટકું ભરી ક્સ્તુરીને ખવડાવતાં કહ્યું

“હાસ્તો..”

સમય પાણીના પ્રવાહ જેમ વહી રહ્યો હતો.બે ઘર વચ્ચે ધરોબો વધતો જતો હતો. અમારે ત્યાં કશું ખાસ બને તો એ રંભાના ઘેર અવશ્ય જતું. તેવી જ રીતે રંભાના ઘેરથી પણ પ્લેટ આવતી. પોતાના રૂમમાં બાળકોની દુનિયા હતી,બાકી રંભાને ત્યાં તો એ લઇ જતી તો જ જતાં તે પણ ક્યારેક.

ગર્ભધાનના બીજા મહિનાથી જ કસ્તુરી રંભાને ટીપ આપવા લાગી.શું ખાવું, શું ન ખાવું. કઇ જાતની કસરત કરવી. આનંદમાં રહેવું. કેવા ટીવી કાર્યક્રમ કે ચિત્રપટ જોવા, કેવા ન જોવા વગેરે વગેરે.સવારના નાસ્તા પછી વચ્ચે વચ્ચે ભુખ લાગે તો શું ખાવું શું પીવું વગેરે વગેરે.

ત્રીજા મહિનાથી તો રોજ વહેલી સવારમાં તેણીને મોર્નિન્ગ વોકમાં લઇ જવા લાગી. રોહિતભાઇ તો એટલા ખુશ હતાં કે,અત્યારથી પારણું, બાબાગાડી, સુંવાળા ઢિંગલા-ઢિંગલી અને જાત જાતના ટેડિબેરનો તો ખડકલો કરી દિધેલ.ઘરમાં હસ્તાં બાળકોની ફોટોફ્રેમ ટીંગાડી દીધી અને રંભાને ખાસ સૂચના આપી રાખી કે તારે આ ફ્રેમ દિવસમાં બે ચાર વાર અવશ્ય જોવી. એક દિવસ ઓફિસથી રોજના રૂટીન પ્રમાણે ઘેર આવ્યો.ફ્રેશ થઇ બધા સાથે જમવા બેઠા. ત્યાં જમતાં એકાએક મારી નજર સામેની દિવાલ પર ગઇ ત્યાં અમારા જોડકા કેતકી અને ગૌરાંગની ફોટોફ્રેમ ગાયબ હતી.

“આ કેતકી અને ગૌરાંગની ફોટોફ્રેમ ક્યાં ગઇ???”મેં કસ્તુરીને પુછ્યું

“રંભા લઇ ગઇ”ગુંચવાતા કસ્તુરીએ કહ્યું

“રંભા…???કેમ???”મેં આશ્ચર્યથી પુછ્યું.

“મેં તેણીને કહેલું કે, સારા ભુલકાઓના ફોટા જોવા તો ગઇકાલે આવી ને કહ્યું ભાભી આ ફોટોફ્રેમ હું લઇ જાઉ છું. એમાં એ બન્‍ને કેવા મીઠડા લાગે છે અને હું કંઇ કહું તે પહેલાં તો ફ્રેમ ઉતારીને સીધી ચાલતી જ થઇ ગઇ બોલો હવે એનું શું કરવું ?”કસ્તુરી દયામણે ચ્હેરે કહ્યું.

એક દિવસ હું બેંગલોરથી પાછો આવ્યો ત્યારે રોહિતભાઇના ઘેર ધામધુમ ચાલતી હતી. મારા ફ્લેટનો દરવાજો પણ ખુલ્લો જ હતો. હું ઘરમાં દાખલ થયો ત્યારે વિભા મને બારણાંમાં મળી.

“બેટા તારી મમ્મી……….”મારી વાત વચ્ચે જ જીલતાં

“રંભા આન્ટીને ત્યાં…”કહી જવા લાગી.

“જરા તારી મમ્મીને મોકલાવજે”

“…..”માથું ધુણાવી એ જતી રહી.

(ક્રમશઃ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: