“હું ગમું છું?”

હું ગમું છું?”

 

હયાતીથી જગત છે કે,જગતથી હયાતી છે;

જીવન મુજને રમાડે છે કે,જીવનથી હું રમું છું.

 

ધરા પોતે ભમે છે કે,કોએને ભમાવે છે;

જરા વિજ્ઞાનને પુછો,તો કહેશે હું ભમું છું.

 

જગતના તાતને થાળી,બતાવીને જમાડું છું;

વગાડી ઘંટડી થાળી,મહીંથી હું જમું છું.

 

નમન છે તન તણું કે,નમન મનડું કરાવે છે;

હવેતો ઇશને પુછું,તને સાથી નમું છું?

 

ગમા કે અણગમાની વાત ના કરશોધુફારીને;

નથી લલના મળી કો‘,પુછનારી હું ગમું છું?

 

૩૦/૦૩/૨૦૦૭

“એકાંતમાં”

એકાંતમાં

 

જાતને મળવું પડે છે,હરઘડી એકાંતમાં;

સામના કરવો પડે,એનો લડી એકાંતમાં.

 

ધાક ધમકી ખૂન યા તો,અપહરણ થાતાં બધા;

માનવી અટવાય જ્યારે,એકલો એકાંતમાં.

 

યાદ કેરી જાળમાંથી,છુટવું મુશ્કેલ છે;

ઘેરસે તમને બધી,ભેગી મળી એકાંતમાં.

 

છે અજબ કાનુન એવો,વણલખેલો જગ મહીં;

ઇશ હો કે પ્રેમદા સૌ,કોમળે એકાંતમાં.

 

કલ્પનાના વ્યોમમાં,વિહારના આનંદમાં;

કો ગઝલ સર્જેધુફારી“,વિહરતા એકાંતમાં.

 

૩૦/૦૩/૨૦૦૭

“કરામત છે”

કરામત છે

 

હતાં અંકુર જ્યાં આવ્યા,કરામત છે કુદરતની;

ના ખિલ્યા ને કરમાયા,કરામત છે કુદરતની.

 

ભુલી જાવા ચાહ્યા ગમને,ડૂબીને મય સમંદરમાં;

વધુ ગમગીન થઇ બેઠા,કરામત છે કુદરતની.

 

વધી અનહદ વ્યથા જ્યારે,નયન ઉભરાઇ ચાલ્યાને;

અહમના બંધથી રોક્યા,કરામત છે કુદરતની.

 

તમારી ચાહ ના પામ્યા, પામ્યા ના કદી તમને;

તમારી યાદમાં જીવ્યા,કરામત છે કુદરતની.

 

અપેક્ષાઓ કરી જેણે,ઉપેક્ષાઓ સદા પામ્યા;

વગર માંગે ઘણા પામ્યા,કરામત છે કુદરતની.

 

સશક્તોને જતાં જોયા,અકાળે જગતથી જાતા;

ઉંમર વેંઢારતા રોગી,કરામત છે કુદરતની.

 

નથી કહેવુંધુફારીને,નથી અફસોસ કરવાનો;

મજેથી જિંદગી માણી,કરામત છે કુદરતની.

 

૩૦/૦૬/૨૦૦૬