“વજ્રઘાત”

“વજ્રઘાત”

              દર વરસની જેમ શ્રાવણ માસ શરૂ થતાં ને મણીકાન્ત મુંબઇથી ઘેર આવ્યો.બારણામાં પગ મુંકતા જ કાશીકાકી સામે મળ્યા તેમેને પગે લાગ્યો તો હાથમાંનું વાસણ નીચે મુકી માથાપરનો પાલવ સરખો કરતાં ઓવારણાં લીધા

“જુગ જુગ જીવજે દીકરા હમણાં જ આવ્યો?”

“હા કાકી હમણાં જ ભુજની બસમાં આવ્યો”

“ભલે આવ્યો બાપ…..હાંસબાઇ હમણાં જ કહેતા હતા કે, મણીકાન્ત આજકાલમાં આવવો જોઇએ” કહી બહાર ગયા તો મણીકાન્તે બેગ બાજુમાં મુકતાં બુમ પાડી

“મા…એ…માડી…..”

“આવ્યો મણિયા?”કહેતા હાંસબાઇ જટપટ દાદર ઉતરવા લાગ્યા ને હજુ તો છેલ્લા બે પગથિયા બાકી રહ્યાં ત્યારે મણીકાન્ત મા ને પગે લાગ્યો.

“અરે મારા રોયા…!!! દાદર તો ઉતરવા દે, માથાપર પાલવ મુકવા દે…” કહી સાડલાનો છેડો સરખો કરતાં ઓવારણા લીધા,

“જુગ જુગ જીવજે દીકરા….” કહી દીકરાને બાથમાં લેતાં સાડલાના છેડાથી આંખો લુછી તો મણીકાન્તે કહ્યું

“આ શું મા…..????”

“દીકરા આષાઢનો ચંદ્ર દેખાયને આંખો વાટ જોતી હોય છે….”

“તો આષાઢીચંદ્ર દેખાયને આવું”

“નારે બાપ…શ્રાવણમાસના મેળા મલાખડાની ધામધુમ તું ન હોય તો મધુ અને કબુ ને  ફીક્કી ફીક્કી લાગે”

“હા…એ વાત તારી સાચી.કશુંક ખાવા આપ ભુખ લાગી છે”

“હા.બેસ ગઇકાલે જ ચેવડો બનાવ્યો છે એ આપુ..”કહી તેઓ રસોડા તરફ વળ્યા અને મણીકાન્ત નાવણિયામાં હાથપગ ધોવા ગયો.હ્જુ તો તેણે પગ પર પાણી રેડ્યું જ હતું ત્યાં તો કાવેરીનો સાદ સંભળાયો

“કાકી મણીકાન્ત આવ્યો?”

“એ…હા…આવ દીકરી”રસોડામાંથી નાસ્તાની ડીસ લઇ બહાર નીકળતાં કહ્યું

“ક્યાં…છે…???”કહેતાંક ને એ દાદર ચડી ગઇ

“અરે…કબુ…સાંભળતો ખરી…..”એમ હાંસબાઇ કહે તે પહેલાં નાવણિયામાંથી બહાર આવતાં મણીકાન્તે નાક પર આંગળી મુકી ઇશારાથી ના પાડી અને મા પાસેથી નાસ્તાની ડીસ લઇને નાસ્તો કરવા બેઠો. કાવેરી ત્રીજા માળ સુધીનો ચક્કર મારીને છેલ્લો દાદર ઉતરતાં છણકો કરતાં હાંસબાઇને કહ્યું

“ક્યાં છે મણીકાન્ત કાકી .? બા એ મને ખોટી દોડાવી” કહી દાદર ઉતરી એટલે મણીકાન્તે કહ્યું

“ભગવાને આંખો જોવા આપી છે…પણ કોઇને દેખાય નહી તો કોઇ શું કરે તારી તે આંખો છે કે મરઘીના ઇંડા…હું તો અહીં જ બેઠો હતો અને તું મણીકાન્ત કરતીક વંટોળિયા જેમ ત્રીજા માળ સુધી ફરી વળે તો કોઇ શું કરી શકે….????”

