રંભા

“રંભા”

         એક દિવસ બધા જમવા બેઠા ત્યાં જ ટેલિફોનની ઘંટી વાગી એટલે કસ્તુરીએ કોળિયો હાથમાં પકડી ટેલિફોન સામે જોતા ઇશારો કર્યો ત્યાં તો

“જાવ તમને બોલાવે છે.” પાણીનો જગ મુકતાં વિભાએ કહ્યું

“ચુપ કર ચિબાવલી તારી મા બોલે છે એ જ ગણું છે..”કહી તેણીનો કાન પકડવા જતો હતો ત્યાં તો

“મમ્મી….”કરતીક તેણી કસ્તુરી પાછળ સંતાણી

“હલ્લો……”

“………”

“હા….વે..કે..શ..ન શ..રૂ થઇ ગયું છે……”

“………..”

હા…હા…કા…લે  જ મને ઓફિસે જવાનું નથી એટલે કાલ જ બાળકોને મુકી જાઉ છું”

કહી હું જમવા બેઠો તો વિભાએ મારા સામે જોઇને ભવાં ઉપર નીચે કરી ઇશારો કર્યો શું થયું?

“તો આ બધા તારા કારસ્તાન છે એમ ને???”મે કહ્યું તો કસ્તુરીએ પહેલાં મારી સામે અને પછી વિભા સામે પ્રશ્નાર્થે જોયું

“આ દોઢડાહીએ જ ધનકુંવરબેનને ફોન કરી કહેલું કે,વેકેશન શરૂ થઇ ગયું અને પપ્પાને યાદ નથી કે, અમારે તમારી પાસે આવવું છે એ પપ્પાને ફોન કરી યાદ અપાવોને……”  

“અલી….તારા પપ્પા શું કહે છે??”

“બસ તેં જે સાંભળ્યું તે જ…..”કહી તેણી હસી.

         બીજા દિવસે દાદીના ઘેર જવાનું છે એ જાણી બાળકો વહેલા ઉઠી ગયા અને ૯ વાગ્યામાં તો તૈયાર થઇ ગયા.મેં બાળકોની બેગ ઉપાડી અને વિભાએ બીજી બેગ સંભાળી બધો સામાન ડીકીમાં મુકીને તેણી આગલી સીટમાં બેઠી.બાળકોને લઇ ને હું અમારા ગામ ચિંચવડ જવા રવાના થયો.

             ચિંચવડમાં મારાથી મોટા મારા વિધવા બ્‍હેન ધનકુંવર અને બાળકોના ફઇબા જેને તેઓ દાદી કહેતા હતા તેઓ અમારા બાપ દાદાના વખતના જુના મકાનમાં રહેતા હતા. એ મકાન એટલે વિશાળ આંગણા સાથેની ડેલીબંધ ઇમારત. વેકેશનમાં બાળકોનું પિકનિક પોઇન્ટ.

             એ મોટું આંગણું આંબા,ચીકુ,જામફળ,સીતાફળ,પપૈયા અને નાળિયેરના વૃક્ષોથી ઘેરાયેલું હતું. દિવાલોના આધારે વિસ્તરેલી કાકડી,ચીભડા અને તરબુચની વેલ અને મોટું આકર્ષણ એટલે વિશાળ લીમડાના ઝાડ પર બનાવેલી મઢુલી. સવાર પડેને કળા કરતો મોર સાથે ચણવા આવતા ચકલી અને પારેવાના ઝુંડ,મઢુલીની ટોચે ટહુકતી કોયલ. 

          ધનકુંવર પાસે ૨૪ ક્લાક ડ્યુટીમાં એક કેશર નામની બાઇ હતી જે ઘરની અને તેણીની ધ્યાન રાખતી.ઘરમાં એક હરિરામ નામનો નોકર,ડ્રાઇવર,માળી કે કારભારી જે કહો તે ઓલ ઇન વન હતો. આંગણામાં થતાં ફળ-ફળાદી માર્કેટ્માં બાંધેલા વેપારીઓને આપી ને પૈસા  બેન્ક્માં જમા કરવી આવતો. 

