“વરસાદ”

                      “વરસાદ”

મોસમ  હતી વરસાદની  ને રાત પણ કાળી હતી;

ત્યાં  વીજ  ઝબકારે મળી લલના એ રૂપાળી હતી.

વસ્ત્રો   બધા  ભીંના  હતા  બુંદો  ટપકતી  કેશથી;

ઘેધૂર  વડ  છાયા  તળે  ઊભી  ધરી  ડાળી  હતી.

થરથર  બદન  કંપી  રહ્યું  ઠંડા  પવનની  ઝાપટે;

ઝંખી   રહી’તી   હૂંફને  તેથી  અદબ વાળી  હતી.

હું પણ હતો એ વડ તળે અણજાણ આ અણસારથી;

સરકી  અચાનક  કોટમાં  ને  પાંપળો  ઢાળી  હતી.

જ્યારે  “ધુફારી”  નયનમાં  જોતી  જરા  સરકી વધુ;

બાઝી  પડી એ  વેલ  સમ  ને  પીઠ  પંપાળી  હતી.

૨૪-૦૬-૨૦૦૭

‘ન્યારી હશે’

“ન્યારી હશે”
તું અગર સાથે હશે તો સાંજ એ ન્યારી હશે;
આભથી લાલી ઝરે એ પળ ઝલક ન્યારી હશે.
સ્પર્શની ભાષા હશે ત્યાં શબ્દનું શું કામ છે?
સોણલાના પોટલાની પોઠ વણઝારી હશે.
કેશ તારા ગુંથવાની મોજ મીઠી માણવા;
બેસવું કો બાગમાં જ્યાં ફૂલની ક્યારી હશે.
વાદળી સાળુ નિહાળી વ્યોમ ચકરાવે ચડે;
એ સમાણો જે મહીં એ ઓઢણી ન્યારી હશે.
લોક તો જાસુસ સમ ખણખોદ છો કરતાં રહે;
બસ “ધુફારી” વ્યોમના વિહંગ પર સ્વારી હશે.
૨૪-૦૬-૨૦૦૭