“પોંખણા વિધિનું રહસ્ય”

પોંખણા વિધિનું રહસ્ય”

    આપણા સમાજમાં કન્યાપક્ષ તરફથી વરરાજાને પોંખવાની એક વિધિ થાય છે એ સર્વ વિદીત વાત છે.એ વિધિ પાછળનો ઉદેશ્ય શું છે એ બહુ ઓછા લોકોને ખબર હશે મને પણ ન્હોતી પણ અમારા ગામમાં પોંખણા બનાવીને સપ્લાય કરનાર એક સાત ચોપડી ભણેલ વ્યક્તિ પાસેથી જાણી ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે કેટલી ગુઢતા એમાં છુપાયેલી છે.આ જ વાત તમારી સમક્ષ રજુ કરૂં છું.

      એક રાત્રે અમે બધા મિત્રો વાળુ કર્યા બાદ રોજ્ના નિયમ મુજબ તળાવની પાળે ભેગા થયા કાનજી એ કહ્યું આવતા મહિનાની અજવાળી અષ્ટમીના મારા મામાની દિકરીના લગ્ન છે.ખેતશીએ કહ્યું તો ત્યારે પોખણાની જરૂર તો પડશે.શિવજીથી રહેવાયું નહિ તેણે કહ્યું આ પોખણા શા માટે વપરાય છે એ તો ખબર છે.આ વિધિ શા માટે કરવામાં આવેછે?શું પોખણા વગર વરરાજાનો સત્કાર ન થાય્?તો ખેતસી હસ્યો.આ જોઇ ગોરધન મારાજથી ન રહેવાયું તેણે કહ્યું તું હસે છે મતલબ તને ખબર છે.ખેતસીએ કહ્યું હા મેં એક દિવસ પોખણં બનાવતા મારા બાપુજીને પુછેલું તેમણે જ મને આ વાત કરેલી.પછી બધા તરફ એક નજર કરી કહું તો સાંભળો મને જેટલું યાદ છે તે કહુ છું.

         પોખણાથી કન્યાની મા વરરાજાને સમજાવે છે કે દિકરા આમાં પડવા જેવું નથી એ કરતાં હજુ પણ સમય છે પાછો વળીજા.પોખણામાં સૌથી પહેલાં ધુસરી બતાવીને કહેછે,દિકરા લગ્ન કરીશ તો ઘરસંસારની ધુસરી તારી કાંધે પડશે અને બળદિયા જેમ જોતરાવું પડશે અને સંસારના સ્ત્રી અને પુરૂષ બે પૈડા છે સાથે અને સરખા પૈડા ચાલશે તો સંસારની સફર સુખદ હશે નહિ તો રઘસિયા ગાડાનો ભાર વેંધારવાનો વારો આવશે.લગ્નસંસાર એક ખેતર જેવું છે એનું ખેડાણ બરોબર થશે તો વાવણી લાયક થશે અને તેમાં પાક થશે નહિતર ઉજ્જડ થઇ જશે અને દુઃખના બાવડિયાના જિન્દગી ભર કાંટા ભોંકાશે અને જીવતર વસમું થઇ જશે માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા.

          પછી ચકલીઓ બતાવીને કહે છે પાક થશે તો વૈયા(પાક ચણી જનાર પક્ષી)ઉડાડવા પડશે અને તો પાક સલામત રહેશે નહિતર લેભાગુઓ માલ ખાઇ જશે અને તારા હાથમાં કંઇ નહિ આવે અને રાતની ઊંઘ હરામ થઇ જશે અને બગાસાના વૈયા ઉડાડ્યા કરજે રાતભર માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા.

                પછી સાંબેલું બતાવીને કહે છે,પાક બરોબર થશે તો દાણા છડીને છોતરાં કાઢવા પડશે એટલે જીવનમાં આવનાર આંટીઘુંટીના જાળા સાફ કરીશ તો દાણા હાથ લાગશે નહિતર માલ લેભાગુ લઇ જશે અને તારા હાથમાં છોતરાં જ આવશે તો તું તારી બૈરીને ખવડાવીશ શું અને જો એને પોસી નહિ શકે તો તારી ઇજ્જ્ત શું રહેશે માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા. 

        પછી રવાઇ(વલોણું) બતાવીને કહે છે સ્ત્રી એ દુધ છે તેમાં વિશ્વાસનું મેડવણ પડશે તો હેત અને સ્નેહની દહી જામશે તેને વલોવવી પડશે તો એમાંથી પ્રેમનું માખણ ઉતરશે અને એ માથી ઘૃત બનશે જેનો દિપક પ્રકટાવીને જીવન ઉજાગર થશે નહિતર ચોતરફ અંધકાર વ્યાપી જશે જીવન દુસ્કર થઇ જશે અને ભવ બઘડ્યાનો અફ્સોસ થશે માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા.

    ત્રાક બતાવીને કહે છે લગ્ન થયા બાદ તું અને તારી ઘરવાળી ચરખાના બે પૈડા છો જો તાલમેલ સાધીને ફરસો તો પ્રેમનો સુતર કંતાશે અને એના બનેલા કાપડથી તમારી લાજ ઢંકાશે નહિતર એ જ બનેલા સુતરનો ગાળિયો ગળામાં ભેરવાઇ જશે અને મરવા સિવાય કોઇ રસ્તો નહિ બચે માટે દિકરા હજુ પણ સમય હાથમાં છે માટે સમજીને પાછો વળી જા.

     પછી ઝરોર(દીવા ઉપર ઢાંકેલ ચારણી)બતાડીને કહે છે કે લગ્ન એ આ ઝરોર જેમ ઢાંકેલી આગ છે એટલે હાલતા ચાલતા હરપળ સાંચવવું પડશે નહિ તો ઘરસંસાર સળગતા વાર નહિ લાગે માટે હજુ પણ સમય હાથમાં છે માટે દિકરા સમજીને પાછો વળી જા.

            છેલ્લે વરરાજાના હાથના અંગુઠાથી મોજડીની ચાંચ સુધી ૧૧ આંટા દઇ કહે છે કે તને આટલું સમજાવ્યા છતાં પણ તું લગ્નની આંટીઘુંટીમાં પડવા તૈયાર છો?પછી નાક પકડીને કહેછે તું તો નકટો છો પછી નાડાછડી થી દોરવીને માંડવામાં લાવતાં કહે છે હાલ ધણખુંટ તને લગ્નના ખીલે બાંધી દેવા તને મારી દિકરી સાથે પરણાવી દઉ.કહી બધા સામે જોઇ ખેતસીએ કહ્યું હવે સમજ્યા?