“હવે બેસ બેસ ડાહ્યલા હું આવી ત્યારે તું અહી ન્હોતો…”

“હા…રે…બા ના પાલવડે બાંધેલ હતો તે હમણાં જ છોડીને બેસાડ્યો…”

“જુવોને કાકી આવતાં વેત જ ……”કહી કાવેરીએ છણકો કર્યો

“જો દીકરી તમ જુવાનિયા વચ્ચે મને ન લાવો,ચેવડો ખાવો છે????”

“હા કાકી તમારા હાથના ચેવડાનો સ્વાદ જ અલગ છે…”કહી મણીકાન્તની બાજુની ખુરસીમાં બેસીને મણીકાન્તની ડીસમાંથી ચેવડો ખાવા લાગી..

“આ શું કબુ…..????”બીજી ડીસ લઇ આવેલ હાંસબાઇએ કહ્યું

“કશુંક તો લડવાનું બહાનું જોઇએ ને…..??”મા પાસેથી ડીસ લેતાં મણીકાન્તે કહ્યું

“બિલાડીની ઇચ્છાથી શીકું નીચે ન પડે કેમ કાકી….???” કહી ચેવડો ખાવા લાગી તો બારણામાંથી અવાજ સંભળાયો

“ન પડે મારી મા,ન પડે,પણ હવે આ રેકર્ડ ઘસાઇ ગઇ છે ને જુની પણ થઇ ગઇ છે હવે તો બીજી મુક મારી બાઇ….”કહી મધુકાન્ત ઘરમાં દાખલ થયો.તેનો સાદ સાંભળી હાંસબાઇએ રસોડામાંથી પુછ્યું

“મધુ ચ્હા પીવી છેને…???”

“એ…હા કાકી..” કહી કાવેરીની ડીસમાંથી ચેવડો ખાધો.

“મ…મ…એ…નઝરાયેલું ખાઇસ તો પેટમાં દુખશે મારા ભાઇ રહેવા દે…કહી મણીકાન્તે પોતાની ડીસ મધુકાન્ત સામી ધરી.

“નારે…એવું નઝરાયેલું ખાઇ ખાઇને હવે મેસ મરી ગઇ છે…”કહી ફરીથી ચેવડાનો ફાકડો ભર્યો.પછી ચ્હા આવી અને નાસ્તો પાણી થઇ ગયા તો મણીકાન્તે કહ્યું

“મા…હું બાપુજીને પેઢી પર મળી આવું…..ચાલ મધુ” કહી એ બહાર નીકળ્યા તો કાવેરી નાસ્તાના વાસણ ભેગા કરી રસોડામાં મુકવા ગઇ.

                         દિવસો કેમ પસાર થતાં ગયા ખબર ન પડી અને જોત જોતામાં ગોકળઆઠમ આવી ગઇ.આજે બધા ભગુકાકાને ઘેર ભેગા થયા હતાં.હાંસબાઇ અને કાશીબાઇ દીવાની વાટો બનાવતી હતી જયારે બીજી ચાર પાંચ બાઇઓ બેઠે બેઠે.ભજન ગાતી હતી..પુષ્પકાંત મેડીકલની કોઇ બુક વાંચતો હતો,મણીકાન્ત કાવેરીના હાથ પર મહેંદીની ડિઝાઇન કરતો હતો તે મધુકાન્ત જોતો હતો,ત્યાં ભગુભાઇ ને કાનજીભાઇ રમીની રમતમાં જામ્યા હતાં.

