ના માણી શકો

“ના માણી શકો”

આવરણ ઓઢી કરી વરસાદ ના માણી શકો;
કોચલે  પુરાઇને વરસાદ  ના  માણી  શકો
તન બદન ભીંજાય ત્યારે સ્પંદનો જે ઉદ઼્ભવેઃ
સ્પંદનો પામ્યા વગર વરસાદ ના માણી શકો
છત પરે કો બાગમાં મેદાનમાં ઊભા રહો;
ગોખમાં ઊભા રહી વરસાદ ના માણી શકો
કો’નદીમાં યા તળાવે નીર જે આવ્યા હશે;
ભૂસકા માર્યા વગર વરસાદ ના માણી શકો
ઉછળે મોજા સમંદરમાં ચડે ભરતી પછી;
છાલકો ઝિલ્યા વગર વરસાદ ના માણી શકો
નાળચા કો’ ઘર તણાં હેઠળ કરા ઊભા રહો;
એ મહીં નાહ્યા વગર વરસાદ ના માણી શકો
જો “ધુફારી”ના ઘરે ભજીયા મળે કાંદા તણાં;
ઘુંટડા બે ચ્હા વગર વરસાદ ના માણી શકો
૨૯-૦૭-૨૦૦૮

ન ડરવાનો

 “ન ડરવાનો”

તમોને હું કહું છું જે,ખબર છે તે નહીં માનો;
ભલે તૂટે હ્રદય કોઇ,ભલે કચડાય અરમાનો.
તમોને શી પડી પરવા’,સમજવાની નથી ફૂરસદ;
રમત મેલી તમારી છે,કરી જાણો છો ફરમાનો.
કદમપોશી પડી કોઠે,ફરો છો સર ઉઠાવીને;
છે કરવી મન તણી માની,મળેલો ખાસ પરવાનો.
નથી પરવાનગી કો’ લાગણીને,દિલ મહીં જાવા;
ચણેલી છે દિવાલો દંભની,ફરતા છે દરવાનો.
ધરાશાહી થસે કિલ્લો,અગર ત્યાં ગાબડા પડશે;
”ધુફારી”ને ન ધમકવો,એ અલગારી ન ડરવાનો.

૦૪.૦૬.૨૦૦૭/૨૪-૧૨-૨૦૧૦

 

“અંદરની”

“અંદરની”

કબર આરસ તણી હો યા ચણેલી ઇટ પથ્થરની

બનીને શબ મહીં સુતા કથા છે એ જ અંદરની

તવંગર છે કુટીરોમાં ગરીબો છે મહાલયમાં;

નથી આ ધન તણી વ્યાખ્યા સમજ છે એ જ અંદરની.

રજતની હોય એ થાળી અગર એ હોય માટીની;

બધાના પાત્રમાં રોટી ગરીબોની તવંગરની.

નનામી વાંસની બાંધો અગર હો કાસ્ટ ચંદનની;

અગનમાં શબ બળી જાતારહે છે રાખ અંદરની.

ઘડેલા એક માટીથી બધા માનવ જગતનાથે;

“ધુફારી”પણ અલગ રચના બધાની બહાર અંદરની.

૨૪.૦૮.૨૦૦૮