“ત્યારે કેવો કાળ ચડે?*”

“ત્યારે કેવો કાળ ચડે?*”

         આપણને જ્યારે ઉતાવળમાં હોઇયે ત્યારે જ ઘણી વખત એવું બને તો આપણને કેવો કાળ ચડી જાય?એ વાત આજે આપણે કરીએ.મુળ તો જે કંઇ બને એ આપણી ખોટી ઉતાવળ બેવકુફી અને અજાણતાં થઇ જાય પણ માણસ એક એવું પ્રાણી છે કે જેને પોતાનો દોષ ક્યારે પણ દેખાતો નથી તેમાં પણ તે સમયે કોઇ ભેખડે ભરાઇ જાય તો જુઓ મજા બધા દોષનો ટોપલા તેના પર ઢોળતા જરા પણ વાર કે વિચાર ન કરે.

*દરેક બીના વાંચ્યા પછી મથાળાનો પ્રશ્ન ઉમેરવો.

 • સવારના ખાટલા કે પલંગમાંથી ઉભા થતાં હોઇએ ત્યારે જ બન્‍ને પગમાં ખાલી ચડી જાય અને ધબ દઇને પાછા બેસી જઇએ.
 • રોજ રકાબીમાં રેડીને ફુંકીને ગરમ ચ્હા પીતા હોઇએ ને ફુંક્વાનું ભુલી જઇએ ને જીભ દાઝી જાય.
 • કોઇના બેસણે જવા માટે પાયજામો પહેરતા હોઇએ ત્યારે પગની ટચલી અને તેની બાજુની આંગળીના ખાંચો નેફામાં અટવાઇ જાય અને આપણું બેલેન્સ માંડ જાળવાય.
 • જનરલી પાયજામાના પાયચામાં જરા ત્રાંસો કરી સડસડાટ સરતો પગ અચાનક સીધો થઇ જાય અને પાયચામાં અટકી પડતા આપણે ગડથોલિયું ખાઇ જઇએ.
 • શર્ટના બધા બટન બીડયા બાદમાં જાણ થાય કે ખોટા ગાજમાં બટન  બીડયા હોવાથી શર્ટ કઢંગુ પહેરાઇ ગયું છે.ત્યારે બધા બટન ખોલી ફરી બીડવા પડે
 • ક્યાક જરૂરી કામે બહાર જવાના સમયે જ લઘુશંકા થાય ઘરમાં  ભલે ત્રણ બાથરૂમ હોય પણ  ત્યારે એક પણ ખાલી ન હોય ને હોય ત્યારે જ જીપ ન ખુલતાં અંડરવેર ભીનું થાય
 • લિફ્ટ વગરની બિલ્ડિન્ગના દરેક પગથિયા સાવચેતીથી ઉતરતા હોઇએ અને છેલ્લું પગથિયે જ અવઢવ થાય અને માથું સામેની ભીંતમાં ભટકાય.
 • સી.આઇ.ડી. જેવી સિરિયલ અથવા મન ગમતી ફિલ્મ જોતા હોઇએ બ્રેક પુરી થવાના જ સમયે કોઇ ઘરની બેલ વાગે ને ફરજીયાત જવાબ આપવા ઉઠવું પડે ત્યારે જ સિરિયલ કે ફિલ્મ ચાલુ થઇ જાય અને જોવા લાયક સીન ચાલ્યો જાય.
 • કોઇકનો ફોન આવે ત્યારે લાઇન ખરાબ હોવાથી બરાબર સંભળાય નહી અને ત્યારે જ કોઇ બાળક ભેંકણો તાણેં.
 • મોડીરાત સુધી મેડાવો અથવા મુશાયરો ચાલતો હોય ને ત્યારે ચ્હાની ભુકી ખુટી પડે.
 • સખાવત કરી બધાને એકેક બીડી અથવા સિગારેટ આપી હોય અને છેલ્લે પોતાના ભાગે ન આવે.
 • કશાક જરૂરી કામ માટે ઉજાગરો કરતા હોઇએ ત્યારે મધરાતે તમાકુવાળા પાન કે માવાની પડીકી ખુટી પડે.
 • ક્યાંક અર્જન્ટ પહોંચવાનું હોય ત્યારે જ રસ્તા વચ્ચે બાઇક્માં પેટ્રોલ ખૂટી પડે અથવા સાઇકલનું ટાયર પંક્ચર થઇ જાય.
 • બાથરૂમનું અથવા ઘરનું બારણું વાંસતા હોઇએ અને પગની આંગળીઓ બારણા નીચે આવી કચડાઇ જાય.
 • પરિક્ષાનું પેપર લખતાં હોઇએ ત્યારે અધવચ્ચે પેનમાં શાહી ખુટી પડે અથવા નીબ ભાંગી જાય.
 • કોઇ આપણને મનગમતિ હોય તેને ‘મારી સાથે લગ્ન કરીશ?’ એમ પુછવું હોય તે આજે પુછીશ કાલે પુછીશ એ અવઢવમાં રહીએ અને તેણીની સગાઇના પેંડાનું પડિકું મળે.
 • કોઇ મોંઘેરા મહેમાન ઘેર આવે ત્યારે હરખમાં ઊભા થવા જતાં ટેબલ અથવા ખુરશીના પાયામાં અટવાઇ જાય અને તેમના ઉપર જઇ પડિયે.   

૧૪-૦૭-૨૦૧૦

 

“જોજે કદી”

“જોજે કદી”

દિલ  તણાં  ઊંડાણમાં  પેસી જરા જોજે કદી;

આરસી  મનની  ધરી  સામે જરા  જોજે કદી.

આમ જનતાથી અલગ એકાંતમાં મળજે તને;

શોધજે  તારા   મહિં   તુજને  જરા  જોજે કદી.

તું  તને  શોધે  અને  તું  ના જડે  તો  શું  થયું?

શોધવા  તારા  સઘડ ખુદમાં જરા  જોજે કદી.

કોણ  છે  તું શોધવાની  તેં કદી પરવા કરી?

આ“ધુફારી”ની નજરથી પણ જરા જોજે કદી

૨૬-૦૫-૨૦૦૭