                  તળાવવાળા નાકા બહાર મેળો પુરબહારમાં જામ્યો હતો.ત્યાંથી લાઉડસ્પીકર પર વાગતાં ગાયન “મહેંદી તે વાવી માડવે ને એનો રંગ ગયો ગુજરાત રે…..”ના સુર સંભળાતા હતાં જેમાં ખુશખુશાલ થઇ કાવેરી સુર પુરાવતી ગાતી હતી તે સાંભળી મણીકાન્તે કહ્યું

“કાલે તારા વાળા પરદેસીને મહેંદીનો રંગ દેખાડજે હં…કે……”

“હા હા બતાવીશ તેં ન કહ્યું હોત તોય….”આંખો નચાવતાં કાવેરીએ કહ્યું તો મધુકાન્ત હસ્યો.

“આ ગંધારી ગોબરીને કોણ ઉપાડસે???”

“તું તો બહુ ગોરો ને રૂપાળો છેને??? એ ખબર છે”કાવેરીએ કહ્યું તો મણીકાન્ત જે કાંડીથી મહેંદી મુકતો હતો એ મહેંદીની વાટકીમાં મુકી બન્નેનો ઝઘડો જોવા લાગ્યો.

“કેમ શું થયું?????”કાવેરીએ મણીકાન્તને બેઠેલો જોઇ પુછ્યું

“કંઇ નહીં તમે બન્ને આરામથી ઝઘડી લ્યો પછી વાત મહેંદી તો પછી પણ મુકાશે”

“ના ના મણીકાન્ત હું બા ને કહું કે ચ્હા બનાવે તું તારૂં કામ પુરૂ કર મારા ભાઇ નહીતર આ વંતરી મને ઠેઠ લગણ નહી મેલે ને લોહી પી જસે એ નફામાં ”કહી મધુકાન્ત ઊભો થયો ત્યારે તેણે જોયું કે મણીકાન્ત એકીટસે કાવેરીને જોતો હતો એ જોઇ મધુકાન્તે પુછ્યું

“કેમ શું થયું તું ક્યાં ખોવાઇ ગયો????”

“મને વિચાર આવે છે કે,આપણા ખભે બેસાડીને ફેરવતાં એ કબુ આ જ છે કે બીજી કોઇ હતી……????”

“હા ઇ તારી વાત સાવ સાચી…..આપણા નાસ્તામાંથી એનો અલગ ભાગ પાડીને ખવડાવતાં એનો તો આ વાંદરીને કશો ગણ નથી અને પીઠપર ઉચકી ઉચકીને ફેરવતા હતાં એ બધુ ફોગટ ગયું ને?????કહી મધુકાન્ત ગયો અને મણીકાન્ત પોતાના કામમાં પરોવાયો તો કાવેરીએ કહ્યું

“ઉશ્કેરણી તમે બને ભેગા થઇને કરો ને વાંક મારો કેમ???”

“હું તો ખાલી પુછતો હતો કે આ કબુ તે જ છે કે બીજી કોઇ એમાં ખોટું શું કહ્યું……??? મણીકાન્તે પોતાનું કામ કરતાં કહ્યું

“ખોટું ને તું બોલે….હં…..તું ને મારા વારો ભાઇ બન્ને સરખા છે એક બીજામાં અફાળો તો ગોબો કોઇમાં ન પડે ઓલી કહેવત છે ને ચુલાની સાક્ષી કોણ તો કહે ફૂંકણી’ કહી હસી પડી

                        રાતના ક્રષ્ણ જન્મના દર્શન કરીને આવ્યા બાદ કાનુડાની જ વાતો થતી હતી.મણીકાન્ત અને મધુકાન્ત ઉપર ખુલ્લી અગાસીમાં વાતો કરતાં કરતાં સુઇ ગયા.વહેલી સવારના મણીકાન્તને લાગ્યું કે તેના પગના અંગુઠો દબાય છે એટલે તેની આંખ ખુલી ગઇ આંખ ખોલી ને જોયું તો સામે કાવેરી ઊભી હતી.

“ઉઠ સવાર પડી ગઇ”મણીકાન્ત કશું જુવે કે સમજે તે પહેલાં જ કાવેરીએ પુછ્યું

“જોયું કેવો રંગ આવ્યો છે…?”