             દરરોજ ખાવા મળતાં હરિરામે લાવેલા તાજા વિવિધ ફળ-ફળાદી અને રાત પડેને જમ્યા બાદ દાદી પાસેથી વાર્તાઓ સાંભળતા ઉંઘવુ.ત્યાં પણ મારા દાદી ,મારા દાદી વાળી કેતકી અને ગૌરાંગની જીદ અને દાદીને બન્‍ને બાજુ વળગીને સુવું. આવું બધું શહેરના વાતાવરણમાં ક્યાં???? એટલે વેકેશન પુરૂં થયા બાદ પણ એકાદ અઠવાડિયું ખેંચીને બાળકો માંડ ઘેર પાછા ફરતા.

                                           વેકેશન પુરૂં થવાના આગલા રવિવારે એક-બીજાના અષ્લેશમાં હું અને કસ્તુરી રવિવારની મીઠી ઊંઘ માણતા હતા,એવામાં વહેલી સવારના છ વાગે  કેશરબાઇનો ફોન આવ્યો કે, ધનકુંવરબેનને હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલું ગળે બાઝેલા ડૂમા સાથે માંડ બોલીને ફોન  મુકી દીધો. કસ્તુરીએ ચાર કપડાં બેગમાં નાખ્યા અને અમે ચિંચવડ જવા રવાના થયા.ઘેર જવાને બદલે અમે સીધા હોસ્પિટલ જ ગયા. ડૉકટરને મળ્યા તેમણે રિપોર્ટ આપ્યો કે, ગભરાવા જેવું કશું નથી લાઇટ હાર્ટટ્રબલ થઇ હતી.બે દિવસ અંડર ઓબજર્વેશન રાખી ચેક કરી રજા આપી દઇશું.

                       અમે ઘેર આવ્યા ત્યાં તો કેતકી અને ગૌરાંગ “મારા પપ્પા છે” “મારા પપ્પા છે” કરતાં મને વીટી વળ્યા.હું બાથરૂમમાં ફ્રેશ થવા ગયો વિભા કોફીના બે કપ મુકી ગઇ એટલામાં કસ્તુરી પણ બ્રશ કરી આવી ગઇ.અમે બન્‍ને સાથે કોફી પીધી. કસ્તુરી બાળકોને તૈયાર કરવામાં વ્યસ્ત હતી. મેં બહાર આવી આંગણામાં મુકેલા ખાટલા પર લંબાવ્યું.સવારના શીતળ પવનની લહેરોમાં મને ઊંઘ આવી ગઇ. ખાસા એક કલાક પછી કસ્તુરી ફ્રેશ થઇને બહાર આવી પોતાના ભીના વાળને મારા ચહેરા નજીક ઊભા રહી ઝાટકો માર્યો અને એ ઝીણી છાંટથી મારી આંખ ખુલી ગઇ.

“જલ્દી તૈયાર થઇ જાવ આપણે હોસ્પિટલ જવાનું છે”

“હેં….હા હા …..” કરતો હું સફાળો ઊભો થઇ અંદર ગયો.

“વિભા બેટા……..”

“હા….. બધું થઇ જશે તું અને પપ્પા હોસ્પિટલ જાવ.”

                       અમે હરિરામ સાથે હોસ્પિટલમાં આવીને ડૉકટરને મળ્યા. તેમના રિપોર્ટ મુજબ હાલ તો બધું  નોર્મલ છે આજ રાત સુધીમાં કંઇ કોમ્પલીકેશન નહીં થાય તો કાલ સવાર સુધી રજા આપી દઇશું.મેં કસ્તુરીને હરિરામ સાથે ઘેર મોકલાવી આપી. બાળકો દાદી પાસે જવા જીદ કરવા લાગ્યા તેમને કસ્તુરીએ સમજાવ્યા કે, કાલે દાદી ઘેર આવશે.