“સારો છે…”ઉંઘરેટી આંખોથી જોતા અને કહેતા મણીકાન્ત ઘેર ગયો અને પાછો ઊંઘી ગયો.સાંજે મેળામાં જવા માટે મધુકાન્તને બોલાવવા મણીકાન્ત તેને ઘેર ગયો તો કાશીકાકીએ કહ્યું

“મધુ બજારમાં ગયો છે હમણાં જ આવશે તું બેસ હું ચ્હા બનાવું”

“પુષ્પકાન્ત ક્યાં છે…?”

“ઉપરના માળે હશે..”કહી કાશીકાકી રસોડામાં ગયા અને મણીકાન્ત ઉપરના માળે આવ્યો ત્યારે પુષ્પકાન્ત બહાર જવા તૈયાર થતો હતો તે જોઇ મણીકાન્તે પુછ્યું

“મેળામાં આવે છે કે ક્યાં બહાર જાય છે…???”

“મેળામાં આવવું આપણું કામ નહી.દિલ્હીથી એક પ્રોફેસર આવ્યા છે અને ડાકબંગલામાં ઉતર્યા છે તેમને ખાસ મળવા મારે જવું છે,તું બેસ મધુ હમણાં જ આવવો જોઇએ હું જાઉ” કહી પુષ્પકાન્ત દાદરા તરફ વળ્યો અને મણીકાન્ત અગાસીમાં ઊભો રહી ત્યાંથી દેખાતું શહેર જોવા લાગ્યો.અગાસીની એક દિવાલ લગોલગ ઓટલા જેવું બનાવેલું હતું ત્યાં બેસી તેણે એક નજર ચોફેર ફેરવી ત્યાં તો

“ચ્હા ગરમ….” એવું સંભળાયું નજર ફેરવી તો કાવેરી ચ્હાના કપરકાબી લઇને ઊભી હતી.મણીકાન્ત ચ્હાનો કપ હાથમાં લેતાં કહ્યું

“અરે..વાહ!!! આજે તો તું ઓલી જાપાની ઢીંગલી જેવી લાગે છે… “તો કાવેરી રંગમાં આવી ગઇ.મણીકાન્તે ચ્હા પુરી કરીને ખાલી કપરકાબી કાવેરીના હાથમાં આપ્યા ત્યાંતો નીચેના માળથી મધુકાન્તનો સાદ સંભળાયો એટલે એ દાદર ઉતરવા લાગ્યો ત્યાં તેને મજાક સુજી એટલે કાવેરીને પુછ્યું

“પછી મહેંદીનો રંગ તારા પરદેસીને બતાવ્યો……???”

“ઓહ!!!! મણિયા તું મને ક્યારે સમજી શકીશ…….????”એવું કહી કાવેરી રડી પડી મણીકાન્ત ઉપર તો જાણે વજ્રઘાત થયો હોય તેમ હેબતાઇ ગયો અને દાદરના બે ત્રણ પગથિયા ચુકી ગયો પણ ટેકા માટે દાદર પાસે બાંધેલ દોરડું જો એના હાથમાં આવ્યું ન હોત તો સીધો નીચે પટકાયો હોત.દાદરની આ ધડબડાટી સાંભળીને કાશીબાઇ અને મધુ

“શું થયુ….શું થયું…??? કરતા ઉપરના માળે આવ્યા.

“કંઇ નહી રે….મેળામાં જાવાના હરખમાં પગથિયા ચૂકી ગયો તેથી હમણાં પડ્યો કે પડીશ એની અરેરાટીમાં જુવોને  કબુની તો આંખ ઉભરાઇ પડી…”કહી મણીકાન્ત હસ્યો

“ચાલો મેળામાં જાવાને મોડું થાય છે…”

           આ બનાવ બન્યા પછી મણીકાન્તનો કચ્છ આવવાનો હરખ ઓગળી ગયો. અને મહિના દિવસ રોકાનાર મણીકાન્ત કચ્છમાં એક અઠવાડિયાથી વધુ રોકાયો નથી.