     બીજા દિવસના ૧૦ વાગ્યે અમે મોટીબેનને ઘેર લઇ આવ્યા.હજુ તો બારણામાં પગ મુક્યો ત્યાં કેતકી અને ગૌરાંગ “મારા દાદી” “મારા દાદી” કરતાં બન઼્ને બાજુ દાદીને બાઝ્યા તેમને કસ્તુરીએ અડગા કરવા ગઇ ત્યાં વિભાએ અનુપને આંખનો ઇશારો કર્યો એટલે અનુપે “મારી મમ્મી” કહીને કસ્તુરીનો હાથ પકડ્યો તો મોટીબેનને મુકી બન્‍ને કસ્તુરીને “મારી મમ્મી” “મારી મમ્મી” કરતાં બાઝ્યા.

       મારા મોબાઇલની રીન્ગ વાગી વાત કરતા ખબર પડી કે,મારે દિલ્હી જવાનું છે.મેં મોટીબેનને વાત કરી તો તેણીએ જ કહ્યું

“હા તું તારે જા મારી ફિકર કરતો નહી.અહીં કેશર અને ક્સ્તુરી બન્‍ને અને ઓલી વિભા પણ છે ને? વાંધો નહીં નોકરી પહેલાં”

                                ઘેર આવી મેં દરવાજો ખોલ્યો તેના અવાઝથી પોતાના ઘરનો દરવાજો ખોલી રંભા ટહુંકી 

“ઘર બંધ કરી ભાભીને તમે એકાએક કયાં ચાલ્યા ગયા હતા???”

“વહેલી સવારે મારી બેનની મેઇડનો ફોન આવેલો કે મારા મોટીબેનને હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે અમે તરત જ નીકળી ગયા.માઇલ્ડ હાર્ટટ્રબલ થઇ હતી……. “હં……  હવે કેમ છે?

“નાઉ સી ઇઝ ઓકે.” કહી હું ઘરમાં દાખલ થયો  

“હું તમારા માટે કોફી બનાવી લાવું છું”

                          કહી તેણી પોતાના કિચનમાં ગઇ અને મેં ઘરમાં આવી મારી ટ્રાવેલિન્ગ બેગ ઉપાડી.એમાં રહેલાં કપડાં ચેક કર્યા.લેપટોપ મુક્યો અને લોક કરી ત્યાં સુધી રંભા બે કપ કોફી લાવી.એક મને આપી બીજી ડાઇનિન્ગ ટેબલની ખુરશી પર બેસી પોતે પીવા લાગી.મેં કોફી પુરી કરી. ઘડીયાળમાં જોતાં હું બાલ્કનીમાં આવ્યો.મને લેવા માટે આવેલી પાર્ક કરેલી કેબ મેં જોઇ રંભાને કહ્યું

“થેન્ક્સ ફોર કોફી મારા માટે કેબ આવી ગઇ છે મારે દિલ્હી જવા એરપોર્ટ પહોંચવાનું છે”

“દિલ્હીથી મુંબઇ આવવા રવાના થાવ તો મને ફોન કરજો હું રસોઇ બનાવી રાખીશ”

“ના…ના…એની જરૂર નથી હું ઓફિસના મેસમાં જમી લઇસ”

“પણ હું બનાવું તો શો વાંધો છે???”

“એવું નથી કસ્તુરી અહીં હતી ત્યારે પણ લગભગ બપોરના હું મેસમાં જ જમું છું”

“ઓ.કે જેવી તમારી મરજી” કહી ખભા ઉલાડી ખાલી કપ લઇ રંભા જતી રહી અને હું ડોર લોક કરી લિફ્ટ બાજુ વળ્યો.

              કેબમાં બેઠા પછી ટ્રાવેલિન્ગ બેગનો ઉપલો ખાનો ખોલી મેં મારી ડાયરી કાઢી પાના ઉથલાવતાં ૧૫મી જુલાઇના આંકડા પર કરેલ સર્કલ યાદી માટે કરેલું કે તે દિવસે બિન્દુનો બર્થડે હતો.અમારી સામેના ફ્લેટ નંબર ૪૦૪માં છેલ્લા વરસથી રહેતી દંપતીના ઘેર ૧૦ વરસની લગ્નજીવન વેલ પર પાંગરેલા પહેલાં ફૂલનો પહેલો બર્થડે.

                              આ શુભપ્રસંગની તૈયારી એક અઠવાડિયાથી ચાલતી હતી.             બિન્દુના મામા-મામી ઠેઠ નૈરોબીથી આવનાર હતા જેનો ઉલ્લેખ વાત વાતમાં લગભગ ૧૦થી૧૨ વખત થયો હતો. તેઓ બે દિવસ પહેલાં જ આવી ગયા હતાં.દિવાનખાનાને નવા રૂપરંગ અપાયા હતા અને શણગારવાનું ત્રણ દિવસથી ચાલુ હતું. જે પુરૂં થઇ ગયું હતું.કેકનો ઓર્ડર આપવા શહેરની સારી બેકરીમાં જવાનું,બીયર, વોડકા, શેમ્પેઇન વગેરેની વ્યવસ્થા કરવી આમંત્રણપત્રિકા છપાવવાનું, આવનારનું લિસ્ટ બનાવવાનું અને આમંત્રણ પત્રિકા વિતરણ અને ખાસ મહેમાનોને ફોન કરવા જેવા અનેક કામોમાં મેં પાર પાડ્યા હતાં. આખરે પાર્ટિ સાંજે ૭ વાગે શરૂ કરવાનું નક્કી થયેલ. એ બે વરસની ઘટનાઓ ચિત્રપટની જેમ ઉપસવા લાગી.

                             આ બિલ્ડીંગ પંકજ પ્લાઝા બની તેમાં રહેવા આવનાર હું પહેલો ભાડુત મેમ્બર હતો. પાંચમાળની આ ઇમારતમાં ૪૦૧ નંબરનો ફ્લેટ કસ્તુરીની પસંદગીનો હતો.બે બાજુથી ખુલ્લી જગા અને ઉગતા સૂર્યના દર્શન થાય એ આશયથી તેણીએ પસંદ કરેલો.મેં કહેલું છેક ઉપલામાળે ૫૦૧માં રહીએ તો તેણીએ દલીલ કરી કે,ઉપર અગાસી છે એ ગરમ થાય તો નીચે આપણને પણ ગરમી થાય તેના કરતાં ૪૦૧ સારો.મેં ૨૦૩નો સજેશન કરેલો તો કહ્યું કે, મારે વિક્ટોરિયામાં નથી રહેવું.

                હળવે હળવે બધા ફ્લેટ ભાડે અપાઇ ગયા સિવાય એક અમારા સામેનો ૪૦૪ ઘણા સમય સુધી ખાલી રહ્યો.મેં તો મકાન માલિક પાસેથી ફ્લેટ ૪૦૧ વ્હેંચાતો લેવાની વાત કરેલી,પણ એ આપવા માટે એકનો બે ન થયો.હા એક સરસ સજેશન જરૂર કરેલું કે,શહેરની બહાર હાઇવે અને રેલ્વે સ્ટેશન રોડના જંકશન પર તેમની જ કંપની દ્વારા બંધાતી બ્લુ ડાયમન્ડ રો-હાઉસિન્ગ સોસાયટીમાં અત્યારે બુકીન્ગ કરાવો તે ફાયદા કારક છે.હમણાં ભાવ નીચે છે આગળ જતાં ડિમાન્ડ વધવા સાથે ભાવ ડબલ થવાની પણ શક્યતા છે..હાલનો ફ્લેટ બે બેડરૂમનો છે જ્યારે ત્યાં ત્રણ બેડરૂમ હતા.ફ્લેટ અને લોકેશનની ડીઝાઇન જોઇ મેં કસ્તુરીને નકશા બતાવ્યા તો એ પણ ખુશ થઇ ગઇ,આમ  બિલ્ડરની વાત માની મેં બુકિન્ગ કરાવેલ અને અહીં ભાડેથી રહ્યો.  (ક્રમશઃ)